જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદના બીજા અધ્યાયની કથા જાણીશું. જો તમારે પહેલા અધ્યાયની કથા વાંચવાની બાકી હોય તો તેની લિંક લેખના અંતમાં આપવામાં આવી છે. ત્યાંથી તમે એ વાંચી શકો છો.
આવો બીજો અધ્યાય શરૂ કરીએ, જેનું શીર્ષક છે – “ભગવત્કથા અને ભગવદ્ભક્તિનો મહિમા”
શ્રીવ્યાસજી કહે છે – શૌનકાદિ બ્રહ્મવાદી ઋષિઓના આ પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે ઋષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું. (૧)
સૂતજીએ કહ્યું — જેમનું કોઈ કર્તવ્ય-કર્મ શેષ નથી તેવા સર્વ સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને પોકારવા લાગ્યા – ‘હે પુત્ર! હે પુત્ર!’ તે સમયે શુકદેવરૂપે તદાકાર બનેલાં વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો – એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું. (૨) આ શ્રીમદ્ભાગવત અત્યંત ગોપનીય રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઇચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્ત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અદ્વિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુણા કરીને મોટા-મોટા મુનિઓના આચાર્ય શ્રીશુકદેવજીએ આનું વર્ણન કર્યું છે. હું તેમનું શરણ લઉં છું. (૩)
મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર-નારાયણ ઋષિઓને, સરસ્વતીદેવીને અને શ્રીવેદવ્યાસજીને નમસ્કાર કર્યા પછી, સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદ્ભાગવત-મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. (૪)
હે ઋષિજનો! સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે; કારણ કે આ પ્રશ્ન શ્રીકૃષ્ણ વિશે છે અને એનાથી સમ્યકપણે આત્મશુદ્ધિ થઈ જાય છે. (૫) મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય; ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય-નિરંતર થતી રહે; આવી ભક્તિથી હૃદય આનંદસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે. (૬) ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થતાં જ, અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરોવતાં જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. (૭) ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હૃદયમાં ભગવાનની લીલા-કથાઓ પ્રત્યે અનુરાગ ન ઊપજે તો તે નર્યો શ્રમ જ શ્રમ છે. (૮)
મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થપ્રાપ્તિ કરવા માટે નથી અર્થાત્ ધર્મનું આચરણ નિષ્કામભાવે ભગવત્પ્રીત્યર્થે થવું જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામભાવે લોકસેવા માટે થવી જોઈએ, તેનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ પ્રયોજન નથી. (૯) ભોગસાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી, માત્ર જીવનનિર્વાહ થઈ શકે એ છે. જીવનનો ઉદ્દેશ તત્ત્વજિજ્ઞાસા હોવો જોઈએ. કર્મપરંપરાથી અર્થ સંપાદન જ કરતાં રહેવું એ કોઈ જીવનનું પ્રયોજન નથી. (૧૦) તત્ત્વવેત્તાઓ અદ્વૈત (અદ્વિતીય સચ્ચિદાનંદસ્વરૂપ) જ્ઞાનને જ તત્ત્વ કહે છે; એને જ કોઈ બ્રહ્મ, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે. (૧૧)
શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણભક્તિ દ્વારા જ્ઞાન-વૈરાગ્યયુક્ત અંતઃકરણમાં તે પરમતત્ત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે છે. (૧૨) આથી હે શૌનકાદિ ઋષિઓ! મનુષ્યે પોતપોતાના વર્ણ-આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ. જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે. (૧૩) તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય-નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવું જોઈએ. (૧૪) ભગવાનના સતત ચિંતનરૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠને કાપી નાખે છે. તો ભલા! એવો કયો મનુષ્ય હશે, જે ભગવાનની લીલાકથાઓમાં પ્રેમ ન કરે? (૧૫)
હે શૌનકાદિ ઋષિઓ! પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત્સેવા, તે પછી શ્રવણની ઇચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત્કથામાં રુચિ થાય છે. (૧૬) સત્પુરુષોના સુહૃદ એવા ભગવાન શ્રીકૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારાં છે. તેઓ પોતાની કથા સાંભળનારાઓના હૃદયમાં આવી વસે છે અને તેમની અશુભવાસનાઓનો નાશ કરે છે. (૧૭) જયારે શ્રીમદ્ભાગવતના કે ભગવદ્ભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે ત્યારે પવિત્રકીર્તિના ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. (૧૮) ત્યારે રજોગુણ અને તમોગુણના ભાવ – કામ, લોભ વગેરે શાંત થઈ જાય છે અને ચિત્ત પર તેમનો પ્રભાવ પડતો નથી. ત્યારે ચિત્ત સત્ત્વગુણમાં સ્થિત થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. (૧૯)
આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જ્યારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે, હૃદય આનંદથી ભરાઈ જાય છે ત્યારે ભગવત્તત્ત્વનો અનુભવ આપોઆપ થાય છે. (૨૦) હૃદયમાં આત્મસ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતાં જ હૃદયની ગાંઠ ભેદાય છે, તમામ સંદેહ મટી જાય છે અને કર્મબંધન ક્ષીણ થઈ જાય છે. (૨૧) તેથી બુદ્ધિમાન લોકો નિત્ય-નિરંતર ઘણા આનંદથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમભક્તિ કરે છે, જેનાથી આત્મ-પ્રસાદની પ્રાપ્તિ થાય છે. (૨૨)
પ્રકૃતિના ત્રણ ગુણ છે – સત્ત્વ, રજ અને તમ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર – આ ત્રણ નામ ધારણ કરે છે. તેમ છતાં મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્ત્વગુણને સ્વીકારનારા શ્રીહરિથી જ થાય છે. (૨૩) જેમ પૃથ્વીના વિકાર લાકડા કરતાં ધૂમાડો શ્રેષ્ઠ છે. અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ કારણ કે વેદોક્ત યજ્ઞયાગાદિ દ્વારા અગ્નિ સદ્દગતિ આપે છે – તે જ રીતે તમોગુણ કરતાં રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુણ કરતાં સત્ત્વગુણ શ્રેષ્ઠ છે; કારણ કે તે ભગવાનનું દર્શન કરાવે છે. (૨૪) પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાણ માટે વિશુદ્ધ સત્ત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની જ આરાધના કરતા હતા. અત્યારે પણ જેઓ તેમનું અનુસરણ કરે છે તેઓ તેમની જ જેમ કલ્યાણભાજન બને છે. (૨૫)
જે લોકો આ સંસારસાગર પાર ઊતરવા ઇચ્છે છે તેવા અસૂયારહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની ઉપાસના નહીં કરતાં સત્ત્વગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ-કલાસ્વરૂપોની જ ભક્તિ કરે છે. (૨૬) પણ જેમનો સ્વભાવ રજોગુણી કે તમોગુણી છે તેઓ ધન, ઐશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે; કારણ કે આ લોકોનો સ્વભાવ તે ભૂતાદિને મળતો હોય છે. (૨૭)
વેદોનું તાત્પર્ય શ્રીકૃષ્ણમાં જ છે. યજ્ઞોનો ઉદ્દેશ્ય શ્રીકૃષ્ણ છે. યોગ શ્રીકૃષ્ણ માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રીકૃષ્ણમાં જ છે. (૨૮) જ્ઞાનથી બ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપસ્યા શ્રીકૃષ્ણની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ માટે જ ધર્મોનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રીવાસુદેવ જ છે. (૨૯) સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુણોથી અતીત છે તે પરમાત્માએ જ પોતાની ત્રિગુણાત્મિકા કાર્ય-કારણરૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી. (૩૦)
સત્ત્વ, રજ અને તમ આ ત્રણે ગુણ તે જ માયાનો વિલાસ છે; તે ગુણોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત-જેવા લાગે છે, પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદધન છે. (૩૧) અગ્નિ તો વસ્તુતઃ એક જ છે, પણ જયારે તે અનેક પ્રકારનાં લાકડાંમાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે; તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક-જેવા લાગે છે. (૩૨) તે જ ભગવાન સૂક્ષ્મભૂત – તન્માત્રા, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુણોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન-ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનિઓને અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. (૩૩) તેઓ જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ-પક્ષી, મનુષ્ય વગેરે યોનિઓમાં લીલા-અવતાર લઈને સત્ત્વગુણ વડે જીવોનું પાલનપોષણ કરે છે. (૩૪)
આ પણ વાંચો – શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયની કથા વાંચવા અહીં ક્લિક કરો.
મિત્રો, અહીં શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદનો બીજો અધ્યાય સમાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયની કથા આપણે આગળના લેખમાં જાણીશું. ત્યાં સુધી સર્વને જય શ્રીકૃષ્ણ.