ઘરે દશામાની મૂર્તિ લાવ્યા છો તો આ કથા જરૂર વાંચજો – દશામાની કથા – દિવાસાનું વ્રત | Dashama Katha Divaso Vrat Katha

મિત્રો, આજે અષાઢ મહિનાની અમાસ છે. આજથી દશામાનું 10 દિવસનું વ્રત શરુ થાય છે. અષાઢ વદ અમાસને દિવાસો પણ કહે છે. અષાઢ વદ અમાસથી દશામાનું વ્રત શરૂ કરવું. દસ દિવસે આ વ્રત પુરું કરવું. દશામાના નામનો દીપ પ્રગટાવવો અને દશામાની કથા સાંભળવી. ઉપવાસ કરવો અને જો ઉપવાસ ન થાય તો એકટાણું કરવું. આજના લેખમાં આપણે દશામાની કથા વાંચવાના છીએ. આ કથા વાંચ્યા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ગામ હતું. એ ગામમાં નદીકિનારે રાજાનો એક મહેલ હતો. એ મહેલમાં રાણી રોજ ઝરૂખામાં બેસતી અને કુદરતી સૌંદર્ય જોતી હતી.

એવામાં એક દિવસ અષાઢ માસનો વદ અમાસનો દિવસ આવ્યો. એટલે કે એ દિવસે દિવાસો હતો. ગામની સ્ત્રીઓ દશામાનું વ્રત હોવાથી નહાવા માટે આવી હતી.

સ્ત્રીઓને જોઈ રાણી એમની પાસે ગઈ અને એક સ્ત્રીને કહ્યું : ‘બહેન મારે દશામાનું વ્રત કરવું છે.’

પેલી સ્ત્રીએ આખી વિધિ સમજાવતાં કહ્યું : ‘અષાઢ વદ અમાસ એટલે દિવાસો. આ દિવસે કથા કહેવી તથા સાંભળવી. પવિત્ર જગાએ દશામાનું નામ લઈ કળશ સ્થાપવો. પછી દસ શેરનો દોરો લઈ તેને દશ ગાંઠ વાળવી. તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધવી, કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવી. વ્રત કરનારે દશ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે, એક ટાણું કરો તોય ચાલે. આ વ્રત પાંચ વર્ષ સુધી કરવું અને તે શ્રદ્ધા મુજબ કરતાં ફળ પ્રાપ્તિ થાય છે!

એ પછી રાણીએ મહેલમાં જઈ રાજાને બધી વાત કરી.

આથી રાજાએ પૂછ્યું : વ્રતથી ફાયદા શું?

તો જવાબમાં રાણીએ કહ્યું કે ‘વ્રત કરવાથી મન પવિત્ર તથા તન નિરોગી રહે છે. દુ:ખિયાને ધન મળે છે તથા વાંઝિયાને પુત્રનું ફળ મળે છે.’

એટલે રાજાએ કહ્યું : ‘આપણી પાસે વિપુલ ધન છે. તારે શું ખોટ છે તે વ્રત કરવું છે?’

રાજાનાં આવા ગર્વીલાં વચનોથી રાણી વ્યથિત બની. તેણે ભૂખી રહી દશામાની ભક્તિ કરી.

આ બાજુ રાજાએ દશામાની અવગણના કરી. એટલે દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાનમેદાન થયું. દુશ્મન રાજાએ વળી ચઢાઈ કરી. આથી પહેરેલાં કપડે રાજા અને રાણી બંને ચાલી નીકળ્યા.

તેઓ થોડે દૂર ગયાં ત્યાં રાજબાગ આવતાં તે વિશ્રાંતિ સારું બેઠાં. ત્યાં તો બાગનાં લીલાં ઝાડ ભડભડ સળગવા લાગ્યાં.

રાણીને સમજાયું કે આ તો માઠી દશાનું પરિણામ જ છે. રાજાને ય એમ જ લાગ્યું. પછી તેઓ આગળ ચાલ્યા તો રાણીની સખીનું ગામ આવ્યું. રાણીએ તેની પાસે ખાવા માગ્યું.

તેમના કુંવરો ભૂખ તથા તરસથી પીડાતા હતા. છતાં પેલી સખીએ તેમને હડધૂત કરી કાઢી મુક્યા. રાજા-રાણી બેય આગળ વધ્યાં. આગળ જતાં વાવ આવી. એમાં બધાં પાણી પીવા ઊતર્યાં. વાવના પગથિયાં લીસાં હતાં આથી કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડુબી ગયા.

આ જોઈ રાજા-રાણી રડવા લાગ્યાં. તેમણે પોતાની દશાનો દોષ કાઢયો. હૈયાફાટ કલ્પાંત કરતાં કરતાં તે આગળ વધ્યાં.

એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ વિચાર્યું મેં બહેનનું ખૂબ રાખ્યું છે. વારતહેનારે ખૂબ કપડાં તથા દાગીના વગેરે આપેલ છે. આથી બહેન દુ:ખમાં અમને આશ્રય આપશે.

રાજાએ બહેનના ઘેર પોતાના આગમનના ખબર આપ્યા. ખબર સાંભળી રાજાની બહેને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોડિયું ઢાંકી તેના ઉપર ચંદનહાર મૂક્યો. પછી લૂગડાના કટકાથી માટલીનું મોટું બાંધી તે માટલી ગોવાળને આપી અને કહ્યું : ‘હે ગોવાળ, આ બધું મારા ભાઈને આપી કહેજો કે તેમને જ્યાં જવું હોય ત્યાં જાય.’

ગોવાળ રાજા પાસે ગયો અને તેમને માટલી આપી રાજાની બહેને જે કહ્યું હતું તે જણાવ્યું. રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનોથી તેને ભારે દુ:ખ થયું. આથી રાણીએ રાજાને કહ્યું : ‘નાથ! દુ:ખમાં ભાઈ કોણ અને ભોજાઈ કોણ? જગતમાં સ્વાર્થ જ ભર્યો છે.’

પછી રાજા અને રાણી આગળ ચાલ્યા. થોડી વારમાં ગામનું પાદર આવ્યું. ત્યાં રાજાએ એક ઝાડ નીચે બેસી માટલી ખોલી. કોડિયામાં મુકેલો ચંદનહાર વીંછી થઈ ગયો હતો! વીંછીને જોઈ રાણીએ કહ્યું : ‘જોયું ને બહેનનું હેત !’

પછી રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંક્યું. તેમણે માટલીમાં જોયું તો સુખડીને સ્થાને માટીનાં ઢેફાં હતા.

રાજાને એમ લાગ્યું કે ભાગ્ય રૂઠયું હોવાથી આમ બને છે. રાજાએ હિંમતથી કોડિયું વીંછી સમેત ઉપાડયું અને માટલી પર ઢાંક્યું. માટલીનું મોટું બાંધીને ઝાડની નીચે જમીનમાં દાટી દીધી.

ત્યાંથી તેઓ આગળ ચાલ્યાં ત્યાં તડબુચની વાડી આવી.

રાણીએ તેના રખેવાળ પાસે તડબૂચ માગ્યું. રખેવાળે બે તડબુચ આપ્યાં અને કહ્યું : ‘બહેન સવારે તડબુચ ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો.’

ત્યાર બાદ વાડીના દરવાજા બહાર રખેવાળે બે ખાટલા પાથર્યા. એકમાં રાણી અને બીજામાં રાજા સૂતો. રાજાએ જે બે તડબૂચ હતા તે ખાટલામાં રાખેલાં તે ત્યાંના રાજાના કુંવરોનાં મસ્તક બની ગયા. અને આ રાજાને એ વાતની ખબર ન હતી.

સવાર પડતાં તે રાજ્યના સિપાઈઓ તડબૂચની વાડીએ આવી પહોંચ્યાં. તેમણે રાજાના ખાટલામાં ગૂમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલાં મસ્તકો જોયાં. તે જોઈ સિપાઈઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે આથી તેમણે રાજાને પકડી લીધો. સાથે રાણીને પણ બંદીવાન બનાવી પોતાના રાજા સમક્ષ રજૂ કર્યા.

સિપાઈઓએ કહ્યું : ‘મહારાજ, કુંવરોના હત્યારા આ લોકો જ છે.’

તે રાજાએ બંનેને કેદખાનામાં પૂર્યા. બંનેને જુદી જુદી કોટડીઓ આપી. સમય પસાર થવા લાગ્યો. રાણીને થતું અષાઢ માસમાં વ્રત કરું તો કુટુંબ પરનું દુઃખ ઓછું થાય. મારા પતિએ દશામાની અવગણના કરતાં કુટુંબ પર દુ:ખના ડુંગર તૂટી પડયા છે.

પછી રાણીએ દિવાસાના આગળના દિવસે કેદખાનાના ઉપરીને દશામાનું વ્રત કરવા દેવા વિનંતી કરી. કેદખાનાના ઉપરીએ રાણીને મંજૂરી આપી અને જોઈતી સામગ્રી લાવવા વચન આપ્યું.

બીજા દિવસે દિવાસો હતો. રાણીએ સ્નાનવિધિ પતાવી. પછી દસ શેરનો દોરો લીધો. તેને દશ ગાંઠો વાળી અને કંકુ લગાડ્યું. પછી માનું નામ લીધું અને કળશની સ્થાપના કરી. દોરાને કળશે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી. અને ભૂખ્યા પેટે સૂઈ ગઈ.

આમ રાણીએ દસ દિવસ નકોરડા ઉપવાસ કર્યા. રાણીએ વ્રત પૂરું કર્યું. રાત્રે રાણીએ દસ મુઠી ઘઉં ભરી માટીની સાંઢણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી.

એજ રાતે ત્યાંના રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું : ‘તેં જેમને કેદ કરેલ છે તે દૂરના રાજ્યના રાજા તથા રાણી છે. માટે તેમને છોડી દે. તમારા કુંવરો મોસાળમાં છે. કાલે સવારે અહીં તે આવી જશે. તમે જોયેલાં મસ્તકો માત્ર માયાવી જ હતાં.’

રાજાની આંખ ખુલી. સ્વપ્ન પૂરું થયું. થોડીવારમાં તો રાજાના કુંવરો આવી ગયા. એમને જોઈ રાજાના આનંદનો પાર ન રહ્યો. તેણે બંદીવાન રાજા-રાણીને છોડાવ્યા અને તેમને જમાડીને રાજાએ માફી માગી અને કહ્યું, ‘તમો નિર્દોષ છો, મારા કુંવરો જીવતા છે, અત્યારે જ તેઓ મહેલમાં આવ્યા છે. તમારી દુર્દશા કોઈ દેવીના કોપથી થઈ લાગે છે.’

આ સાંભળી પેલા રાજા-રાણીને થયું કે હવે દશા પલટાઈ છે આથી તેઓ પોતાના રાજ્ય તરફ પાછા ફર્યાં. રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું.

તેમણે ત્યાં દાટેલી માટલી બહાર કાઢી અને તેમાં જોયું તો તેમાં સુખડી હતી. તે બંને જણાએ માટલીમાંથી સુખડી ખાધી. પછી રાણી બોલી : ‘નાથ, હવે દશા વળી છે. હવે સારું થશે.’ તેઓ ત્યાંથી આગળ નીકળ્યા. રસ્તામાં પેલી વાવ આવી. ત્યાંથી તેમને પોતાના બંને પુત્ર મળ્યા. તેમના પુત્રો સાથે એક ડોશી હતા. તે બીજું કોઈ નહીં પણ દશામા હતા, જે રૂપ બદલીને આવ્યા હતા.

તે ડોશીએ રાજા-રાણીને કહ્યું : ‘આ અજાણ્યા છોકરા ભૂલા પડયા છે. તો તેમને લઈ જાઓ.’

આ જોઈ રાણી સમજી ગઈ કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ દશામા છે. આથી રાણી તેમને પગે પડી. એ પછી દશામાએ કહ્યું : ‘તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી આથી માઠી દશા બેઠી ‘તી. તમો મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર સુખી અને સમૃદ્ધ થશે.’

આ પછી કુંવરો તથા રાજા-રાણીને દશામાં આશીર્વાદ આપી અંતરધાન થયાં.

એ પછી ચારેય જણા આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. તેણીએ બધાંને આવકાર આપી રોકાવા કહ્યું પરંતુ રાણીએ જવાબ આપ્યો કે, ‘મારી ખરાબ દશામાં તેં મને ભીખારણ કહેલી. બહેન, તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં.’ આમ કહીને તેઓ આગળ વધ્યા.

થોડીવારમાં તેઓ રાજબાગ આગળ આવ્યા. તેઓ ત્યાં પ્રવેશ્યા ત્યાં જ સુકોભંઠ થયેલો બાગ ફરી હરિયાળો બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું કે, ‘હવે આપણી દશા ફરી છે. આથી આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે.’

પોતાના રાજા અને રાણીને આવેલા જોઈ માળીએ ગામમાં સમચાર આપ્યા. એટલે બાગ આગળ સૌ આવ્યાં. સૌનો હર્ષ સમાતો ન હતો. દુશ્મન રાજાએ રાજ પચાવેલું તેય તેણે પાછું આપ્યું. એટલે અસલ રાજાએ વહીવટ સંભાળી લીધો. રાજા, રાણી તથા કુંવરનું રાજમહેલ સુધી વાજતેગાજતે સામૈયું કરવામાં આવ્યું.

રાજા તથા રાણી દશામાના વ્રતથી સુખી થયાં. એ પછી દર વર્ષે રાણી આ વ્રત કરતી. દસ દિવસ નકોરડા ઉપવાસ કરતી. માટીની સાંઢણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે લાગલગાટ રાણીએ પાંચ વર્ષ પર્યંત દશામાનું વ્રત કર્યું.

પાંચમા વર્ષે રાણીએ વ્રતની પુર્ણાહુતિ કરી. તેણે તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડયા. પછી રૂપાની એક સાંઢણી બનાવી રાખી હતી તે પંડિતને દાનમાં આપી તેમના આશીર્વાદ મેળવ્યા.

હે માઁ, જેમ રાજા-રાણીની આ વ્રત કરવાથી દશા વળી તેમ આ વ્રત કરનાર દરેક ભક્તોની પણ દશા વળજો.

મિત્રો, અહીં દશામાના વ્રતની કથા પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top