“જો માનો તો ભગવાન, અને જો ના માનો તો પથ્થર.” આ કહેવતનો ચોક્કસ અર્થ આજની વાર્તા દ્વારા સાબિત થાય છે. તો આવો વધુ સમય ન બગાડતા વાર્તા શરૂ કરીએ.
એક સમયની વાત છે. કોઈ એક નગરના રાજાએ નગરમાં એક મંદિર બનાવડાવ્યું, જેમાં તેમણે ભગવાન કૃષ્ણની મૂર્તિ પણ મુકાવી. મૂર્તિની પૂજા કરવા માટે મંદિરમાં એક પૂજારીની નિમણૂક કરવામાં આવી. પુજારી દરરોજ કનૈયાને સ્નાન કરાવતા અને ખૂબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતા. રાજા દરરોજ કનૈયા માટે ફૂલોની માળા મોકલતા હતા. અને જ્યારે તેઓ દર્શન માટે આવતા ત્યારે પુજારી તે માળા ઉતારીને રાજાને પહેરાવતા હતા. આ રીતે સમય પસાર થતો ગયો અને પૂજારીને ગઢપણ આવવા લાગ્યું.
એવામાં એક દિવસ, રાજા કોઈ કારણસર મંદિરે દર્શન માટે આવી શક્યા નહીં. તેમણે એક સેવક દ્વારા મંદિરમાં ફૂલોની માળા મોકલાવી અને પૂજારીને કહેવડાવ્યું કે, આજે તેઓ મંદિરમાં આવશે નહીં એટલે તમારે તેમની રાહ જોવાની જરૂર નથી. આટલું કહીને સેવક ચાલ્યો ગયો. પૂજારીએ રોજની જેમ કનૈયાને માળા પહેરાવી. પણ સાંજ પડતાં પૂજારી વિચારવા લાગ્યા કે આજે આ માળા ઉતારીને કોને પહેરાવવી?
પછી તેમણે વિચાર્યું કે આજે હું જ આ માળા પહેરી લઉં. આમ પણ હવે હું વૃદ્ધ થઈ ગયો છું. કોણ જાણે ક્યારે આ જીવનનો અંત આવી જાય. આમ વિચારીને, પુજારીએ માળા ઉતારીને પોતાના ગળામાં પહેરી લીધી. એવામાં ત્યાં રાજાનો સેવક આવી પહોંચ્યો અને તેણે જાણ કરી કે થોડીવારમાં રાજાની સવારી મંદિરે પહોંચવાની છે.
આ સાંભળીને પૂજારી સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા કે, હવે મારે શું કરવું? જો રાજા મને આ ફૂલોની માળા સાથે જોઈ લેશે તો તેઓ આને પોતાનું અપમાન ગણીને ચોક્કસ મને મૃત્યુ દંડ આપશે. આ ડરથી પુજારીએ માળા ઉતારી અને કનૈયાને પાછી પહેરાવી દીધી. થોડી વારમાં રાજા મંદિરમાં આવ્યા. પછી રોજની જેમ, પુજારીએ કનૈયાના ગળામાંથી માળા ઉતારીને રાજાને પહેરાવી. પણ રાજાને તે માળા પર એક સફેદ વાળ દેખાયો. એટલે તેમને સમજાઈ ગયું કે પૂજારીએ પહેલા આ માળા પોતે પહેરી હતી અને પછી કનૈયાને પાછી પહેરાવી છે.
આ કૃત્યથી રાજા ગુસ્સે થયા અને ગુસ્સામાં પૂજારીને પૂછ્યું કે – આ ફૂલોની માળા પર સફેદ વાળ ક્યાંથી આવ્યો? રાજાની વાત સાંભળીને પુજારી ડરી ગયા અને કહ્યું કે – આ તો કનૈયાનો વાળ છે. હવે રાજા વધારે ગુસ્સે થયા, કારણ કે ભગવાનના વાળ સફેદ કેવી રીતે હોઈ શકે. એટલા માટે રાજાએ હુકમ કર્યો કે કાલે શણગાર સમયે હું પોતે આવીને જોઈશ કે ખરેખર કનૈયાના વાળ સફેદ છે કે આ પૂજારી જૂઠું બોલી રહ્યા છે. જો પૂજારીએ ખોટું બોલ્યું હશે, તો તેને ફાંસી આપવામાં આવશે.
આટલું કહીને રાજા ચાલ્યા ગયા. આ તરફ પૂજારીની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમણે રડતા રડતા કહ્યું – હે કનૈયા! હું જાણું છું કે મેં ભૂલ કરી છે. મારા ગળામાંથી ઉતરેલી માળા મારે તમને પહેરાવવી જોઈતી ન હતી, પણ હું શું કરું, તે સમયે મારા મનમાં એક લાલચ આવી હતી કે એક દિવસ હું પણ તમારા ગળામાંથી ઉતરેલી માળા પહેરું. કારણ કે હવે હું તમારી સેવા કરતા કરતા વૃદ્ધ થયો છું. મને માફ કરો, હું આવી ભૂલ ફરી નહીં કરું. હવે તમે જ કંઈક કરો, નહીંતર મને કાલે ફાંસી આપવામાં આવશે.
પૂજારીને રાત્રે ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે રાજા આવ્યા અને કહ્યું કે – આજે કનૈયાનો શણગાર હું કરીશ. આમ કહીને, રાજાએ કનૈયાનો મુગટ ઉતાર્યો અને જોયું તો ભગવાનના બધા વાળ સફેદ થઈ ગયા હતા. પણ રાજાને હજુ પણ વિશ્વાસ ન થયો. તેને લાગ્યું કે ફાંસી મળવાના ડરથી પૂજારીએ મૂર્તિના વાળ રંગ્યા હશે.
પછી સત્ય જાણવા માટે, રાજાએ કનૈયાનો એક વાળ ખેંચ્યો. વાળ તૂટતાની સાથે જ ભગવાનના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી. આ જોઈને રાજા ભગવાનના ચરણોમાં પડી માફી માંગવા લાગ્યા. પછી મૂર્તિમાંથી અવાજ આવ્યો – રાજા, આજ સુધી તેં મને ફક્ત પથ્થરની મૂર્તિ જ માની છે, તેથી હવેથી હું તારા માટે ફક્ત પથ્થર જ રહીશ. પણ આ પૂજારીએ હંમેશા મને ભગવાનની જેમ પૂજ્યો છે. એટલે, તેના માટે મારે મારા વાળ સફેદ કરવા પડ્યા.
રાજાને પોતાની ભૂલ સમજાઈ. પણ હવે કાંઈ થઈ શકે એમ ન હતું.
મિત્રો, એટલા માટે કહેવાય છે કે જો મન શુદ્ધ હોય તો પથ્થરની મૂર્તિમાં પણ પ્રાણ આવે છે. અને ભગવાન પોતાના સાચા ભક્તો પર કોઈ પણ સંજોગોમાં પોતાની કૃપા દૃષ્ટિ જાળવી રાખે છે.
તમને આ વાર્તા જરૂર પંસદ આવી હશે, તો આ લેખને લાઈક અને શેર કરવાનું ચુકતા નહીં.