શું તમારે માથામાંથી ખોડો દૂર કરવો છે? શું તમારા નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા છે? શું તમારે આંખોના નંબર દૂર કરવા છે? તો અજમાવો આ અસરદાર ઘરગથ્થુ ઉપચાર.
નમસ્કાર મિત્રો, આપ સૌનું આરોગ્ય સંબંધિત લેખમાં સ્વાગત છે. જો તમારામાંથી કોઈને અથવા તમારા ઘરમાં, પરિવારમાં, આડોશપાડોશમાં, મિત્રમંડળમાં કોઈને વાળ, માથા કે આંખોને લગતી તકલીફ હોય તો આ લેખ ખુબ ઉપયોગી રહેશે. આ લેખમાં વાળ, માથા અને આંખોની તકલીફો – રોગો માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર આપવામાં આવ્યા છે, જે અસરદાર છે. તો આ લેખ અંત સુધી વાંચી આને લાઈક અને શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો આ ઘરગથ્થુ ઉપચારનો લાભ લઈ શકે.
(ઘરગથ્થુ ઉપચાર ભાગ – 1)
વાળની માવજત માટે અસરદાર અને ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર :
(૧) આમળાં, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખા ભાગે લઈ વાટીને પાવડર બનાવી, તેને સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
(૨) વાળ ખરી પડતા હોય તો તેમાં ગોરાળું માટી પલાળી, લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
(૩) ખાંડ અને લીંબુનો રસ બંને ભેગાં કરી માથું ધોવાથી જૂ અને ખોળો(ખોડો) મટે છે.
(૪) ચણાને છાશમાં પલાળી ચણા એકદમ પોચા થાય ત્યારે માથા પર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.
(૫) માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઊગે છે.
(૬) ૧/૪ શેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદીનાં પાન ઉકાળવાં, તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને વાળ કાળા પણ થાય છે.
(૭) દિવેલ ગરમ કરીને વારંવાર વાળ પર લગાડવાથી વાળ ખરશે નહીં.
(૮) કાંદાનો રસ માથામાં ભરવાથી જૂ મરી જાય છે.
(૯) તલનાં ફૂલ, ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે.
(૧૦) ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાખી ઉકાળી, એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. તદુપરાંત છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
(૧૧) લીમડાનાં પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
માથાનાં દર્દો માટે અસરદાર અને ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર :
(૧) વરિયાળી તથા ખાંડ સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર-સાંજ લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.
(૨) હિંગના પાણીનાં ટીપાં નાકમાં નાખવાથી પણ આધાશીશી અને માથાનો દુ:ખાવો મટે છે.
(૩) આદુંનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધાશીશીનો દુ:ખાવો મટે છે.
(૪) એક કપમાં અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુ:ખાવો મટે છે.
(૫) દૂધમાં ઘી મેળવીને પીવાથી આધાશીશી અને માથાનો દુ:ખાવો મટે છે.
(૬) તુલસીનાં પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતાં બંધ થઈ જાય છે.
(૭) બસમાં કે ગાડીમાં ચક્કર આવતાં હોય તો તજ અને લવિંગ મોંમાં રાખવાં.
(૮) નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુ:ખાવો મટે છે.
(૯) તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથાનો દુ:ખાવો મટે છે.
(૧૦) લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુ:ખાવો મટે છે.
(૧૧) લસણની કળીઓ પીસીને કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
(૧૨) મરીનું ચૂર્ણ, ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થઈ જાય છે.
(૧૩) સૂંઠને દૂધમાં ઘસીને તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
(૧૪) ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને તે દૂધનાં ૩-૪ ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
આંખોના રોગો માટે અસરદાર અને ઉપયોગી ઘરગથ્થુ ઉપચાર :
(૧) આંખો આવી હોય તો લીંબુનો રસ, મધ, તથા ફટકડી વાટી લગાડવાથી ઘણી રાહત થાય છે.
(૨) રોજ તાજું માખણ ખાવાથી આંખોનું તેજ વધે છે અને આંખોની બળતરા મટે છે.
(૩) સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
(૪) આંખો લાલ રહેતી હોય તો આંખોમાં ‘ઘી’ આંજવાથી રતાશ દૂર થાય છે.
(૫) આંખોમાં ચૂનો કે ઍસિડ પડ્યો હોય તો આંખોની અંદર અને બહાર ધી ઘસવાથી આરામ થાય છે.
(૬) આંખોમાંથી પાણી પડતું હોય, આંખો લાલ-રાતી હોય, આંખે અંધારાં આવતાં હોય તો જમ્યા પછી ધાણા, વરિયાળી અને સાકર સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી રોજ પાણી સાથે પીવું.
(૭) આંખોમાં ચિપડા બાઝતા હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને ૨-૨ ટીપાં આંખોમાં નાખવાથી આરામ થાય છે.
(૮) મરીને પાણીમાં ઘસીને તેનો લેપ આંજણી ઉપર કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.
(૯) કોથમીરનો રસ કાઢી, ચોખ્ખા કપડાંથી ગાળી, તેનાં બબ્બે ટીપાં આંખોમાં નાખવાથી દુ:ખતી આંખો સારી થાય છે. ખીલ, ફલુ, છારી વગેરે મટે છે. ચશ્માંના નંબર પણ ઊતરે છે.
(૧૦) મધ અને સરગવાનાં પાનનો રસ આંખોમાં નાખવાથી આંખોના બધા રોગો મટે છે.
(૧૧) આંખોની બળતરામાં આંખોની અંદર-બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
(૧૨) ક્યારેક આંખોમાં દૂધ, કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે ત્યારે થતી બળતરામાં આંખોમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.
(૧૩) આંખોમાં ખામી હોય અને વાંચવામાં તકલીફ પડતી હોય તો આંખોમાં દાડમનો રસ નાખવાથી ચશ્માંના નંબર ઊતરે છે અને વાંચવાની તકલીફ દૂર થાય છે.
(૧૪) જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
(૧૫) સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ બન્નેનું ચૂર્ણ કરી પાણીમાં ઉકાળી ઠંડુ થાય ત્યારે કપડાથી ગાળી બાટલીમાં ભરી લેવું. એ પાણીનાં બબ્બે ટીપાં દરરોજ સવાર-સાંજ આંખોમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
(૧૬) આંખોમાં દરરોજ સવાર-સાંજ ઠંડા પાણીની છાલક મારવાથી આંખોનું તેજ વધે છે.
(૧૭) હિંગને મધમાં મેળવી, રૂની દીવેટ બનાવી તેને સળગાવી, કાજળ પાડી તે કાજળ આંખોમાં આંજવાથી નેત્રસ્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
(૧૮) ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી, સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે.
(૧૯) જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાંપણ તથા આંખોની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખોનું તેજ વધે છે.
(૨૦) હળદરના ૨-૪ ગાંઠિયા, તુવેરની દાળ સાથે બાફી પછી તે હળદર છાંયડે સૂકવી, દિવસમાં બે-વાર સૂર્યાસ્ત પહેલાં પાણી સાથે ઘસીને આંખોમાં આંજવાથી ઝામર, ધોળા રંગનું ફૂલ, આંખોની રતાશ તથા આંખોની ઝાંખપ મટે છે.
(૨૧) અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પલાળી રાખી, સવારે ગાળી તે પાણી આંખોમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
(રર) સાકરને પાણીમાં ઘસી, તે ઘસારો સવાર-સાંજ આંખોમાં આંજવાથી આંખોમાં ફૂલ મટે છે. આંખો સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
(૨૩) બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
(૨૪) નાગરવેલનાં પાનનો રસ આંખોમાં નાખવાથી દુ:ખતી આંખો સારી થાય છે.
(૨૫) ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
નોંધ : અહીં આપેલા ઘરગથ્થુ ઉપચાર વિવિધ આયુર્વેદિક, હોમિયોપેથિક પુસ્તકો અને અન્ય માધ્યમોમાંથી લેવામાં આવ્યા છે. દરેકને પોતાની પ્રકૃતિ – તાસીર મુજબ ઉપચારોથી ફાયદો થાય છે તેની ખાસ નોંધ લેવી. કોઈ ચિકિત્સક, વૈદ્ય પાસેથી પોતાની પ્રકૃતિ તથા ઔષધયોગ સંબંધી જાણકારી મેળવી તેમની સલાહ લેવા વિનંતી.
વાચક મિત્રો, આ લેખ લાઈક કરી તમારા કુટુંબના સભ્યો, મિત્રો અને સાથી કર્મચારીઓ સાથે શેર પણ કરજો જેથી વધુમાં વધુ લોકો આ ઘરગથ્થુ ઉપચારનો લાભ લઈ શકે. અમે તમારા માટે આવા ઉપયોગી અને માહિતીસભર લેખ લાવતા રહીશું.