જાણો ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ શું છે?
જય શ્રીકૃષ્ણ મિત્રો. આજના લેખમાં આપણે શ્રીમદ્દભાગવતનું માહાત્મ્ય જાણીશું.
પહેલો અધ્યાય – “દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો”
સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ, કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણે પ્રકારનાં દુઃખોનો નાશ કરનારા છે. (૧)
જેમનું કોઈ કર્તવ્ય-કર્મ શેષ નથી તેવા સર્વ સંગ છોડીને આશ્રમમાંથી એકલા જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને પોકારવા લાગ્યા પુત્ર! હે પુત્ર!’ તે સમયે શુકદેવરૂપે તદાકાર બનેલાં વૃક્ષોએ તેમના વતી ઉત્તર આપ્યો એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રીશુકદેવજીને હું નમસ્કાર કરું છું. (૨)
એક સમયની વાત છે કે ભગવત્કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ મુનિવર શૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજમાન મહામતિ સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. (૩)
શૌનકજી બોલ્યા : હે સૂતજી! અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાનો માટે રસાયણ-અમૃતસ્વરૂપ સારગર્ભિત કથા કહો. (૪) ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયા-મોહથી કેવી રીતે છુટકારો મેળવે છે? (૫) આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે; વિવિધ ક્લેશોથી આક્રાન્ત આ જીવોને શુદ્ધ (દૈવીસંપદા- સંપન્ન) બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? (૬)
હે સૂતજી! તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો, કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવે. (૭) ચિંતામણિ કેવળ લૌકિક સુખ આપી શકે છે. અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે; પરંતુ ગુરુદેવ (તો) પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠધામ પણ આપી દે. (૮)

સૂતજીએ કહ્યું – હે શૌનકજી! તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે; તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ (સાર) તમને સંભળાવું છું, કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે. (૯) હું તમને તે સાધન બતાવું છું, કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે; તો તમે સાવધાન થઈને તે સાંભળો. (૧૦)
શ્રીશુકદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ્દભાગવતશાસ્ત્ર કહ્યું છે. (૧૧) મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ-જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવતશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. (૧૨) જ્યારે શુકદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત-કળશ લઈને તેમની પાસે આવ્યા. (૧૩)
દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે; તેથી અહીં પણ એ સૌએ શુકદેવજીને નમસ્કાર કરીને કહ્યું—‘તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. (૧૪) આ રીતે પરસ્પર વિનિમય (અદલા-બદલી) થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ્દભાગવતરૂપી અમૃતનું પાન કરીશું.’ (૧૫) આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણિ? ક્યાં અમૃત અને ક્યાં કથા? – (આમ વિચારીને) શ્રીશુકદેવજીએ તે સમયે દેવતાનો ઉપહાસ કર્યો. (૧૬) તેમને ભક્તિશૂન્ય (કથાના અનધિકારી) જાણીને કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ્દભાગવત-કથા દેવતાઓને પણ દુર્લભ છે. (૧૭)
પહેલાંના સમયે શ્રીમદ્દભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું. તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને બધાં સાધનો તોળ્યાં. (૧૮) અન્ય બધાં જ સાધનો તોલમાં હલકાં ઊતર્યાં, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું. (૧૯) તેમણે કળિયુગમાં આ ભગવાન-રૂપી ભાગવતને જ વાંચવા-સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. (૨૦)
સપ્તાહવિધિ સાથે શ્રવણ કરવાથી આ (ભાગવત) નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાંના સમયે આ કથા દયાપરાયણ સનકાદિએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. (૨૧) જોકે દેવર્ષિએ એ પહેલાં આ કથા બ્રહ્માજીના શ્રીમુખે સાંભળેલી હતી; પરંતુ સપ્તાહ-શ્રવણની વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી. (૨૨)
શૌનકજીએ પૂછ્યું – સાંસારિક પ્રપંચણ મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિન સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ-વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ? (૨૩)
સૂતજીએ કહ્યું – હવે હું તમને તે ભક્તિપૂર્વ કથાનક સંભળાવું છું, કે જે શ્રીશુકદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. (૨૪) એક દિવસે વિશાલાપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા; તેમણે ત્યાં નારદજીને જોયા. (૨૫)

સનકાદિએ પૂછ્યું – હે બ્રહ્મન્ ! તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો? અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? (૨૬) અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્યમનસ્ક દેખાઓ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્તિરહિત પુરુષ માટે આ વાજબી નથી. કહો, શું કારણ છે? (૨૭)
નારદજીએ કહ્યું – સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી (નાસિક), હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ્, સેતુબંધ વગેરે કેટલાંય તીર્થોમાં અહીં-તહીં વિચરતો રહ્યો; પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. (૨૮-૩૦) હવે અહીં સત્ય, તપ, શૌચ (બાહ્ય અને આંતરિક પવિત્રતા), દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે; તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ-સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે; જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે, પરંતુ પત્ની-ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે, સાળાઓ સલાહકાર બન્યા છે, લોભથી લોકો કન્યાવિક્રય કરે છે અને પતિ-પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. (૩૧-૩૩)
મહાત્માઓના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનો (વિધર્મીઓ)નો અધિકાર થઈ ગયો છે; તે દુષ્ટોએ ઘણાં દેવાલયો પણ નષ્ટ કરી દીધાં છે. (૩૪) અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધાં સાધન અત્યારે કળિરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયાં છે. (૩૫) આ કળિકાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે, બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે. (૩૬)
આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો-વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો, કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. (૩૭) હે મુનિવરો! સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. (૩૮) તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર-જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી, તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. (૩૯) તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દશે દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીંઝણો નાખતી હતી અને વારંવાર સમજાવી રહી હતી. (૪૦) દૂરથી આ બધું જોઈને હું કુતૂહલ-વશ તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી. (૪૧)
યુવતીએ કહ્યું – અરે મહાત્માજી! પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો. તમારું દર્શન તો સંસારનાં બધાં પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે. (૪૨) તમારાં વચનોથી મારા દુઃખની પણ ઠીક-ઠીક શાંતિ થશે. મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારાં દર્શન થતાં હોય છે. (૪૩)
નારદજી કહે છે – ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું – દેવી! તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમલનયની દેવીઓ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. (૪૪)
યુવતીએ કહ્યું- મારું નામ ભક્તિ છે, આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળબળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે. (૪૫) આ દેવીઓ ગંગાજી વગેરે નદીઓ છે. તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત્ દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ-શાંતિ નથી. (૪૬) હે તપોધન! હવે ધ્યાન દઈને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તોપણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો. (૪૭)
હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઊછરી, ક્યાંક-ક્યાંક મહારાષ્ટ્રમાં સમ્માન પામી; પરંતુ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી વળ્યું. (૪૮) ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગ-ભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. (૪૯) હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમસુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. (૫૦) પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા-હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઇચ્છું છું. (૫૧) આ બંને ઘરડા થઈ ગયા છે – આ જ દુ:ખથી હું દુઃખી છું. હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? (૫૨)
અમે ત્રણે સાથે જ રહેનારાં છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે? થવું તો એમ જોઈએ કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન. (૫૩) આ કારણે હું આશ્ચર્યચક્તિ ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો; આનું શું કારણ છે, બતાવશો? (૫૪)
નારદજીએ કહ્યું ‘હે સાધ્વી! હું જ્ઞાનદ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુ:ખનું કારણ જોઉં છું, તમારે વિષાદ કરવો જોઈએ નહીં, શ્રીહરિ તમારું કલ્યાણ કરશે. (૫૫)

સૂતજી કહે છે – મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું. (૫૬)
નારદજીએ કહ્યું – હે દેવી! સાવધાન થઈને સાંભળો. આ દારુણ કળિયુગ છે. તેથી અત્યારે સદાચાર, યોગમાર્ગ, તપ વગેરે બધાં લુપ્ત થઈ ગયાં છે. (૫૭) લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે. અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. (૫૮) પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થતી જાય છે. અત્યારે તે સ્પર્શપાત્ર તો શું, જોવાલાયક પણ રહી નથી; અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું જ નથી. (૫૯)
અત્યારે કોઈનેય પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલાં તમે જર્જર બની રહ્યાં હતાં. (૬૦) વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યાં છો. તેથી આ વૃંદાવન-ધામ ધન્ય છે, કે જયાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. (૬૧) પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી, તેથી તેમનું ઘડપણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મસુપ (ભગવાનના સ્પર્શથી આવિભૂત આનંદ) પ્રાપ્ત થવાને કારણે એ સૂતા-જેવા લાગે છે. (૬ર)
ભક્તિએ કહ્યું – રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતાં જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો? (૬૩) કરુણામય શ્રીહરિ પણ આ અધર્મ શી રીતે જોઈ શકે છે? હે મુનિ! મારો આ સંદેહ દૂર કરો, તમારાં વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. (૬૪)
નારદજીએ કહ્યું – હે બાલા! તમે પૂછયું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી! હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. (૬૫) જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. (૬૬)
દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દૃષ્ટિ પડવાથી કળિયુગ દીનવત્ થઈ તેમના શરણમાં આવ્યો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ. (૬૭) કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રીહરિકીર્તનથી જ સારી રીતે (સમ્યક્ષણે) મળે છે. (૬૮) આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દૃષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને (કળિયુગને) રહેવા દીધો હતો. (૬૯)
આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. (૭૦) બ્રાહ્મણો માત્ર અન્ન-ધન પ્રાપ્તિના લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે, તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. (૭૧) તીર્થોમાં અનેક પ્રકારનાં અત્યંત ઘોર કર્મો કરનારા, નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે, તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે. (૭૨)
જેમનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે, તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. (૭૩) મન પર કાબૂ નહિ હોવાને કારણે તથા લોભ, દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમ જ શાસ્ત્રનો અભ્યાસ નહિ કરવાથી ધ્યાનયોગનું ફળ ચાલ્યું ગયું છે. (૭૪) પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે; તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે, મુક્તિસાધનમાં તેઓ સર્વથા અકુશળ છે. (૭૫)
સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર-ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. (૭૬) આ તો યુગનો સ્વભાવ જ છે, એમાં કોઈનો દોષ નથી; તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. (૭૭)
સૂતજી કહે છે – હે શૌનકજી! આ પ્રમાણે દેવર્ષિ નારદનાં વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું; એ પછી તેણે જે કંઈ કહ્યું તે સાંભળો. (૭૮)
ભક્તિએ કહ્યું – હે દેવર્ષિ ! તમે ધન્ય છો! મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુપુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. (૭૯) તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધૂકુમાર પ્રહ્લાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વમંગલમય અને સાક્ષાત્ શ્રીબ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. (૮૦)
અહીં શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો અધ્યાય 1 સમાપ્ત થાય છે. બીજો અધ્યાય આગળના લેખમાં જાણીશું. ત્યાં સુધી સર્વને જય શ્રીકૃષ્ણ.
આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ માહાત્મ્ય પહોંચી શકે.