માગશર માસના શુક્લપક્ષની ‘મોક્ષદા’ એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય.
યુધિષ્ઠિર બોલ્યા — દેવદેવેશ્વર! હું પૂછું છું – માગશર માસના શુક્લપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું નામ શું છે? કઈ વિધિ છે તથા તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? આ બધું યથાર્થરૂપે બતાવશો.
શ્રીકૃષ્ણે કહ્યું — નૃપશ્રેષ્ઠ! હવે હું માગશર માસના શુક્લપક્ષની એકાદશીનું વર્ણન કરીશ, જેના સાંભળવા માત્રથી વાજપેય-યજ્ઞનું ફળ મળે છે. તેનું નામ છે ‘મોક્ષદા’ એકાદશી, જે બધાં પાપોનું અપહરણ કરનારી છે. રાજન! એ દિવસે યત્નપૂર્વક તુલસીની મંજરી તથા ધૂપ-દીપ વગેરેથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. પૂર્વોક્ત વિધિથી જ દશમી અને એકાદશીના નિયમનું પાલન કરવું યોગ્ય છે.
‘મોક્ષદા’ એકાદશી મોટાં-મોટાં પાપોનો નાશ કરનારી છે. તે દિવસે રાત્રે મારી પ્રસન્નતાને માટે નૃત્ય, ગીત અને સ્તુતિ દ્વારા જાગરણ કરવું જોઈએ. જેના પિતૃ પાપને કારણે નીચ યોનિમાં પડયા હોય, તેઓ આનું પુણ્ય-દાન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે. આમાં જરા પણ શંકા નથી.
પૂર્વકાળની વાત છે, વૈષ્ણવોથી વિભૂષિત પરમ રમણીય ચંપક નગરમાં વૈખાનસ નામના રાજા રહેતા હતા. તેઓ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતા હતા. આ રીતે રાજ્ય કરતા રહેલા રાજાએ એક દિવસ રાત્રે સ્વપ્નમાં પોતાના પિતૃઓને નીચ યોનિમાં પડી રહેલા જોયા. તે બધાને આ હાલતમાં જોઈને રાજાના મનમાં ઘણી નવાઈ લાગી અને સવારે તેમણે બ્રાહ્મણોને પેલા સ્વપ્નની બધી વિગત કહી સંભળાવી.
રાજા બોલ્યા — બ્રાહ્મણો ! મેં પોતાના પિતૃઓને નરકમાં પડેલા જોયા છે. તેઓ વારંવાર રડતા રહીને મને એમ કહી રહ્યા હતા કે ‘તું અમારો પુત્ર છે, એટલા માટે આ નરક-સમુદ્રથી અમારો ઉદ્ધાર કર’. દ્વિજવરો! આ રૂપમાં મને પિતૃઓનાં દર્શન થયાં છે. એટલા માટે મને ચેન નથી પડતું. શું કરું, ક્યાં જાઉં? મારું હૃદય રૂંધાઈ જઈ રહ્યું છે. દ્વિજોત્તમો! તે વ્રત, તે તપ અને તે યોગ, જેનાથી મારા પૂર્વજ તત્કાળ નરકથી છુટકારો પામી જાય, તેનો ઉપાય બતાવવાની કૃપા કરો. મારા જેવા બળવાન તેમજ સાહસિક પુત્રના જીવતેજીવત મારાં માતાપિતા ઘોર નરકમાં પડી રહ્યા છે! તેથી આવા પુત્રથી શું લાભ છે?
બ્રાહ્મણ બોલ્યા — રાજન્! અહીં નજીકમાં જ પર્વત મુનિનો મહાન આશ્રમ છે. તેઓ ભૂત અને ભવિષ્યના પણ જ્ઞાતા છે. નૃપશ્રેષ્ઠ! આપ તેમને જ જઈને મળો.
બ્રાહ્મણોની વાત સાંભળીને મહારાજ વૈખાનસ તરત જ પર્વત મુનિના આશ્રમ પર ગયા અને ત્યાં પેલા મુનિશ્રેષ્ઠને જોઈને તેમને દંડવત્ પ્રણામ કરીને મુનિનાં ચરણોનો સ્પર્શ કર્યો. મુનિએ પણ રાજા દ્વારા રાજ્યનાં સાતે અંગોની ખબર પૂછી.
રાજા બોલ્યા — સ્વામિન્! આપની કૃપાથી મારા રાજ્યનાં સાતે અંગ સકુશળ છે. પરંતુ મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતૃ નરકમાં પડ્યા છે; તેથી જણાવો કયા પુણ્યના પ્રભાવથી તેમનો ત્યાંથી છુટકારો થશે?
રાજાની આ વાત સાંભળીને મુનિશ્રેષ્ઠ પર્વત એક મુહૂર્ત સુધી ધ્યાનસ્થ રહ્યા. આના પછી તેઓએ રાજાને કહ્યું — ‘મહારાજ! માગશર માસના શુક્લપક્ષની જે ‘મોક્ષદા’ નામની એકાદશી હોય છે, તમે બધા લોકો તેનું વ્રત કરો અને તેનું પુણ્ય પિતૃઓને આપી દો. આ પુણ્યના પ્રભાવથી તેમનો નરકથી ઉદ્ધાર થઈ જશે.
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — યુધિષ્ઠિર! મુનિની આ વાત સાંભળીને રાજા પોતાના ઘરે પાછા આવ્યા. જ્યારે ઉત્તમ માગશર માસ આવ્યો, ત્યારે રાજા વૈખાનસે મુનિના કહેવા મુજબ ‘મોક્ષદા’ એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય સમસ્ત પિતૃઓ સહિત પિતાને આપી દીધું. પુણ્ય આપતાં જ પળવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. વૈખાનસના પિતા પિતૃઓ સહિત નરકથી છુટકારો પામી ગયા અને આકાશમાં આવીને રાજાની તરફ આ પવિત્ર વચન બોલ્યા — ‘દીકરા! તારું કલ્યાણ થાઓ!’ આમ કહીને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. રાજન્! જે આ રીતે કલ્યાણમયી ‘મોક્ષદા’ એકાદશીનું વ્રત કરે છે, તેનાં પાપ નાશ પામી જાય છે અને મર્યા પછી તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ મોક્ષ આપનારી ‘મોક્ષદા’ એકાદશી મનુષ્યોને માટે ચિંતામણિના જેવી સમસ્ત કામનાઓને પૂરી કરનારી છે. આ માહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી વાજપેય-યજ્ઞનું ફળ મળે છે.
મિત્રો, અહીં મોક્ષા એટલે કે મોક્ષદા એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ કથાનો વિડીયો તમને નીચે મળી જશે.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા અને માહાત્મ્ય પહોંચી શકે.