શ્રીમદ્દભાગવતની કથા – પહેલો સ્કંધ – પહેલો અધ્યાય । Shrimad Bhagwat Katha In Gujarati | Skand 1

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત મહાપુરાણના પહેલા સ્કંધનો પહેલો અધ્યાય જાણીશું. જેનું શીર્ષક છે – “શ્રીસૂતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન”

મંગલાચરણ

જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે, અને કારણ-કાર્યરૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક્ પણ છે, તે સર્વજ્ઞ છે, સ્વયંપ્રકાશ છે, જેણે પોતાના સંકલ્પથી આદિકવિ બ્રહ્માને વેદજ્ઞાનનું દાન આપ્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે, જેમ તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો, જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન-સત્તાથી સત્યવત્ પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયંપ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. (૧)

મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ્દભાગવત-મહાપુરાણમાં મોક્ષપર્યંત ફળની કામનાથી રહિત પરમધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક જણસ – પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે જણસ ત્રિવિધ તાપોનો જડમૂળથી નાશ કરનારી અને પરમકલ્યાણ આપનારી છે – ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઇચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના-વિલંબે તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. (૨) હે ભગવદ્-રસના રસિક ભાવુક ભક્તજનો! આ શ્રીમદ્દભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે, અને તે શુકદેવજીના મુખથી ઝરેલા પરમાનંદરૂપી અમૃત રસથી પૂર્ણ છે. તેથી આ ભાગવતરસનું મોક્ષપર્યંત વારંવાર પાન કરતાં રહેવું જોઈએ. (૩)

કથા-પ્રારંભ

એક વાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ ભગવત્પ્રાપ્તિની ઈચ્છાથી સહસ્ર વર્ષોમાં સંપન્ન થનારા એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. (૪) એક દિવસ તે ઋષિઓએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે નિત્યકર્મોથી પરવારીને સૂતજીનું પૂજન કર્યું અને તેમને ઊંચા આસન પર બેસાડીને ઘણા આદરપૂર્વક આ (છ) પ્રશ્નો કર્યા. (૫) ઋષિઓએ કહ્યું – હે સૂતજી! તમે નિષ્પાપ છો, તમે સમસ્ત ઇતિહાસ, પુરાણો અને ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમ્યકપણે વ્યાખ્યા પણ કરી છે. (૬)

વેદોના જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણે તથા ભગવાનના સગુણ-નિર્ગુણ રૂપને જાણનારા અન્ય મુનિઓએ જે કંઈ જાણ્યું છે – તેમને જે વિષયોનું જ્ઞાન છે તે બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો. તમારું હ્રદય ઘણું સરળ અને શુદ્ધ છે, તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયેલા છો. ગુરુજનો પોતાના વહાલા શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત પણ બતાવી દેતા હોય છે. (૭-૮)

હે આયુષ્યમાન! તમે કૃપા કરીને એ બતાવો કે તે બધાં શાસ્ત્રો, પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી તમે કળિયુગી જીવોના પરમ કલ્યાણ માટેના સહજ સાધન તરીકે શું નક્કી કર્યું છે? (૯) તમે સંતસમાજના ભૂષણ છો. આ કળિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે. સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. લોકો પ્રમાદી થઈ ગયાં છે. તેમનું ભાગ્ય તો મંદ છે જ, તેમની સમજ પણ થોડી છે. એ સાથે જ તેઓ અનેક પ્રકારનાં વિઘ્નો- અડચણોથી ઘેરાયેલા પણ રહે છે. (૧૦)

શાસ્ત્રો પણ ઘણા છે, તેમજ તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે, તેમાં સાંભળવાની વાતો પણ બહુ છે તેથી હે સાધો! આપ આપની બુદ્ધિથી અમને શ્રદ્ધાળુઓને જે સાર વાત છે તે તારવીને સારી રીતે સંભળાવો; જેથી અમારાં અંતઃકરણ શુદ્ધ થાય. (૧૧)

હે પ્રિય સૂતજી! તમારું કલ્યાણ થાઓ. તમે તો જાણો જ છો કે યદુ-વંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ વસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી, શું કરવાની ઇચ્છાને લીધે અવતર્યા હતા. (૧૨) આથી હે આત્મીય! અમે તે વિષયમાં સાંભળવા ઇચ્છીએ છીએ. તમે કૃપા કરીને અમારા માટે તેનું વર્ણન કરો; કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગવત્પ્રેમપૂર્ણ સમૃદ્ધિ માટે જ થાય છે. (૧૩)

આ જીવ જન્મ-મૃત્યુના ધોર ચકરાવામાં પડેલો છે – આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે (ચકરાવા)માંથી મુક્ત થઈ જાય; કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. (૧૪)

હે સૂતજી! આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનનાં શ્રીચરણોના શરણમાં જ રહે છે, તેથી તેમના સ્પર્શમાત્રથી સંસારના જીવો તરત પવિત્ર થઈ જાય છે; જ્યારે ગંગાજીના જળનું તો ઘણા દિવસો સુધી સેવન કરવામાં આવે ત્યારે પવિત્રતા પ્રાપ્ત થઈ શકે છે. (૧૫) આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરતા રહે છે તેવા ભગવાનના, કળિ-મળને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે ભલા, એવો આત્મશુદ્ધિની ઇચ્છાનો કયો મનુષ્ય હશે? (૧૬) તેઓ લીલાથી જ અવતાર ધારણ કરે છે; નારદ વગેરે મહાત્માઓએ તેમનાં ઉદાર ચરિત્રનું ગાન કર્યું છે. તેમનું વર્ણન અમને શ્રદ્ધાળુઓને કહી સંભળાવો. (૧૭)

હે બુદ્ધિમાન સૂતજી! સર્વસમર્થ પ્રભુ પોતાની યોગમાયાથી સ્વચ્છંદ લીલા કરે છે. તમે તે શ્રીહરિની મંગલમય અવતાર-કથાઓનું હવે વર્ણન કરો. (૧૮) પુણ્યકીર્તિ ભગવાનની લીલા સાંભળતાં અમને ક્યારેય પણ તૃપ્તિ થતી નથી, કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે-પગલે ભગવાનની લીલાઓમાં નવા-નવા રસનો અનુભવ થાય છે. (૧૯) ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું સ્વરૂપ છૂપાવીને લોકો સામે એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે તેઓ કોઈ મનુષ્ય હોય. પરંતુ તેમણે બળરામજી સાથે એવી પણ લીલાઓ કરી છે, એવું પરાક્રમ પણ પ્રગટ કર્યું છે કે જે મનુષ્ય કરી શકતો નથી. (૨૦)

કળિયુગને આવેલો જાણીને અમે આ વૈષ્ણવક્ષેત્રમાં દીર્ઘકાલીન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ. શ્રીહરિની કથા સાંભળવા માટે અમને પૂરો અવકાશ છે. (૨૧) આ કળિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. એનો પાર પામવાનું મુશ્કેલ છે. સમુદ્રની પેલે પાર જનારાઓને જેમ કર્ણધાર મળી જાય તે જ રીતે આનો પાર પામવાની ઇચ્છા રાખનારા એવા અમારી સાથે બ્રહ્માએ તમારો મેળાપ કરાવ્યો છે. (૨૨) ધર્મરક્ષક, બ્રાહ્મણભક્ત, યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે, એ બતાવો. (૨૩)

મિત્રો, અહીં પહેલા સ્કંધનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે. બીજો અધ્યાય આપણે આગળના લેખમાં જાણીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રીકૃષ્ણ. આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.

આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top