તમારા તમામ પાપોનો નાશ કરવા આ વાંચો, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 3 | Shrimad Bhagwat Mahima

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો ત્રીજો અધ્યાય જાણીશું. આગળના બે અધ્યાયના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, જો તમારે એ વાંચવાના બાકી હોય તો ત્યાં જઈને વાંચી શકો છો. આવો હવે ત્રીજો અધ્યાય શરૂ કરીએ, જેનું શીર્ષક છે – “ભક્તિના દુ:ખનું નિવારણ”.

નારદજી કહે છે – હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે, શ્રીશુકદેવજીએ કહેલા ભાગવતશાસ્ત્રની કથા વડે, પ્રયત્નપૂર્વક ઉજ્જ્વળ જ્ઞાનયજ્ઞ કરીશ. (૧) આ જ્ઞાનયજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ, તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પારગામી છો, તેથી મને આ શુકશાસ્ત્રનો મહિમા સંભળાવો. (૨) તમે એ પણ બતાવો કે શ્રીમદ્ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ શી છે. (૩)

સનકાદિ બોલ્યા – હે નારદજી! તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો. સાંભળો, અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. (૪) ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે. જાત-જાતનાં વૃક્ષો અને લતાઓને કારણે તે (ઘાટ) ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે. (૫) તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે. ત્યાં હરહંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે. તેની આસપાસ રહેનારા સિંહ, હાથી વગેરે પરસ્પરવિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી. (૬)

ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાનયજ્ઞનો આરંભ કરવો જોઈએ, તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. (૭) ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે. (૮) કારણ કે જ્યાં પણ શ્રીમદ્ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે. ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી તે ત્રણે તરુણ થઈ જશે. (૯)

krishna
krishna

 

સૂતજી કહે છે – આ રીતે કહીને નારદજીની સાથે સનકાદિ વગેરે પણ શ્રીમદ્ભાગવત-કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગાકિનારે ચાલી આવ્યા. (૧૦) જે સમયે તેઓ ગંગાતટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક – સઘળે સ્થળે શ્રીમદ્ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતાં કોલાહલ વ્યાપી ગયો. (૧૧) ભગવત્કથાના જે જે રસિક વિષ્ણુભક્તો હતા તે બધા જ શ્રીમદ્ભાગવત-અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા-દોડતા આવવા લાગ્યા. (૧૨) ભૃગુ, વસિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કણ્ડેય, દત્તાત્રેય, પિપ્પલાદ, યોગેશ્વર વ્યાસ અને પરાશર, છાયાશુક, જાજલિ અને જહનુ વગેરે બધા જ મુખ્ય-મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા. (૧૩- ૧૪) એમના ઉપરાંત, વેદ, વેદાન્ત (ઉપનિષદો), મંત્ર, તંત્ર, સત્તર પુરાણો અને છ શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયાં. (૧૫)

ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક વગેરે વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવો, ગંધર્વો, દાનવો વગેરે બધાં જ કથા સાંભળવા ચાલ્યાં આવ્યાં. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી-મનાવીને લઈ આવ્યા. (૧૬-૧૭)

હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રીકૃષ્ણપરાયણ સનકાદિ ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી. (૧૮) શ્રોતાઓમાં વૈષ્ણવો, વૈરાગીઓ, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા. (૧૯) એક બાજુ ઋષિગણ, એક બાજુ દેવો, એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠાં, જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી. (૨૦) તે સમયે બધી બાજુએ જયજયકાર, નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબીલ-ગુલાલ, લાજા (હોમ માટેની ડાંગરની ધાણી) તેમ જ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી. (૨૧) કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચઢીને, ત્યાં બેઠેલાં સૌ લોકો પર કલ્પવૃક્ષનાં પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. (૨૨)

સૂતજી કહે છે – આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જયારે બધાં લોકો એકાગ્રચિત્ત થઈ ગયાં ત્યારે સનકાદિ ઋષિ ત્યાં બેઠેલા ઋષિ-મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ્ભાગવતનું માહાત્મ્ય સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા. (૨૩) સનકાદિએ કહ્યું – હવે અમે તમને આ ભાગવતશાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણમાત્રથી મુક્તિ મળી જાય છે. (૨૪) શ્રીમદ્ભાગવતની કથાનું સદાસર્વદા સેવન, આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણમાત્રથી શ્રીહરિ આવીને હૃદયમાં વિરાજે છે. (૨૫) આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક અને બાર સ્કંધ છે તથા શ્રીશુકદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવતશાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. (૨૬)

આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ આ સંસ્કારચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણમાત્ર માટે પણ આ શુકશાસ્ત્રની કથા તેના કાને પડતી નથી. (૨૭) ઘણાંબધાં શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શો લાભ? એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવતશાસ્ત્ર જ ગરજી રહ્યું છે. (૨૮) જે ઘરમાં દરરોજ શ્રીમદ્ભાગવતની કથા થાય છે તે (ઘર) તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમનાં સઘળાં પાપો નાશ પામે છે. (૨૯) હજારો અશ્વમેધ અને સેંકડો વાજપેય યજ્ઞો આ શુકશાસ્ત્રની કથાના સોળમા ભાગની તોલે પણ આવી નથી શકતા. (૩૦) હે તપોધનો! જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ્ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. (૩૧) ફળની દ્રષ્ટિએ ગંગા, ગયા, કાશી, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ શુકશાસ્ત્ર-કથાની બરાબરી કરી શકતું નથી. (૩૨)

જો તમો પરમ ગતિ ઇચ્છો છો તો સ્વ-મુખે જ શ્રીમદ્ભાગવતના અડધા અથવા ચતુર્થાંશ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. (૩૩) ૐકાર, ગાયત્રી, પુરુષસૂક્ત, ત્રણે વેદ, શ્રીમદ્ભાગવત, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ – આ દ્વાદશાક્ષરી મંત્ર, બાર મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન, પ્રયાગ, સંવત્સરરૂપી કાળ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, બારશની તિથિ, તુલસી, વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ – આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી. (૩૪-૩૬) જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ્ભાગવત-શાસ્ત્રનો અર્થસહિત પાઠ કરે છે તેનાં કરોડો જન્મોનાં પાપ નાશ પામે છે એમાં (લેશમાત્ર પણ) સંદેહ નથી. (૩૭) જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેધ યજ્ઞો (કર્યા)નું ફળ મળે છે.

shrimad bhagwat book

(૩૮) નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે સમાન છે. (૩૯) જે મનુષ્ય અંતકાળે શ્રીમદ્ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુંઠધામ આપે છે. (૪૦) જે મનુષ્ય તેને (શ્રીમદ્ભાગવત- ગ્રંથ)ને સુવર્ણ-સિંહાસન પર મૂકીને વિષ્ણુભક્તને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે. (૪૧)

જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ્ભાગવતામૃતનો થોડો-સરખો પણ રસાસ્વાદ કર્યો નથી તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે; તે તો પોતાની માતાને પ્રસવ-પીડા આપવા જ પેદા થયો છે. (૪૨) જેણે આ શુકશાસ્ત્રનાં થોડાંક પણ વચનો સાંભળ્યાં નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલા જેવો જ છે. ‘પૃથ્વી માટે ભારરૂપ તે પશુતુલ્ય મનુષ્યને ધિક્કાર છે’ – આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય (ઈન્દ્ર વગેરે) કહે છે. (૪૩)

સંસારમાં શ્રીમદ્ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે; જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. (૪૪) હે નારદજી! તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો. તમે પ્રયત્નપૂર્વક (કથાનું) શ્રવણ કરો. આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી. આને તો હંમેશાં જ સાંભળવી એ સારું છે. (૪૫) આ કથા સત્યભાષણ અને બ્રહ્મચર્યપાલનપૂર્વક હંમેશાં જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે. પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે; તેથી આ અંગે શુકદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ. (૪૬) કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી, નિયમપાલન કરવું અને કોઈ પુણ્યકાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે; તેથી સપ્તાહ-શ્રવણની વિધિ (ઉપયુક્ત) છે. (૪૭)

શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રીશુકદેવજીએ સપ્તાહ-શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. (૪૮) મનના અસંયમને કારણે, રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહ-શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. (૪૯) જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફલ સર્વાંગસંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજભાવે મળી જાય છે. (૫૦) સપ્તાહ-શ્રવણ, યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રત કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે; તીર્થસેવન કરતાં તો હંમેશાં અધિક જ છે, યોગ કરતાંય ઉત્તમ છે – ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે! અરે, સપ્તાહ-શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરવું? – એ તો બધાય કરતાં ઉત્તમ છે. (૫૧-૫૨)

શૌનકજીએ પૂછ્યું – હે સૂતજી! આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી. આ ભાગવતપુરાણ ખરે જ યોગવેત્તા બ્રહ્માજીના પણ આદિ-કારણ એવા શ્રીનારાયણનું નિરૂપણ કરે છે; પરંતુ મોક્ષપ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધાં જ સાધનોને અવગણીને આ યુગમાં આ (ભાગવતપુરાણ) એ બધા કરતાં પણ કેવી રીતે ચઢી ગયું? (૫૩)
સૂતજીએ કહ્યું – હૈ શૌનકજી! ભગવાન શ્રીકૃષ્ણ આ ધરા-ધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી અગિયારમા સ્કંધનો જ્ઞાનોપદેશ સાંભળીને પણ ઉદ્ધવજીએ પૂછયું. (૫૪)

ઉદ્ધવજી બોલ્યા – હે ગોવિંદ! આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઇચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે. તે સાંભળીને આપ મને શાંત કરો. (૫૫) હવે ઘોર કળિયુગ આવ્યો જ સમજો; તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે, તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાય-રૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલનયન! મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી. (૫૬-૫૭) તેથી હે ભક્તવત્સલ ! આપ સાધુપુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ. હે ભગવન્! આપ નિરાકાર અને ચિન્માત્ર છો, છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે. (૫૮) તો પછી, ભલા! આપનો વિયોગ થતાં તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે. તેથી કોઈ અન્ય વિચાર કરો. (૫૯) પ્રભાસક્ષેત્રમાં ઉદ્ધવજીનાં આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. (૬૦)

krishna bhagwan image

હે શૌનકજી! ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈને આ ભાગવત-સમુદ્રમાં પ્રવેશી ગયા. (૬૧) આમ, આ (ભાગવત) ભગવાનની સાક્ષાત્ શબ્દમયી મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યનાં તમામ પાપો નાશ પામે છે. (૬ર) એથી જ આનું સપ્તાહ-શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ (સપ્તાહ-શ્રવણ)ને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે. (૬૩) કળિકાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુ:ખ, દારિદ્રય, દુર્ભાગ્ય અને પાપોને ધૂએ છે તથા કામ-ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. (૬૪) અન્યથા, ભગવાનની આ માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે, (તો પછી) મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે? તેથી, એનાથી છૂટવા માટે પણ સપ્તાહ-શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. (૬૫)

સૂતજી કહે છે – હે શૌનકજી! જ્યારે સનકાદિ મુનીશ્વરો આ રીતે સપ્તાહ-શ્રવણના મહિમાનાં વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું; તે હું તમને બતાવું છું, તે સાંભળો. (૬૬) ત્યાં તરુણાવસ્થા પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈને, વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ ‘શ્રીકૃષ્ણ! ગોવિંદ! હરે! મુરારે! હે નાથ! નારાયણ! વાસુદેવ! વગેરે ભગવન્નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી, અચાનક જ પ્રગટ થઈ. (૬૭) બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિરાણી ભાગવતના અર્થોનાં આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે. મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક-વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ. (૬૮) ત્યારે સનકાદિએ કહ્યું- ‘આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે.’ તેમનાં આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનત્કુમારજીને કહ્યું. (૬૯)

ભક્તિ બોલી – હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું? આ સાંભળીને સનકાદિએ તેને કહ્યું. (૭૦) ‘તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારાં, અનન્ય પ્રેમનું સંપાદન કરનારાં અને સંસારના રોગોને નિર્મૂળ કરનારાં છો; તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય-નિરંતર વિષ્ણુભક્તોના હૃદયમાં જ નિવાસ કરો. (૭૧) કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે, પરંતુ ત્યાં તેમની દૃષ્ટિ પણ તમારા પર પડશે નહીં.’ આ રીતે સનકાદિની આજ્ઞા મળતાં જ ભક્તિ તરત ભગવદ્ભક્તોનાં હૃદયોમાં જઈ બિરાજ્યાં. (૭૨)

જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે; કારણ કે આ ભક્તિને તાંતણે બંધાઈને તો સાક્ષાત્ ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે. (૭૩) પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત્ પરબ્રહ્મનો વિગ્રહ (મૂર્તિરૂપ) છે, આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ? એનો આશ્રય લઈને એને સંભળાવવાથી તો સાંભળનાર અને સંભળાવનાર – બંનેયને ભગવાન શ્રીકૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન? (૭૪)

મિત્રો, અહીં શ્રીમદ્દભાગવતના માહાત્મ્યનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે. બાકીના અધ્યાય આપણે આગળના લેખમાં જાણીશું. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. અધ્યાય 3 નો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top