શું તમને સંતાન નથી? તો કરો આ એકાદશીનું વ્રત, વાંચો વ્રત કથા | Pausha Putrada Ekadashi 2025 Katha
જય શ્રીકૃષ્ણ મિત્રો. આજનો લેખ ઘણો ખાસ છે, કારણ કે આ લેખમાં આપણે પોષ માસના શુક્લપક્ષની એકાદશીની કથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ. આ એકાદશી તારીખ 10 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ છે. તો આવો તેની પુણ્યકારી કથા જાણીએ.
યુધિષ્ઠિર બોલ્યા — શ્રીકૃષ્ણ! કૃપા કરીને પોષ માસના શુક્લપક્ષની એકાદશીનું મહત્ત્વ બતાવશો. તેનું શું નામ છે? કઈ વિધિ છે? તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે?
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — રાજન્! પોષના શુક્લપક્ષની જે એકાદશી છે, તેને બતાવું છું; સાંભળો. મહારાજ! સંસારના ભલાની ઇચ્છાથી હું આનું વર્ણન કરું છું. રાજન્! પૂર્વોક્ત વિધિથી જ યત્નપૂર્વક આનું વ્રત કરવું જોઈએ. આનું નામ ‘પુત્રદા’ છે. આ બધાં પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. સમસ્ત કામનાઓ તથા સિદ્ધિઓના દાતા ભગવાન નારાયણ આ તિથિના અધિદેવતા છે. ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રિલોકમાં આનાથી વધીને બીજી કોઈ તિથિ નથી.
પૂર્વકાળની વાત છે, ભદ્રાવતી નગરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી કોઈ વંશધર પુત્ર નહિ થયો. એટલા માટે બંને પતિ-પત્ની સદા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા. રાજાના પિતૃ તેમના આપેલા જળને શોકોચ્છ્વાસથી ગરમ કરીને પીતા હતા.
‘રાજાના પછી બીજું કોઈ એવું નથી દેખાતું, જે અમારા લોકોનું તર્પણ કરશે.’ આ વિચારી-વિચારીને પિતૃ દુઃખી રહેતા હતા.
એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને પણ આ વાતની જાણ ન હતી. મૃત અને પક્ષીઓથી ભરપૂર તે સઘન જંગલમાં રાજા ફરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળ બોલતાં સંભળાતાં હતાં તો ક્યાંક ઘુવડો બોલતાં સંભળાતાં હતાં. જ્યાં ત્યાં રીંછ અને હરણાં નજરે પડી રહ્યાં હતાં. આવી રીતે ફરી-ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એટલામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. તેઓ પાણીની શોધીમાં આમતેમ દોડવા લાગ્યા.
કોઈ પુણ્યના પ્રભાવથી તેમને એક ઉત્તમ સરોવર જોવામાં આવ્યું, જેની નજીક મુનિઓના ઘણાય આશ્રમો હતા. શોભાશાળી નરેશે પેલા આશ્રમોની તરફ જોયું. તે સમયે શુભની સૂચના દેનારાં શુકન થવાં લાગ્યાં. રાજાનું જમણું નેત્ર અને જમણો હાથ ફરકવા લાગ્યો, જે ઉત્તમ ફળની સૂચના આપી રહ્યો હતો. સરોવરના કિનારે ઘણાય મુનિ વેદપાઠ કરી રહ્યા હતા. તેમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઊતરીને મુનિઓની સામે ઊભા રહી ગયા અને અલગ અલગ તે બધાની વંદના કરવા લાગ્યા. તે મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત્ કર્યા, ત્યારે મુનિ બોલ્યા — ‘રાજન! અમે લોકો તારા પર પ્રસન્ન છીએ.’
રાજા બોલ્યા — આપ લોકો કોણ છો? આપનાં નામ શું છે તથા આપ લોકો શા માટે અહીંયાં એકઠા થયા છો? આ બધું સાચેસાચું જણાવશો.
મુનિ બોલ્યા — રાજન્! અમે લોકો વિશ્વેદેવ છીએ, અહીંયાં સ્નાન માટે આવ્યા છીએ. મહા નજીક આવ્યો છે. આજથી પાંચમા દિવસે મહાનું સ્નાન શરૂ થઈ જશે. આજે જ ‘પુત્રદા’ એકાદશી છે, જે વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે.
રાજાએ કહ્યું — વિશ્વેદેવગણ! જો આપ લોકો પ્રસન્ન છો તો મને પુત્ર આપશો.
મુનિ બોલ્યા — રાજન! આજે જ ‘પુત્રદા’ એકાદશી છે. આનું વ્રત ઘણું વિખ્યાત છે. તું આજે આ ઉત્તમ વ્રતનું પાલન કર. મહારાજ! ભગવાન કેશવના પ્રસાદથી તને જરૂર પુત્ર પ્રાપ્ત થશે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — યુધિષ્ઠિર! આ રીતે પેલા મુનિઓના કહેવાથી રાજાએ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. મહર્ષિઓના ઉપદેશ મુજબ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું અનુષ્ઠાન કર્યું. પછી દ્વાદશીએ પારણું કરીને મુનિઓનાં ચરણોમાં વારંવાર મસ્તક નમાવીને રાજા પોતાને ઘેર આવ્યા. ત્યાર પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવકાળ આવવાથી પુણ્યકર્મા રાજાને તેજસ્વી પુત્ર પ્રાપ્ત થયો, જેણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. તે પ્રજાઓનો પાલક થયો. એટલા માટે રાજન્! ‘પુત્રદા’નું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના ભલાને માટે તારી સામે આનું વર્ણન કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્ત થઈ ‘પુત્રદા’નું વ્રત કરે છે, તેઓ આ લોકમાં પુત્રને પામી મૃત્યુ પછી સ્વર્ગગામી થાય છે. આ માહાત્મ્ય વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ-યજ્ઞનું ફળ મળે છે.
મિત્રો, અહીં પુત્રદા એકાદશીની વ્રતકથા અને માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ કથાનો વિડીયો નીચે મુક્યો છે.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.