અત્યારે જયા પાર્વતીનું વ્રત ચાલી રહ્યું છે. અને આજના લેખમાં આપણે વિષ્ણુ ભગવાને કહેલી જયા પાર્વતીના વ્રતની કથા જાણીશું. તો જે મહિલાઓ આ વ્રત કરતી હોય તેમને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી છે.
આષાઢ શુકલ ત્રયોદશીએ એટલે કે અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસથી જયા પાર્વતીનું વ્રત કરવાનું ભવિષ્યોત્તરપુરાણમાં વિધાન છે. આવો જયા પાર્વતીના વ્રતની કથા શરુ કરીએ.
લક્ષ્મીજીએ પૂછ્યું, ‘હે દેવદેવેશ ! હે જગન્નાથ ! ભોગ અને મોક્ષ આપનારા અને નારીઓને વૈધવ્ય આવે નહીં અને સદા અખંડ સૌભાગ્ય રહે એવું શુભ વ્રત આપ કહો. જેથી લોકોનું કલ્યાણ થાય.’
ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘હે દેવી! તમે સત્ય બોલ્યાં છો. તમારું વચન મિથ્યા થશે નહીં. હું પૂર્વે નહીં કહેલું એવું વ્રત તમને કહીશ. એ વ્રત અકથ્ય છે, ગુહ્ય છે, પવિત્ર છે અને સર્વે પાપોનો ક્ષય કરનારું છે. એ વ્રત કરવાથી નારીઓ વિધવા થતી નથી.
આ વ્રત આષાઢ સુદ તેરસના દિવસે કરવું, પ્રભાતમાં વનસ્પતિની પ્રાર્થના કરતાં કહેવું. ‘હે વનસ્પતે ! આયુષ્ય, બળ, તેજ, પ્રજા, પશુ, ધન, બ્રહ્મજ્ઞાન અને મેધા મને આપો.’ આ મંત્ર ભણી દાતણ કરવું પછી નિયમ લેવો. નિયમથી જ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે, એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવું. ‘હું સદા પ્રમુદિત રહી, ધ્યાનથી એક વખત સ્વાદરહિત ભોજન કરીશ, એટલે હે ભગવન્ ! ‘મારું પાપ હરો’ એવો નિયમ લેવો.
સુવર્ણની અથવા રજતની અથવા માટીની વૃષભ પર બિરાજેલાં ઉમા-મહેશ્વરની મૂર્તિ તૈયાર કરાવવી. ગોષ્ઠમાં, દેવાલયમાં અથવા બ્રાહ્મણના ઘરમાં એ મૂર્તિની વેદમંત્રોથી પ્રતિષ્ઠા કરવી, એ દિવસે જૂઈનું દાતણ કરવું અને વિધિપૂર્વક સ્નાન કરી પૂજાનો આરંભ કરવો. પછી પાર્વતી પરમેશ્વરને કુંકુમ, અગુરુ, કસ્તુરી, સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવાં. પછી ચંપો, કમળ, જૂઇ અને અન્ય ઋતુજ પુષ્પો અર્પણ કરવાં. એ પછી યજ્ઞોપવિત અને દૂર્વા અર્પણ કરવી. પછી ભગવતી ઉમાની પ્રાર્થના કરતાં કહેવું, ‘હે આદ્યે ! હે દેવી ! હે શર્વાણિ ! હે શંકરપ્રિયે ! મારો અર્પેલો આ અર્ધ્ય ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાઓ.’ આમ પવિત્ર મંત્ર ભણી પવિત્ર જળ, બિલ્વફળ, દ્રાક્ષ, દાડિમ અને અન્ય ઋતુજ ફળ અને બે વસ્ત્રસહિત અર્ધ્ય અર્પવો અને ઉત્તમ બ્રાહ્મણ પાસે કથા સાંભળવી.’
ભગવતી લક્ષ્મી બોલ્યાં, ‘હે અચ્યુત ! હે આદિરૂપ ! હે મહાપ્રાશ ! હે વૃદ્ધિક્ષયકારક ! હે વ્રતાધ્યક્ષ ! આપને નમન હો. આપ મારા પર અનુગ્રહ કરીને હવે કહો કે આ વ્રત પૂર્વે કોણે કર્યું? એ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું? હે જગદીશ્વર ! આ સઘળું મને અવશ્ય કહો.’
ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘આ વિષે પાર્વતીની હું કથા કહું છું જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થાય છે.
પૂર્વે સત્યયુગમાં સુંદર કૌંડિન્યપુર નગરમાં વામન નામનો બ્રાહ્મણ હતો. એ વેદતત્ત્વજ્ઞ, સત્યપ્રિય, ગુણવાન, શુચિ અને શીલસંપન્ન હતો. એને રૂપ-ગુણથી સંપન્ન સત્યા નામની પ્રિય પત્ની હતી. એ ધનાઢય અને વેદવિદ બ્રાહ્મણના ઘરમાં પુષ્કળ સંપત્તિ હતી. પરંતુ પૂર્વકર્મના યોગે એને કોઈ સંતાન હતું નહીં. અપુત્રનું ગૃહ શુન્ય અને સ્મશાન જેવું ભાસે છે. એટલે આ દંપતી દુઃખી રહેતાં અને દિનેદિન શરીરે કૃશ થતાં જતાં.
એક દિવસ શુભ મુહૂર્તમાં દેવર્ષિ નારદ એમના ઘરે પધાર્યા. એટલે અર્ધ્ય, પાદ્ય સમર્પી, વિપ્ર વામન બોલ્યા, ‘હે દેવર્ષિ નારદ ! આપ ઋષિશ્રેષ્ઠ છો અને સર્વજ્ઞાન પરાયણ છો. આપ મને કહો, કયા દાનથી, કયા વ્રતથી અથવા કયા તીર્થથી, મને સંતાન પ્રાપ્ત થાય અને મારું દુ:ખ દૂર થાય.’
દેવર્ષિ નારદ બોલ્યા, ‘હે વિપ્ર ! હું કહું છું એ તું સાંભળ. અને એ પ્રમાણે વ્રત ક૨. એટલે તને સંતાન થશે. આ અરણ્યના દક્ષિણ ભાગમાં બિલ્વવૃક્ષોના સમૂહની મધ્યમાં ભવાની સહિત શંકરનું લિંગ છે. એમની તમે બન્ને શીધ્ર પૂજા કરો, એટલે તેઓ પ્રસન્ન થઈ તમને સંતાન આપશે. અપૂજ્ય શિવલિંગનું પૂજન કરવાથી મનુષ્ય સંતાન પામે છે.’ આમ કહી દેવર્ષિ સ્વર્ગમાં ગયા.
એ પુત્રકાંક્ષી દંપતી અરણ્યમાં ગયા. બિલ્વવૃક્ષોના સમૂહની મધ્યમાં એક પુરાતન શિવલિંગ એમની નજરે પડયું. એ જીર્ણ બિલ્વપત્રોથી ઘેરાયેલું હતું. એ સર્વેને દૂર કરી, ત્યાં ગોમયથી લીંપી સ્વચ્છ ભૂમિ કરી દીધી. પછી ભક્તિભાવથી પંચામૃતથી લિંગની પૂજા કરી. આમ નિત્યનિયમથી ઉમા-મહેશ્વરનું પૂજન કરતાં કરતાં પાંચ વર્ષ પસાર થઈ ગયાં.
એક દિવસ સિંહ અને વ્યાઘ્રથી ભરેલાં એ ઘોર અરણ્યમાં એ બ્રાહ્મણ પુષ્પ લેવા ગયો અને સર્પના દંશથી ભૂમિ પર પટકાયો. ઘણો સમય થયો છતાં બ્રાહ્મણ આવ્યો નહીં એટલે એની પત્ની ચિંતા કરવા લાગી, ‘એવું શું કારણ હશે કે હજુ સુધી મારા પતિદેવ આવ્યા નહીં.’ એટલે રૂદન કરતી અને વિલાપ કરતી એ અરણ્યના મધ્યમાં ગઈ. ત્યાં એણે એના પતિને ભૂમિ પર પડેલો જોયો એટલે એ મૂર્ચ્છિત થઈ ગઈ. થોડી વાર પછી ભાન આવતાં એણે વનદેવતાનું સ્મરણ કર્યું. એટલે એની પાસે ભગવતી પાર્વતીદેવી પ્રગટ થયાં અને આક્રંદ કરતી બ્રાહ્મણી પર દયા આવવાથી એના પતિના મૃતદેહ પર પોતાનો અમૃત જેવો હાથ ફેરવ્યો. એટલે મધરાતની ગાઢ નિદ્રામાંથી ઊઠતો હોય એમ જાગૃત થયો. પછી એ દંપતીએ પાર્વતીની ચરણવંદના કરી અને અત્યંત વિનમ્રતાથી અને ભક્તિભાવથી એમની પૂજા કરી.
પાર્વતીજી બોલ્યા, ‘તમારા પૂજનથી હું પ્રસન્ન થઈ છું, હે સુવ્રતે તું વરદાન માંગ.’
એટલે બ્રાહ્મણી બોલી, ‘તમારા અનુગ્રહથી મને વાંછિત ફળ મળી ગયું છે પરંતુ મને સંતાન નથી એનું ઘણું દુ:ખ છે.’
પાર્વતીજી બોલ્યા, ‘હે સુભગે! મારા નામનું પવિત્ર અને પાવનકારી જયાપાર્વતીનું તું વ્રત કર.
હે ચારુલોચને! એ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવું. એ દિવસે એક વખત જ સ્વાદહીન અન્ન ખાવું. લવણ ખાવું નહિ. સુદ તેરશે આરંભીને વદ ત્રીજે એ વ્રતની સમાપ્તિ કરવી, પાંચ વર્ષ સુધી જુવાર ખાઈને એ વ્રત કરવું. પાંચ વર્ષ સુધી લવણરહિત યવ ખાઈ એ વ્રત કરવું. પાંચ વર્ષ સખી ચોખા ખાઈ એ વ્રત કરવું. એમાં શેરડીનો રસ કે ગોળ ખાવો નહીં, તેમજ પાંચ વર્ષ સુધી મગ ખાઈ આ વ્રત કરવું. આમ વીશ વર્ષ સુધી આ વ્રત કરવું.
વીશમે વર્ષે એનું ઉદ્યાપન કરવું. ત્રીજના દિવસે દંપતીને જમાડવાં, વસ્ત્ર અને અલંકાર આપવા. જો શક્તિ હોય તો વર્ષે વર્ષે અથવા પાંચ વર્ષે સૌભાગ્યવતી સ્ત્રીને અને તેનાં પતિને મનવાંછિત ભાતભાતનાં ભોજન કરાવવાં. આમ વીશ વર્ષ સુધી કરવું. સૌભાગ્ય માટે પ્રતિવર્ષ કુંકમ, કાજલ આદિ સૌભાગ્ય દ્રવ્યો આપવાં અને રાત્રે જાગરણ કરવું, એટલે અખંડ ફલ પ્રાપ્ત થાય છે.
જે સ્ત્રી આ વ્રત કરતી નથી એ જન્મોજન્મ વિધવા થાય છે અને શોક તેમજ દુ:ખમાં ડૂબેલી રહે છે અને કોઈ વખતે કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી.
‘સુવ્રત કરવાથી, પતિમાં ભક્તિ રાખવાથી અને પતિને સંતોષ આપવાથી સ્ત્રીને અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.’ આમ કહી પાર્વતીજી અંતર્ધાન થઈ ગયાં.
એ પછી દંપતીએ ઘરે આવી પાર્વતીજીએ કહેલું જયા-પાર્વતીનું વ્રત કર્યું. એટલે વ્રતના પ્રભાવથી એમને પુત્રસુખ મળ્યું. અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગ ભોગવી એ દંપતી શિવલોકમાં ગયાં. આમ જે સ્ત્રી આ વ્રત કરે છે એને પતિનો વિયોગ થતો નથી, ત્રણે કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઉમા-મહેશ્વરનું સાન્નિધ્ય પામે છે. જે મનુષ્ય વિધિસહિત આ કથાનું શ્રવણ-પઠન કરે છે એ સર્વે પાપમાંથી મુક્ત થાય છે.’
અહીં ભવિષ્યપુરાણમાં કહેલું જયા-પાર્વતીનું વ્રત પૂર્ણ થયું. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ મહિલાઓ આ વ્રતનું ફળ મેળવી શકે.