આમલકી એકાદશી કરવાથી બળે છે પાપ, વાંચો તેની કથા અને જાણો કેવી રીતે કરવું આ વ્રત? | Amalaki Ekadashi Vrat Katha, Aamlaki Ekadashi

એકાદશી એટલે ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ. આ દિવસે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની કૃપા મેળવે છે. આજના લેખમાં આપણે ફાગણ માસના શુક્લપક્ષની એકાદશીની કથા જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચજો. આ વખતે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી તારીખ 10 માર્ચ 2025 સોમવારના રોજ છે. આવો તેની કથા શરુ કરીએ.

યુધિષ્ઠિરે કહ્યું — શ્રીકૃષ્ણ! ફાગણ શુક્લપક્ષની એકાદશીનું નામ અને માહાત્મ્ય જણાવવાની કૃપા કરો.

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — મહાભાગ ધર્મનંદન! સાંભળો — તમને આ સમયે એ પ્રસંગ સંભળાવું છું, જેને રાજા માંધાતાના પૂછવાથી મહાત્મા વસિષ્ઠે કહ્યો હતો. ફાગણ શુક્લપક્ષની એકાદશીનું નામ ‘આમલકી’ છે. આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે.

માંધાતાએ પૂછ્યું — દ્વિજશ્રેષ્ઠ! આ ‘આમલકી’ ક્યારે ઉત્પન્ન થઈ. મને જણાવો.

વસિષ્ઠજીએ કહ્યું — મહાભાગ! સાંભળો — પૃથ્વી પર ‘આમલકી’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ જણાવું છું. આમલકી મહાન વૃક્ષ છે, જે સર્વ પાપોનો નાશ કરનારું છે. ભગવાન વિષ્ણુના થૂંકવાથી તેમના મુખથી ચન્દ્રમાના સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું. તે બિન્દુ પૃથ્વી પર પડયું. તેનાથી જ આમળી (આમળાં)નું મહાન વૃક્ષ પેદા થયું. એ બધાં જ વૃક્ષોનું આદિભૂત કહેવાય છે.

એ જ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. તેમના જ દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો. તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યાં, જ્યાં વિષ્ણુપ્રિયા આમળીનું વૃક્ષ હતું. મહાભાગ! તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી. તેઓ એકબીજા પર દૃષ્ટિપાત કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા-ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ (પીપળો) વગેરે વૃક્ષ તો પૂર્વ કલ્પની જ જેમ છે, જે બધેબધાં આપણા પરિચિત છે, કિન્તુ આ વૃક્ષને આપણે નથી જાણતા.

તેઓને આ પ્રમાણે ચિંતા કરતા જોઈ આકાશવાણી થઈ — ‘મહર્ષિઓ! આ સર્વશ્રેષ્ઠ આમળીનું વૃક્ષ છે, જે વિષ્ણુને પ્રિય છે. આના સ્મરણમાત્રથી ગોદાનનું ફળ મળે છે. સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે. એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આમળીનું સેવન કરવું જોઈએ. આ બધાં પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે. આના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, સ્કંધમાં પરમેશ્વર ભગવાન રુદ્ર, શાખાઓમાં મુનિ, ડાળીઓમાં દેવતા, પાંદડાંઓમાં વસુ, ફૂલોમાં મરુદ્-ગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે. આમળી સર્વદેવમયી જણાવવામાં આવી છે. તેથી વિષ્ણુભક્તોને માટે આ પરમ પૂજ્ય છે.

ઋષિ બોલ્યા – (અવ્યક્ત સ્વરૂપથી બોલનારા મહાપુરુષ) અમે લોકો આપને શું સમજીએ — આપ કોણ છો? દેવતા છો કે કોઈ બીજા? અમને બરાબર જણાવશો.

આકાશવાણી થઈ — જેઓ સઘળાં ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનોના સ્રષ્ટા છે, જેમને વિદ્વાન પુરુષ પણ મુશ્કેલીથી જોવા પામે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું.

દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને એ બ્રહ્મકુમાર મહર્ષિઓનાં નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઊઠ્યાં. તેમને ઘણું વિસ્મય થયું. તેઓ આદિ-અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.

ઋષિ બોલ્યા — સઘળાં ભૂતોના આત્મભૂત, આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે. પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે. અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે. દામોદર, કવિ (સર્વજ્ઞ) અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે. માયાપતે! આપને પ્રણામ છે. આપ વિશ્વના સ્વામી છો; આપને નમસ્કાર છે.

ઋષિઓની આ રીતે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીહરિ સંતોષ પામ્યા અને બોલ્યા — ‘મહર્ષિઓ! તમને કયું પ્રિય વરદાન આપું?’

ઋષિ બોલ્યા — ભગવન્! જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો, જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય.

શ્રીવિષ્ણુ બોલ્યા — મહર્ષિઓ! ફાગણ શુક્લપક્ષની જો પુષ્યનક્ષત્રથી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટાં-મોટાં પાપોનો નાશ કરનારી હોય છે. દ્વિજવરો! તેમાં જે વિશેષ કર્તવ્ય છે, તેને સાંભળો. આમલકી એકાદશીમાં આમળીના વૃક્ષની પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. આનાથી મનુષ્ય બધાં પાપોથી છૂટી જાય અને સહસ્રા ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. વિપ્રગણ! આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે, જેને મેં તમને લોકોને બતાવ્યું છે.

ઋષિ બોલ્યા — ભગવન્! આ વ્રતની વિધિ બતાવશો. આ કેવી રીતે પૂર્ણ થાય છે? આના દેવતા, નમસ્કાર અને મંત્ર કયા બતાવવામાં આવ્યા છે? એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે? પૂજનની કેવી વિધિ છે તથા તેને માટે મંત્ર શું છે? આ બધી બાબતોનું યથાર્થ રૂપે વર્ણન કરશો.

ભગવાન વિષ્ણુએ કહ્યું — દ્વિજવરો! આ વ્રતની જે ઉત્તમ વિધિ છે, તેને સાંભળો. એકાદશીએ સવારે દંતધાવન કરીને આ સંકલ્પ કરવો કે ‘હે પુણ્ડરીકાક્ષ! હે અચ્યુત! હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે સવારે ભોજન કરીશ. આપ મને શરણમાં રાખો’. આવો નિયમ લીધા પછી પતિત, ચોર, પાખંડી, દુરાચારી, મર્યાદાભંગ કરનારા તથા ગુરુપત્નીગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી. પોતાના મનને વશમાં રાખીને નદીમાં, તળાવમાં, કૂવા પર અથવા ઘરમાં જ સ્નાન કરવું. સ્નાનના અગાઉ શરીરમાં માટી લગાડવી.

માટી લગાડવાનો મંત્ર

અશ્વક્રાન્તે રથક્રાન્તે વિષ્ણુક્રાન્તે વસુન્ધરે ।

મૃત્તિકે હર મે પાપં જન્મકોટ્યાં સમર્જિતમ્ |॥ (૪૭|૪૩)

‘વસુન્ધરે! તારા ઉપર ઘોડા તથા રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને તને પોતાનાં ચરણોથી માપી હતી. મૃત્તિકે! મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યાં છે, મારાં તે બધાં પાપોને હરી લે.’

સ્નાન-મંત્ર

ત્વં માતઃ સર્વભૂતાનાં જીવનં તત્તુ રક્ષકમ્।

સ્વેદજોદ્ધિજ્જજાતીનાં રસાનાં પતયે નમઃ ||

સ્નાતોઽહં સર્વતીર્થેષુ હ્રદપ્રસ્રવણેપુ ચ।

નદીષુ દેવખાતેષુ ઈદં સ્નાનં તુ મે ભવેત્ ।। (૪૭।૪૪-૪૫)

‘જળની અધિષ્ઠાત્રી દેવી! માતઃ! તું સંપૂર્ણ ભૂતોને માટે જીવન છે. તે જ જીવન, જે સ્વેદજ અને ઉદ્ધિજ્જ જાતિના જીવોનું પણ રક્ષક છે. તું રસોની સ્વામિની છે. તમને નમસ્કાર છે. આજે હું સઘળાં તીર્થો, કુંડો, ઝરણાંઓ, નદીઓ અને દેવ-સંબંધી સરોવરોમાં સ્નાન કરી ચૂક્યો. મારું આ સ્નાન કહેલું બધાં જ સ્નાનોનું ફળ દેનારું હો.

વિદ્વાન પુરુષે પરશુરામજીની સોનાની પ્રતિમા બનાવવી જોઈએ. પ્રતિમા પોતાની શક્તિ અને ધનના અનુસાર એક કે અડધા માશા સોનાની હોવી જોઈએ. સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા. આના પછી બધાં પ્રકારની સામગ્રી લઈને આમળીના વૃક્ષની પાસે જવું. ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળીઝૂડી લીપી–ગૂંપીને શુદ્ધ કરવી. શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્રપાઠપૂર્વક જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી.

કળશમાં પંચરત્ન અને દિવ્યગંધ વગેરે નાખવા. સફેદ ચંદનથી તેને ચર્ચિત કરવો. કંઠમાં ફૂલની માળા પહેરાવવી. બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી. સળગેલા દીવાઓની હાર સજાવીને રાખવી. તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દૃશ્ય પ્રકાશિત કરવું. પૂજાને માટે નવી છત્રી, જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા. કળશના ઉપર એક પાત્ર રાખીને તેને દિવ્ય લાજોં (ખીલોં)થી ભરી દેવું. પછી તેના ઉપર સુવર્ણમય પરશુરામજીની સ્થાપના કરવી.

‘વિશોકાય નમ:’ કહીને તેમનાં ચરણોની, ‘વિશ્વરૂપિણે નમઃ’થી બંને ઘૂંટણોની, ‘ઉગ્રાય નમઃ’થી જાંઘોની, ‘દામોદરાય નમઃ’થી કટિભાગની, ‘પદ્મનાભાય નમઃ’થી ઉદરની, ‘શ્રીવત્સધારિણે નમઃ’થી વક્ષઃસ્થળની, ‘ચક્રિણે નમઃ’થી ડાબી બાંજુની, ‘ગદિને નમઃ’થી જમણી બાંજુની, ‘વૈકુણ્ઠાય નમઃ’થી કંઠની, ‘યજ્ઞમુખાય નમઃ’થી મુખની, ‘વિશોકનિધયે નમઃ’થી નાસિકાની, ‘વાસુદેવાય નમઃ’થી નેત્રોની, ‘વામનાય નમઃ’થી લલાટની, ‘સર્વાત્મને નમઃ’થી સઘળાં અંગો તથા મસ્તકની પૂજા કરવી. આ બધા જ પૂજાના મંત્ર છે. ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી શુદ્ધ ફળના દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય પ્રદાન કરવો. અર્ધ્યનો મંત્ર આવી રીતે છે –

નમસ્તે દેવદેવેશ જામદગ્ન્ય નમોડસ્તુ તે ।

ગૃહાણાધ્ર્યમિમં દત્તમામલક્યા યુતં હરે ।। (૪૭ | ૫૭)

‘દેવદેવેશ્વર! જમદગ્નિનંદન! શ્રીવિષ્ણુસ્વરૂપ પરશુરામજી! આપને નમસ્કાર છે, નમસ્કાર છે. આમળાંનાં ફળની સાથે આવેલ મારો આ અર્ધ્ય ગ્રહણ કરશો.’

ત્યાર પછી ભક્તિભાવવાળા ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ્ય, ધાર્મિક ઉપાખ્યાન તથા શ્રીવિષ્ણુસંબંધી કથા-વાર્તા વગેરેના દ્વારા તે રાત પસાર કરવી. તેના પછી ભગવાન વિષ્ણુનાં નામ લઈલઈને આમળીના વૃક્ષની પરિક્રમા એકસો આઠ કે અઠ્ઠાવીસ વાર કરવી. પછી સવાર થવાથી શ્રીહરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી તેને આપી દેવી.

પરશુરામજીનો કળશ, બે વસ્ત્ર, જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે ‘પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી આમળીનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી કુટુંબીજનોની સાથે બેસીને પોતે પણ ભોજન કરવું.

આમ કરવાથી જે પુણ્ય થાય છે, તે બધું બતાવું છું; સાંભળો. તમામ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા બધાં પ્રકારનાં દાનો દેવાથી જે ફળ મળે છે, તે બધું ઉપર્યુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે. સમસ્ત યજ્ઞો કરતા પણ વધારે ફળ મળે છે; આમાં જરા પણ શંકા નથી. આ વ્રત બધાં વ્રતોમાં ઉત્તમ છે, જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે.

વસિષ્ઠજી કહે છે — મહારાજ! આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રતનું પૂર્ણરૂપે પાલન કર્યું. નૃપશ્રેષ્ઠ! આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — યુધિષ્ઠિર! આ દુર્ધર્ષ વ્રત મનુષ્યને બધાં પાપોથી મુક્ત કરનારું છે.

મિત્રો, અહીં આમલકી એકાદશીની વ્રતકથા અને માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top