ભારતમાં અહીં માઁ ભવાનીનું એવું મંદિર આવેલું છે જ્યાં મુશ્કેલી આવતા પહેલા મળે છે સંકેત, જાણો તેની રોચક વાતો

માઁ ભવાનીનું એવું મંદિર જ્યાં મુશ્કેલી આવતા પહેલા મળે છે સંકેત

આપણા દેશમાં એવા ઘણા બધા પ્રાચીન મંદિરો છે જેનો ઈતિહાસ અને આસ્થા સાથે ઘણો ઊંડો સંબંધ છે. દેશના વિવિધ ભાગોમાં આ મંદિરો સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અને આ મંદિરોના દર્શને દેશના દરેક ભાગમાંથી લોકો આવે છે. અરે વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. આવું જ એક મંદિર કાશ્મીરમાં આવેલું ખીર ભવાની મંદિર છે, જ્યાં લોકો ઊંડી ધાર્મિક શ્રદ્ધા ધરાવે છે. આજે આપણે આ મંદિરના રહસ્ય વિશે જાણીશું.

ખીર ભવાની મંદિર શ્રીનગરના તુલમુલ ગામમાં આવેલું છે. દેશનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર દેવી દુર્ગાનું મંદિર છે. દેવી દુર્ગાના આ મંદિરમાં, દેવીની પૂજા મા મહારજ્ઞાના રૂપમાં કરવામાં આવે છે. દેવી ખીર ભવાનીનું આ મંદિર એક ઝરણાંની વચ્ચે બનેલું છે, જે વિશાળ અને સુંદર પથ્થરથી ઘેરાયેલું છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે આ મંદિરનું પાણી રંગ બદલે છે. ખીર સાથે જોડાયેલી એક પરંપરાને કારણે આ મંદિરનું નામ ખીર ભવાની મંદિર રાખવામાં આવ્યું છે. જેના વિશે આપણે આગળ વાત કરીશું. તો ચાલો આ મંદિર સાથે જોડાયેલી પરંપરાઓ અને ઈતિહાસ જાણીએ.

ખીર ભવાની મંદિરમાં હિન્દુઓની શ્રદ્ધા ખૂબ જ ઊંડી છે. ખીર ભવાની મંદિર અને તેના ઈતિહાસની વાત ખૂબ જ જૂની છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, લંકા નરેશ અને ભગવાન શિવનો ભક્ત રાવણ પણ આ દેવીનો મોટો ભક્ત હતો. માતા ખીર ભવાની માતા રાવણની ભક્તિથી હંમેશા ખુશ રહેતા હતા. પરંતુ જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું, ત્યારે દેવી રાવણ પર ગુસ્સે થઈ ગયા. દેવી એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તેઓ પોતાનું સ્થાન છોડીને ચાલ્યા ગયા.

બીજી એક એવી પણ માન્યતા છે કે દેવીએ પોતે હનુમાનજીને કહ્યું હતું કે તેઓ લંકાથી તેમની મૂર્તિ લઈ જઈને બીજી કોઈ જગ્યાએ સ્થાપિત કરે. પછી દેવીના આદેશનું પાલન કરતા, હનુમાનજીએ લંકામાંથી દેવીની મૂર્તિ લઈ જઈને કાશ્મીરમાં સ્થાપિત કરી હતી. ત્યારથી કાશ્મીર દેવીનું સ્થાન બન્યું અને તેમના ભક્તો અહીં નિયમિત રૂપથી તેમની પૂજા કરે છે. જો આપણે આ મંદિરના નિર્માણ વિશે વાત કરીએ, તો આ મંદિર મહારાજા પ્રતાપ સિંહ દ્વારા 1912 માં બનાવવામાં આવ્યું હતું અને બાદમાં મહારાજા હરિ સિંહ દ્વારા તેનો જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

કાશ્મીરમાં આવેલું દેવીનું આ પવિત્ર સ્થળ અહીં રહેતા કાશ્મીરી પંડિતોના કુળ દેવીનું સ્થાનક છે. દર વર્ષે જેઠ મહિનાની અષ્ટમી તિથિએ અહીં ભવ્ય મેળો ભરાય છે. કાશ્મીરી હિન્દુઓ અહીં દરરોજ દેવીની પૂજા કરે છે. દેવી દુર્ગાના આ મંદિરનું નામ ખીર ભવાની તરીકે પ્રચલિત થયું કારણ કે અહીં દેવીને ખીર ચઢાવવામાં આવે છે. અહીં વસંત ઋતુમાં દેવીને ખીર ચઢાવવામાં આવે છે. અહીંના લોકો આ મંદિરને મહારજ્ઞા દેવી મંદિર, રાજ્ઞા દેવી મંદિર, રજની દેવી મંદિર અને રાજ્ઞા ભવાની મંદિરના નામથી પણ ઓળખે છે.

આ મંદિરના પરિસરમાં બનેલા ષટકોણીય ઝરણાંને મા ખીર ભવાનીનું પ્રતીક માનવામાં આવે છે. અહીં આવતા ભક્તો આ પવિત્ર ઝરણાંના પાણીમાં ફૂલો ચઢાવે છે. અહીંના લોકો માને છે કે જો ગામમાં કોઈ મુશ્કેલી આવવાની હોય તો દેવી અગાઉથી સંકેત આપે છે. એટલે કે કોઈપણ મુશ્કેલી આવે તે પહેલાં મંદિરના કુંડમાં રહેલા પાણીનો રંગ આપમેળે કાળો થઈ જાય છે.

2014 માં જ્યારે કાશ્મીરમાં પૂર આવ્યું હતું, ત્યારે આપત્તિ આવે તે પહેલાં જ મંદિરના કુંડનું પાણી કાળું થઈ ગયું હતું. જેને બધા પંડિતોએ કંઈક અપ્રિય ઘટના બનવાની નિશાની માન્યું હતું.

તો આ હતી માતા ખીર ભવાની મંદિરની થોડી જાણકારી. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો. અમે તમારા માટે આવી જ જાણકારી લાવતા રહીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top