કાંઠાગોરની વાર્તા ગુજરાતી લખાણ સાથે, પુરુષોત્તમ માસની કથા, Purushottam Maas Katha, Adhik Maas ni katha

અધિકમાસની પહેલા દિવસની કથા – કાંઠાગોરની વાર્તા | Kantha gor ni varta | Adhik maas ni katha day 1

નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે અધિકમાસની પહેલી અમૃતકથા સાંભળીશું જેનું શીર્ષક છે – કાંઠાગોરની વાર્તા.

ત્રણ વર્ષે પાછો અધિક માસ (પવિત્ર પુરુષોત્તમ માસ) આવ્યો ને નદીએ સ્નાન કરવા ભાવિક નર-નારીઓ પુરુષોત્તમ ભગવાનને ભજતા જવા લાગ્યાં. સ્ત્રીઓ નાહીને કાંઠાગોરને પૂજતી અને પવિત્ર પુરુષોત્તમ માસની કથા સાંભળી ઘેર જતી. પુરુષો પણ સ્નાન કરીને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા ઘેર જતાં.

સ્નાન, ધ્યાન અને દાનનો પુરુષોત્તમ માસમાં મોટો મહિમા છે. ગામમાં એક ડોશીને ત્યાં બે દીકરા પરણેલા હતા છતાં વહુઓ સાથે બનતું નહોતું, એટલે તે એક મકાનમાં એકલાં રહેતાં હતાં.

ડોશી તો પુરુષોત્તમ માસ આવે, એટલે એક દિવસ પણ નદીએ જઈ સ્નાન કરવાનું ચૂકે નહિ. ડોશીના નાના દીકરાની વહુ પણ આખો પુરુષોત્તમ મહિનો નદીએ જઈને સ્નાન કરતી હતી, પરંતુ તેની જેઠાણી ધર્મ-કર્મમાં સમજતી નહિ તેથી ઘરમાં બેસી રહેતી. તે પૈસે-ટકે સુખી હતી અને રૂપાળી પણ હતી. તેનું તેને અભિમાન હતું.

ભલી દેરાણી એક દિવસ નદીએ જતાં પહેલાં તેની જેઠાણી પાસે ગઈ ને તેને નદીએ સ્નાન કરવા તેમજ કાંઠાગોરનું પૂજન કરવા આવવા કહ્યું તો જેઠાણીએ નાકનાં નસ્કોરાં ફુલાવી કહ્યું, ‘એ તારા જેવી ભકતાણીનાં કામ, મારે તો ઘર પહેલું સંભાળવાનું, મારે ઘેર આવનારા યે કેટલાં…… મારા પતિ દુકાનેથી આવે, છોકરો નિશાળેથી આવે, પિયરે ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે અને સગાં યે આવે, સ્નેહીઓએ આવે, સીમમાં ગયેલાં ઢોર આવે.

kantha gor ni varta

ભાલમાં ટીકો, કાખમાં કીકો,
ઝુલતું પારણું, ઘમ્મરવલોણું,
ખદખદતી ખીચડી, સુવાવડી દીકરી.

મારે ત્યાં તો કેટલાયે આવનારાંને કેટલાયની પંચાત કૂટવાની આમાં હું નવરી પડું, ત્યારે બીજું કાંઈ સૂઝે ને?

જેઠાણીના શબ્દો દેરાણીને હાડોહાડ લાગી આવ્યા, કારણ કે જે ભગવાને તેને સુખ આપ્યું હતું તે ભગવાનને ભજવાની તેને ફુરસદ નહોતી. ખરેખર, જેનું ભાગ્ય પાંસરું હોય તેને જ ધર્મ-ધ્યાન સૂઝે છે.

દેરાણી રોજ નદીએ નાહીને કાંઠાગોરને પૂજતી ને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળતી. તેથી કાંઠાગોર તેના પર પ્રસન્ન થયા અને વ્રતની નિંદા કરનાર જેઠાણી ઉપર ક્રોધે ભરાયા. એનું જેઠાણીને એ ફળ આપ્યું કે…. તેનો પતિ દુકાનેથી ન આવ્યો, છોકરો નિશાળેથી ન આવ્યો, પિયેર ગયેલી વહુ પાછી ન ફરી અને સાસરે ગયેલી દીકરી પણ ત્યાં જ રોકાઈ ગઈ. ન સગાંનાં દર્શન થયાં કે ન સ્નેહી આવ્યાં, સીમમાં ચરવા ગયેલાં ઢોર પણ ન પાછાં વળ્યાં, ન પારણાં ઝૂલ્યાં કે ન ઘમ્મર વલોણાં ચાલ્યાં !

આમ અણધાર્યું બનવાથી જેઠાણીના અભિમાનના શબ્દો મોઢામાં જ રહી ગયા. તે તો એવી મુંઝાઈ ગઈ કે, રડતી-રડતી દેરાણી પાસે ગઈ પણ દેરાણીએ તેનું કહ્યું કાને ન ધર્યું. તે એને ડોશી પાસે લઈ ગઈ. સાસુજી તો નદીએ નાહી ઘરમાં આવીને બેસી ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ના જાપ જપી રહ્યાં હતાં. ત્યાં બન્ને દેરાણી-જેઠાણી તેની પાસે આવ્યાં.

જેઠાણીએ પોતાની હકીકત કહી તો સાસુ (ડોશી)એ કહ્યું, ‘મોટી વહુ, જે ભગવાનની નિંદા કરે તેને ત્યાં બધું અવળું જ થાય. તું નથી નદીએ જઈને ન્હાતી, નથી કાંઠાગોરને પૂજતી, નથી પુરુષોત્તમ માસની કથા કે કાંઠાગોરની વાર્તા સાંભળતી. મને લાગે છે કે, તારા પર કાંઠાગોર કોપાયમાન થયાં છે. તેમને મનાવે તો બધું સારું થાય.’

જેઠાણી બોલી, ‘મા, હું તો કોઈ દિવસ નદીએ કાંઠાગોરને પૂજવા ગઈ નથી, મારે ત્યાં જઈને શું કરવાનું?’

સાસુ બોલ્યાં, ‘એક થાળમાં બધી પૂજનની સામગ્રી લે. તેમાં શ્રીફળ, ફૂલ, અક્ષત, સોપારી, કંકુ, અબીલ-ગુલાલ અને ધૂપ કે અગરબત્તી જોઈએ. હાથમાં પૂજનનો થાળ લઈ ખભે ચૂંદડી નાખી ઢોલીને સાથે લઈ થોડી સ્ત્રીઓને લઈ વાજતે-ગાજતે નદીએ જા અને ત્યાં જઈ, પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી, કપડાં બદલીને પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરજે, પછી કાંઠાગોરનું પૂજન કરીને કાંઠાગોરની વાર્તા સાંભળજે અને વિધિપૂર્વક પૂજન કરી કાલાવાલા કરજે કે, ‘હે કાંઠાગોરમા ! હું અજ્ઞાની તમારો મહિમા સમજી નહિ એથી તમારા વ્રતનો અનાદર કરતી હતી. હવે મને મારી ભૂલ સમજાઈ છે, મા, સુખ-વૈભવમાં હું ધર્મ-કર્મ ને વ્રત ભૂલી ગઈ તે મારી ભૂલ છે. તમે તો મોટાં મનવાળાં છો. મા, તો મારા પર પ્રસન્ન થાઓ અને સુખ-શાંતિ કરો.’

kantha gor maa

આમ કહી સાસુએ મોટી વહુને ઘણી શિખામણ આપી. તે સાસુને પગે લાગી નદીએ કાંઠાગોરને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણીએ જેઠાણીને દોરવણી આપી. બન્નેએ આડોશ-પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. પછી તેઓ વાજતે-ગાજતે પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી નદીએ ગઈ. દેરાણીના કહ્યા પ્રમાણે જેઠાણીએ સ્નાન કરી કાંઠાગોરનું પૂજન કર્યું. પૂર્ણ શ્રદ્ધાથી તેણે ગૌરીમાની પૂજા કરી અને વિનવણી કરી કે, પોતાનું શ્રેય કરો.

કાંઠાગોરનું પૂજન કરીને જ્યારે જેઠાણી ઘેર પાછી ફરી, ત્યારે તેનો પતિ દુકાનેથી ઘેર આવી ગયો હતો. છોકરો પણ નિશાળેથી આવતો દેખાયો, થોડીવાર પછી પિયેર ગયેલી વહુ આવી, સાસરે ગયેલી દીકરી આવી, સગાંસ્નેહીઓ પણ એક પછી એક આવવા માંડ્યાં, સીમમાં ચરવા ગયેલાં ઢોર પણ વાડામાં આવવા માંડ્યાં, પારણાં ઝૂલવા માંડ્યાં ને ઘમ્મર વલોણાં પણ ચાલવા લાગ્યાં. આ બધું જોઈ જેઠાણી સમજી ગઈ કે, તેના પર મા કાંઠાગોર પ્રસન્ન થયાં છે. તે વખતે જ તેણે સાસુને પગે પડી કહ્યું, ‘માડી ! આ આખો પુરુષોત્તમ માસ હું સ્નાન, ધ્યાન અને દાન કરીશ અને કાંઠાગોરનું પૂજન કરીશ. દર ત્રીજા વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત-પૂજન, કાંઠાગોરનું પૂજન અને વ્રત કથાઓ સાંભળીશ.’

સાસુએ કહ્યું, ‘મોટી વહુ ! તારા ધન ભાગ્ય કે તને ધર્મ ઉપર રાગ ઉત્પન્ન થયો અને વ્રત કરવા તૈયાર થઈ. હવે તમે બન્ને મારા ઘરમાં મારી સાથે રહો અને ધર્મ-ધ્યાન કરી આપણા ઘરનો મોભો વધારો.’

એ જ દિવસે દેરાણી-જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા આવી. ડોશીના બન્ને દીકરાઓને પણ આથી આનંદ થયો. તેઓ તો પોતાની પત્નીઓના કારણે માથી જુદા રહ્યા હતા. બધાંના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું રૂમઝુમતું થઈ ગયું.

દેરાણી-જેઠાણીએ આખો પુરુષોત્તમ માસ રૂડી રીતે સ્નાન, ધ્યાન અને દાન કર્યું. ભાવથી પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા, કાંઠાગોરનું પૂજન કર્યું, બ્રાહ્મણોને દક્ષિણા આપી અને મહિનો પૂરો થતાં ઉજવણામાં ઘર આંગણે ઘણા બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા.

દેરાણી-જેઠાણીના દાખલા ઉપરથી ઘણાં સ્ત્રી-પુરુષો દર ત્રીજા વર્ષે અધિક માસ આવતાં ધર્મ, ધ્યાન ને વ્રત કરવા લાગ્યાં. આમ ગામમાં પુરુષોત્તમ ભગવાનનો કાંઠાગોરનો મહિમા વધી ગયો.

હે પુરુષોત્તમ ભગવાન ! હે કાંઠાગોરમા ! તમે જેવાં સાસુ અને વહુઓ ઉપર પ્રસન્ન થયાં તેવાં તમારું પૂજન કરનારને અને વાર્તા વાંચનાર-સાંભળનારને ફળજો અને સુખ-શાંતિ કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા