જાણો ક્યારે છે પોષ માસની ષટતિલા એકાદશી, વાંચો તેની વ્રત કથા અને ફળ । Shattila Ekadashi 2025 Vrat Katha

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય જાણીશું. આ વર્ષે આ એકાદશી તારીખ 25 જાન્યુઆરી 2025, શનિવારના રોજ છે. તો આવો વધુ સમય ન બગાડતા આ વ્રતની વ્રત કથા શરુ કરીએ.

યુધિષ્ઠિરે પૂછ્યું — જગન્નાથ! શ્રીકૃષ્ણ! આદિદેવ! જગત્પતે! પોષ માસના કૃષ્ણપક્ષમાં કઈ એકાદશી હોય છે? તેને માટે કેવી વિધિ છે? તથા તેનું ફળ શું છે? મહાપ્રાજ્ઞ! કૃપા કરીને આ બધી વાતો જણાવશો.

શ્રીભગવાન બોલ્યા — નૃપશ્રેષ્ઠ! સાંભળો, પોષ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, તે ‘ષટતિલા’ના નામથી વિખ્યાત છે, જે બધાં પાપોનો નાશ કરનારી છે. હવે તમે ‘ષટતિલા’ની પાપ હરણ કરનારી કથા સાંભળો, જેને મુનિશ્રેષ્ઠ પુલસ્ત્યએ દાલ્ભ્યને કહી હતી.

દાલ્ભ્યે પૂછ્યું — બ્રહ્મન્! મૃત્યુલોકમાં આવેલ પ્રાણી બહુધા પાપકર્મ કરે છે. તેના પ્રતાપે તેમને નરકમાં જ જવું પડે છે. એવું ન થાય એના માટે કયો ઉપાય છે? જણાવવાની કૃપા કરશો.

પુલત્સ્યજી બોલ્યા — મહાભાગ! તમે ઘણી સારી વાત પૂછી છે, જણાવું છું; સાંભળો. પોષ માસ આવવાથી મનુષ્યે નહાઈધોઈને પવિત્ર થઈ ઇન્દ્રિયોને સંયમમાં રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને નિંદા વગેરે બૂરાઈઓને છોડી દેવી જોઈએ. દેવાધિદેવ! ભગવાનનું સ્મરણ કરીને પાણીથી પગ ધોઈને ભૂમિ પર પડી રહેલા ગોબરનો સંગ્રહ કરવો. તેમાં તલ અને કપાસિયાં નાખીને એકસો આઠ ગોળીઓ બનાવવી. પછી પોષ માસમાં જ્યારે આર્દ્રા યા મૂળ નક્ષત્ર આવે, ત્યારે કૃષ્ણપક્ષની એકાદશી કરવાને માટે નિયમ ગ્રહણ કરવો.

સારી રીતે સ્નાન કરીને પવિત્ર થઈ શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રીવિષ્ણુની પૂજા કરવી. કોઈ ભૂલ થઈ જવાથી શ્રીકૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, અરગજા, કપૂર, નૈવેધ વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનારા દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી. તે પછી ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રીકૃષ્ણ નામનું ઉચ્ચારણ કરતા રહીને કોળું, નારિયેળ અથવા બીજોરાના ફળથી ભગવાનને વિધિપૂર્વક પૂજીને અર્ધ્ય આપવો. બીજી બધી સામગ્રીઓના અભાવમાં સો સોપારીઓના દ્વારા પણ પૂજન અને અર્ધ્યદાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ રીતે છે –

કૃષ્ણ કૃષ્ણ કૃપાલુસ્ત્વમગતીનાં ગતિર્ભવ ।

સંસારાર્ણવમગ્નાનાં પ્રસીદ પુરુષોત્તમ ।।

નમસ્તે પુણ્ડરીકાક્ષ નમસ્તે વિશ્વભાવન ।

સુબ્રહ્મણ્ય નમસ્તેડસ્તુ મહાપુરુષ પૂર્વજ ।।

ગૃહાણાર્ધ્યં મયા દત્તં લક્ષ્મ્યા સહ જગત્પતે । (૪૪ । ૧૮–૨૦)

આ શ્લોકનો અર્થ આ મુજબ છે – ‘સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ! આપ ઘણા દયાળુ છો. અમ આશ્રયહીન જીવોના આપ આશ્રયદાતા થાઓ. પુરુષોત્તમ! અમે સંસાર-સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ, આપ અમારા પર પ્રસન્ન થાઓ. કમળનયન! આપને નમસ્કાર છે, વિશ્વભાવન! આપને નમસ્કાર છે. સુબ્રહ્મણ્ય! મહાપુરુષ! સર્વના પૂર્વજ! આપને નમસ્કાર છે. જગત્પતે! આપ લક્ષ્મીની સાથે મારા આપેલાં અર્ધ્યનો સ્વીકાર કરશો.’

ત્યાર પછી બ્રાહ્મણની પૂજા કરવી. તેને પાણીનો ઘડો દાન કરવો. સાથે છત્રી, જોડા અને વસ્ત્ર પણ આપવાં. દાન કરતી વેળાએ કહેવું — ‘આ દાનના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ.’ પોતાની શક્તિ મુજબ શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાય દાન કરવી. દ્વિજશ્રેષ્ઠ! વિદ્વાન પુરુષને જરૂરી છે કે તે તલથી ભરેલું પાત્ર પણ દાન કરે. તે તલને વાવવાથી જેટલી શાખાઓ પેદા થઈ શકે છે, તેટલાં હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે.

તલથી સ્નાન કરવું, તલનું ઉબટન લગાડવું, તલથી હોમ કરવો, તલમાં મેળવેલું પાણી પીવું, તલનું દાન કરવું અને તલને ભોજનના કામમાં લેવા. આ રીતે છ કામોમાં તલનો ઉપયોગ કરવાથી આ એકાદશી ‘ષટતિલા’ કહેવાય છે, જે બધાં પાપોનો નાશ કરનારી છે.

મિત્રો, અહીં પોષ માસના કૃષ્ણપક્ષની ષટતિલા એકાદશીની વ્રત કથા અને માહાત્મ્ય પૂર્ણ થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top