ભગવાન કેટલા દયાળુ છે?
ઘણા સમય પહેલાની વાત છે. કોઈ એક નગરના રાજાએ પોતાના મહેલની નજીક જ ફળોનો મોટો બગીચો બનાવડાવ્યો હતો. તેની સંભાળ રાખવા માટે એક માળીને રાખવામાં આવ્યો હતો. તે માળી ત્યાં રહીને પોતાના પરિવાર સાથે બગીચાની સંભાળ રાખતો અને દરરોજ તાજા ફળો મહેલમાં લઈ જતો અને રાજા સમક્ષ મૂકતો. રાજા એ તાજા ફળો ખાઈને ખુશ થતો.
સમય વીતતો ગયો. એવામાં એક દિવસ માળીએ જોયું કે બગીચામાં જમરૂખ, દ્રાક્ષ, બોર અને નારિયેળ આ ફળો પાકીને તૈયાર થયા છે. આ જોઈ માળી વિચારવા લાગ્યો કે આજે રાજા પાસે કયું ફળ ખાવા માટે લઈ જવું? થોડા સમય સુધી પાકેલા ફળોને જોયા પછી, માળીએ નક્કી કર્યું કે આજે રાજમહેલમાં દ્રાક્ષ લઈ જાઉં. પછી માળીએ તાજી અને મોટી મોટી દ્રાક્ષોથી ટોપલી ભરી અને મહેલમાં રાજાની સામે પહોંચ્યો.
તે સમયે રાજા પોતાના અંગત વિચારોમાં ખોવાયેલા હતા. માળીએ હંમેશની જેમ ફળોની ટોપલી રાજાની સામે મૂકી અને પછી થોડે દૂર જઈને બેસી ગયો.
પોતાના વિચારોમાં ખોવાયેલ રાજા ટોપલીમાંથી એક દ્રાક્ષ ઉપાડીને પોતાના મોંમાં મૂકતા અને એક દ્રાક્ષ તેની સામે બેઠેલા માળી તરફ ફેંકતા, જે સીધી જઈને માળીના માથા પર વાગતી. જ્યારે પણ માળીના માથા પર દ્રાક્ષ પડતી, ત્યારે તેના મોઢામાંથી શબ્દ નીકળતા કે “ભગવાન ખૂબ દયાળુ છે.”
રાજા જોરથી દ્રાક્ષ ફેંકતા અને દર વખતે માળી કહેતો – “ભગવાન ખૂબ દયાળુ છે.”
થોડા સમય પછી રાજાને ખ્યાલ આવ્યો કે તે શું કરી રહ્યા છે અને તેનો શું પ્રતિભાવ આવી રહ્યો છે. પછી રાજા સ્વસ્થ થઈને પોતાની મૂળ મુદ્રામાં બેઠા અને માળીને પૂછ્યું – હું તમને વારંવાર દ્રાક્ષ મારતો રહ્યો છતાં તમે એમ કહેતા હતા કે “ભગવાન ખૂબ દયાળુ છે.” એવું શા માટે?
પછી માળીએ હાથ જોડીને નમ્રતાથી કહ્યું – મહારાજ! આજે બગીચામાં નાળિયેર, જમરૂખ અને બોર પણ પાકીને તૈયાર હતા. પણ મને એવો વિચાર આવ્યો કે આજે દ્રાક્ષ લઈ જઉં.
જો હું આજે તમારા માટે જમરૂખ, બોર કે નારિયેળ લાવ્યો હોત તો આ સમયે મારી શું હાલત હોત? એટલા માટે હું દર વખતે કહેતો હતો કે “ભગવાન ખૂબ દયાળુ છે”.
આ સાંભળી રાજાને પણ પોતાની ભૂલનો અનુભવ થયો, અને તેમણે પોતાની ભૂલ બદલ માફી માંગી.
આ સ્ટોરી પરથી એ બોધ મળે છે કે – ભગવાન આ રીતે આપણી મુશ્કેલીઓને પણ સરળ બનાવે છે, પરંતુ તેમ છતાં આપણે ભગવાનને દયાળુ કહેવાને બદલે, તેમને દોષ આપવાનું બંધ નથી કરતા.
આ સ્ટોરી તમને જરૂર પસંદ આવી હશે, તો આને લાઈક અને શેર જરૂર કરજો.