માગશર માસના કૃષ્ણપક્ષની સફલા એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય
મિત્રો, 26 ડિસેમ્બર 2024 ને ગુરુવારનો દિવસ ખુબ જ ખાસ છે. આ દિવસે માગશર માસના કૃષ્ણપક્ષની એકાદશી છે. આ એકાદશી વર્ષ 2024 ની છેલ્લી એકાદશી છે. આ એકાદશીનું નામ સફલા એકાદશી છે. આવો તેની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણીએ.
યુધિષ્ઠિરે પૂછ્યું — સ્વામિન્! માગશર માસના કૃષ્ણપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું શું નામ છે? તેની શું વિધિ છે તથા તેમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે? એ જણાવશો.
ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — રાજેન્દ્ર! જણાવું છું, સાંભળો; ઘણી ઘણી દક્ષિણાઓવાળા યજ્ઞોથી પણ મને તેટલો સંતોષ નથી થતો, જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે. એટલા માટે બધી રીતે પ્રયત્ન કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. માગશર માસના કૃષ્ણપક્ષમાં ‘સફલા’ નામની એકાદશી હોય છે. એ દિવસે પૂર્વોક્ત વિધાનથી જ વિધિપૂર્વક ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. એકાદશી કલ્યાણ કરનારી છે. તેથી આનું વ્રત અવશ્ય કરવા યોગ્ય છે. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ, દેવતાઓમાં વિષ્ણુ તથા મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એ જ રીતે સઘળાં વ્રતોમાં એકાદશી તિથિનું વ્રત શ્રેષ્ઠ છે. રાજન્! ‘સફલા’ એકાદશીએ નામ-મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું.
નાળિયેરનાં ફળ, સોપારી, બીજોરું, જમીરા નીબુ, દાડમ, આંબળાં, લવિંગ, બોર તથા ખાસ કરીને કેરીથી દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ. આ જ રીતે ભગવાનની ધૂપ-દીપથી અર્ચના કરવી. ‘સફલા’ એકાદશીએ વિશેષરૂપે દીપ-દાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષોની સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાઓને જે ફળની પ્રાપ્તિ થાય છે, તે હજારો વર્ષ તપસ્યા કરવાથી પણ નથી મળતું.
નૃપશ્રેષ્ઠ! હવે ‘સફલા’ એકાદશીની શુભકારિણી કથા સાંભળો. ચંપાવતી નામથી પ્રખ્યાત એક નગરી છે, જે ક્યારેક રાજા માહિષ્મતની રાજધાની હતી. રાજા માહિષ્મતના પાંચ પુત્રો હતા. તેમનામાં જે સૌથી મોટો હતો તે સદા પાપકર્મોમાં જ મંડ્યો રહેતો હતો. પરસ્ત્રીગામી અને વેશ્યાઓમાં આસક્ત હતો. તેણે પિતાના ધનને પાપકર્મમાં જ વાપર્યું.
તે સદા દુરાચારપરાયણ તથા બ્રાહ્મણોનો નિંદક હતો. વૈષ્ણવો અને દેવતાઓની પણ કાયમ નિંદા કર્યા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈ રાજા માહિષ્મતે રાજકુમારોમાં તેનું નામ લુમ્ભક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યની બહાર કાઢી મૂક્યો. લુમ્ભક તે નગરથી નીકળીને ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને તે પાપીએ લગભગ પૂરા નગરનું ધન લૂંટી લીધું. એક દિવસે તે ચોરી કરવાને માટે નગરમાં આવ્યો તો રાત્રે પહેરો ભરનારા સિપાઈઓએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે તેણે પોતાને રાજા માહિષ્મતનો પુત્ર જણાવ્યો તો સિપાઈઓએ તેને છોડી દીધો. પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને દરરોજ માંસ તથા વૃક્ષોનાં ફળ ખાઈને જીવનનિર્વાહ કરવા લાગ્યો.
તે દુષ્ટનું વિશ્રામસ્થાન પીપળાના વૃક્ષની પાસે હતું. ત્યાં ઘણાં વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. તે વનમાં તે વૃક્ષને એક મહાન દેવતા તરીકે માનવામાં આવતું હતું. પાપબુદ્ધિ લુમ્ભક ત્યાં જ રહેતો હતો.
ઘણા દિવસો પછી એક દિવસ કોઈ સંચિત પુણ્યના પ્રભાવથી તેના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું. માગશર માસમાં કૃષ્ણપક્ષની દશમીના દિવસે પાપિષ્ઠ લુમ્ભકે વૃક્ષોનાં ફળ ખાધાં, અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર શિયાળાનું કષ્ટ ભોગવ્યું. તે સ્થળે ન તો તેને ઊંઘ આવી અને ન તો તેને આરામ મળ્યો. તે નિષ્પ્રાણ જેવો થઈ રહ્યો હતો. સૂર્યોદય થવા છતાં પણ તે પાપીને ભાન ન થયું. ‘સફલા’ એકાદશીના દિવસે પણ લુમ્ભક બેહોશ પડ્યો રહ્યો. બપોર થવાથી તેને ચેતના આવી. પછી આમતેમ નજર નાંખીને તે આસનથી ઊઠ્યો અને લંગડાની જેમ પગથી વારંવાર લડખડાતો રહીને જંગલની અંદર ગયો. તે ભૂખથી દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો.
રાજન્! એ સમયે લુમ્ભક ઘણાંય ફળ લઈને વિશ્રામસ્થાન પર પાછો ફર્યો. ત્યાં જ સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ત્યારે તેણે વૃક્ષના મૂળમાં ઘણાંય ફળ નિવેદન કરતા રહીને કહ્યું – ‘આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાઓ’. આમ કહીને લુમ્ભકે રાતભર ઊંઘ નહિ લીધી. આ રીતે અનાયાસે જ તેણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે એકાએક આકાશવાણી થઈ — ‘રાજકુમાર! તું ‘સફલા’ એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પામશે.’
‘ઘણું સારું’ કહીને તેણે તે વરદાન સ્વીકાર્યું. આના પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું. ત્યારથી તેની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈને તેણે અકંટક રાજ્ય મેળવ્યું અને પંદર વર્ષો સુધી તે તેનું સંચાલન કરતો રહ્યો.
તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામનો પુત્ર પેદા થયો. જ્યારે તે મોટો થયો, ત્યારે લુમ્ભકે તરત જ રાજ્યની મમતા છોડીને તેને પુત્રને સોંપી દીધું અને તે ભગવાન શ્રીકૃષ્ણની નજીક ચાલ્યો ગયો, જ્યાં જઈને મનુષ્ય કદી શોકમાં નથી પડતો. રાજન્! આ રીતે જે ‘સફલા’ એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે, તેઓ આ લોકમાં સુખ ભોગવીને મર્યા પછી મોક્ષને પ્રાપ્ત થાય છે. સંસારમાં તે મનુષ્યો ધન્ય છે, જેઓ ‘સફલા’ એકાદશીના વ્રતમાં મંડયા રહે છે. તેમનો જન્મ સફળ છે. મહારાજ! આના મહિમાને વાંચવા, સાંભળવા તથા તેના મુજબ આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય-યજ્ઞનું ફળ પામે છે.
મિત્રો, અહીં માગશર માસના કૃષ્ણપક્ષની સફલા એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે. (Magshar Maas Saphala Ekadashi Vrat Katha, Safala Ekadashi Katha In Gujarati)