જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની એકાદશીની કથા અને તેનું માહાત્મ્ય જાણીશું. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.
યુધિષ્ઠિરે પૂછ્યું — ભગવન્! ફાગણ કૃષ્ણપક્ષની એકાદશીનું શું નામ છે, એ જણાવવાની કૃપા કરશો.
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — રાજેન્દ્ર સાંભળો — હું આ વિષયમાં એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવીશ. જેને ચક્રવર્તી નરેશ માંધાતાના પૂછવાથી મહર્ષિ લોમેશે કહ્યું હતું.
માંધાતા બોલ્યા — ભગવન્! હું લોકોના ભલાની ઈચ્છાથી આ સાંભળવા માંગું છું કે ફાગણ માસના કૃષ્ણપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેની શું વિધિ છે તથા તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? કૃપા કરીને એ મને જણાવો.
લોમશજીએ કહ્યું — નૃપશ્રેષ્ઠ! પૂર્વકાળની વાત છે. અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં, જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરોની સાથે વાજાં વગાડતી રહીને વિહાર કરે છે, ત્યાં મગ્જુઘોષ નામની અપ્સરા મુનિવર મેધાવીને મોહિત કરવાને માટે ગઈ. તે મહર્ષિ એ જ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. મગ્જુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોસ દૂર જ રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી મધુર ગીત ગાવા લાગી. મુનિશ્રેષ્ઠ મેધાવી ફરતાં ફરતાં એ બાજુ આવી ચડયા અને પેલી સુંદરી અપ્સરાને આ રીતે ગાન કરતી જોઈ સેનાસહિત કામદેવથી પરાસ્ત થઈ બળપૂર્વક મોહને વશીભૂત થઈ ગયા.
મુનિની આવી અવસ્થા જોઈ મગ્જુઘોષા તેમની નજીક આવી વીણા નીચે રાખીને તેમનું આલિંગન કરવા લાગી. મેધાવી પણ તેની સાથે રમણ કરવા લાગ્યા. કામવશ રમણ કરતા રહી તેમને રાત અને દિવસનું પણ ભાન ન રહ્યું. આ રીતે મુનિજનોને લાયક સદાચારનો લોપ કરીને અપ્સરાની સાથે રમણ કરતા તેમને ઘણા દિવસ પસાર થઈ ગયા. મજુઘોષા દેવલોકમાં જવાને તૈયાર થઈ. જતી વેળાએ તેણે મુનિશ્રેષ્ઠ મેધાવીને કહ્યું — ‘બ્રહ્મન્! હવે મને પોતાના દેશ જવાની આજ્ઞા આપશો.’
મેધાવી બોલ્યા — દેવી! જ્યાં સુધી સવારની સંધ્યા ન થઈ જાય, ત્યાં સુધી મારી જ પાસે રોકાઈ જા.
અપ્સરાએ કહ્યું — વિપ્રવર! હજુ સુધી ન જાણે કેટલીય સંધ્યા ચાલી ગઈ! મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો.
લોમશજીએ કહ્યું — રાજન્! અપ્સરાની વાત સાંભળીને મેધાવીનાં નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઊઠયાં. એ સમયે તેમણે વીતેલા સમયનો હિસાબ કર્યો તો માલૂમ પડયું કે તેની સાથે રહેતા સત્તાવન વર્ષ થઈ ગયાં. તેને પોતાની તપસ્યાને નષ્ટ કરનારી જાણીને મુનિને તેના પર ઘણો ક્રોધ થયો. તેમણે શાપ દેતાં કહ્યું — ‘પાપિણી! તું પિશાચી બની જા’.
મુનિના શાપથી દગ્ધ થઈને તે વિનયથી નતમસ્તક થઈ બોલી — ‘વિપ્રવર! મારા શાપનો ઉદ્ધાર કહો. સાત વાક્ય બોલવાં યા સાત પગલાં સાથે સાથે ચાલવા માત્રથી જ સત્પુરુષોની સાથે મૈત્રી થઈ જાય છે. બ્રહ્મન્! મેં તો આપની સાથે અનેક વર્ષ વિતાવ્યાં છે; તેથી સ્વામિન્! મારા પર કૃપા કરો.’
મુનિ બોલ્યા – ભદ્રે! મારી વાત સાંભળ. હું શું કરું? તેં મારી ઘણી મોટી તપસ્યા નષ્ટ કરી નાખી છે. ફાગણ કૃષ્ણપક્ષમાં જે શુભ એકાદશી આવે છે, તેનું નામ છે, – ‘પાપમોચની’ તે બધાં પાપોનો ક્ષય કરનારી છે. સુંદરી! તેનું વ્રત કરવાથી તારી પિશાચતા દૂર થશે.
આમ કહીને મેધાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. તેમને આવેલા જોઈ ચ્યવને પૂછ્યું — ‘દીકરા! આ શું કર્યું? તેં તો પોતાના પુણ્યનો નાશ કરી નાખ્યો!’
મેધાવી બોલ્યા — પિતાજી! મેં અપ્સરા સાથે રમણ કરવાનું પાપ કર્યું છે. કોઈ એવું પ્રાયશ્ચિત્ત બતાવશો, જેનાથી પાપનો નાશ થઈ જાય.
ચ્યવનને કહ્યું — દીકરા! ફાગણ કૃષ્ણપક્ષમાં જે પાપમોચની એકાદશી હોય છે, તેનું વ્રત કરવાથી પાપરાશિનો વિનાશ થઈ જશે.
પિતાનું આ કથન સાંભળીને મેધાવીએ તે વ્રતનું અનુષ્ઠાન કર્યું. આનાથી તેમનું પાપ નાશ પામી ગયું અને તેઓ ફરીથી તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા. આ જ રીતે મગ્જુઘોષાએ પણ આ જ ઉત્તમ વ્રતનું પાલન કર્યું. ‘પાપમોચની’નું વ્રત કરવાને કારણે તે પિશાચ-યોનિથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારિણી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગલોકમાં ગઈ. રાજન્! જે શ્રેષ્ઠ પાપમોચની એકાદશીનું વ્રત કરે છે, તેમનું તમામ પાપ નષ્ટ થઈ જાય છે. આને વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનું ફળ મળે છે. બ્રહ્મહત્યા, સોનાની ચોરી, સુરાપાન અને ગુરુપત્નીગમન કરનારા મહાપાપી પણ આ વ્રત કરવાથી પાપમુક્ત થઈ જાય છે. આ વ્રત ઘણું પુણ્યમય છે.
મિત્રો, અહીં પાપમોચની એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.