નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી વેબસાઈટ પર હાર્દિક સ્વાગત છે. આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદના ત્રીજા અધ્યાયની કથા જાણીશું. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો તેના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે. ત્યાંથી તમે વાંચી શકો છો.
આવો હવે ત્રીજો અધ્યાય શરૂ કરીએ જેનું શીર્ષક છે – “ભગવાનના અવતારોનું વર્ણન”
શ્રીસૂતજી કહે છે – સૃષ્ટિના આરંભમાં ભગવાને લોકોના નિર્માણની ઈચ્છા કરી. ઈચ્છા થતાં જ તેમણે મહત્તત્ત્વાદિ સાધનો દ્વારા ઉત્પન્ન દશ ઈન્દ્રિયો, એક મન અને પાંચ ભૂત – આ સોળ કળાયુક્ત પુરુષરૂપ ધારણ કર્યું. (૧) તેઓ કારણ-જળમાં શયન કરતા હતા ત્યારે તેમણે યોગનિદ્રાનો વિસ્તાર કર્યો અને તેમના નાભિ-સરોવરમાંથી એક કમળ પ્રગટ થયું. અને તે કમળમાંથી પ્રજાપતિઓના અધિપતિ બ્રહ્માજી ઉત્પન્ન થયા. (૨) ભગવાનના તે વિરાટ રૂપના અંગ-પ્રત્યંગમાં જ સમસ્ત લોકોની કલ્પના કરવામાં આવી છે, તે ભગવાનનું વિશુદ્ધ સત્ત્વમય શ્રેષ્ઠ રૂપ છે, તે ભગવાનનું સગુણરૂપ છે. (૩)
આ વિરાટ બ્રહ્માંડરૂપમાં ભગવાનનું જે સગુણરૂપ છે, તત્ત્વજ્ઞાનીઓ તેમાં પોતાની દિવ્ય દૃષ્ટિથી બ્રહ્મનું દર્શન કરે છે. ભગવાનનું તે રૂપ હજારો પગ, જાંઘો, ભુજાઓ અને મુખોને કારણે અત્યંત વિલક્ષણ છે; તેમાં હજારો મસ્તક, હજારો કાન, હજારો આંખો અને હજારો નાસિકાઓ છે. હજારો મુગટ, વસ્ત્રો અને કુંડળ વગેરે આભૂષણોથી તે ઉલ્લસિત છે. (૪) ભગવાનનું આ જ પુરુષ-રૂપ, જેને નારાયણ કહે છે, અનેક અવતારોનો અક્ષય કોષ છે – એમાંથી જ બધા અવતાર પ્રગટ થાય છે. આ રૂપના નાનામાં નાના અંશથી દેવતા, પશુ-પક્ષી; મનુષ્ય વગેરે યોનિઓની સૃષ્ટિ બને છે. (૫)
તે પ્રભુએ જ પહેલાં કૌમારસર્ગમાં સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર આ ચાર બ્રાહ્મણોના રૂપમાં અવતાર લીધો અને અત્યંત કઠોર અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. (૬) બીજી વાર, આ સંસારના કલ્યાણ માટે સમસ્ત યજ્ઞોના સ્વામી તે જ ભગવાને રસાતલમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે વરાહ-રૂપ લીધું. (૭) ઋષિઓની સૃષ્ટિમાં તેમણે દેવર્ષિ નારદના રૂપમાં ત્રીજો અવતાર લીધો અને સાત્વત તંત્રનો ઉપદેશ (જેને ‘નારદ-પાંચરાત્ર’ કહે છે.) કર્યો; એમાં કર્મો વડે કર્મબંધનમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એનું વર્ણન છે. (૮) ધર્મપત્ની મૂર્તિના ગર્ભથી તેમણે નર-નારાયણ રૂપે ચોથો અવતાર લીધો. આ અવતારમાં તેમણે ઋષિ બનીને મન અને ઈન્દ્રિયોનો સર્વથા સંયમ કરીને ઘણી કઠણ તપસ્યા કરી. (૯)
પાંચમા અવતારમાં તેઓ સિદ્ધોના સ્વામી કપિલના રૂપમાં પ્રગટ થયા અને તત્ત્વનિર્ણય કરનારા સાંખ્યશાસ્ત્ર, કે જે સમયપરિવર્તનને લીધે લુપ્ત થઈ ગયું હતું તેનો આસુરિ નામના બ્રાહ્મણને ઉપદેશ કર્યો. (૧૦) અનસૂયાએ વરદાન માગવાથી છઠ્ઠા અવતારમાં તેઓ અત્રિ-પુત્ર દત્તાત્રેય થયા. આ અવતારમાં તેમણે અલર્ક, પ્રહ્લાદ વગેરેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. (૧૧) સાતમી વાર, રુચિ પ્રજાપતિની આકૃતિ નામની પત્નીથી તેમણે યજ્ઞરૂપે અવતાર લીધો અને પોતાના પુત્ર યામ વગેરે દેવતાઓ સાથે સ્વાયંભુવ મન્વન્તરનું રક્ષણ કર્યું. (૧૨)
રાજા નાભિની પત્ની મેરુદેવીના ગર્ભથી ઋષભદેવના રૂપમાં ભગવાને આઠમો અવતાર લીધો. આ રૂપમાં તેમણે પરમહંસોનો માર્ગ, કે જે બધા જ આશ્રમો માટે વંદનીય છે તે બતાવ્યો. (૧૩) ઋષિઓની પ્રાર્થનાથી તેઓ નવમી વાર, રાજા પૃથુરૂપે અવતીર્ણ થયા. હે શૌનકાદિ ઋષિઓ! આ અવતારમાં તેમણે પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું, તેથી આ અવતાર સૌ માટે ઘણો જ કલ્યાણકારી થયો. (૧૪) ચાક્ષુષ મન્વન્તરના અંતે જ્યારે સઘળું ત્રિલોક સમુદ્રમાં ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે મત્સ્યરૂપે દસમો અવતાર લીધો અને પૃથ્વીરૂપી નૌકા પર બેસાડીને આગલા મન્વન્તરના અધિપતિ વૈવસ્વત મનુનું રક્ષણ કર્યું. (૧૫)
જે સમયે દેવો અને દૈત્યો સમુદ્ર-મંથન કરી રહ્યા હતા તે સમયે અગિયારમો અવતાર ધારણ કરીને ભગવાને કચ્છપરૂપે મંદારાચળને પોતાની પીઠ પર ધારણ કર્યો. (૧૬) બારમી વાર, ધન્વન્તરિના રૂપમાં અમૃત લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા અને તેરમી વાર, મોહિનીરૂપ ધારણ કરીને દૈત્યોને મોહિત કર્યા અને દેવોને અમૃત પિવડાવ્યું. (૧૭) ચૌદમા અવતારમાં તેમણે નરસિંહરૂપ ધારણ કર્યું અને અત્યંત બળવાન દૈત્યરાજ હિરણ્યકશિપુની છાતી પોતાના નખોથી અનાયાસ એ રીતે ચીરી નાખી કે જે રીતે ચટ્ટાઈ બનાવનારો વાંસને ચીરી નાખે છે. (૧૮)
પંદરમી વાર, ભગવાન વામનનું રૂપ ધારણ કરીને દૈત્યરાજ બલિના યજ્ઞમાં ગયા; તેઓ ઈચ્છતા તો હતા ત્રિલોકનું રાજ્ય, પણ માગી તેમણે માત્ર ત્રણ ડગલાં પૃથ્વી. (૧૯) પરશુરામરૂપે સોળમા અવતારમાં તેમણે જ્યારે જોયું કે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા છે ત્યારે ક્રુદ્ધ થઈને તેમણે પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય-વિહોણી બનાવી. (૨૦) એ પછી સત્તરમા અવતારમાં સત્યવતીના ગર્ભથી પરાશરજી દ્વારા તેઓ વ્યાસના રૂપમાં અવતર્યા. તે સમયે લોકોની સમજ અને ધારણાશક્તિ ઓછી જોઈને એમણે વેદરૂપી વૃક્ષની અનેક શાખાઓ બનાવી. (૨૧)
અઢારમી વાર, દેવતાઓનું કાર્ય સંપન્ન કરવાની ઈચ્છાથી તેમણે રાજાના રૂપમાં રામાવતાર લીધો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણવધ વગેરે ઘણી બધી વીરતાપૂર્ણ લીલાઓ કરી. (૨૨) ઓગણીસમા અને વીસમા અવતારોમાં તેમણે યદુવંશમાં બળરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. (૨૩) આ પછી કળિયુગનું આગમન થયું હોઈ મગધદેશ (બિહાર)માં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અજનના પુત્રના રૂપમાં ભગવાનનો બુદ્ધાવતાર થશે. (૨૪) આનાથી પણ ઘણું પછી, જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રાજાઓ ઘણું કરીને લુટારાઓ બની જશે ત્યારે જગતના રક્ષક ભગવાન વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘેર કલ્કિરૂપે અવતરશે. (૨૫)
હે શૌનકાદિ ઋષિઓ! જેમ અગાધ સરોવરમાંથી નાનાં-નાનાં હજારો નાળાં (નહેરો) નીકળે છે તે જ રીતે સત્ત્વના નિધિ ભગવાન શ્રીહરિના અસંખ્ય અવતારો થયા કરે છે. (૨૬) ઋષિ, મનુ, દેવતા, પ્રજાપતિ, મનુપુત્ર અને જેટલા પણ મહાશક્તિશાળીઓ છે તે સઘળાય ભગવાનના જ અંશ છે. (૨૭) આ બધા અવતારો તો ભગવાનના અંશ-અવતાર અથવા કલા-અવતાર છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન (અવતારી) જ છે. જ્યારે લોકો દૈત્યોના અત્યાચારથી વ્યાકુળ થઈ ઊઠે છે ત્યારે યુગે યુગે અનેક રૂપ ધારણ કરીને ભગવાન તેમનું રક્ષણ કરે છે. (૨૮) ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય – રહસ્યપૂર્ણ છે; જે મનુષ્ય એકાગ્રચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક આનો પાઠ કરે છે તે બધાં દુઃખોમાંથી છૂટી જાય છે. (૨૯)
આ સંપૂર્ણ વિશ્વ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું સ્થૂળ રૂપ છે. ભગવાને મહત્તત્ત્વાદિ સાધનોથી માયાના ગુણો દ્વારા પોતે જ પોતાનામાં તે પ્રપંચનું નિર્માણ કર્યું છે. (૩૦) જેમ વાદળ વાયુને આશ્રયે રહે છે પરંતુ અલ્પબુદ્ધિના મનુષ્યો વાદળનો આકાશમાં આરોપ કરે છે તેવી રીતે ધૂળનાં રજકણો વાયુમાં ન હોવા છતાં તેનો વાયુમાં આરોપ કરે છે – તેવી જ રીતે અવિવેકી મનુષ્ય બધાના સાક્ષી આત્મામાં સ્થૂળ દૃશ્ય જગતનું આરોપણ કરે છે. (૩૧) આ સ્થૂળ રૂપથી પર એક સૂક્ષ્મ અવ્યક્ત એવું અપરિણત ગુણોથી વ્યૂહિત રૂપ છે, જે સ્થૂળ શરીરની જેમ ન તો સાકાર છે અને ન જોવા સાંભળવામાં પણ આવે છે, તે સૂક્ષ્મ શરીર છે. આત્માનો તેમાં પ્રવેશ થવાથી તેની સંજ્ઞા જીવ થઈ જાય છે અને તેનો વારંવાર જન્મ થાય છે. (૩૨)
ઉપર્યુક્ત સૂક્ષ્મ અને સ્થૂળ શરીર અવિદ્યાને કારણે આત્મામાં આરોપિત છે. જે અવસ્થામાં આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં આ અજ્ઞાન દૂર થઈ જાય છે તે જ સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. (૩૩) તત્ત્વજ્ઞાનીઓ જાણે છે કે જે સમયે આ બુદ્ધિસ્વરૂપા પરમાત્માની માયા પણ નિવૃત્ત થઈ જાય છે તે સમયે જીવ પરમાનંદમય થઈ જાય છે અને પોતાના સ્વરૂપ-મહિમામાં પ્રતિષ્ઠિત થાય છે. (૩૪) વાસ્તવમાં જેમનો જન્મ પણ નથી અને જેમનું કર્મ પણ નથી તે હૃદયેશ્વર ભગવાનના અપ્રાકૃત જન્મ અને કર્મોનું તત્ત્વજ્ઞાનીઓ આ રીતે વર્ણન કરે છે; કારણ કે તેમનાં જન્મ-કર્મ એ વેદોનું અત્યંત ગોપનીય રહસ્ય છે. (૩૫)
ભગવાનની લીલા અમોઘ છે. તેઓ લીલાથી જ આ સંસારનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેમાં આસક્ત થતા નથી. પ્રાણીઓના અંતઃકરણમાં છુપાયેલા રહીને જ્ઞાનેન્દ્રિયો અને મનના નિયંતાના રૂપમાં તેમના વિષયોને ગ્રહણ પણ કરે છે, પરંતુ તેમનાથી અળગા રહે છે, તેઓ પરમ સ્વતંત્ર છે – વિષયો ક્યારેય તેમને લિપ્ત કરી શકતા નથી. (૩૬) જેમ જાદૂગર અથવા નટના સંકલ્પ અને વચનોથી કરાયેલી કરામતને અજાણ્યો માણસ સમજી શકતો નથી તેવી જ રીતે પોતાના સંકલ્પ અને વેદવાણી વડે ભગવાનનાં પ્રગટ કરેલાં આ અનેક નામો અને રૂપોને તથા તેમની લીલાઓને કુબુદ્ધિનો જીવ ઘણીબધી તર્કયુક્તિઓ વડે પણ ઓળખી શકતો નથી. (૩૭)
ચક્રપાણિ ભગવાનની શક્તિ અને પરાક્રમ અનંત છે, એનો કોઈ તાગ પામી શકતું નથી. તેઓ સમસ્ત જગતના નિર્માતા હોવા છતાં પણ તેનાથી સર્વથા પર છે. તેમના સ્વરૂપને અથવા તેમની લીલાના રહસ્યને તે જ જાણી શકે છે કે જે નિત્ય-નિરંતર નિષ્કપટ ભાવથી તેમના ચરણકમળોની દિવ્ય ગંધનું સેવન કરે છે – સેવાભાવથી તેમનાં ચરણોનું ચિંતન કરતો રહે છે. (૩૮)
હે શોનકાદિ ઋષિજનો! તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અને વિઘ્નો-અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત લોકોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ સાથે એવો સર્વાત્મક આત્મભાવ ધરાવો છો, એવો અનિર્વચનીય અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ-મરણરૂપી સંસારના ભયંકર ચકરાવામાં ફરીથી પડવું પડતું નથી. (૩૯)
ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. (૪૦) તેમણે આ પ્રશંસનીય, કલ્યાણકારી અને મહાન પુરાણ, લોકોના પરમ કલ્યાણ માટે પોતાના આત્મજ્ઞાની-શિરોમણિ પુત્રને આપ્યું. (૪૧) આમાં બધા વેદો અને ઈતિહાસોનો સાર-સાર સંગ્રહવામાં આવ્યો છે. શુકદેવજીએ રાજા પરીક્ષિતને આ (પુરાણ) સંભળાવ્યું. (૪૨)
તે સમયે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા, આમરણ અનશનનું વ્રત લઈને ગંગાતટે બેઠેલા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સિધાવી ગયા ત્યારે આ કળિયુગમાં જે લોકો અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે આ પુરાણરૂપી સૂર્ય હાલ ઊગ્યો છે. હે શૌનકાદિ ઋષિજનો! જ્યારે મહાતેજસ્વી શ્રીશુકદેવજી મહારાજ ત્યાં આ પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિએ જેટલું અને જે રીતે તેનું ગ્રહણ કર્યું છે તે અનુસાર તે હું તમને સંભળાવીશ. (૪૩-૪૫)
મિત્રો, અહીં શ્રીમદ્દ ભાગવતના પહેલા સ્કંદનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે. બાકીના અધ્યાયોની કથા આપણે આગળના લેખમાં જાણીશું. ત્યાં સુધી સર્વને સ્નેહભર્યા જય શ્રીકૃષ્ણ.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.