ભગવાનનો સૌથી મોટો ઉપકાર શું છે? અહીં જાણો તેના વિષે । Bhagwan No Upkar | Mahabharat Katha In Gujarati
મિત્રો, આજના લેખમાં આપણે જાણીશું કે ભગવાન પોતાના સાચા ભક્તોની રક્ષા કરે જ છે.
મહાભારતનું જોરદાર યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞાથી પાંડવો આ યુદ્ધમાં જોડાયા હતા. અધર્મી કૌરવોનો નાશ કરવા માટે સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો રથ હાંકી રહ્યા હતા. સામસામે હજારો સૈનિકોની સેના લડી રહી હતી. ધર્મના રક્ષણ માટે લડી રહેલા પાંડવો તેમની સામેના સો-સો કૌરવોને હંફાવી રહ્યા હતા. કૌરવ સેનામાંથી એક પછી એક યોદ્ધાઓનો નાશ થઈ રહ્યો હતો.
આવી ભયાનક લડાઈનો નવમો દિવસ પૂરો થયો. નવ-નવ દિવસના આ યુદ્ધમાં ઘણા બધા કૌરવો મરણને શરણ થઈ ગયા હતા, પણ પાંચ પાંડવોમાંથી એકેય ઓછો થયો ન હતો. આથી કૌરવોનો સૌથી મોટો ભાઈ દુર્યોધન ગુસ્સે ભરાયો.
તે તો સીધો જ સેનાપતિ ભીષ્મ પિતામહ પાસે આવી પહોંચ્યો. તેણે તો ભીષ્મ પિતામહને કહેવાનું શરૂ કર્યું, ‘પિતામહ! તમે હજીયે મન મૂકીને લડતા નથી. તમને પાંડવો ખૂબ વહાલા છે. એટલે મારી સાથે રહીને પણ તમે એમને જિતાડવા ઇચ્છો છો?
આવો આવો ઘણો બકવાસ દુર્યોધને ભીષ્મ સામે કર્યો. પિતામહ તો ખુબ જ સારી રીતે લડતા હતા. પણ મિત્રો! પાંડવોની સાથે તો સાક્ષાત્ ભગવાન હતા. ભગવાન હોય, પછી ભક્તોનો વાળ કોણ વાંકો કરી શકે? પરંતુ દુર્યોધનના આવાં કડવાં વચનો સાંભળી, ભીષ્મ પણ આવેશમાં આવી ગયા.
તેઓએ ત્યાં જ પ્રતિજ્ઞા કરી, ‘આવતી કાલે યુદ્ધના દસમા દિવસે સૂર્યાસ્ત થતાં કાં તો હું નહીં, કાં તો અર્જુન નહીં!’
ભીષ્મની આ પ્રતિજ્ઞા થતાં જ પાંડવોની સૈનામાં સન્નાટો છવાઈ ગયો. કારણ આ તો ભીષ્મની પ્રતિજ્ઞા! સૂર્ય કદાચ પશ્ચિમમાં ઊગે, ધોળે દિવસે કદાચ તારા દેખાય, પાણીમાંથી કદાચ આગ પ્રગટે, પણ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા ક્યારેય ન છોડે એવા એ દૃઢ હતા. વળી, તેઓને તેમના પિતા શાંતનું તરફથી ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું. તેઓ ઈચ્છે ત્યારે જ તેઓનું મૃત્યુ થાય તેમ હતું. તેઓ જો ‘આવતી કાલે સૂર્યાસ્ત સુધી મારે મરવું નથી,’ એમ નક્કી કરી લે તો અંતે મરવાનો વારો અર્જુનનો જ આવે. અને અર્જુન મરાયો એટલે ખેલ ખતમ! અર્જુન વિનાની પાંડવસેના તો ચપટીમાં ચોળાઈ જાય તેમ હતું.
આ ગણતરીથી પાંડવસેનામાં સોપો પડી ગયો. કાલે શું થશે? ‘કાલે અર્જુન મરાશે.’ ‘હવે અર્જુનનું આવી બન્યું’ જેવી વાતો ચારેકોર થવા લાગી.
શ્રીકૃષ્ણ ભગવાનને આ વાતની જાણ થઈ. તેઓને તરત જ પોતાનો પ્રિય ભક્ત અર્જુન યાદ આવ્યો. તેઓને થયું, ‘લાવ, જરા અર્જુનની ખબર તો કાઢી આવું. મોત સામે દેખાઈ રહ્યું છે, ત્યારે તેની શી દશા થઈ છે, તે તો જોઈ આવું! આ વિચારથી ભગવાન અર્જુનના તંબુ તરફ ચાલ્યા.
રાત્રિનો અંધકાર ચારે બાજુ ફરી વળેલો. નાનકડા દીવા ટમટમતા હતા, કો’ક કો’ક તંબુમાંથી ઘાની પીડાને કારણે નીકળી જતા સિસકારાના અવાજો સંભળાઈ રહ્યા હતા. આ સિવાય બધે જ શાંતિ હતી.
એવા સમયે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના તંબુમાં પ્રવેશ્યા. ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય! અર્જુન તો નસકોરાં બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાનને લાગ્યું, આને ભીષ્મની પ્રતિજ્ઞાની જાણ થઈ નથી લાગતી. બાકી મોત મોં ફાડીને સામું ઊભું હોય ત્યારે આવી રીતે નિરાંતે કોઈ સૂઈ શકે ખરું?
ભગવાને પાસે જઈને અર્જુનને જગાડ્યો. ભરઊંઘમાંથી આંખો ચોળતો ચોળતો તે બેઠો થયો. જોયું તો ભગવાન દીઠા! તે તરત જ શ્રીકૃષ્ણ ભગવાનના પગમાં પડી ગયો અને અડધી રાત્રે અચાનક આવવાનું કારણ પૂછ્યું.
ભગવાને કહ્યું, ‘તને ભીષ્મની પ્રતિજ્ઞાની ખબર પડી?’
‘હા, આવતી કાલે દસમા દિવસના સૂર્યાસ્ત સુધી કાં તો અર્જુન નહીં રહે કાં તો ભીષ્મ નહીં રહે, એ પ્રતિજ્ઞા ભીષ્મ પિતામહે કરી છે તે હું બરાબર જાણું છું.’ અર્જુન બોલ્યો.
‘જાણે તો છે પણ આ પ્રતિજ્ઞાનો અર્થ શો થયો તે ખ્યાલ આવ્યો?’ ભગવાને પૂછ્યું.
‘હા પ્રભુ! આ પ્રતિજ્ઞા પ્રમાણે આવતીકાલે મારું મૃત્યુ થઈ શકે, તેવું બધા માને છે.’ અર્જુને કહ્યું.
‘આ જાણે છે તોય તું ઊંઘે છે? તને મોતની બીક નથી લાગતી?’ ભગવાને પૂછ્યું.
ત્યારે અર્જુન બોલ્યો, ‘પ્રભુ! ભીષ્મની પ્રતિજ્ઞા જાણવા છતાંય મને લેશ પણ બીક નથી લાગતી. કારણ હે હું એ પણ જાણું છું કે તમે મારી રક્ષામાં છો. સ્વયં ભગવાન મારી સાથે છે. આપ છો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત મારો વાળ વાંકો કરી શકે તેમ નથી. હે ભગવાન! હું એટલા માટે સૂતો છું, કારણ કે તમે જાગો છો.’
હા મિત્રો! અર્જુન જાણતા હતા કે ભગવાન તો ભક્તની રક્ષામાં જ હોય છે. તેના શબ્દેશબ્દમાં વિશ્વાસ હતો.
ભક્તના આવા વિશ્વાસથી ભગવાન રાજી કેમ ન થાય? ભગવાન આ પૃથ્વી પર ભક્ત માટે જ તો પધારતા હોય છે. શ્રીકૃષ્ણ ભગવાન પણ રાજી થઈને પાછા પોતાના ઉતારે પધાર્યા.
બીજા દિવસે મહાભારતનું દસમા દિવસનું યુદ્ધ શરુ થયું. તે દિવસે ભીષ્મે અપૂર્વ સાહસ બતાવ્યું. પરંતુ અર્જુનની આસપાસ ભગવાને જાણે સુરક્ષા-કવચ બનાવી દીધેલું. અર્જુનને ઊની આંચ ન આવી ને સાંજ પડતાં અર્જુનની બાણવર્ષાથી ભીષ્મ વિંધાઈ ગયા. રથમાંથી નીચે આવી પડયા.
ભીષ્મ સામે અર્જુનનો ભવ્ય વિજય થયો!
મિત્રો! અઢાર દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી અર્જુન કે પાંડવોને કંઈ જ ન થયું!
અઢારમે દિવસે યુદ્ધ પૂરું થયું. ચારે બાજુ પાંડવોનો જયજયકાર થઈ રહ્યો હતો. એ જયકાર ઝીલતાં ઝીલતાં અર્જુન પોતાની છાવણીમાં પહોંચ્યો. ભગવાને રથ ઊભો રાખ્યો. અર્જુનને કહ્યું, ‘હવે તું નીચે ઊતર.’
રોજ ભગવાન પહેલાં રથની નીચે ઊતરતા. પછી અર્જુનને હાથ પકડી ઉતારતા, પણ આજે ભગવાને તે ક્રમ બદલ્યો હતો. તેથી અર્જુને પૂછ્યું, ‘ભગવાન! કેમ આજે આમ અવળી ગંગા? દરરોજ તો પહેલાં તમે ઊતરો છો? તો આજે કેમ મને ઉતારો છો?’
ભગવાન કહે, ‘તું પહેલાં ઊતરી જા. પછી તને આનું કારણ સમજાવીશ.’
ભગવાનનો આદેશ હતો એટલે અર્જુન ઊતરી ગયો. પછી ભગવાન ઊતર્યા. જેવા ભગવાનના બંને પગ જમીન પર પડયા કે આ બાજુ આખો રથ ભડભડ કરતો સળગી ગયો. અર્જુન તો ડોળા ફાડી આ જોઈ જ રહ્યો. રથની જગ્યાએ રાખનો ઢગલો જોઈ તેણે ભગવાનને પૂછ્યું, ‘પ્રભુ! આ શું થયું?’
ભગવાને ફોડ પાડતાં જણાવ્યું, ‘તને મારવા આ રથ પર તારા દુશ્મનોએ જાતજાતનાં અસ્ત્ર-શસ્ત્ર ફેંકેલાં. તેથી તું ક્યારનો મરી જવાનો હતો. પણ મેં મારી શક્તિથી અત્યાર સુધી તને બચાવી રાખેલો. આજે યુદ્ધ પૂરું થયું. આજે જો હું પહેલાં ઊતરી ગયો હોત તો રથ સહિત તું પણ બળીને ખાખ થઈ જાત.’
અર્જુને આ સાંભળ્યું ને તેનું મન વિચારે ચડી ગયું, ‘અહોહો! ભગવાન કેવા દયાળુ! આપણને પણ ખબર ન હોય તેમ આપણી કેવી રક્ષા કરે છે!’ આ જ અહોભાવથી તેણે ભગવાનને પ્રણામ કર્યા.
હા મિત્રો! પોતાના ભક્તોની રક્ષા માટે ભગવાન કે ભગવાનના અવતાર આ પૃથ્વી પર પધારી ખૂબ જ મોટી કૃપા કરતા હોય છે. ભક્તો પર તેઓનો આ સૌથી મોટો ઉપકાર છે. આ સ્ટોરીનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.