જાણો બધાં પાપોને હરનારી જયા એકાદશી ક્યારે છે, વાંચો તેની વ્રત કથા । Jaya Ekadashi Vrat Katha

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મહા માસના શુક્લ પક્ષની એકાદશીની કથા જાણીશું, તો આ લેખને અંત સુધી વાંચજો. આ એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી તારીખ 8 ફેબ્રુઆરી 2025, શનિવારના રોજ છે. તો હવે જયા એકાદશીની કથા શરૂ કરીએ.

યુધિષ્ઠિરે પૂછ્યું – ભગવન્! કૃપા કરીને એ જણાવો કે મહા માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? તેની વિધિ શું છે? તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે?

શ્રીકૃષ્ણ બોલ્યા — રાજેન્દ્ર! જણાવું છું, સાંભળો. મહા માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે, તેનું નામ ‘જયા’ છે. તે બધાં પાપોને હરનારી ઉત્તમ તિથિ છે. પવિત્ર હોવાની સાથે જ પાપોનો નાશ કરનારી છે તથા મનુષ્યોને ભોગ તથા મોક્ષ પ્રદાન કરે છે. એટલું જ નહિ, તે બ્રહ્મહત્યા જેવાં પાપ તથા પિશાચત્વનો પણ વિનાશ કરનારી છે. આનું વ્રત કરવાથી મનુષ્યને કદી પ્રેતયોનિમાં નથી જવું પડતું. એટલા માટે રાજન્! પ્રયત્નપૂર્વક ‘જયા’ નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ.

એક સમયની વાત છે, સ્વર્ગલોકમાં દેવરાજ ઈન્દ્ર રાજ્ય કરતા હતા. દેવગણ પારિજાત વૃક્ષોથી ભરેલાં નંદનવનમાં અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા. પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઈન્દ્રે પોતાની ઇચ્છા મુજબ વનમાં વિહાર કરતા રહીને ઘણા હર્ષથી નૃત્યનું આયોજન કર્યું. તેમાં ગંધર્વ ગાન કરી રહ્યા હતા, જેમાં પુષ્પદંત, ચિત્રસેન તથા તેનો પુત્ર એ ત્રણ મુખ્ય હતા. ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું. માલિનીથી એક કન્યા પેદા થઈ હતી, જે પુષ્પવંતીના નામથી પ્રખ્યાત હતી.

પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો, જેને લોકો માલ્યવાન્ કહેતા હતા. માલ્યવાન્ પુષ્પવંતીના રૂપ પર ઘણો મોહિત હતો. એ બંને પણ ઈન્દ્રના સંતોષને માટે નૃત્ય કરવાને માટે આવ્યા હતા. આ બંનેનું ગાન થઈ રહ્યું હતું, એમની સાથે અપ્સરાઓ પણ હતી. પરસ્પર અનુરાગને કારણે એ બંને મોહને વશીભૂત થઈ ગયા. ચિત્તમાં ભ્રાંતિ આવી ગઈ. એટલા માટે તેઓ શુદ્ધ ગાન ન ગાઈ શક્યા. ક્યારેક તાલ ભંગ થઈ જતો અને ક્યારેક ગીત બંધ થઈ જતું હતું.

ઈન્દ્રે આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન માનીને તેઓ ગુસ્સે થઈ ગયા. તેથી આ બંનેને શાપ આપતા બોલ્યા — ‘ઓ મૂર્ખા! તમને બંનેને ધિક્કાર છે! તમે લોકો પતિત અને મારી આજ્ઞા ભંગ કરનાર છો; તેથી પતિપત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ.’

ઈન્દ્રે આ રીતે શાપ દેવાથી એ બંનેનાં મનમાં ઘણું દુઃખ થયું. તેઓ હિમાલય પર્વત ઉપર ચાલ્યા ગયા અને પિશાચ યોનિને પામી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા. શારીરિક પાપથી ઉત્પન્ન તાપથી પીડિત થઈને બંનેય પર્વતની કંદરાઓમાં વિચરતા રહ્યા. એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીને કહ્યું — ‘આપણે કયું પાપ કર્યું છે, જેનાથી આ પિશાચ યોનિ મળી છે? નરકનું કષ્ટ ઘણું ભયંકર છે તથા પિશાચ યોનિ પણ ઘણું દુઃખ દેનારી છે, તેથી પૂરો પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ.’

આ રીતે ચિંતાથી ઘેરાયેલા તે બંને દુઃખને કારણે સુકાતા જઈ રહ્યાં હતાં. દૈવયોગથી તેમને મહા માસની એકાદશી તિથિ મળી ગઈ. ‘જયા’ નામથી પ્રખ્યાત તિથિ, જે બધી તિથિઓમાં ઉત્તમ છે, તે આવી. તે દિવસે તે બંનેએ બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો. પાણી સુધ્ધાં નહિ પીધું. કોઈ જીવની હિંસા નહિ કરી, ત્યાં સુધી કે ફળ પણ નહિ ખાધાં. નિરંતર દુઃખોથી ભરેલાં તેઓ એક પીપળાની નજીક બેસી રહ્યા.

સૂર્ય આથમી ગયો, તેનો જીવ લે તેવી ભયંકર રાતની શરૂઆત થઈ. તેમને ઊંઘ નહિ આવી. તેઓ રતિ કે બીજું કોઈ સુખ પણ નહિ પામી શક્યા. સૂર્યોદય થયો. દ્વાદશીનો દિવસ આવ્યો. તે પિશાચોના દ્વારા ‘જયા’ ના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું. તેમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું. તે વ્રતના પ્રભાવથી તથા ભગવાન વિષ્ણુની શક્તિથી તે બંનેની પિશાચતા દૂર થઈ ગઈ. પુષ્પવંતી અને માલ્યવાન્ પોતાનાં પૂર્વરૂપમાં આવી ગયાં. તેમનાં હૃદયમાં તે જ જૂનો સ્નેહ ઊભરાઈ રહ્યો હતો. તેમનાં શરીર પણ અગાઉના જેવાં જ અલંકારથી શોભા પામી રહ્યાં હતાં.

તે બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાં દેવરાજ ઈન્દ્રની સામે જઈને બંનેએ ઘણી પ્રસન્નતાની સાથે તેમને પ્રણામ કર્યા. તેમને આવા રૂપમાં આવેલા જોઈ ઈન્દ્રને ઘણી નવાઈ લાગી. તેમણે પૂછ્યું — ‘બતાવો, કયા પુણ્યના પ્રભાવથી તમારા બંનેનું પિશાચત્વ દૂર થયું છે? તમે મારા શાપને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા, પછી તમને કયા દેવતાએ તેનાથી છુટકારો અપાવ્યો?’

માલ્યવાન્ બોલ્યો — સ્વામિન્! ભગવાન વાસુદેવની કૃપા તથા ‘જયા’ એકાદશીના વ્રતથી અમારી પિશાચતા દૂર થઈ છે.

ઈન્દ્રે કહ્યું — તો હવે તમે બંને મારા કહેવાથી સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં તત્પર અને ભગવાન શ્રીકૃષ્ણના શરણાગત થાય છે, તેઓ અમારા પણ પૂજનીય છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — રાજન! આ કારણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. નૃપશ્રેષ્ઠ! ‘જયા’ બ્રહ્મહત્યાનું પાપ પણ દૂર કરનારી છે. જેણે ‘જયા’નું વ્રત કર્યું છે, તેણે બધી જાતનાં દાન આપી દીધાં અને તમામ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લીધું. આ માહાત્મ્યને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ટોમ-યજ્ઞનું ફળ મળે છે.

મિત્રો, અહીં જયા એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top