નાનકડી ચકલીની ભક્તિની અનોખી ગાથા
મિત્રો, આજની સ્ટોરી ભગવાન પ્રત્યેનો આપણો વિશ્વાસ, આપણી નિષ્ઠા અને ભક્તિને વધારનારી સ્ટોરી છે. તો આ લેખને અંત સુધી વાંચજો.
એક નાનકડી ચકલી તેના માળામાં પોતાના બે નાના બચ્ચાં સાથે રહેતી હતી. એક દિવસ ચકલી તેના બાળકો માટે દાણા લઈને આવી. દાણા જોઈને બચ્ચા ખૂબ ખુશ થઈ ગયા. એક બચ્ચાંએ કહ્યું, “મમ્મી, મને ખૂબ ભૂખ લાગી છે. પહેલા મને ખવડાવ.”
આ સાંભળીને બીજા બચ્ચાએ કહ્યું, “ના મમ્મી, પહેલા મને ખવડાવ.”
ચકલીએ પ્રેમથી બંનેના મોંમાં દાણા નાખ્યા.
એ પછી ચકલીએ કહ્યું, “બાળકો, અહીંનો પાક લણાઈ ગયો છે, હવે મારે દાણા માટે દૂરના ગામમાં જવું પડશે. હું માળામાં થોડા દાણા રાખીને જઈશ, ભૂખ લાગે ત્યારે તમે એ ખાજો, હું એક દિવસ પછી પાછી આવીશ.”
આ સાંભળીને બંને બાળકો દુઃખી થઈ ગયા. પણ તેમને ખોરાકની પણ જરૂર હતી, તેથી તે બંને માની ગયા.
બીજા દિવસે ચકલી ઊડતી ઊડતી બીજા ગામમાં પહોંચી ગઈ. તે ખૂબ થાકી ગઈ હતી. આથી તે એક ઝાડ પર બેસીને આરામ કરી રહી હતી. એવામાં એક શિકારીએ તેને પકડી લીધી, અને પાંજરામાં પુરી દઈને તેને પોતાના ઘરે લઈ ગયો.
ઘરે પહોંચીને તેણે પોતાની પત્નીને કહ્યું, “આજે ફક્ત એક જ ચકલી પકડાઈ છે. તું આને સુરક્ષિત રાખ. હું કાલે બજારમાં જઈને આને વેચી દઈશ.”
રાત્રે જ્યારે શિકારીની પત્ની સૂતી હતી ત્યારે તેના કાનમાં અવાજ સંભળાયો. તેણે નજીક જઈને જોયું તો ચકલી નારાયણ નારાયણ નારાયણ નારાયણ બોલતા બોલતા વિષ્ણુ ભગવાનના નામનો જપ કરી રહી હતી.
શિકારીની પત્નીએ ચકલીને પૂછ્યું તો ચકલીએ કહ્યું, “મારા બે નાના બાળકો છે જે દૂરના જંગલમાં છે. હું અનાજ લેવા બહાર આવી હતી. જો હું કાલ સુધીમાં પાછી નહીં પહોંચીશ, તો તે બંને ભૂખે મરી જશે. તેથી હું ભગવાન વિષ્ણુને યાદ કરી રહી છું કે તેઓ આવીને મને બચાવે અથવા મારા બાળકોને ભોજન પૂરું પાડે.”
શિકારીની પત્નીએ કહ્યું, “અમે તો શિકારી છીએ અને ક્યારેય ભગવાનની પૂજા કરતા નથી, પણ તું એક નાનકડું પક્ષી છે અને તને લાગે છે કે ભગવાન વિષ્ણુ તારું રક્ષણ કરવા આવશે.”
ત્યારે ચકલીએ કહ્યું, “ભગવાન વિષ્ણુ આ જગતના પાલનહાર છે. તે ચોક્કસ આવશે.”
શિકારીની પત્નીએ કહ્યું, “હું મારા પતિવ્રતા ધર્મથી બંધાયેલી છું, તેથી હું તેમને દગો આપીને તને છોડી શકતી નથી. પણ હું જોવા માંગુ છું કે ભગવાન કેવી રીતે તારું રક્ષણ કરે છે. જો તું જે કહે છે તે સાચું હોય, તો તે જ ક્ષણથી હું બીજું બધું છોડી દઈશ અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરીશ.”
આ સાંભળીને ચકલીએ કહ્યું, “મને તો ભગવાન વિષ્ણુ પર વિશ્વાસ છે, પણ મને એવું લાગે છે કે ભગવાને તમારા હૃદયમાં ભક્તિ જાગૃત કરવા માટે આ લીલા રચી છે.”
સવારે શિકારીની પત્નીએ રાત્રે થયેલી બધી વાત તેના પતિને કહી. ત્યારે શિકારીએ કહ્યું, “આ બધી નકામી વાતો છે. આજે હું તેને વેચીશ અને કસાઈ તેને કાપીને બીજાને વેચી દેશે.”
ત્યારે શિકારીની પત્નીએ કહ્યું, “મહેરબાની કરીને તેને છોડી દો. મને તેના પર દયા આવે છે. તેના બાળકો રડતા હશે.”
પણ શિકારી માન્યો નહીં. પછી શિકારીની પત્નીએ હાર માની લીધી અને કહ્યું, “ઠીક છે, જેવી તમારી મરજી. પણ આજે હું તમારી સાથે આવીશ, અને જોઈશ કે આ પક્ષીનો વિશ્વાસ જીતે છે કે નહીં.”
શિકારીએ ચકલીને એક કસાઈને વેચી દીઘી. કસાઈ તેને મારવાની તૈયારી કરવા લાગ્યો, ત્યારે તે ચકલી ખુશીથી ઝૂમવા લાગી. તેને ઝૂમતી જોઈને શિકારીની પત્નીએ પૂછ્યું, “અરે તું તો મરવાની છે અને આવા સમયે ખુશ થઈ રહી છે?” ત્યારે તે ચકલી બોલી, “હું એટલા માટે ખુશ છું કે હું મરવાની છું એટલે ભગવાન વિષ્ણુએ મારા બાળકોનું રક્ષણ કરી લીધું હશે.”
કસાઈએ ચકલીને મારવા છરી ઉપાડી ત્યાં જ એક સ્ત્રી ત્યાં આવી અને તે કસાઈને કહ્યું, “ભાઈ, મને આ ચકલી આપી દો અને જેટલા પૈસા જોઈએ તે લઈ લો.”
કસાઈએ તે ચકલી પેલી સ્ત્રીને વેચી દીધી. પછી શિકારીની પત્નીએ તેને પૂછ્યું, “બહેન, તમે આ ચકલી શા માટે ખરીદી?”
ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “મારો દીકરો બાળપણથી જ મૂંગો છે. હું તેના ઈલાજ માટે એક મહાત્મા પાસે ગઈ હતી. તે મહાત્માએ મને અહીં મોકલી છે. તેમણે કહ્યું કે અહીં એક ચકલીની બલિ ચડાવવામાં આવી રહી છે. તમે તેને બચાવો અને તેનું એઠું પાણી તમારા દીકરાને પીવડાવજો. તે પાણી પીધા પછી તે બોલવાનું શરૂ કરી દેશે. અને હું યોગ્ય સમયે અહીં આવી ગઈ.”
પેલી સ્ત્રીએ મોટા પાત્રમાં ચકલીને પાણી પીવડાવ્યું અને તેનું એઠું પાણી પોતાના દીકરાને પીવડાવ્યું. તેનો દીકરો બોલવા લાગ્યો. સ્ત્રીએ ચકલીને મુક્ત કરી દીધી અને પોતાના ઘરે ચાલી ગઈ. પછી ચકલીએ શિકારીની પત્નીને કહ્યું, “જુઓ, ભગવાન વિષ્ણુએ મને અને મારા બાળકોને મરતા બચાવ્યા.”
આ સાંભળીને શિકારીની પત્ની અને શિકારીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેની વાત સાંભળીને, શિકારી, તેની પત્ની અને કસાઈએ પોતાના ખોટા કામ છોડી દીધા અને સારા કામો શરુ કરી દિવસ-રાત ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યા.
ભગવાન વિષ્ણુની કૃપા આ સંસારના તમામ જીવો પર રહે એજ પ્રાર્થના.
મિત્રો, આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.