નમસ્કાર મિત્રો, આજના લેખનો વિષય છે – કર્મને ભગવાનની પૂજા બનાવો. આ લેખમાં જે માહિતી લેવામાં આવી છે તે બ્રહ્મલીન પરમ શ્રદ્ધેય શ્રીજયદયાલ ગોયન્દકાજીના પ્રવચનોમાંથી સંકલિત કરવામાં આવેલી છે. તેમણે આ પ્રવચન તા. 29-12-1940 ના રોજ ગોરખપુરમાં આપ્યું હતું. તો આવો તેમણે શું કહ્યું છે તે જાણીએ.
જો આચરણ થઈ શકે તો એક દિવસનું પ્રવચન જ પર્યાપ્ત છે. પરંતુ એવું લાગે છે કે વર્ષો સુધી પ્રવચન સાંભળીને પણ આપણે ત્યાં ને ત્યાં પડ્યા છીએ. જોકે સાવ વ્યર્થ ગયું નથી, સુધારો તો બધામાં થયો છે, છતાં લાગે છે કે જાણે ત્યાં જ પડયા છીએ. તાત્પર્ય એ છે કે આપણે જે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, તેને આચરણમાં લાવીએ.
વેપારીઓએ વેપારમાં જૂઠ-કપટનો ત્યાગ કરવો જોઈએ. પ્રાણ ભલે ચાલ્યા જાય પરંતુ જૂઠ-કપટ નહીં કરીએ. જો કર્મયોગ પ્રમાણે આપણો વેપાર થાય તો પછી જોઈએ જ શું? જૂઠ-કપટ છોડીને સત્ય-વ્યવહાર જ કરવો જોઈએ. સ્વાર્થનો ત્યાગ કરીને સર્વમાં ભગવાન સમજીને વેપાર કરવો એ ભગવાનની પૂજા છે અને તેનાથી બહુ જલદી ભગવાન મળી શકે છે. ચણા ખાઈને નિર્વાહ કરવો, પણ પાપ ન કરવું. ધર્મ-પાલન માટે કષ્ટ સહન કરવું જોઈએ. આ જ પ્રમાણે ઋણ વિશે પણ સમજવું.
કોઈનું ઋણ બાકી રહી જાય. એ પાપ છે. શાસ્ત્રો કહે છે – દાન લઈને પણ ૠણ ચૂકવી શકાય છે. દાન લેનારનો પુનર્જન્મ થતો નથી પરંતુ દેવું ચૂકવવા માટે પુનઃજન્મ લેવો પડે છે. તેથી નિશ્ચય કરવો કે મૃત્યું પહેલાં ઋણમુક્ત બની જાઉં. ઋણ દાન લેવાથી પણ હીન છે.
દાન લેવું એ બ્રાહ્મણ માટે પાપ નથી, પરંતુ ઋણ ન ચૂકવવું એ તો તેના માટે પણ પાપ છે. વૈશ્યને દાન લેવાની આજ્ઞા નથી, વૈશ્યો અને ક્ષત્રિયોએ દાન લેવું ન જોઈએ, પરંતુ ૠણ તેનાથી પણ વધારે ખરાબ છે. તેથી દાન લઈને પણ ઋણ ચૂકવી શકાય છે. દાન લેવું એવું વિધાન નથી, પરંતુ માત્ર ઋણ ચૂકવવા માટે દાન લેવાનું કહ્યું છે. કારણ કે ઋણ તો મૃત્યુ પછી પણ ચૂકવવું પડે છે. પાપ તો ભગવાનની ભક્તિથી નષ્ટ થઈ જાય છે. નિષ્કામ કર્મ દ્વારા પણ ઋણનો નાશ થતો નથી, પાપનો થઈ જાય છે. ઋણ ચૂકવી દેવાથી જ મુક્તિ મળે છે. પાપથી પણ ઋણ વધારે બંધનનું કારણ છે. પાપ તો હાનિકર છે જ. વૈશ્યનો ધર્મ દાન લેવાનો નથી, પરંતુ અધર્મ છે. ભક્તિના પ્રતાપે પાપનો નાશ થઈ જશે –
જબહિ નામ હિરદે ધર્યો ભયો પાપકો નાસ ।
જૈસે ચિનગી અગ્નિ કી પરી પુરાને ઘાસ ||
થોડી બીજી પણ વાતો છે જેનાથી ૠણ મુક્ત થઈ શકાય છે, પરંતુ લોકો તે સાંભળવા માટે અધિકારી નથી. તેથી તે નહીં કહું, જો કહી દઉં તો લોકો ૠણ ચૂકવશે નહિ. બધાને લાગવું જોઈએ કે ઋણ તો ચૂકવી જ દેવું જોઈએ. જાડાં કપડાં પહેરવાં. સૂકો રોટલો ખાવો, કષ્ટ વેઠીને પણ પૈસા બચાવીને ૠણ ચૂકવવું જોઈએ.
ઋણ-મુક્તિ માટે ઈશ્વરની ભક્તિ કરો. તો પણ કોઈ હરકત નથી. વેપારમાં પરિશ્રમ કરો, પરંતુ જૂઠ-કપટ ન કરો. લોભ ન કરો – ‘त्यागाच्छान्तिरनन्तरम्।’ (गीता १२।१२). સ્વાર્થનો ત્યાગ ધ્યાનથી પણ ચઢિયાતો છે. ધીરતા, વીરતા અને ગંભીરતા સાથે વેપાર કરવો જોઈએ. તેમાં ઉદારતા, દયા પણ હોવી જોઈએ. હું વૈશ્ય છું. સંસાર માટે વેપાર કરું છું. પેટ ન ભરાય તો તરફડીને મરી જાઓ પરંતુ પાપ ન કરો. ધર્મના માર્ગમાં મરી જવાથી પણ કલ્યાણ છે.
સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહઃ || (ગીતા ૩ | ૩૫) પોતાના ધર્મ ખાતર મરી જવું પણ કલ્યાણકારક છે અને બીજાનો ધર્મ ભયપ્રદ છે.
સ્ત્રીઓએ પણ સ્વાર્થનો ત્યાગ કરીને તત્પરતાથી ઘરનું કામ કરવું જોઈએ. સેવા એ જ સાચું ધન છે. સેવા જ પરમાત્માની પ્રાપ્તિનું સાચું સાધન છે. એવું સમજીને સેવા કરવી જોઈએ. માન-બડાઈનો પણ ત્યાગ કરવો જોઈએ. માન-બડાઈ-પ્રતિષ્ઠાના ત્યાગનું ફળ તમને પ્રત્યક્ષ દેખાશે. તમામ કાર્યમાં સ્વાર્થનો ત્યાગ કરવો જોઈએ. કામમાં સૌથી આગળ, બલિદાન આપવાના કામમાં પણ સૌથી આગળ રહેવું જોઈએ. મહાભારતમાં પ્રસંગ છે – બકાસુરને બલિ આપવામાં ગામમાંથી વારી-વારી પ્રમાણે દરેક ઘરમાંથી એક માણસ જતો હતો. બ્રાહ્મણની સ્ત્રી કહે છે હું જઈશ, છોકરી કહે છે હું જઈશ, બ્રાહ્મણ કહે છે હું જઈશ. આ પ્રમાણે બલિદાનમાં સૌથી આગળ રહેવું જોઈએ.
રૂપિયા, પૈસા, દાગીના અને કપડાં બીજાની સેવામાં આપવાં જોઈએ. પોતાના બાળકોથી પરિવારના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વહેંચી દીધા પછી શેષ રહે તે જ અમૃત છે.
પ્રેસમાં કામ કરનારા પોતાના કાર્યને ભગવાનનું કાર્ય સમજે. દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરે. પોતાનું બલિદાન આપવામાં પણ તત્પરતા રાખવી. ‘ध्यानात्कर्मफलत्यागः।’ (गीता १२/१२) કર્મ કરીશું ત્યારે જ તો કર્મફળનો ત્યાગ થશે. નોકરી કરનાર જ પગારનો ત્યાગ કરી શકે છે. જે નોકરી કરતો જ નથી, તેનો ત્યાગ કેવો? મનનો ભાવ જ મુખ્ય વાત છે. જેટલું કામ કરીએ એટલો જ કીંમતી પ્રસાદ છે. એક રૂપિયાનું કામ કરીને ૫૦ પૈસા લેવા એ પ્રસાદ જ છે. મહિનાના ૧૦૦ રૂપિયા પગારમાંથી ૭૫ રૂપિયા લીધા અને ૨૫ રૂપિયાનો ત્યાગ કર્યો તે, કોઈ પૈસાદાર આખો પગાર જતો કરે એના ત્યાગથી પણ વધીને છે.
એક ધર્માત્મા રાજા તીર્થયાત્રા કરવા નીકળ્યા. પ્રજા પણ સાથે નીકળી, ગામના લોકો પણ સાથે નીકળ્યા. એક ખેડૂત પણ સાથે ગયો. વૈશાખ-જેઠનો સમય હતો, ત્યાં વાદળાં છાયાં કરતાં તેમની સાથે સાથે ચાલતાં હતાં. લોકો કહેતા હતા કે અમે ધર્માત્મા રાજાની સાથે છીએ, રાજાના પુણ્યથી અમે આરામથી ચાલી રહ્યાં છીએ. બધા રાજાની પ્રશંસા કરતા હતા. જેમ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પછી તેમની પ્રશંસા થતી હતી અને એક નોળિયાએ આવીને તેમની પ્રશંસા અટકાવી દીધી. તેમ એક વ્યક્તિએ કહ્યું – કોણ જાણે, કોના પુણ્યથી વાદળાં છાયા કરી રહ્યાં છે. લોકો રાજાને ધર્માત્મા કહે છે, લાખો રૂપિયા દાન આપે છે, એનું જ ફળ છે.
રાજાએ કહ્યું, સારું પરીક્ષા કરો. એક-એક માણસ અલગ-અલગ ચાલે, જોઈએ, વાદળાં કોની સાથે ચાલે છે તે જોઈએ. બધા લોકો ચાલ્યા ગયા, કોઈની સાથે વાદળાં ન ગયાં. એક ખેડૂત ત્યાં પડી રહ્યો હતો. તેને નિદ્રા આવી ગઈ હતી. તે ઊઠીને દોડયો તો વાદળો તેની સાથે ચાલવા લાગ્યાં. લોકોને આશ્ચર્ય થયું, તેમણે પૂછ્યું, તેં શું દાન કર્યું હતું. તેણે કહ્યું, મારી પાસે આપવા માટે છે જ શું?
લોકોએ પૂછ્યું- તું ઘેરથી શું લઈને આવ્યો હતો. તેણે કહ્યું માત્ર બે ધોતી હતી. રસ્તામાં એક દુઃખી નિર્વસ્ત્ર માણસ ઊભો હતો. એક તેને આપી દીધી. તે બહુ રાજી થઈ ગયો. રાજાને ખબર પડી ગઈ કે આ ખેડૂતે સર્વસ્વનું દાન કરી દીધું છે. તેની સામે મારું દાન શ્રેષ્ઠ ક્યાંથી હોય? આ પ્રમાણે ત્યાગ, ભાવનાને જ અધીન છે. જેટલું કામ કરીએ તેનાથી લોકોનો એવો ભાવ થાય કે આને તો મહિને હજાર રૂપિયા આપીએ તો પણ આના કામનું વળતર ચૂકવી શકાય એમ નથી. લોકોના મનમાં ભલે આવું ન થાય, પણ ભગવાનના મનમાં તો આવું થવું જ જોઈએ. ભગવાન શ્રીરામ હનુમાનજીને કહે છે — હું તમારો ઋણી છું. ભરતજી પણ એવું જ કહે છે. પોતાના કર્તવ્ય કરતાં વધારે કામ કરનારના કામનું મૂલ્ય થઈ શકતું નથી. તેને તો માત્ર જે મળે છે તે પ્રસાદ જ મળે છે.
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ।। (ગીતા ૨।૬૫)
અંતઃકરણની પ્રસન્નતા થાય તેના તમામ દુઃખો નાશ પામે છે અને તે પ્રસન્ન ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ શીઘ્ર જ બધી બાજુથી હઠીને પરમાત્મામાં સારી પેઠે સ્થિર થઈ જાય છે.
આ પ્રમાણે બધાં ભાઈઓએ બધાં કામ ઉત્સાહ અને તત્પરતાથી કરવાં જોઈએ. માન-મોટાઈ અને અહંકારનો ત્યાગ કરો. જે કામ કરો તેના ફળનો ત્યાગ કરો. આસક્તિનો ત્યાગ કરે, અહંકારરહિત બોલે. અહંકારયુક્ત વાણીઓ ભગવાન પર પણ બૂરો પ્રભાવ પડે છે. ભગવાન તેના અહંકારને નષ્ટ કરવા તેને આફતમાં ધકેલી દે છે. આશાવાદી થઈને ધીરતા, વીરતા અને ગંભીરતા સાથે કામ કરવું જોઈએ. સિદ્ધિ-અસિદ્ધિમાં નિર્વિકાર રહેવું જોઈએ. સિદ્ધિ-અસિદ્ધિઓ ત્રણ પ્રકારની હોય છે. ત્રણેમાં સમતા રહેવી જોઈએ —
(૧) દીકરીના લગ્ન થાય છે. વિઘ્ન આવી ગયું. મા બીમાર થઈ ગઈ અથવા વર મરી ગયો. કાર્ય સંપન્ન ન થયું. આમાં સમતા રહેવી જોઈએ.
(૨) નિન્દા-સ્તુતિ – કોઈ કહે સારું થયું. કોઈ કહે કશું નથી થયું. આમાં સમતા હોવી જોઈએ. એને કાર્યફલની સિદ્ધિ-અસિદ્ધિની સમતા કહે છે.
(૩) પ્રતિકૂળતામાં વિષાદ અને અનુકૂળતામાં હર્ષ છોડીને સમતા રાખવી જોઈએ.
ઉપરોક્ત બન્ને શ્લોકોને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાથી કલ્યાણ થઈ શકે છે. આ જન્મમાં જ, થોડા સમયમાં જ કલ્યાણ થઈ શકે છે. ૧૫ દિવસ પણ વધારે જ કહું છું. કટિબદ્ધ થઈને પોતાની શક્તિ અનુસાર કાર્ય કરો. ભગવાનની પ્રતિજ્ઞા છે – જે અનન્ય પ્રેમી ભક્તો મુજ પરમેશ્વરનું નિરંતર ચિન્તન કરતા રહીને નિષ્કામ ભાવે ભજે છે, તે નિત્ય-નિરંતર મારું ચિન્તન કરનારા પુરુષોનો યોગક્ષેમ હું સ્વયં પ્રાપ્ત કરાવી દઉં છું.
ઊણપની પૂર્તિ ભગવાન કરે છે – આ જવાબદારી ભગવાનની છે. ભગવાનની શરણાગતિ સ્વીકારીને આ સાધના કરવી જોઈએ. આ સાધના ધ્યાન કરતાં પણ ચઢિયાતી છે. આ ઘણા સંકોચની વાત છે કે આટલા દિવસ થઈ ગયા છતાં આપણે આ પ્રમાણે કરી શક્યા નથી. જે થયું તે થયું, પણ હવે આપણે સાવધાન થઈને આ કાર્ય કરીને દેખાડી દેવું જોઈએ.
મિત્રો, અહીં શ્રીજયદયાલ ગોયન્દકાજીએ કહેલી વાત સમાપ્ત થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.