શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 6 – સપ્તાહયજ્ઞની વિધિ । bhagwat saptah yagna vidhi in gujarati
જય શ્રીકૃષ્ણ મિત્રો, આપણે છેલ્લા ઘણા સમયથી શ્રીમદ્દ ભાગવત મહાપુરાણના માહાત્મ્ય વિષે જાણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે તેના 5 અધ્યાયો વિષે જાણ્યું. હવે આજે આપણે તેના અંતિમ અધ્યાય વિષે જાણીશું. જો તમારે 5 અધ્યાય વાંચવાના બાકી હોય તો અમારી વેબસાઈટ પર તમને તેના લેખ મળી જશે, ત્યાંથી તમે વાંચી શકો છો. આવો હવે છઠ્ઠો અને અંતિમ અધ્યાય શરુ કરીએ, જેનું શીર્ષક છે – “સપ્તાહયજ્ઞની વિધિ.”
શ્રીસનકાદિ કહે છે – હે નારદજી! હવે અમે તમને સપ્તાહ-શ્રવણની વિધિ બતાવીએ છીએ. આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે. (૧) પહેલાં તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ સપ્તાહયજ્ઞ માટે ધનની વ્યવસ્થા કરવી જોઈએ. (૨) કથાનો આરંભ કરવામાં ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ – આ છ મહિના શ્રોતાઓ માટે મોક્ષપ્રાપ્તિના કારણ છે. (૩) હે દેવર્ષિ! આ મહિનાઓમાં પણ ભદ્રા, વ્યતીપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ; તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ. (૪) પછી પ્રયત્નપૂર્વક દેશ-દેશાંતરોમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે, તો બધા લોકોએ પરિવારસહિત પધારવાનું છે. (૫)
સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે ભગવત્કથા અને સંકીર્તનથી છેટાં પડી ગયાં છે, તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. (૬) દેશ-દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તનપ્રેમીઓ હોય તેમને નિમંત્રણપત્ર અવશ્ય મોકલવો. તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે. (૭) ‘મહાનુભાવો! અહીં સાત દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ્ભાગવતની કથા થશે. (૮) આપ ભગવદ્-રસના રસિક છો, તેથી શ્રીભાગવતામૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલદીથી પધારવાની કૃપા કરશો. (૯) આપને જો વિશેષ અવકાશ ન હોય, તોપણ એક દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી; કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે.’ (૧૦) આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસસ્થાનનો પ્રબંધ કરવો. (૧૧)
કથાનું શ્રવણ કોઈ તીર્થસ્થળે, વનમાં અથવા પોતાના ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ-પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ. (૧૨) ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો. ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી. (૧૩) પાંચ દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણાં પાથરવાનાં વસ્ત્ર એકઠાં કરી લેવાં તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો. (૧૪) તેને બધી તરફ ફળ, ફૂલ, પાંદડાંથી તથા ચંદરવાથી અલંકૃત કરવો તથા ચારે તરફ ધજાઓ લગાડીને જાત-જાતની સામગ્રીથી સજાવવો. (૧૫) તે મંડપમાં થોડીક ઊંચાઈ પર સાત વિશાળ લોકોની કલ્પના (ભાવના) કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા. (૧૬) આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવાં. એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી. (૧૭)
જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ. (૧૮) અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ. દેશ-કાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે. (૧૯) જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત-જાતનાં દૃષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિઃસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ. (૨૦) શ્રીમદ્ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડયા હોય, સ્ત્રી-લંપટ તથા પાખંડના પ્રચારક હોય. (૨૧) વક્તાની પાસે જ તેની મદદ માટે બીજો એક એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ. (૨૨)
કથાનો આરંભ થાય તેના એક દિવસ પહેલાં વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ ક્ષૌરકર્મ કરાવી લેવું જોઈએ; તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ; (૨૩) અને પોતાનાં સંધ્યાપૂજા વગેરે નિત્યકર્મો ટૂંકામાં સમાપ્ત કરીને, કથાનાં વિઘ્નોના નિરાકરણ માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ. (૨૪) ત્યારપછી પિતૃઓનું તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવીને તેમાં શ્રીહરિને સ્થાપિત કરવા. (૨૫) પછી ભગવાન શ્રીકૃષ્ણનું લક્ષ્ય કરીને મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ ષોડશોપચાર વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી – (૨૬)
‘હે કરુણાનિધાન! હું સંસારસાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું. કર્મોના મોહરૂપી મગરમચ્છે મને પકડી રાખ્યો છે. આપ આ સંસારસાગરમાંથી મારો ઉદ્ધાર કરો.’ (૨૭) તે પછી ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ્ભાગવત-ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ-વિધાન અનુસાર પૂજા કરવી. (૨૮) પછી ગ્રંથની આગળ નારિયેળ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્નચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી – (૨૯) ‘શ્રીમદ્ભાગવતના રૂપમાં આપ સાક્ષાત્ શ્રીકૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો. હે નાથ! મેં ભવસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે. (૩૦) આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન-બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ! હું આપનો દાસ છું.’ (૩૧)
આ પ્રમાણે દીન વચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું. તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી, પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી – (૩૨) ‘હે શુકસ્વરૂપ ભગવાન! આપ સમજાવવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો; કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો.’ (૩૩) પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને સાત દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. (૩૪) કથામાં વિઘ્ન ન થાય એ માટે વધુ પાંચ બ્રાહ્મણોનું વરણ કરવું; તેમણે દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનનાં નામોનો જપ કરવો. (૩૫) પછી બ્રાહ્મણને, અન્ય વિષ્ણુભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને, તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું. (૩૬) જે મનુષ્ય લોક, સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધચિત્તે કેવળ કથામાં જ ધ્યાન રાખે છે તેને આ શ્રવણનું ઉત્તમ ફળ મળે છે. (૩૭)
બુદ્ધિમાન વક્તાએ કથા સૂર્યોદયથી આરંભીને સાડા ત્રણ પહોર સુધી મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી જોઈએ. (૩૮) બપોરના સમયે બે ઘડી સુધી કથા બંધ રાખવી. તે સમયે કથા-પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ; વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ. (૩૯) કથાના સમયે મળ-મૂત્રને વશગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે, તેથી શ્રોતાએ કેવળ એક જ ટંક હવિષ્યાન્નનું ભોજન કરવું. (૪૦) જો શક્તિ હોય તો સાતે દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું. (૪૧) અથવા ફળાહાર કરવો કે એક ટંક જ જમવું. જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથાશ્રવણ માટે ધારણ કરવો. (૪૨) હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું, જો તે ભોજન કથાશ્રવણમાં સહાયક હોય. જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણ થાય તો તે શા કામનો? (૪૩)
હે નારદજી! નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમો સાંભળો. વિષ્ણુભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથાશ્રવણનો અધિકારી નથી. (૪૪) જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે તેણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ, જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થયા પછી પતરાળીમાં ભોજન કરવું જોઈએ. (૪૫) દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવદૂષિત પદાર્થ અને વાસી ખોરાક – આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. (૪૬) કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષને તો પોતાની પાસે ફરકવા પણ નહીં દેવાં જોઈએ. (૪૭) તેણે વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, ગોસેવક તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ. (૪૮)
નિયમપૂર્વક કથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી, અંત્યજ, મ્લેચ્છ, પતિત, ગાયત્રીહીન બ્રાહ્મણ, બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ. (૪૯) હંમેશાં સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતાયુક્ત વર્તન કરવું જોઈએ. (૫૦) ધનહીન, ક્ષયરોગી, કોઈ અન્ય રોગથી પીડિત, ભાગ્યહીન, પાપી, પુત્રહીન અને મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી. (૫૧) જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય, જે વન્ધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ. (૫૨) આ બધાં જો વિધિવત્ કથા સાંભળે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અતિ-ઉત્તમ દિવ્યકથા કરોડો યજ્ઞોનું ફળ આપનારી છે. (૫૩)
આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉદ્યાપન (વ્રતાદિનું સમાપન) કરવું. જેમને આ કથાના વિશેષ ફળની ઇચ્છા હોય તેમણે જન્માષ્ટમી-વ્રતની જેમ જ આ કથા-વ્રતનું ઉદ્યાપન કરવું. (૫૪) પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ નથી. તેઓ શ્રવણથી જ પવિત્ર છે, કારણ કે તેઓ તો નિષ્કામ ભગવદ્ભક્તો છે. (૫૫)
આ રીતે જ્યારે સપ્તાહયજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ. (૫૬) એ પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ, તુલસી અને પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોએ મૃદંગ અને ઝાંઝ-પખાજના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું, (૫૭) વક્તાએ જયજયકાર, નમસ્કાર અને શંખધ્વનિનો ઘોષ કરાવવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું. (૫૮)
શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતાપાઠ કરવો, ગૃહસ્થ હોય તો હવન કરવો. (૫૯) તે હવનમાં દશમા સ્કંધનો એક-એક શ્લોક બોલીને ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક આહુતિ આપવી. (૬૦) અથવા એકાગ્ર ચિત્તે ગાયત્રીમંત્ર વડે હવન કરવો; કારણ કે તાત્ત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રીસ્વરૂપ જ છે. (૬૧) હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન-સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું શમન કરવા માટે વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરવો. આમ કરવાથી બધાં કર્મ સફળ થાય છે; કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી. (૬૨-૬૩)
પછી બાર બ્રાહ્મણોને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું. (૬૪) શક્તિ હોય તો ત્રણ તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવડાવવું, તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ્ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આવાહન-ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જિતેન્દ્રિય આચાર્યને, તેનું વસ્ત્ર-આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને, દક્ષિણા સહિત (તે ગ્રંથ) સમર્પિત કરવો. (૬૫-૬૬) આમ કરવાથી તે બુદ્ધિમાન દાતા જન્મમરણનાં બંધનોમાંથી મુક્ત થાય છે. સપ્તાહ-પારાયણની આ વિધિ બધાં પાપોનું નિવારણ કરનારી છે. તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવતપુરાણ અભીષ્ટ ફળ આપે છે; તથા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ – એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે – એમાં સંદેહ નથી. (૬૭-૬૮)
સનકાદિ કહે છે – હે નારદજી! આ પ્રમાણે અમે આ સપ્તાહ-શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી, હવે બીજું શું સાંભળવા ઇચ્છો છો? આ શ્રીમદ્ભાગવતથી ભોગ અને મોક્ષ બંનેય હાથ લાગે છે. (૬૯)
સૂતજી કહે છે – હે શૌનકજી! આમ કહીને મહામુનિ સનકાદિએ એક સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરનારી, પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત-કથાનું પ્રવચન કર્યું. સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું. ત્યારપછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. (૭૦-૭૧) કથાના અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણીપુષ્ટિ મળી અને તે ત્રણે એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યાં. (૭૨) પોતાનો મનોરથ પૂર્ણ થવાથી નારદજીને પણ ઘણી પ્રસન્નતા થઈ, તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. (૭૩) આ રીતે કથા-શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદ્દગદ વાણીમાં સનકાદિને કહ્યું. (૭૪)
નારદજીએ કહ્યું – હું ધન્ય છું. તમે કરુણા કરીને મને ઘણો જ અનુગૃહીત કર્યો છે. આજે મને સર્વપાપહારી ભગવાન શ્રીહરિની જ પ્રાપ્તિ થઈ ગઈ. (૭૫) હે તપોધનો! હું શ્રીમદ્ભાગવતના શ્રવણને જ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ (ગોલોક) વિહારી શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થાય છે. (૭૬)
સૂતજી કહે છે – હૈ શૌનકજી! વૈષ્ણવશ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતા-કરતા યોગેશ્વર શુકદેવજી આવી પહોંચ્યા. (૭૭) કથા સમાપ્ત થતાં જ વ્યાસનંદન શ્રીશુકદેવજી ત્યાં પધાર્યા. સોળ વર્ષ જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ, જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે-ધીરે શ્રીમદ્ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. (૭૮) પરમ તેજસ્વી શુકદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડયા. પછી દેવર્ષિ નારદે તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. તેમણે સુખેથી બેસીને કહ્યું – ‘તમે મારી નિર્મળ વાણી સાંભળો.’ (૭૯)
શ્રીશુકદેવજી બોલ્યા – હે રસિક અને ભાવિકજનો! આ શ્રીમદ્ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શ્રીશુકદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃતરસથી પરિપૂર્ણ છે. આ રસ જ રસ છે – એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી. આ આ જ લોકમાં સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. (૮૦) મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ્ભાગવત-મહાપુરાણમાં મોક્ષપર્યંત ફળની કામનાથી રહિત પરમધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ – પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ તાપોનો જડમૂળથી નાશ કરનારી અને પરમકલ્યાણ આપનારી છે – ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઇચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના-વિલંબ તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. (૮૧)
આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આમાં પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિમાર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે. (૮૨) આ રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી. તેથી, હે ભાગ્યવાન શ્રોતાઓ! તમે આનું ખૂબ પાન કરો; આને કદી ન છોડો, ન જ છોડો. (૮૩)
સૂતજી કહે છે – શ્રીશુકદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત્ શ્રીહરિ પ્રગટ થયા; અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. (૮૪) ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડયા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રીપાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. (૮૫)
કીર્તન આરંભાયું. પ્રહલાદજી પોતે ચંચલગતિના (સ્ફૂર્તિલા) હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા, ઉદ્ધવજીએ ઝાંઝ ઉઠાવી, દેવર્ષિ નારદ વિણાધ્વનિ કરવા લાગ્યા, સ્વરવિજ્ઞાન (ગાનવિદ્યા)માં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા, ઇન્દ્રે મૃદંગ વગાડવાનું શરૂ કર્યું, સનકાદિ વચ્ચે-વચ્ચે જયઘોષ કરતા રહ્યા અને આ બધાની આગળ શુકદેવજી જાત-જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા. (૮૬) આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યાં.
આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા – (૮૦) ‘હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન છું, તમારા ભક્તિભાવે અત્યારે મને પોતાને વશે કરી લીધો છે. તેથી તમે મારી પાસેથી વરદાન માગો.’ ભગવાનનાં આ વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા. (૮૮) ‘હે ભગવન્! અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં-ક્યાંય સપ્તાહકથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો.’ ભગવાન ‘તથાસ્તુ’ કહીને અંતર્ધાન થઈ ગયા. (૮૯)
ત્યારપછી નારદજીએ ભગવાન તથા તેમના પાર્ષદોનાં ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી શુકદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો, તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. (૯૦) તે સમયે શુકદેવજીએ ભક્તિનું તેમના પુત્રો (જ્ઞાન-વૈરાગ્ય) સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવોના હૃદયમાં આવી વિરાજે છે. (૯૧) જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરની જવાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા-પિશાચિણીએ રગદોળી નાખ્યા છે તથા જેઓ સંસારસાગરમાં ડૂબી રહ્યા છે તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ્ભાગવત-કથા સિંહનાદ કરી રહી છે. (૯૨)
શૌનકજીએ પૂછ્યું – હે સૂતજી! શુકદેવજીએ રાજા પરીક્ષિતને, ગોકર્ણે ધુંધુકારીને અને સનકાદિએ નારદજીને કયા કયા સમયે આ ગ્રંથ (કથા) સંભળાવ્યો હતો? – મારો આ સંશય દૂર કરો. (૯૩)
સૂતજીએ કહ્યું – ભગવાન શ્રીકૃષ્ણે સ્વધામ-ગમન કર્યું એ પછી કળિયુગનાં ત્રીસથી કેટલાંક વધુ વર્ષો વીત્યાં ત્યારે ભાદરવા માસના શુક્લપક્ષની નવમીએ શુકદેવજીએ કથા શરૂ કરી હતી. (૯૪) રાજા પરક્ષિતે કથા સાંભળી એ પછી કળિયુગનાં બસો વર્ષ વીત્યાં ત્યારે અષાઢ માસના શુક્લપક્ષની નવમીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી. (૯૫) આના પછી કળિયુગનાં ત્રીસ વર્ષ વીતી ગયાં ત્યારે કારતક માસના શુક્લપક્ષની નવમીએ સનકાદિએ કથા શરૂ કરી હતી. (૯૬) હે નિષ્પાપ શૌનકજી ! તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળિયુગમાં ભાગવતની કથા ભવ-રોગનું રામબાણ ઔષધ છે. (૯૭)
હે સંતજનો! તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય, સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? (૯૮) પોતાના દૂતને હાથમાં પાશ લઈને ઊભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે – મારી વાત સાવધાન થઈ સાંભળો. જેઓ ભગવાનની કથાવાર્તામાં મત્ત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું; હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું, વૈષ્ણવોને દંડ આપવાની નહીં. (૯૯)
આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળબુદ્ધિના પુરુષો! પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે પણ આ શુક-કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ! નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે, આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. (૧૦૦) શ્રીશુકદેવજીએ પ્રેમરસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી. એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. (૧૦૧)
હે શૌનકજી! મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય હમણાં જ સંભળાવ્યું. બધાં શાસ્ત્રોના સિદ્ધાંતોનો આ જ નિચોડ (સાર) છે. સંસારમાં આ શુકશાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી; તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશસ્કંધરૂપી રસનું પાન કરો. (૧૦૨) જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભગવદ્ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે તે બંનેય વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે – તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. (૧૦૩)
મિત્રો, અહીં શ્રીમદ્દ ભાગવતનું માહાત્મ્ય સમાપ્ત થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે. આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.
જય શ્રીકૃષ્ણ.