નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ દુનિયામાં એવા ઘણા બધા દોઢા-ડાહ્યા માણસો હોય છે જે ભગવાનની પરીક્ષા કરવાનું વિચારે છે. આજે આપણે એવા જ એક માણસની વાર્તા જાણીશું. તો આ લેખને અંત સુધી વાંચજો અને લાઈક અને શેર જરૂર કરજો.
રામપુર રળિયામણું ગામ. ગામને પાદર ખળખળ વહેતી નદી. આ નદીમાં ચોમાસામાં પૂર આવતું.
આ વખતે પણ ચોમાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો. છેલ્લા એક અઠવાડિયાથી વરસાદની હેલી ચાલુ રહી. પાણીથી ગાંડીતૂર બનેલી નદી કાંઠો તોડીને ગામમાં ફરી વળી. ગામમાં ચારેકોર બસ પાણી જ પાણી દેખાવા લાગ્યું.
ગામલોકોનાં છાપરાં તૂટ્યાં. જૂનાં માટીનાં ઘરો ધબાધબ પડવાં લાગ્યાં. જૂનાં ઝાડ પણ ઊખડીને તણાવા લાગ્યાં. ઘણા લોકો પણ તણાયા. ઢોરઢાંખર પણ તણાયાં.
ઘણા લોકોને આ તોફાનનો અણસાર પહેલેથી જ આવી ગયો હતો. તેથી તેઓ ઘરબાર છોડીને ચાલ્યાં ગયાં હતાં. સાથે થોડીઘણી ઘરવખરી લઈને ગામ છોડી દૂર ગયાં હતાં. પણ ગામમાં હજુ થોડાં ઘણાં મોટાં મકાનો અડીખમ ઊભાં હતા. પણ પવન અને વરસાદનું જોર એટલું હતું કે તે પણ કડડભૂસ કરતાં ક્યારે નીચે પડી જાય કંઈ નક્કી કહેવાય નહીં. એટલે મોટાં ઘરોમાં પણ લોકો ગભરાઈને બેઠાં હતાં.
બસ આ રીતે જ એક મોટા મકાનના બીજે માળે મનિયો મોજીલો અધ્ધર જીવે હવાતિયાં મારતો હતો. આખી જિંદગી તેણે મોજશોખમાં-ખાવા-પીવામાં વિતાવી હતી. ક્યારેય ભગવાનનું નામ લીધું ન હતું. પણ આજે તેને પોતાનો અંતકાળ નજીક દેખાયો.
વધતાં જતાં પાણીમાં તેને પોતાનો કાળ દેખાયો. એટલે ઓચિંતા ભગવાન યાદ આવ્યા. પણ ભગવાન પાસે મદદ કેવી રીતે માગે? જીવનમાં ક્યારેય બે-ચાર વાર પણ ભગવાનનું નામ લીધું નહોતું. એટલે આજે પોતાના જીવને બચાવવા માટે પણ કાંઈક માંગતાં તેની જીભ ઊપડતી નહોતી. તેથી તેણે એક તરકીબ અજમાવી.
તેણે ભગવાનની પરીક્ષા કરવાની શરૂ કરી. આખી દુનિયાની કસોટી કરનાર તારણહારની આજે મનિયો પરીક્ષા કરવા લાગ્યો. તે આકાશ તરફ હાથ ઊંચા કરીને બોલ્યો, ‘લોકો કહે છે – તું તારણહાર છે. મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ કરે છે. તો આજે હું જોઈ લઉં કે તું ખરેખર તારણહાર છે કે નહીં? ખરેખર તું તારણહાર હોય તો આજે મને બચાવવા આવ. તો હું માનું કે લોકોની તારા પરની શ્રદ્ધા સાચી છે. નહીંતર માનીશ કે તારા ભક્તો પણ ખોટા અને તું પણ તેમના જેવો ખોટો !’
મિત્રો, ભગવાન તો દયાળુ છે. તે કોઈનેય દુઃખ કે તકલીફમાં જોઈ શકતા નથી. પોતાની સામે છળકપટ કરનારનુંય ભલું કરવા ઇચ્છે છે. આથી તેમણે મનિયાને બચાવવાનો નિર્ણય કર્યો અને એક નાનકડી હોડી લઈને, એક માછીમારનું રૂપ ધરીને ત્યાં બચાવવા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા, ‘ચાલ મારી સાથે હું તને બચાવવા આવ્યો છું.’ પણ મનિયો તેમને ઓળખી ન શક્યો અને કહેવા લાગ્યો, ‘આજે મારે ભગવાનની કસોટી કરવી છે. મને ભગવાન જ બચાવવા માટે આવશે, તો જ હું જઈશ.’ આમ તે જિદ્દ ઉપર ચડી રહ્યો અને માછીમાર સાથે ગયો નહીં. ત્યારબાદ બીજા બે માણસો મનિયાને બચાવવા માટે આવી પહોંચ્યા, પણ મનિયો તેમની સાથે પણ ન ગયો. અને કહેવા લાગ્યો કે ‘આજે હું જોઉં છું કે ભગવાન મને બચાવે છે કે નહીં. ‘
આમ, ત્રણથી ચાર વાર તેને બચાવવા માટે લોકો આવ્યા, પણ મનિયો તેમની સાથે ન ગયો. આખરે પાણીનો વેગ વધ્યો. મનિયાનું મકાન પાણીમાં નીચે બેસી ગયું. મનિયો પાણીના પ્રવાહમાં દૂર દૂર તણાવા લાગ્યો, પણ તણાતાં-તણાતાં ભગવાનને ઠપકો આપવા લાગ્યો કે ‘ખરેખર તું ખોટો છે. લોકોની તારા પરની શ્રદ્ધા જૂઠી છે. તું તારણહાર નથી. તું કોઈની મદદે આવતો નથી.’
બરાબર તે જ સમયે આકાશવાણી થઈ, ‘મૂરખ, હું તને ચાર-ચાર વાર જુદા જુદા રૂપે બચાવવા માટે આવ્યો. પણ તારી ખોટી જિદ્દના કારણે તું બચી શક્યો નહીં. મારી ભક્તિના અભાવે તું મને ઓળખી ન શક્યો. આથી આજે તું મોતને શરણે જઈ રહ્યો છે.’ પછી થોડીવારમાં તો મનિયો દૂર દૂર પૂરમાં ઢસડાઇને કાળના મુખમાં પહોંચી ગયો.
ખરેખર, મુસીબતમાં ગમે તે રૂપે, કોઈપણ સ્વરૂપે ઇશ્વર જરૂર મદદ કરે છે. તેવા સમયે તેને ઓળખવાની જરૂર છે. પણ તે ત્યારે જ ઓળખાય છે, જ્યારે ભજન-ભક્તિ અને સત્સંગમાં જોડાયેલા રહીએ.
મિત્રો, જે લોકો સાચા હૃદયે અને નિઃસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરે છે તેમની મદદ ભગવાન જરૂર કરે છે. તો આપણે પણ દરરોજ સાચા હૃદયે અને નિઃસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરીએ. આ વાર્તાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.
આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે, તો આને લાઈક અને શેર જરૂર કરજો.