આ કથા વાંચ્યા વિના દેવશયની – દેવપોઢી એકાદશીનું ફળ નહીં મળે | Dev Shayani / Dev Podhi / Padma Ekadashi Vrat Katha

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા જાણવાના છીએ. આ વર્ષે આ એકાદશી તા. 6 જુલાઈ 2025 રવિવારના રોજ છે. એકાદશીની આ કથા બ્રહ્માંડપુરાણમાં મળી આવે છે. આ એકાદશીને દેવશયની એકાદશી તેમજ પદ્મા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. તો આવો આ એકાદશીની વ્રતકથા શરુ કરીએ.

યુધિષ્ઠિરે પૂછ્યું, “હે કેશવ! આષાઢ શુક્લ એકાદશીનું શું નામ છે? એના અધિદેવ કોણ છે? અને એ વ્રતનો વિધિ શું છે? તે મને કહો.”

ભગવાન કૃષ્ણ બોલ્યા, “હે રાજન્! બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આશ્ચર્યકારિણી કથા કહી હતી તે તમને હું કહું છું.”

નારદ બોલ્યા, “હે પિતા! વિષ્ણુ ભગવાનની આરાધના માટે આષાઢ શુકલ એકાદશીનું નામ મને કહો.”

બ્રહ્માજી બોલ્યા, “હે કલિપ્રિય નારદ ! તું વૈષ્ણવ છે એટલે જ તેં આવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ એકાદશીથી અન્ય કોઈ વ્રત વિશેષ પવિત્ર નથી. એટલે સર્વે પાપ દૂર કરવા માટે પરિશ્રમ લઈને પણ આ એકાદશી વ્રત કરવું. એટલે હું આ આષાઢ શુક્લ એકાદશીનું તને વ્રત કહું છું. આ એકાદશીનું વ્રત પુણ્યકારી, પાપનાશક અને સર્વે કામનાઓ પરિપૂર્ણ કરનારું છે. જેઓ આ વ્રત કરતા નથી તેઓ નરકની જ ઈચ્છા કરે છે એમ સમજવું.”

આષાઢ શુક્લ એકાદશી ‘પદ્મા’ નામથી પ્રસિદ્ધ છે. ભગવાન હૃષિકેશ વિષ્ણુને પ્રસન્ન કરવા આ વ્રત અવશ્ય કરવું. એ માટે હું એક પૌરાણિક કથા કહું છું, જેના શ્રવણ માત્રથી મહાપાપ નષ્ટ થાય છે.

પૂર્વે સૂર્યવંશી માંધાતા નામે ચક્રવર્તી રાજા હતો. એ પ્રતાપી અને સત્યપ્રતિજ્ઞ હતો. એ પોતાના ઔરસ પુત્રોની જેમ પ્રજાનું ધર્મથી પાલન કરતો હતો. તેના રાજ્યમાં દુકાળ પડતો નહિ કે આધિ-વ્યાધિના ઉપદ્રવ થતા નહિ. એની પ્રજા ધન-ધાન્યથી સમૃદ્ધ અને આતંકરહિત હતી. એના રાજકોષમાં અન્યાયથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હતું નહિ.

આમ રાજ્ય કરતાં કરતાં ઘણાં વર્ષ વહી ગયાં. ત્યાં પાપકર્મનાં ફળરૂપ એવો સમય આવ્યો કે એના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વૃષ્ટિ થઈ નહિ એટલે એની પ્રજા ઉદ્વેગ પામી અને ક્ષુધાથી પીડાવા માંડી. એનો દેશ સ્વાહાકાર, સ્વધાકાર, વષટ્કાર અને વેદાધ્યયન વગર શૂન્ય થઈ ગયો અને અન્નના અભાવથી સઘળી પ્રજા પીડાવા લાગી એટલે એણે રાજાને કહ્યું, “હે રાજન્! પ્રજાના હિતનાં અમે વચન કહીએ છીએ તો સાંભળો. મનીષિઓએ પુરાણમાં આપ, જલને ‘નારા’ કહ્યું છે. એ વિષ્ણુનું અયન સ્થાન છે એટલે તેઓ નારાયણ કહેવાય છે. મેઘરૂપ-પર્જન્યરૂપ પણ એજ નારાયણ છે કારણ કે તેઓ સર્વત્ર સદા વ્યાપક છે. તેઓ જ વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિથી અન્ન પાકે છે અને અન્નથી પ્રજા જીવે છે પરંતુ અન્ય ન હોય તો પ્રજા નાશ પામે છે એટલે હે રાજન ! સર્વે પ્રજાનું કુશળ થાય એવો ઉપાય કરો.”

રાજા બોલ્યા, “તમે સૌએ સત્ય જ કહ્યું છે. તમે મિથ્યા વચન બોલ્યા નથી. અન્ન બ્રહ્મમય છે અને સર્વે અન્નમાં જ પ્રતિષ્ઠિત છે. અન્નથી જ સર્વે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને અન્નથી જ સઘળું જગત અસ્તિત્વ ધરાવે છે. આમ મહાન પુરાણોમાં વિસ્તારથી કહેવાયું છે. રાજાઓના અનાચારથી જ પીડા પામે છે. હું બુદ્ધિપૂર્વક વિચારું છું કે મારો કોઈ આત્મોપ તો નથી ? છતાં કંઈ દેખાતું નથી. પરંતુ પ્રજાના હિત માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ.”

આમ કહી અમિત સામર્થ્યવાળો એ રાજા ૫રમાત્માને નમન કરીને ધોર વનમાં ગયો અને મહાન ઋષિઓના આશ્રમોમાં ભમવા માંડયો. ત્યાં પોતાના દૈદિપ્યમાન તેજથી બીજા બ્રહ્મા હોય એવા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયો. એમને જોતાં જ પ્રસન્ન થયેલો રાજા અશ્વ પરથી નીચે ઊતરી ગયો અને એમની સમક્ષ પ્રણામ કરીને હાથ જોડીને ઊભો રહ્યો. ઋષિએ એને આશીર્વાદ અને અભિનંદન અર્પ્યા અને રાજ્યનાં સાતે અંગના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ વિનમ્રતાથી એનું નિવેદન કર્યું.

જ્યારે મુનિવર અંગિરાએ રાજાના આગમનનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું :- “હે ભગવન્! હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું. છતાં મારા દેશમાં અનાવૃષ્ટિ છે. એનું કારણ મને સમજાતું નથી. એ સંશયને આપ દૂર કરો અને મારી પ્રજાના યોગક્ષેમનો ઉપાય દર્શાવો.”

ઋષિ બોલ્યા, “આ સર્વે યુગોમાં ઉત્તમ એવો સત્યયુગ છે. આ યુગમાં બ્રાહ્મણ આદિ ચતુર્વર્ણ છે અને ધર્મના પણ ચતુષ્પાદ છે. આ યુગમાં બ્રાહ્મણોને જ તપનો અધિકાર છે, અન્યને નથી. છતાં તારા દેશમાં શુદ્ર તપશ્ચર્યા કરે છે એટલે અનધિકારી કાર્યથી જ તારા દેશમાં વૃષ્ટિ થતી નથી. એટલે એ શુદ્રનો વધ કરો એટલે દોષનું શમન થાય.”

રાજા બોલ્યો, “હે ભગવન્! શુદ્ર છતાં એ તપશ્ચર્યા કરે છે. પરંતુ એને અપરાધ વગર હું હણીશ નહિ, એટલે ઉપદ્રવ શાંત કરવા અન્ય કોઈ વ્રત કહો.”

ઋષિ બોલ્યા, “હે રાજન્ ! તો આષાઢ માસની શુક્લપક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો. એના પ્રભાવથી અવશ્ય વૃષ્ટિ થશે. એ સર્વસિદ્ધિપ્રદા અને સર્વ ઉપદ્રવ શમન કરનારી છે. રાજાએ સર્વે પ્રજાજનો સાથે એકાદશીનું વ્રત કર્યું. એના રાજ્યમાં વૃષ્ટિ થઈ અને જળથી પ્લાવિત ભૂમિમાં ઘણું અનાજ પાક્યું. ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વે સુખ પામ્યા. એટલે આ ભુક્તિ મુક્તિ આપનારું સુખપ્રદ એકાદશી વ્રત અવશ્ય કરવું. એનું પઠન અને શ્રવણ સર્વે પાપોમાંથી મુક્તિ આપે છે.

મિત્રો, અહીં બ્રહ્માંડપુરાણમાં કહેલું પદ્મા એકાદશીનું માહાત્મ્ય પૂર્ણ થયું. હવે તેનો મહિમા પણ જાણી લઈએ.

યુધિષ્ઠિરે પૂછ્યું — ભગવાન અષાઢના શુક્લપક્ષમાં કઈ એકાદશી હોય છે? તેનું નામ અને વિધિ શું છે? એ જણાવવાની કૃપા કરશો.

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન્! અષાઢ શુક્લપક્ષની એકાદશીનું નામ ‘શયની’ છે. હું તેનું વર્ણન કરું છું. તે મહાન પુણ્યમયી, સ્વર્ગ તેમજ મોક્ષ પ્રદાન કરનારી, સર્વ પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લપક્ષમાં શયની એકાદશીના દિવસે જેમણે કમળ-પુષ્પથી કમળ-લોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, તેમણે ત્રણે લોકો અને ત્રણે સનાતન દેવતાઓનું પૂજન કરી લીધું.

હરિશયની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર ત્યાં સુધી શયન કરે છે, જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી નથી આવી જતી; તેથી અષાઢશુક્લા એકાદશીથી લઈ કારતકશુક્લા એકાદશી સુધી મનુષ્યે સારી રીતે ધર્મનું આચરણ કરવું જોઈએ.

જે મનુષ્ય આ વ્રતનું આચરણ કરે છે, તે પરમ ગતિને પામે છે, એ કારણે યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાતે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. આવું કરનારા પુરુષનાં પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખી બ્રહ્માજી પણ અસમર્થ છે.

રાજન! જે આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું સર્વપાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, તે જાતિનો ચંડાળ હોવા છતાં પણ સંસારમાં સદા મારું પ્રિય કરનારો છે. જે મનુષ્યો દીપદાન, પલાશના પાંદડાં પર ભોજન અને વ્રત કરતા રહીને ચોમાસું પસાર કરે છે, તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ સૂતેલા રહે છે, એટલા માટે મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાકભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા જે ચોમાસામાં બ્રહ્મચર્યનું પાલન કરે છે, તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે.

રાજન્! એકાદશીના વ્રતથી જ મનુષ્ય બધાં પાપોથી મુક્ત થઈ જાય છે; તેથી કાયમ આનું વ્રત કરવું જોઈએ. કદી ભૂલવું નહિ જોઈએ.

આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top