આ કથા વાંચ્યા વગર શિવરાત્રીનું ફળ નહીં મળે, વાંચો મહાશિવરાત્રીની વ્રત કથા । Mahashivratri Vrat Katha । Shivratri Ni Varta

શિવરાત્રીની વ્રતકથા

સૂતજી બોલ્યા, ‘એક સમયે દેવદેવેશ ! જગતગુરુ મહેશ્વર કૈલાસના રમ્ય શિખર પર બીરાજ્યા હતા. તેમને પાંચ મુખ, ત્રણ નેત્ર અને દશ હાથ હતા. એમણે ત્રિશૂલ, પિનાક, ખડગ, ઢાલ, કપાલ અને ખટ્વાંગ હાથમાં ધારણ કર્યા હતાં. એમનો નીલકંઠ સુશોભિત હતો અને સમસ્ત શરીરમાં ભસ્મ ચોળેલી હતી. અને સર્પો અને અસ્થિઓની માળાથી તેઓ વિભૂષિત હતા. તેઓ શ્યામ મેઘ સમાન અને સુર્યોની પ્રભા સમાન દીપ્તિમાન હતા. અનેક ગણોથી ઘેરાયેલા તેઓ આનંદક્રીડા કરતા હતા.

દેવોને વિદાય આપી એકાંતમાં રહેલા મહેશ્વરને પરમ પ્રફુલ્લિત નયનોથી નિરખીને પાર્વતીજીએ વિનમ્ર ભાવથી પૂછ્યું, હે દેવેશ ! આપની પાસેથી મેં વ્રર્તાનો નિર્ણયો દાનના ધર્મો અને તીર્થોના મહિમા સાંભળ્યા, પરંતુ વારંવાર ભ્રમ થઈ જવાથી કોઈ નિશ્ચય થતો નથી. તો મને આપ સુગુપ્ત અને ઉત્તમ વ્રત કહો જેથી મારો સંશય દૂર થાય.

ભગવાન સદાશિવ બોલ્યા, હે દેવી ! અત્યાર સુધી કોઈને નહીં કહેલું એવું સર્વે વ્રતોમાં ઉત્તમ રહસ્યમય વ્રત તમને કહું છું. એ મુક્તિ પ્રદાયક છે અને જ્યારે એ કહેવાતું હોય છે ત્યારે ત્યાંથી યમરાજ પણ વિલીન થઈ જાય છે, તો તે એકચિત્તે થઈને સાંભળો.

માઘમાસના કૃષ્ણપક્ષમાં અમાવાસ્યાના યોગવાળી ચતુર્દશી શિવરાત્રિ કહેવાય છે. એ સર્વે યજ્ઞો કરતાં પણ ઉત્તમ છે. શિવરાત્રી કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વિવિધ દાન, તપ, વ્રત અને તીર્થોથી પણ થતું નથી. શિવરાત્રી જેવું કોઈ ઉત્તમ વ્રત નથી. જ્ઞાનથી અથવા અજ્ઞાનથી શિવરાત્રીનું વ્રત કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેઓ શિવરાત્રીનું વ્રત કરતા નથી તેઓ મૃત્યુ પછી નરકમાં પડે છે. જેઓ શિવરાત્રીનું વ્રત કરે છે તેઓ ભગવાન શંકરનું સાન્નિધ્ય પામે છે. શિવરાત્રી સર્વે અમંગલોનો વિનાશ કરનારી, ભુક્તિ, મુક્તિ પ્રદાન કરનારી, સર્વ મંગલદાત્રી છે એ સત્ય, સત્ય અને સત્ય છે.

પાર્વતીજીએ પૂછ્યું, હે દેવ! મનુષ્ય યમલોકને ત્યજીને શિવલોકમાં કેવી રીતે જઈ શકે? આ વિષે મને મહાન આશ્ચર્ય થાય છે, એટલે સદૃષ્ટાંત એ વાત સ્પષ્ટ કરો.

મહેશ્વર બોલ્યા, હે દેવી ! યમના શાસનને નષ્ટ કરનારી અને શિવના સ્થાનને પ્રદાન કરનારી એક પૌરાણિક કથા પૂર્વે જે પ્રમાણે થઈ છે તે પ્રમાણે હું કહું છું તો સાંભળો.

પૂર્વે પર્વતની તળેટીમાં એક નિષાદ રહેતો હતો. એ પર્વતની પરિસીમામાં રહી, જીવહિંસા કરી, પરિવારનું પોષણ કરતો હતો. એ શ્યામરંગનો અને સુપુષ્ટ શરીરવાળો હતો. એ શ્યામ વસ્ત્ર ધારણ કરતો અને અંગુલિઓના રક્ષણ માટે ઘોના ચર્મનું અંગુલિ ત્રાણ ધારણ કરી, મનુષ્ય બાણથી સદા શિકાર કરતો.

એક શિવરાત્રિએ ધનનો વ્યવહાર કરનાર લોકોએ એ દુષ્ટ ભીલને શિવાલયમાં રોકી રાખ્યો. એટલે અનાયાસે જ એને ભગવાન શંકરના દર્શન થયાં. તેમજ ઉપવાસી મનુષ્યોના ‘શિવ શિવ !’ એવા ઉચ્ચાર પણ અનાયાસે જ એના કર્ણે પડયા. સૂર્યાસ્ત થયો એટલે ‘સવારે ધન આપી જજે !’ એમ કહી એને ધન આપનારાઓએ છોડી મૂક્યો.

પછી ધનુષ્ય લઇ એ દક્ષિણ દિશા તરફ વનમાં ગયો. નગરનાં મનુષ્યો ‘શિવ શિવ !’ એ શું કરે છે ! એમ કુતૂહલપુર્વક એ હસતો હતો અને ચારે બાજુ મૃગ, વરાહ, આદિ જંગલી પ્રાણીઓને શોધતો હતો. એમના માંસની લાલસાએ એ વન, પર્વત અને કન્દરાઓમાં ઘણું ભટક્યો પરન્તુ એક પણ પ્રાણી એને મળ્યું નહીં. એટલે એ ઘણો જ નિરાશ થયો. ત્યાં સૂર્યાસ્ત થઈ ગયો.

‘આજ હું આખી રાત જળાશયના સમીપમાં ગાળીશ અને જે પ્રાણી ત્યાં આવશે એને મારીશ.’ એવો નિર્ણય કરી એ નિષાદ જળાશયના કિનારે ગયો અને ઝાડીમાં સંતાવાની જગા શોધવા લાગ્યો. એ ઝાડીમાં જ ભગવાન સદાશિવનું સ્વયંભૂ મહાલિંગ હતું. તેમજ એક મોટું બિલ્વવૃક્ષ હતું. પોતાના સંતાવાનું સ્થાન સ્વચ્છ કરતાં નિષાદે બિલ્વપર્ણોને દક્ષિણ તરફ ફેંક્યાં, જે અજાણતાં જ મહાદેવનાં લિંગ પર પડયાં.

એ નિષાદ પારધીની ગંધ આવવાથી મરણના ભયથી કોઈ પણ પ્રાણી ત્યાં આવ્યું નહીં. એટલે આખી રાત એને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં; દિવસે પણ એ ભોજન પામ્યો ન હતો. ‘મૃગની પ્રતિક્ષામાં’ એને નિદ્રા પણ આવી ન હતી. આમ એ ઝાડીમાં એનો પ્રથમ પ્રહર થઈ ગયો.

ત્યાં એક સુંદર ગર્ભિણી હરિણી પાણી પીવા આવી. એ યુવાન, અને દૂધથી ભરેલા આંચળવાળી સુપુષ્ટ હરિણી હતી. એ આંખો ઉઘાડી ભયની આશંકાથી ચારે તરફ જોતી આવતી હતી. જ્યારે એ બાણની પરિસીમામાં આવી ત્યારે પારધીની નજરે પડી અને એણે એકાગ્રતાથી બાણનું સંધાન કર્યું.

હરિણીને પારધીના રૂપમાં યમરાજ ઊભા હોય એવું લાગ્યું અને એનું ચઢાવેલું બાણ યમદંષ્ટ્રા હોય એવું લાગ્યું એટલે એ હરિણી દિવ્યવાણીમાં પારધીને કહેવા લાગી, ‘હે મહા વ્યાધ ! હે સર્વે પ્રાણીઓના હન્તા ! હે મહાબાહો ! તું મારી હત્યા શા માટે કરે છે તે મને કહે?’

પારધી બોલ્યો, ‘હે શોભને ! માતા સહિત મારા પરિવારના સર્વે મનુષ્યો ક્ષુધાથી પીડા પામે છે. મારી પાસે કંઈ દ્રવ્ય નથી, એટલે હું તને અવશ્ય હણીશ.’

સુત બોલ્યા, ‘પહેલા પ્રહરમાં કરેલી શિવપૂજાના પ્રભાવથી, ઉપવાસથી અને જાગરણ કરવાથી એ પારધિનાં ચોથા ભાગનાં પાપ છૂટી ગયાં. એ હરિણીની મનુષ્યવાણી સાંભળી એ ધર્મયુક્ત સંદેહરહિત વચન કહેવા લાગ્યો, ‘મેં ઉત્તમ, મધ્યમ અને અધમ પ્રકારનાં અનેક પ્રાણી હણ્યાં છે, પરન્તુ ક્યારેય પશુઓની આવાં મનુષ્ય જેવી વાણી સાંભળી નથી. તું કયા સ્થળમાં જન્મી છે? અને કયા સ્થાનમાંથી અહીં આવી છે? એ મને કહે એ વિષયમાં મને ઘણું કુતુહલ છે.’

હરિણી બોલી, ‘હે લુબ્ધક શ્રેષ્ઠ ! એ સઘળું હું તને કહું છું, તો સાંભળ. મારા પૂર્વજન્મમાં હું સ્વર્ગમાં રંભા નામે ઈન્દ્રની પ્રિય અપ્સરા હતી. હું મારા અમિત રૂપલાવણ્યથી પરમ ગર્વિષ્ઠ થઈ હતી. મેં સૌભાગ્યના મદથી છકી ગયેલા, પુષ્ટ શરીર અને બલના ગર્વવાળા હિરણ્યાક્ષ નામના મહા અસુરને પતિ તરીકે પસંદ કર્યો. એના સહવાસમાં સુદીર્ઘ કાલ સુધી મેં યથેચ્છ વિવિધ ભોગ ભોગવ્યા અને એ અસુરની સાથે ક્રીડા કરતાં કરતાં ઘણા વર્ષો વ્યતીત થઈ ગયાં.

એક સમયે હું નૃત્ય જોવા, ભગવાન શંકરના સાનિધ્યમાં ગઈ. એટલે મને જોઈ ભગવાન શંકર બોલ્યા, ‘હે સુંદરી ! હે શુભે ! તું આ બધા દિવસ ક્યાં ગઈ હતી? તું અત્યાર સુધી કોનો સંગ સેવતી હતી? અથવા તો રૂપૌંદર્યના સૌભાગ્યના ગર્વથી મારા મંદિરમાં આવતી નથી? તું મને શીધ્ર સત્ય કહે નહીં તો, તને હું શાપ આપીશ.’ શાપના ભયથી મેં ભગવાન શંકરને સત્યઘટના કહી સંભળાવી કહ્યું, ‘હે દેવ ! હે અનુગ્રહ કરનાર! મેં મહાબળવાન દાનવેન્દ્ર હિરણ્યાક્ષને પતિ તરીકે પસંદ કર્યો છે. એની સાથે મેં ચિરકાલ સુધી યથેચ્છ વિહાર કર્યો છે અને એના ઘરમાં સમય વ્યતીત કર્યો છે. એટલે હે સૃષ્ટિના સંહારક ! આપની સેવામાં હું ઉપસ્થિત ના રહી શકી.’

રંભાનાં એવાં વચન સાંભળી ભગવાન રુદ્ર અત્યંત કોપાયમાન થઈ, શાપ આપતાં બોલ્યા, ‘એ હિરણ્યાક્ષ દેવ્ય મહાકામી મૃગ થશે અને તું એની સ્ત્રી મૃગલી થઈશ. તું સ્વર્ગના દેવોને છોડીને દાનવની સાથે ભોગ ભોગવવા ઇચ્છે છે એટલે તું નિર્જલ સ્થલમાં તૃણ ખાનાર મૃગલી થઈશ. હે ભદ્રે ! બાર વર્ષના અંતે આ શાપનું નિવારણ થશે અને પશ્ચાત્તાપથી વ્યાધના સાન્નિધ્યમાં પૂર્વ જન્મનું તને સ્મરણ થશે અને ભગવાન શંકરના દર્શન કરી તું મોક્ષ પામીશ.’

હે વ્યાધ ! એટલે જ સદાશિવના શાપથી હું આ મહાવનમાં વસું છું. પરન્તુ ભગવાન શંકરનાં મને દર્શન થતાં નથી. એ દુ:ખથી જ હું કુશ છું. હું ગર્ભિણી છું એટલે મારામાં માંસ, મેદ વગેરે પણ પુરાં નથી. એટલે તારા પરિવારનું પોષણ પણ થશે નહીં. એટલે મને મારવી યોગ્ય નથી.

હે પારધી ! આજ માર્ગે માંસ અને મેદથી ભરેલી યુવાન અને મદોન્મત્ત પુષ્ટ મૃગલી આવશે. એને હણવાથી તારા પરિવારનું પોષણ થશે, પરોઢિયું થતાં જ આ જળાશયમાં જળ પીવા એક અન્ય મૃગ પણ અહીં આવશે. એમાં પણ કોઈ સંશય નથી. વળી હું શપથપૂર્વક કહું છું કે આ ગર્ભને જન્મ આપી, જન્મેલા બચ્ચાંની સખીઓને સંભાળ સોંપી હું પણ તારી પાસે અવશ્ય આવીશ.

હરિણીનાં આવાં વચન સાંભળી, પારધી વિસ્મય પામ્યો અને ક્ષણવાર પછી એ બોલ્યો, ‘હું અને મારો પરિવાર, ભૂખથી અત્યંત પીડાઈએ છીએ. હવે તું જતી રહેવા માગે છે. અન્ય પશુ આવે કે ન આવે, પ્રાત:કાલમાં તારે મારે ઘેર અવશ્ય આવવું. આ બાબતનો સ્વીકાર કરી શપથ ખાઈને તું જા, એટલે મને તારામાં વિશ્વાસ ઉપજે. પૃથ્વી, વાયુ અને સૂર્ય એ સર્વે દેવો સત્યમાં વસે છે એટલે આ લોકમાં અને પરલોકમાં સુખ ઈચ્છતા સર્વેએ સત્યનું પાલન કરવું જોઈએ.’

પારધીનાં વચન સાંભળી ગર્ભથી પીડાતી હરિણી વારંવાર સત્યની પ્રતિજ્ઞા કરતાં કહેવા લાગી, ‘હે વ્યાધ ! બ્રાહ્મણ તરીકે જન્મ પામ્યા છતાં જે વેદભ્રષ્ટ થાય છે, સ્વાધ્યાય, સંધ્યા, શૌચ અને સત્યનું જે આચરણ કરતો નથી. અવિક્રેય દ્રવ્યોનો જે વિક્રય કરે છે. અધિકારહીન વ્યક્તિઓને જ યજ્ઞ કરાવે છે તેનું પાપ, જો હું ફરીથી તારી પાસે ન આવું તો મને લાગે. દુષ્ટ બુદ્ધિવાળાનું પાપ, ધૂર્ત અથવા ગ્રામપીડકનું પાપ, નાસ્તિકનું, દુઃશીલનું, પરદારામાં આસક્તનું પાપ, વેદ વેચનારનું પાપ, મૃત્યુ, સૂતક આદિમાં ભોજન કરનારનું પાપ, હું તારી પાસે ફરી ન આવું તો મને લાગે.

મૃતકની શૈય્યાદાન ગ્રહણ કરનારનું પાપ, માતાપિતાનું પોષણ ન કરવાનું પાપ, દાનમાં વિઘ્ન નાખવાનું પાપ, દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, બ્રહ્મદ્વય હરવાનું પાપ, દીવાથી દીવો કરવાનું પાપ, પગથી પગ ધોવાનું પાપ, હું જો તારા ઘરે ફરીથી ન આવું તો મને લાગે.

પતિને, સ્વામિને, મિત્રને, આત્માને, બાળકને, ગાયને, વિપ્રને, ગુરુને, સ્ત્રીને હણનારને થતું પાપ, વિષ્ણુભક્તિરહિતને થતું પાપ, દાંભિકને, ઈન્દ્રિય વશમાં ન રાખનારને, પરદોષનું કથન કરનારને, કૃતધ્નને, લોભીને, પરસ્ત્રીરતને, પરપીડકને, આચારરહિતને, ચુગલીખોરને, કન્યા – વિક્રય કરનારને, ધર્માચરણનો દંભ કરનાર ભગલા ભક્તને અને ખોટી સાક્ષી આપનારને જે પાપ લાગે તે પાપ જો હું તારા ઘેર ફરી ન આવું તો મને લાગે.

બ્રહ્મહત્યા કરવાથી, માતાપિતાનો વધ કરવાથી, વ્યાધ કર્મ કરવાથી, વિષપ્રયોગ કરવાથી, બે પત્નીઓમાં સમદ્રષ્ટિ ન રાખનાર પુરુષને, એકને વાગ્યાન કરેલી કન્યા અન્યને આપનારને. કથામાં વિઘ્ન ઉત્પન્ન કરનારને, યતિઓ અને વેદની નિંદા કરનારને, બ્રાહ્મણની સ્ત્રીને રાખનારને, પ્રેત શ્રાદ્ધ ખાનારને, પતિતને, અનેક યજ્ઞ કરાવનારને, અસત્ શાસ્ત્રોમાં પ્રવીણને, પુરાણોના અર્થને નહીં જાણનારને, મુર્ખને, પાખંડીને વ્યાપાર કરનાર દ્વિજને, પત્ની અને સંતાનને છોડીને એકલા મિષ્ટાન્ન ખાનારને, ગુણસંપન્ન, સમાન રૂપવાળા વરને કન્યા ન આપનારને, જે પાપ લાગે તે હું તારા ઘેર ફરી ન આવું તો મને લાગે.’

મૃગલીનાં આવાં વચન સાંભળી પારધીએ બાણ પાછું ખેંચી લીધું અને મૃગલીને જવા દીધી. મૃગલીને જીવતદાન આપવાથી અને મહાદેવની પૂજાના પુણ્યથી પારધી તત્કાલ સર્વે પાપોથી મુક્ત થયો.

‘હે પાર્વતી ! બીજા પ્રહરમાં એ સમયે એક અન્ય હરિણી આવી. એ કામથી અત્યંત વ્યાકુળ હતી, અને ભયથી આમતેમ જોતી હતી. અને વારંવાર પોતાના પતિને શોધતી હતી. ઝાડીની મધ્યમાં બેઠેલા એ પારધિએ તેને જોઈ. એણે બીલીનાં પાંદડાં તોડી મૂંગલી દેખાય એમ દક્ષિણ તરફ ફેંક્યાં અને તે શિવલિંગ પર પડ્યાં. પરિવારના પોષણ માટે અને મૃગીનો વધ કરવા માટે એણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને એકાગ્ર થઈ બાણ મારવા તત્પર થયો.

હરિણી તેને જોઈ ગઈ અને વિહ્વળ થઈ વિચારવા લાગી કે, ‘આજ પારધીએ મારી ભગિનિ હરિણીને હણી છે. એના દુ:ખથી પીડાયેલી મારે હવે જીવીને શું કામ છે? હવે મરવું એ જ ઉત્તમ છે. એટલે પારધીને જોઈને દુઃખી થવું યોગ્ય નથી’ એમ વિચારી એ પારધીને કહેવા લાગી, ‘હે ધનુર્ધર ! હે સર્વ જીવોના હન્તા ! હે શ્રેષ્ઠ વ્યાધ ! મારા પ્રશ્નનો તું ઉત્તર આપ. પછી તું મારો વધ કર. હે પારધી ! આ માર્ગે આવવા નીકળેલી એક હરિણી અહીં આવી હતી? તું મને સત્ય કહે.’

મૃગલીની માનુષી વાણી સાંભળી પારધિ ક્ષણભર તો વિસ્મિત થઈ ગયો અને વિચારવા લાગ્યો. ‘પ્રથમ હરિણીના જેની જ આ હરિણીની વાણી છે. શું પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા પ્રથમ મૃગી તો નથી આવી? અથવા તો પ્રથમ મૃગલીએ કહેલી આ અન્ય મૃગલી તો નથી આવી?’ આમ વિચારી એણે હરિણીને કહ્યું, ‘હે મૃગલી ! તું સાંભળ ! એ મૃગલી મને પાછા આવવાનું સત્ય વચન આપીને પોતાના ઘરે ગઈ છે. હે મૃગિ ! મેં પરિવારના પોષણ માટે આખો દિવસ અને રાત્રિ કષ્ટ વેઠ્યું છે એટલે હવે હું તારો વધ કરીશ. એટલે ભગવાનનું સ્મરણ કરી લે.’

પારધીનાં આવાં વચન સાંભળી હરિણી દુ:ખી થઈ અને રુદન કરતાં કરતાં કહેવા લાગી, ‘હે વ્યાધ ! તું મારી હત્યા કરીશ નહીં. મારું તેજ, બલ અને સર્વસ્વ વિરહ અગ્નિથી બળી ગયું છે. હું દુર્બળ અને મેદમાંસથી રહિત છું. મને મારવાથી તને પાપ લાગશે. પરન્તુ તારા પરિવારના ભોજન માટે પર્યાપ્ત માંસ મળશે નહીં.

હે પારધી ! હમણાં જ આ માર્ગે બલવાન, મહાતેજસ્વી, મેદમાંસથી ભરેલા પુષ્ટ શરીરવાળો એક ગૌરાંગ મૃગ આવશે, એને હણવાથી તારો પરિવાર સંતૃપ્ત થશે અથવા પ્રાત:કાલે હું તારા ગૃહે અવશ્ય આવીશ.’ હરિણીના આવાં વચન સાંભળી પારધી વિચારવા લાગ્યો, ‘હવે, મારે શું કરવું?’ અને શોકાતુર કૃશ મૃગલીને કહેવા લાગ્યો, ‘હે ! મૃગી ! તું મને સત્ય વચન કહે, જેથી મારો વિશ્વાસ વધે.’

વ્યાધનાં વચન સાંભળી એ દુ:ખી હરિણી એની આગળ વારંવાર સત્ય પ્રતિજ્ઞા લઈને કહેવા લાગી, ‘રણમાંથી ભાગેલા ક્ષત્રિયને જે પાપ લાગે, તળાવો અને વાપિકાઓનું ખંડન કરનારને જે પાપ લાગે, ગાયોના માર્ગ અને સ્થલનો નાશ કરનારને જે પાપ લાગે, અને સર્વે પ્રાણીઓને હણનારને જે પાપ લાગે, એ પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે.! એવાં વચન સાંભળી પારધિએ એ હરિણીને છોડી દીધી. એ હરિણી પણ ઘણું જલ પીને, જેમ આવી હતી તેમ જતી રહી.

ઝાડીમાં સંતાયેલા વ્યાયનો આમ બીજો પ્રહર પણ પસાર થઈ ગયો. એણે બીલીપત્રો તોડીને શિવલિંગ પર નાંખવાં માંડ્યો. ક્ષુધાથી પીડિત અને ઘરની ચિંતાથી ઘેરાયેલો, ટાઢથી થરથરતો એ પારધી શિવ ! શિવ ! એમ ઉચ્ચારતો નિદ્રાસુખ પામ્યો નહીં. આમ ત્રીજા પ્રહરમાં એ પારધિએ અનાયાસે જ શિવપુજન કર્યું.

હે સુંદર મુખવાળાં પાર્વતી જીવન ધારણ કરવા એ પારધી, ચારે બાજુ પશુઓ માટે જોવા માંડ્યો. ત્યાં એણે ચંચલ નેત્રવાળો મૃગ જોયો. એ સર્વે દિશાઓમાં હરિણીને શોધતો હતો. એ મૃગ સૌભાગ્ય અને બલના ગર્વવાળો, મદોન્મત્ત અને પુષ્ટ શરીરવાળો હતો. એને જોતાં જ કાન સુધી ધનુષ્ય ખેંચીને એ બાણ છોડવા જતો હતો, ત્યાંજ મૃગની નજર પારધી પર પડી.

કાલરૂપ પારધીને જોઈ મૃગ ભારે ચિન્તામાં પડ્યો અને વિચારવા લાગ્યો : ‘હું આની નજરે પડયો છું, એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે. પ્રાણસમાન મારી પ્રિય હરિણીને અહીં એણે જ હણી હશે. એના વિરહી એવા મારું પણ અવશ્ય મૃત્યુ થશે ; અરેરે ! ભાર્યાના મરણ જેવું કેવું પાપ આવી ચડ્યું. ભાર્યાના જેવું સુખ ગૃહમાં કે અરણ્યમાં ક્યાંય નથી. એના વિના ધર્મ, અર્થ, કામ કે કોઈ પુરુષાર્થ સાર્થક થતો નથી. વૃક્ષના મૂલમાં પણ ભાર્યા સાથેનો નિવાસ ધર જેવો લાગે છે. પરન્તુ સ્ત્રી વગરનો સુંદર પ્રાસાદ પણ અરણ્યથી અધિક વિકટ લાગે છે.

ધર્મ, અર્થ, કામ આદિ પુરુષાર્થોમાં પત્ની જ પુરુષની સંગાથિની છે. વિદેશમાં પણ પોતાની સ્ત્રી જ વિશ્વાસનું પાત્ર છે. ભાર્યા સમાન કોઈ સ્વજન નથી અને ભાર્યા સમાન કોઈ અન્ય સુખ નથી. આ સંસારમાં આર્ત પુરુષને ભાર્યા સમાન અન્ય કોઈ ઔષધ નથી. જેના ઘરમાં પતિવ્રતા, પ્રિયાવાદિની સાધ્વી સ્ત્રી નથી એણે અરણ્યમાં જવું જ યોગ્ય છે કારણ કે એને તો ઘર પણ અરણ્ય જેવું જ છે. એક ભાર્યા મને પ્રાણ સમાન પ્રિય હતી અને અન્ય ભાર્યા મને પ્રાણ આપનારી હતી. એટલે એવી ભાર્યા રહિત જીવવું એ વૃથા છે.’

એમ વિચારી એ મૃગ પારધીને કહેવા લાગ્યો, ‘હે! પારધી ! હે નરશ્રેષ્ઠ ! હે માંસભક્ષી ! હું કહું છું તે સાંભળ ! અને મારા પ્રશ્નોનો ઉત્તર આપ. આ માર્ગે જે બે હરિણીઓ આવી હતી તે કયે માર્ગે ગઈ? અથવા તો તેં એમનો નાશ કર્યો? તું મને સત્ય કહે.’ મૃગનાં વચન સાંભળી, પારધી વિસ્મિત થયો. એને લાગ્યું, ‘આ મૃગ, સામાન્ય મૃગ નથી પરન્તુ કોઈ ઉત્તમ દેવ છે.’

પારધી બોલ્યો, ‘હે અનધ ! મારી પાસે શપથ ગ્રહણ કરીને એ બન્ને હરિણીઓ આ માર્ગે ગઈ છે. અને તેઓએ મારા ભોજન માટે તને મને ધર્યો છે. હું તને હમણાં જ હણીશ અને કોઈ પણ પ્રકારે મુક્ત કરીશ નહીં,’ વ્યાધનો વચન સાંભળી એ મૃગ બોલ્યો, ‘હે વ્યાઘ ! તે મૃગલીઓએ તારી પાસે કેવા શપથ લીધા? જેથી તને વિશ્વાસ બેઠો અને બન્નેને જવા દીધી? તેઓ મુક્ત થયા પછી કયે માર્ગે ગઈ?’

પારધી બોલ્યો, ‘તેઓ આ માર્ગે પોતાના સ્થાન તરફ ગઈ છે.’ એમ કહી એમના શપથ પણ કહી સંભળાવ્યા. એ સાંભળી મૃગ પ્રસન્ન થયો અને ધર્મથી ભરેલાં વચન વ્યાધને કહેવા લાગ્યો, ‘હે વ્યાધ ! એમણે જે વચન કહ્યાં છે, એને હું ઉથાપીશ નહીં. હું પણ પ્રભાતમાં નિશ્ચિત રીતે તારા ઘરે આવીશ.

આજે મારી ભાર્યા ઋતુમતી છે, અને અત્યારે કામથી અત્યંત વ્યાકુળ છે. એટલે ઘરે જઈ એને ઋતુદાન આપી, મિત્રોની અનુજ્ઞા લઈ, હું તારા ઘરે અવશ્ય આવીશ. એમ શપથપૂર્વક કહું છું. એમાં કોઈ સંશય નથી. તું મેદ અને માંસ ખાવા ઈચ્છે છે, પરન્તુ એ માસ શરીરમાં નથી. તથાપિ તું મારો વધ કરીશ તો મારું મૃત્યુ વૃથા થશે.’

આ સાંભળી પારધી બોલ્યો, ‘હે ધૂર્ત ! તું અસત્ય બોલે છે અને તું મને વ્યર્થમાં છેતરે છે. જ્યાં પ્રત્યક્ષ મૃત્યુ હોય ત્યાં અલ્પ બુદ્ધિવાળો પણ કેમ કરી જાય?’ આ સાંભળી મૃગ બોલ્યો, ‘હું શપથ લઉં છું તેથી તને વિશ્વાસ આવે,’ એટલે પારધી બોલ્યો; ‘હે મૃગ ! તું સાચા શપથ મારી સામે ગ્રહણ કર, એથી મને વિશ્વાસ બેસે અને તારા જેવા કામુક મૃગને ઘરે જવા દઉં.’

મૃગ બોલ્યો, ‘જે સ્ત્રી પતિથી છલ કરે છે, જે સેવક સ્વામીથી છલ કરે છે, જે મિત્ર મિત્રથી છલ કરે છે, જે ગુરુનો દ્રોહ કરે છે, જે પીરસવામાં ભેદ રાખે છે, જે પ્રેમમાં પક્ષપાત કરે છે, જે તળાવ તોડે છે અને મંદિર ભાંગે છે, જે સદા પ્રવાસી રહે છે, જે વિપ્ર વ્યાપાર કરે છે, સંધ્યાસ્નાન કરતો નથી, વેદ કે ધર્મશાસ્ત્ર ભણતો નથી, જે મદ્યપાન કરે છે, જે સ્ત્રીમાં અત્યંત આસક્ત રહે છે, જે પરનિંદામાં રત રહે છે, જે વિપ્રો પર દારાનું સેવન કરે છે, પરનિદા કરે છે, શુદ્રોનું ભોજન કરે છે, જેઓ પત્ની અને પુત્રોનો ત્યાગ કરે છે, જેઓ વેદોની નિંદા કરે છે ; એ સઘળાનાં પાપ જો હું તારા ઘરે ન આવું તો મને લાગે.

જે પુરુષની ભાર્યા સ્વૈરાચારિ, વ્રત અને શુચિતાથી રહિત હોય, જે સર્વ ભક્ષી, સર્વ વિક્રેતા અને વિપ્રનિંદક હોય, જે શુદ્ર ત્રણે વર્ણની સેવાથી રહિત હોય, જે વિપ્ર વેદવાક્યનો ત્યાગ કરી પાખંડમાં રાચનાર છે, જે શુદ્રો બ્રહ્મચર્ય પાળે છે અને પાખંડનો આશ્રય લે છે, તેઓને જે પાપ લાગે છે એ પાપ જો હું તારા ઘરે ન આવું તો મને લાગે.

જે વિપ્ર તલ, તેલ, ઘી, મધ, લવણ, ગોળ, લોખંડ, લાખ, વિવિધ રંગ, મધ, માંસ, વિષ, દૂધ, ગળી, મત્સ્ય, ક્ષીર, સર્પકુટ અને ચિત્રકનાં ફળ વેચે છે, અને એને જે પાપ લાગે છે એ પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે.

જે મનુષ્ય સૂર્ય, વિષ્ણુ, શિવ, દેવી અને ગણપતિ એ પંચાયતન દેવોને ત્યાગી અન્ય દેવોની સેવા કરે છે, એને જે પાપ લાગે છે એ પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે.

જે મનુષ્ય પગથી ગાયનો સ્પર્શ કરે છે, સૂર્યોદય થયા છતાં જે સુતો રહે છે, જે એકલો મિષ્ટાન્ન ખાય છે, જે માતાપિતાનું પાલન કરતો નથી, જે ઉદરનિર્વાહ માટે રસોઈ કરે છે, જે દીકરીના દામથી નિર્વાહ કરે છે, જે દેવ બ્રાહ્મણોનો નિંદક છે. જે ગોગ્રાસ, હેતકાર અને અતિથિનું પૂજન કરતો નથી. જે રીંગણ, પંડોળાં, કાળિંગડુ, દૂધી, મૂળા, લસણ, કાંદા, કુસુંભ અને કાલશાકનું ભક્ષણ કરે છે, એની શુદ્ધિ શત શત ચાંદ્રાયણ વ્રતથી પણ થતી નથી. એનું પાપ હે વ્યાઘ હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે સ્વરહીન અને લક્ષણરહિત પાઠ કરતો હોય, જે ગલીમાં ભમતાં ભમતાં વેદમંત્રોનો ઉચ્ચાર કરતો હોય, જે વિપ્ર અત્યંજ સાંભળે એમ ધર્મશાસ્ત્ર ઉચ્ચારતો હોય, જે વેદોપજીવી બ્રાહ્મણ લોભથી શુદ્રનું અન્ન ખાતો હોય, તો એનું પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે.

જેઓ શુદ્રના અન્ન ભક્ષણમાં આસક્ત હોય. અને શુદ્રના સંપર્કથી દૂષિત હોય, તેઓનું પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે. જે બ્રાહ્મણ લેખ કરતો હોય, ચિત્ર કાઢતો હોય, વૈદ્ય કે નક્ષત્રસૂચક હોય અથવા કુટ કર્મ કરતો હોય તો એનું પાપ, હું તારા ઘરે ન આવું તો મને લાગે.

જે ફુટ સાક્ષી પૂરે છે, જે અસત્ય બોલે છે, જે પરદ્રવ્ય હરે છે, જે પરસ્ત્રીગમન કરે છે, જે વિશ્વાસઘાત કરે છે, જે પદાર્થોમાં ભેળસેળ કરે છે, જે પેયદ્રવ્યોમાં છલ કરે છે, જે વેશ્યામાં આસક્ત હોય છે, જે દાતાને દાન આપતાં રોકે છે, જે સ્ત્રી દ્રવ્યહીન, વ્યાધિપીડિત, અને કુરૂપ પતિની રૂપના ગર્વથી સેવા નથી કરતી તેમજ જે એકાદશી અને શિવરાત્રિ પૂર્વવિધ્ધા કરે છે, એ સર્વેનું પાપ હું તારા ઘરે ન આવું તો મને લાગે.

હે પારધી ! હવે તારી આગળ વિશેષ શું કહેવું? જો હું તારા ઘરે ન આવું તો મારું સઘળું અસત્ય થાઓ.’

મૃગનાં આવાં વચન સાંભળી વ્યાધ સંતુષ્ટ થયો અને પાપરહિત થયો અને ધનુષ્ય પરથી બાણ ઉતારી લીધું અને મૃગને ઘર તરફ જવા મુક્ત કર્યો. એટલે મૃગ પણ જલપાન કરીને જે માર્ગે પહેલાં મૃગલીઓ ગઈ હતી એ માર્ગે અરણ્યમાં જતો રહ્યો.

એ પછી ઝાડીની મધ્યમાં બેઠેવા પારધીએ પરોઢિયું થતાં જ બીલીનાં પત્રો તોડીને નીચે નાખ્યા. અને શિવ ! શિવ ! એવા શબ્દો બોલી પોતાને સ્થાને બેઠો. પછી સૂર્યોદય થયો અને અનિચ્છાએ એને જાગરણ થયું. તેમજ શિવપૂજનના પ્રભાવથી એ પારધી પાપમુક્ત થઈ ગયો. અને ભોજન તરફ નિરાશ થઈ ચારે બાજુ જોવા માંડયો. એટલામાં પોતાનાં બચ્ચાંથી વીંટળાયેલી એક હરિણી ત્યાં આવી પહોંચી.

એણે ધનુષ્ય પર બાણસંધાન કર્યું અને મૃગલી બોલી, ‘હે ધર્માત્મન્ ! હે સુવ્રત ! તું મારી પર બાણ ન મૂક. તું ધર્મને છોડીશ નહિ. હું સર્વે શાસ્ત્રોના નિશ્ચય પ્રમાણે અવધ્ય છું.’ શયન કરી રહેલા, મૈથુન આચરતા, દૂધ પીતા, વ્યાધિપીડિત અને બચ્ચાંથી ઘેરાયેલાં મૃગ-મૃગીને રાજાએ મારવાં ન જોઈએ.’ એવી શાસ્ત્રાજ્ઞા છે. હે માનદ્ ! તું ધર્મ છોડીને પણ મને મારવા ઈચ્છતો હોય તો બચ્ચાંને ઘરે મૂકી, સખીઓને એમની સોંપણી કરી, હું અવશ્ય પાછી આવીશ. હું શપથ લઈને કહું છું કે હું અવશ્ય પાછી આવીશ. હે વ્યાધ ! મારાં વચન સાંભળ.

‘પોતાના પતિનો ત્યાગ કરી, પરપુરુષમાં રત રહેનારી સ્ત્રીનું પાપ જો હું પાછી તારા ઘરે ન આવું તો મને લાગે. મોહગ્રસ્ત થઈ મદિરા, માંસ, વિષ, દૂધ, ગળી અને કુંભફલ વેચનારનું પાપ હું જો તારા ઘરે ન આવું તો મને લાગે. પ્રથમ મેં તારી સમક્ષ જે શપથ લીધા છે, તે સઘળા શપથ હે વ્યાધશ્રેષ્ઠ ! જો હું તારા ઘરે ન આવું તો મને લાગે.’

હરિણીનાં આવાં વચન સાંભળી, વિસ્મિત થયેલા પારધીએ એને છોડી દીધી, અને એ હરિણી પોતાના સ્થાનમાં ગઈ. પારધી પણ એ સ્થલ છોડીને પોતાના ઘર ભણી ગયો. માર્ગમાં એ સત્યવાદી મૃગલાંનાં વચનનું સ્મરણ કરતો હતો અને વિચારતો હતો, ‘હંમેશાં હત્યા કરનાર એવો હું કેવી દુર્ગતિ પામીશ?’ એ ઘરે પહોંચ્યો અને ભૂખ્યાં બાળક એની નજરે પડ્યાં. ઘરમાં ભોજન માટે ન અન્ન હતું, ન માંસ હતું. એને માંસ વિના ખાલી હાથે આવતો જોઈ ઘરનાં સૌ નિરાશ થઈ ગયાં.

પારધી પણ હરણાંનાં વાક્યોનું સ્મરણ કરતાં કરતાં વિસ્મય પામ્યો. અને ભોજન કે નિદ્રા એ પામ્યો નહીં. એને શ્રદ્ધા હતી કે શપથથી બંધાયેલાં એ હરણાં અવશ્ય આવશે પરંતુ હું એમનો વધ કરીશ નહીં, એવો એણે નિર્ણય કર્યો.

પછી પારધીએ મુક્ત કરેલો પેલો મૃગ જે સ્થળે પેલી બે મૃગલીઓ હતી, ત્યાં ગયો. એક મૃગીને પ્રસવ થયો હતો, અને બીજી મૃગી રતિલાલસાથી ઉત્સુક હતી. ત્રીજી મૃગલી પણ બચ્ચાંથી વીંટળાઈને ત્યાં આવી. મરણ માટે કૃતનિશ્ચયી એવાં સર્વે મૃગલાં એકત્રિત થયાં અને પરસ્પર પારધીની વાતો કરવા લાગ્યાં. એ પછી અત્યંત સુંદર એવી રતિલાલસાથી વ્યાકુલ હરિણીનો સંભોગ કરીને કૃતાર્થ થયેલો મૃગ હરિણીઓને કહેવા લાગ્યો, ‘તમે સૌ અહીં રહો અને વાઘ, હાથી અથવા વ્યાધથી સતર્ક રહી બચ્ચાંનું રક્ષણ કરો. હું સંતાન પ્રાપ્તિના હેતુથી આ ઋતુમતી હરિણીને પારધી પાસે શપથ ખાઈને ઋતુદાન દેવા આવ્યો છું.

ઋતુમતી ભાર્યાનો જે પુરુષ મોહથી ઘેરાઈને ઉપભોગ કરતો નથી, એને ભ્રૂણ હત્યાનું પાપ લાગે છે. અને એનો જન્મ નિષ્કલ જાય છે. સંતાનથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને આ અક્ષય કીર્તિ પ્રાપ્ત થાય છે. એટલે પ્રયત્નપૂર્વક સંતાનનું પાલન કરવું. સંતાન સ્વર્ગનું સુખ આપનાર છે. સંતાન રહિતની આ લોકમાં કે પરલોકમાં કોઈ ગતિ નથી. કોઈ પણ પુરુષે સંતાન ઉત્પન્ન કરવું જોઈએ. મારે હવે પારધીના ઘરે જવું જોઈએ. સત્યનું પાલન કરવું જોઈએ કારણ કે સત્યમાં જ ધર્મ પ્રતિષ્ઠિત થયેલો છે.

મૃગના આવાં વચનો સાંભળી મૃગલીઓ બોલી, ‘હે મૃગશ્રેષ્ઠ ! હે નાથ ! અમે સૌ પણ તમારી સાથે આવીશું, અમે તમારા અપ્રિય સમાચાર કદાપી સાંભળીશું નહીં. પ્રફુલ્લિત પુષ્પોથી છવાયેલાં અરણ્યોમાં, સરિતાઓના સંગમોમાં, શૈલોમાં અને કંદરાઓમાં અમે તમારી સાથે રમ્ય ક્રીડા કરી છે. આપના વગર જીવીને અમારે શું કરવું છે? પતિ વગર સ્ત્રીને જીવવાનું શું પ્રયોજન છે? પિતા પરિમિત આપે છે. ભાઈ પરિમિત આપે છે, પુત્ર પરિમિત આપે છે, પરંન્તુ પતિ તો અપરિમિત આપે છે. એટલે એવા પતિની પરિચર્ચા-પૂજા કઈ સ્ત્રી ના કરે? સ્ત્રી ઉત્તમ કુળવાળી હોય, ધનવાળી હોય, બહુ પુત્રો અને સ્વજનો વાળી હોય, પરન્તુ પતિહીન હોય તો સગાંસંબંધી એના તરફ શોકમય, ઉદાસીન હોય છે.

સ્ત્રીઓને વૈધવ્ય સમાન અન્ય કોઈ દુ:ખ નથી. જે સ્ત્રીઓ પતિ પહેલાં મૃત્યુ પામે છે, એમને ધન્ય છે. જેમ તાર વિના વીણા વાગતી નથી, જેમ ચક્ર વિના રથ ચાલતો નથી એમ શત શત પુત્રો હોવા છતાં નારીને પતિ વિના સુખ પ્રાપ્ત થતું નથી. સ્ત્રીઓને પતિ સમાન કોઈ આશ્રય નથી, પતિ સમાન કોઈ પરમ ગતિ નથી,’ એમ વિલાપ કરીને હરિણીઓ એ મરવાનો નિશ્ચય કર્યો. અને અત્યંત દુ:ખી થવા લાગી.

મૃગ પણ એમનાં વચન સાંભળી વ્યાકુલ થયો. અને વિચારવા લાગ્યો કે ‘પારધીને ઘેર જવું કે ન જવું ! જો હું શપથના પાલન માટે પારધિને ઘરે જાઉં છું તો મારો સઘળો પરિવાર નાથ પામે છે. અને ન જાઉં તો સત્યનો ક્ષય થાય છે. પુત્ર, સ્ત્રી અને પોતાનો નાશ થાય પરન્તુ સત્યનો ત્યાગ કરવો નહીં. સત્યના ત્યાગથી કલ્પ પર્યંત રૌરવ નરકની પ્રાપ્તિ થાય છે. એટલે જ કલ્યાણની વાંછના રાખનારે સત્યનું પાલન કરવું જોઈએ. સત્યથી જ આ પૃથ્વીનું ધારણ થાય છે. સત્યથી જ સૂર્ય પ્રદીપ્ત થાય છે. સત્યથી જ વાયુ વાય છે અને સત્યથી જ પરમ વૃદ્ધિ થાય છે.’

આમ વિચારી હ્રદયમાં ધર્મને ધારણ કરીને એ મૂંગ, મૃગલીઓ સાથે ધીરે ધીરે એ પારધીના નિવાસસ્થાન તરફ ચાલ્યો. સરોવરમાં એણે સ્નાન કર્યું અને સર્વે કર્મોનો ત્યાગ કર્યો. પછી હૃદયમાં સદાશિવનું ધ્યાન ધરતાં ધરતાં એણે શિવલિંગને પ્રણામ કર્યા. ભક્ષ્ય, ભોગ, પાન, મૈથુન, કામ, ક્રોધ, લોભ આદિ મોક્ષનો નાશ કરનારી માયાનો ત્યાગ કરીને, ભગવાન સદાશિવને વંદન કરીને એ પારધિના ઘર તરફ ચાલ્યો. એની ભાર્યાઓ, સંતાનો વગેરે પણ અનશન વ્રત ગ્રહણ કરીને એના પાછળ પાછળ ચાલ્યા. તેઓ સૌ ભૂખે મરતાં સ્ત્રીપુત્રો સહિત બેઠેલા પારધીના નિવાસ સ્થાનમાં આવ્યાં.

પોતાના વચન પાલનનું પારધીને સ્મરણ કરાવતાં મૃગ બોલ્યો, ‘હે વ્યાધ ! સર્વપ્રથમ તું મારો વધ કર. પછી મારી પત્નિઓનો અને પછી મારાં બચ્ચાંનો તું ક્રમથી વધ કર. એમાં તું વિલંબ કરીશ નહીં. મૃગલાંના ભક્ષણમાં પારધિઓને કોઈ દોષ લાગતો નથી. સત્યનું પાલન કરતાં કરતાં અમે તો સ્વર્ગ પામીશું. એમાં કોઈ સંશય નથી. આમાં તારા પરિવારની તૃપ્તિ થશે.’

મૃગનાં આવાં વચન સાંભળી, આત્મનિંદા કરતાં એ મૃગને કહેવા લાગ્યો, ‘હે મૃગ! હે શ્રેષ્ઠ પ્રાણી ! તું તારા નિવાસસ્થાને પાછો જા. મારે તારા માંસનું કોઈ કામ નથી. મારું જે થવાનું હશે તે થશે. પ્રાણીઓને બંધનમાં નાખવામાં, વધ કરવામાં અને દુ:ખ આપવામાં મહાપાપ છે. એટલે પરિવાર માટે એવું પાપ હું કદાપી કરીશ નહીં.

હે મૃગોત્તમ ! તું મારો ગુરુ છે. કારણ કે મેં સત્યધર્મનો સમાશ્રય કરીને શસ્ત્રોનો ત્યાગ કર્યો છે.’

મૃગ બોલ્યો, ‘હું સર્વે કર્મોનો ત્યાગ કરીને, તારી પાસે આવ્યો છું. તું શીઘ્ર મારો વધ કર. તને પાપ લાગશે નહીં. હું પૂર્વે આપેલા વચનથી બંધાયેલો છું એટલે પાછો જઇશ નહીં. મેં પરિવાર સહિત જીવનના મોહનો ત્યાગ કર્યો છે.’

આ સાંભળી પારપી બોલ્યો, ‘હે મૃગ ! તું મારો બંધુ છે. તું ગુરુ છે, માતા છે, તું જ માતા, પિતા અને મિત્ર છે. મેં શસ્ત્રોનો અને માયાદિ સર્વનો ત્યાગ કર્યો છે. હે મૃગ ! કોની ભાર્યા ! કોના પુત્ર ! અને કોનો પરિવાર છે? સર્વેએ પોતપોતાનાં કર્મ ભોગવવાનાં છે. એટલે હે મૃગ ! તું સુખેથી ઘરે જા.’

એમ બોલી પારધીએ એ જ સમયે ધનુષ્ય અને ભાથાનાં સઘળાં બાણ ભાંગી નાખ્યાં. મૃગની પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા અને એની ક્ષમા માગી. એ સમયે સ્વર્ગમાં દેવોએ દુંદુભિ વગાડ્યાં અને આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ. ત્યાં એક સુશોભિત દિવ્ય વિમાન લઈ એક દેવદૂત આવ્યો, અને બોલ્યો,

‘હે વ્યાધ ! હે શ્રેષ્ઠ પ્રાણી! હવે સર્વે પ્રાણીઓનો ક્ષય કરનાર ! તું સદેહે જ આ વિમાનમાં આરોહણ કરીને સ્વર્ગમાં પ્રવેશ કર. શિવરાત્રિ વ્રતના પ્રભાવથી તારાં પાપનો ક્ષય થયો છે. અજાણતાં જ તેં શિવરાત્રિના દિને ઉપવાસ કર્યો છે, રાત્રિએ જાગરણ કર્યું છે અને પ્રત્યેક પ્રહરમાં શંકરનું પૂજન કર્યું છે. એટલે તું સર્વે પાપોથી મુક્ત થયો છે. એટલે તું ભગવાન રુદ્રના લોકમાં જા. વિમાનમાં આરોહણ કરી તું શીઘ્ર શિવપદની પ્રાપ્તિ કર. હે મૃગરાજ ! હે મહાબલિ! તું પણ ત્રણે ભાર્યાઓ અને પુત્રસહિત નક્ષત્ર લોકમાં જા. એ સ્થાન તારા નામથી ( મૃગશીર્ષ ) નક્ષત્ર રૂપે પ્રસિદ્ધ થશે.’

દેવદૂતના વચનો પ્રમાણે પારધી અને મૃગલાં સર્વે વિમાનમાં બેસી નક્ષત્ર લોકમાં ગયાં. આગળ બે હરિણી અને તેની પાછળ મૃગ એમ ત્રણ તારાવાળું નક્ષત્ર ‘મૃગશીર્ષ નક્ષત્ર કહેવાય છે. એ મૃગશીર્ષની પાસે આગળ બે બચ્ચાં અને પાછળથી આવેલી ત્રીજી મૃગલી દેખાય છે. અત્યારે પણ મૃગશીર્ષ નામનું ઉત્તમ નક્ષત્ર આકાશમાં દેખાય છે.

જે મનુષ્યો શિવરાત્રિના દિવસે ધર્મશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે ઉપવાસ અને જાગરણ કરશે, તેઓનો મોક્ષ થશે એમાં કોઈ સંશય નથી. શિવરાત્રિના સમાન પાપનો ક્ષય કરનારું અન્ય કોઈ વ્રત નથી. એના આચરણથી મનુષ્ય નિ:સંશય સર્વે પાપોથી મુક્ત થાય છે. શિવરાત્રિનું વ્રત કરવાથી સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞનું અને શતશત વાજપેય યજ્ઞનું ફળ મળે છે. એ સંપૂર્ણ સત્ય છે.

આમ લિંગ પુરાણમાં, ઉમા-મહેશ્વરના સંવાદમાં, કહેલી શિવરાત્રિ વ્રતકથા સમાપ્ત થઈ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top