તારીખ 26 નવેમ્બર 2024, મંગળવાર, આ દિવસ એટલે ઉત્પત્તિ એકાદશીનો દિવસ. કારતક માસના વદ પક્ષની એકાદશી એટલે ઉત્પત્તિ એકાદશી. આ એકાદશીએ ઉપવાસ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. તો આવો આજે ઉત્પત્તિ એકાદશીની વ્રતકથા, તેનાથી મળતું ફળ અને તેનો મહિમા જાણીએ.
મિત્રો, આજના લેખમાં આપણે જાણીશું કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને આ વ્રત કરવાથી કેવું પુણ્ય મળે છે. તો આ લેખને અંત સુધી વાંચજો. અને લાઈક અને શેર પણ કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે.
યુધિષ્ઠિરે પૂછ્યું — ભગવન્! પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં કેમ પવિત્ર માનવામાં આવી? તથા દેવતાઓને પણ કેવી રીતે પ્રિય થઈ?
શ્રીભગવાન બોલ્યા — કુંતીનંદન! પ્રાચીન સમયની વાત છે, સત્યયુગમાં મુર નામનો દાનવ રહેતો હતો. તે ઘણો જ અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા બધા દેવતાઓને માટે ભયંકર હતો. તે કાળરૂપધારી દુરાત્મા મહાસુરે ઈન્દ્રને પણ જીતી લીધો હતો. બધા દેવતાઓ તેનાથી હારીને સ્વર્ગથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને શંકિત તથા ભયભીત થઈને પૃથ્વી પર ફર્યા કરતા હતા. એક દિવસ બધા દેવતાઓ મહાદેવજી પાસે ગયા. ત્યાં ઈન્દ્રે ભગવાન શિવની સામે બધી સ્થિતિ કહી સંભળાવી.
ઈન્દ્ર બોલ્યા — મહેશ્વર! આ દેવતાઓ સ્વર્ગલોકથી ફેંકાઈને પૃથ્વી પર ફર્યા કરે છે. મનુષ્યોની વચ્ચે રહીને તેમની શોભા નથી થતી. દેવ કોઈ ઉપાય બતાવો. દેવતાઓએ કોનો સહારો લેવો?

મહાદેવજીએ કહ્યું — દેવરાજ! જ્યાં બધાને શરણ આપનારા, સૌના રક્ષણ માટે તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા લોકોનું રક્ષણ કરશે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — યુધિષ્ઠિર! મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઈન્દ્ર બધા દેવતાઓની સાથે ત્યાં ગયા.
ભગવાન ગદાધર ક્ષીરસાગરના જળમાં સૂઈ રહ્યા હતા. તેમનાં દર્શન કરીને ઈન્દ્રે હાથ જોડીને સ્તુતિ શરૂ કરી.
ઈન્દ્ર બોલ્યા — દેવદેવેશ્વર! આપને નમસ્કાર છે. દેવતા અને દાનવ બંનેય આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ! આપ દૈત્યોના શત્રુ છો. મધુસૂદન! અમારા લોકોનું રક્ષણ કરો. જગન્નાથ! બધા દેવતાઓ મુર નામના દાનવથી ભયભીત થઈને આપની શરણમાં આવ્યા છીએ. ભક્તવત્સલ! અમને બચાવો. દેવદેવેશ્વર! અમને બચાવો. જનાર્દન! અમારી રક્ષા કરો, રક્ષા કરો. દાનવોનો વિનાશ કરનારા કમલનયન! અમારી રક્ષા કરો. પ્રભો! અમે બધા લોકો આપની નજીક આવ્યા છીએ. આપના જ શરણમાં આવી પડયા છીએ.
ભગવન્! શરણે આવી રહેલા દેવતાઓને મદદ કરો. દેવ! આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા અને આપ જ કારણ છો. આપ જ બધા લોકોની માતા અને આપ જ આ જગતના પિતા છો. ભગવન્! દેવદેવેશ્વર! શરણાગતવત્સલ! દેવતાઓ ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. પ્રભો! અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મુર નામના દૈત્યે દેવતાઓને જીતીને અમને સ્વર્ગથી કાઢી મૂક્યા છે.
ઈન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા — ‘દેવરાજ! દાનવ, કેવો છે? તેનું રૂપ અને બળ કેવું છે તથા તે દુષ્ટને રહેવાનું સ્થાન કયાં છે?’
ઈન્દ્ર બોલ્યા — દેવેશ્વર! પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજઙઘ નામનો એક મહાન અસુર પેદા થયો હતો, જે ઘણો ભયંકર હતો. તેનો પુત્ર મુર દાનવના નામથી પ્રખ્યાત થયો. તે પણ ઘણો ઉત્કટ, મહાપરાક્રમી અને દેવતાઓને માટે ભયંકર છે. ચંદ્રાવતી નામની પ્રસિદ્ધ એક નગરી છે, તેમાં સ્થાન બનાવીને તે નિવાસ કરે છે. તે દૈત્યે બધા દેવોને હરાવીને સ્વર્ગલોકથી બહાર કરી દીધા છે. તેણે એક બીજા જ ઈન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડયો છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ તથા વરુણ પણ તેણે બીજા જ બનાવ્યા છે.
જનાર્દન! હું સાચી વાત જણાવી રહ્યો છું. તેણે સર્વ કોઈ બીજા જ બનાવી દીધા છે. દેવતાઓને તો તેણે દરેક સ્થાનથી ખસેડી મૂક્યા છે.
ઈન્દ્રનું કથન સાંભળીને ભગવાન જનાર્દનને ઘણો ક્રોધ થયો. તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા. દેવતાઓએ જોયું, દૈત્યરાજ વારંવાર ગર્જી રહ્યો છે, તેનાથી હારીને બધા દેવતાઓ દસે દિશાઓમાં ભાગી ગયા. હવે તે દાનવ ભગવાન વિષ્ણુને જોઈને બોલ્યો, ‘ઊભો રહે, ઊભો રહે.’ તેનો પડકાર સાંભળીને ભગવાનનાં નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં. તેઓ બોલ્યા — ‘અરે દુરાચારી દાનવ! મારી આ ભુજાઓને જો’. આમ કહીને શ્રીવિષ્ણુએ પોતાનાં દિવ્ય બાણોથી સામેથી આવી રહેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. દાનવ ભયથી વિહ્વળ થઈ ગયા.
પાંડુનંદન! તે પછી શ્રીવિષ્ણુએ દૈત્ય-સેના પર ચક્રનો પ્રહાર કર્યો. તેનાથી છિન્ન-ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મોંમાં ચાલ્યા ગયા. આના પછી ભગવાન મધુસૂદન બદરિકાશ્રમે ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી, જે બાર યોજન લાંબી હતી. પાંડુનંદન! તે ગુફામાં એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ તેમાં જ સૂઈ રહ્યા. દાનવ મૂર ભગવાનને મારી નાખવાના પ્રયત્નમાં મંડયો હતો. તે તેમની પાછળ પડી રહ્યો. ત્યાં પહોંચીને તેણે પણ એ જ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈને તેને ઘણો હર્ષ થયો. તેણે વિચાર્યું, ‘આ દાનવોને ભય પમાડનાર દેવતા છે. તેથી જરૂર આને મારી નાખીશ.’

યુધિષ્ઠિર! દાનવે આ રીતે વિચારતાં જ ભગવાન વિષ્ણુના શરીરથી એક કન્યા પ્રગટ થઈ, જે ઘણી જ રૂપવાન, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર-શસ્ત્રોથી યુક્ત હતી. તે ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી. તેનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર! દાનવરાજ મુરે તે કન્યાને જોઈ. કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવની સાથે યુદ્ધને માટે માગણી કરી. યુદ્ધ છેડાઈ ગયું. કન્યા બધા પ્રકારની યુદ્ધકળામાં નિપુણ હતી! તે મુર નામનો મહાન અસુર તેના હુંકારમાત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના માર્યા જવાથી ભગવાન જાગી ઊઠયા. તેમણે દાનવને ધરતી પર પડેલો જોઈ પૂછ્યું -‘મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો, કોણે આનો વધ કર્યો છે?’
કન્યા બોલી — સ્વામિન્! આપના જ પ્રસાદથી મેં આ મહાદૈત્યનો વધ કર્યો છે.
શ્રીભગવાને કહ્યું — કલ્યાણી! તારા આ કર્મથી ત્રણે લોકોના મુનિ અને દેવતા આનંદિત થયા છે! તેથી તારા મનમાં જેવી રુચિ હોય, તે મુજબ મારી પાસેથી કોઈ વરદાન માંગ; દેવદુર્લભ હોવા છતાં પણ તે વરદાન હું તને આપીશ, એમાં જરા પણ શંકા નથી.
તે કન્યા સાક્ષાત્ એકાદશી જ હતી. તેણે કહ્યું, ‘પ્રભો! જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધાં તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારની સિદ્ધિ દેનારી દેવી થઉં. જનાર્દન! જે લોકો આપનામાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે, તેમને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય. માધવ! જે લોકો ઉપવાસ, નક્ત અથવા એકભુક્ત કરીને મારા વ્રતનું પાલન કરશે, તેમને આપ ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરશો.’
શ્રીવિષ્ણુ બોલ્યા — કલ્યાણી! તું જે કંઈ કહે છે, તે બધું પૂર્ણ થશે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — યુધિષ્ઠિર! આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાનરૂપે કલ્યાણ કરનારી છે. આમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ નહિ કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડીક એકાદશી, મધ્યમાં પૂરી દ્વાદશી અને અંતમાં જરાક ત્રયોદશી હોય તો તે ‘ત્રિસ્પૃશા’ એકાદશી કહેવાય છે. તે ભગવાનને ઘણી જ પ્રિય છે. જો એક ત્રિસ્પૃશા એકાદશીનો ઉપવાસ કરવામાં આવે તો એક સહસ્ર એકાદશી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તથા આ જ પ્રકારે દ્વાદશીમાં પારણું કરવાથી સહસ્ર ગણું ફળ માનવામાં આવ્યું છે.

અષ્ટમી, એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી—આ જો પૂર્વતિથિથી વીંધાયેલ હોય તો તેમનામાં વ્રત નહિ કરવું જોઈએ. પરવર્તિની તિથિથી યુક્ત હોવાથી જ એમનામાં ઉપવાસનું વિધાન છે. પહેલે દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજે દિવસે માત્ર પ્રાતઃકાળ એક દંડ એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની દ્વાદશીયુક્ત એકાદશીનો જ ઉપવાસ કરવો જોઈએ.
આ વિધિ મેં બંને પક્ષોની એકાદશીને માટે જણાવી છે. જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે છે તે વૈકુંઠધામમાં, જ્યાં સાક્ષાત્ ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાય છે. જે માનવ હર સમયે એકાદશીના માહાત્મ્યનો પાઠ કરે છે, તેને સહસ્ર ગોદાનોનાં પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. જે દિવસે યા રાત્રે ભક્તિપૂર્વક આ માહાત્મ્યનું શ્રવણ કરે છે, તે વિના શંકાએ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એકાદશીના જેવું પાપનાશક વ્રત બીજું કોઈ નથી.
મિત્રો, અહીં ઉત્પત્તિ એકાદશીની કથા અને તેના મહિમાનું વર્ણન પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.