જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે ચૈત્ર માસના શુક્લપક્ષની કામદા એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણવાના છીએ, જેને વાંચવા અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે. આ વ્રત 8 એપ્રિલ 2025, મંગળવારના રોજ છે. તો આવો કથા શરૂ કરીએ.
યુધિષ્ઠિરે પૂછ્યું — વાસુદેવ! આપને નમસ્કાર છે. મને એ જણાવશો કે ચૈત્ર શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે?
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજન્! એકાગ્રચિત્ત થઈને આ પુરાતન કથા સાંભળો, જેને વસિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી.
દિલીપે પૂછ્યું — ભગવન્! હું એક વાત સાંભળવા માંગું છું. ચૈત્ર માસના શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે?
વસિષ્ઠજી બોલ્યા — રાજન્! ચૈત્ર શુક્લપક્ષમાં ‘કામદા’ નામની એકાદશી હોય છે. તે પરમ પુણ્યમયી છે. પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનળ જ છે. પ્રાચીન કાળની વાત છે, નાગપુર નામનું એક સુંદર નગર હતું, જ્યાં સોનાના મહેલ બન્યા હતા. તે નગરમાં પુંડરીક વગેરે મહાભયંકર નાગ રહેતા હતા. પુંડરીક નામનો નાગ તે દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો. ગંધર્વ, કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીનું સેવન કરતી હતી.
ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી, તેનું નામ લલિતા હતું. તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો. તે બંને પતિ-પત્નીના રૂપે રહેતાં હતાં. લલિતાના દિલમાં સદા પતિની મૂર્તિ વસી રહી હતી. અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો.
એક દિવસની વાત છે. નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા. તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું. કિન્તુ તેની સાથે તેની વહાલી લલિતા ન હતી. ગાતાં-ગાતાં તેને લલિતાની યાદ આવી ગઈ. તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી.
નાગોમાં શ્રેષ્ઠ કર્કોટકને લલિતના મનના સંતાપની જાણ થઈ ગઈ; તેથી તેણે રાજા પુંડરીકને તેના પગની ગતિ અટકવાની તેમજ ગાનમાં ત્રુટિ હોવાની વાત જણાવી દીધી. કર્કોટકની વાત સાંભળીને પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે ગાઈ રહેલા કામાતુર લલિતને શાપ દીધો — ‘દુર્બુદ્ધે! તું મારી સામે ગાન કરતી વેળાએ પણ પત્નીને વશીભૂત થઈ ગયો, એટલા માટે રાક્ષસ થઈ જા.’
મહારાજ પુંડરીકે આટલું કહેતાં જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો. ભયંકર મુખ, વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉપજાવનારું રૂપ. આવો રાક્ષસ થઈ તે કર્મનું ફળ ભોગવવા લાગ્યો. લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈ મનમાં ને મનમાં ઘણી ચિંતિત થઈ. ભારે દુઃખથી પીડાવા લાગી. વિચારવા લાગી, ‘શું કરું? ક્યાં જાઉં? મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે.
તે રડતી રડતી ઘોર જંગલોમાં પતિની પાછળ-પાછળ ફરવા લાગી. વનમાં તેણે એક સુંદર આશ્રમ જોવામાં આવ્યો, જ્યાં એક શાંત મુનિ બેસી રહ્યા હતા. તેમને કોઈ પણ પ્રાણી સાથે વેર-વિરોધ ન હતા. લલિતા જલદી ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી. મુનિ ઘણાં દયાળુ હતા. તે દુઃખિત નારીને જોઈને તેઓ આ રીતે બોલ્યા — ‘શુભે! તું કોણ છો? અહીંયાં શા માટે આવી છો? મને સાચેસાચું જણાવ.’
લલિતાએ કહ્યું — મહામુને! વીરધન્વા નામના એક ગંધર્વ છે. હું એ જ મહાત્માની પુત્રી છું. મારું નામ લલિતા છે. મારા સ્વામી પોતાના દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે. તેમની આ હાલત જોઈને મને ચેન નથી. બ્રહ્મન્! આ સમયે મારું જે કર્તવ્ય હોય, તે બતાવશો. વિપ્રવર! જે પુણ્યના દ્વારા મારા પતિ રાક્ષસભાવથી છુટકારો પામી જાય, તેનો ઉપદેશ કરશો.’
ઋષિ બોલ્યા — ભદ્રે! આ સમયે ચૈત્ર માસના શુક્લપક્ષની ‘કામદા’ નામની એકાદશી તિથિ છે, તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે. તું તેનું વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય, તેને પોતાના સ્વામીને આપી દે. પુણ્ય દેવાથી પળવારમાં જ તેના શાપનો દોષ દૂર થઈ જશે.
રાજન્! મુનિનું આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો. તેણે એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે પેલા બ્રહ્મર્ષિની પાસે જ ભગવાન વાસુદેવની (શ્રીવિગ્રહની) સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહ્યું — ‘મેં જે આ કામદા એકાદશીનું ઉપવાસ વ્રત કર્યું છે, તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસભાવ દૂર થઈ જાય.’
વસિષ્ઠજી કહે છે — લલિતાએ આટલું કહેતાં જ એ જ પળે લલિતનું પાપ દૂર થઈ ગયું. તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો. રાક્ષસ-ભાવ ચાલ્યો ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ. નૃપશ્રેષ્ઠ! તે બંને પતિ-પત્ની ‘કામદા’ના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂઢ થઈ અત્યંત શોભા પામવા લાગ્યા.
આ જાણીને આવી એકાદશીના વ્રતનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ. મેં લોકોના ભલાને માટે તારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે. કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપો તથા પિશાચત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે. રાજન્! આના વાંચવા અને સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
મિત્રો, અહીં કામદા એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.