ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન
જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપનું સ્વાગત છે. પાછળના લેખમાં આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો અધ્યાય 1 જાણ્યો હતો. એ લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે. જો એ વાંચવાનો બાકી હોય તો ત્યાંથી તમે વાંચી શકશો. હવે આપણે શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો બીજો અધ્યાય શરુ કરીએ. તેનું શીર્ષક છે – “ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન.”
નારદજીએ કહ્યું – હે બાલા! તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે, તમે આટલાં ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોનું ચિંતન કરો, તેમની કૃપાથી તમારું સઘળું દુ:ખ દૂર થઈ જશે. (૧) જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્ત્રીઓને સનાથ કરી હતી તે શ્રીકૃષ્ણ કંઈ ક્યાંય જતા થોડા રહ્યા છે! (૨) વળી, તમે તો સાક્ષાત્ ભક્તિ છો અને તેમને તમે હંમેશાં પ્રાણથીય પ્રિય છો; તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોનાં ઘરોમાં પણ ચાલ્યા આવે છે. (૩)
સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણે યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિનાં સાધન હતાં; પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મસાયુજ્ય (મોક્ષ)ની પ્રાપ્તિ કરાવનારી છે. (૪) આમ વિચારીને જ પરમાનંદ-ચિન્મૂર્તિ જ્ઞાનસ્વરૂપ શ્રીહરિએ પોતાના સત્સ્વરૂપથી જ તમને રચ્યાં છે; તમે સાક્ષાત્ શ્રીકૃષ્ણચંદ્રનાં પ્રિય અને પરમ સુંદરી છો. (૫) એક વાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે ‘હું શું કરું?’ ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે ‘મારા ભક્તોનું પોષણ કર.’ (૬)
તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી; તેથી શ્રીહરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસીરૂપે મુક્તિનું અને પુત્રોરૂપે આ જ્ઞાન-વૈરાગ્યનું પ્રદાન કર્યું. (૭) તમે પોતાના સાક્ષાત્ સ્વરૂપથી વૈકુંઠધામમાં જ ભક્તોનું પોષણ કરો છો, ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ (પોષણ) માટે કેવળ છાયારૂપ જ ધારણ કર્યું છે. (૮) ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વીતળમાં આવ્યાં અને સત્યયુગથી દ્વાપરયુગ સુધી ઘણા આનંદથી રહ્યાં. (૯) કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી, તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠલોકમાં ચાલી ગઈ. (૧૦)

આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે; પરંતુ આ જ્ઞાન-વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે. (૧૧) તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે; તોપણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. (૧૨) હે સુમુખી! કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી, આ યુગમાં હું તમને ઘેર-ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. (૧૩) જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિવિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રીહરિનો દાસ નહીં. (૧૪)
આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રીભગવાન શ્રીકૃષ્ણના અભયધામને પામશે. (૧૫) જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધઅંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. (૧૬) જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા નથી. (૧૭) ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી, તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આ (વિષય)માં ગોપીજનો પ્રમાણ છે. (૧૮)
મનુષ્યોને હજારો જન્મોના પુણ્યપ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ, કેવળ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત્ શ્રીકૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. (૧૯) જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણે લોકોમાં દુઃખ જ દુઃખ પામે છે. પહેલાંના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડયું હતું. (૨૦)
બસ, બસ વ્રત, તીર્થ, યોગ, યશ, જ્ઞાનચર્ચા વગેરે ઘણાંબધાં સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. (૨૧)
સૂતજી કહે છે – આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના માહાત્મ્યને સાંભળીને ભક્તિનાં બધાં અંગો પુષ્ટ થયાં અને તે (ભક્તિ) નારદજીને કહેવા લાગ્યાં. (૨૨)
ભક્તિએ કહ્યું – હે નારદજી! તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. હંમેશાં હું તમારા હૃદયમાં રહીશ, તમને છોડીને ક્યારેય જઈશ નહીં. (૨૩) હે સાધુ! તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું. પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી; તમે એમને તત્કાળ સચેત કરી દો, જાગ્રત કરો. (૨૪) સૂતજી કહે છે – ભક્તિનાં આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને (જ્ઞાન-વૈરાગ્યને) હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા. (૨૫) પછી તેમના કાન પાસે મોં લાવીને જોરથી બોલ્યા- ‘ઓ જ્ઞાન! જલદી જાગો! ઓ વૈરાગ્ય! જલદી જાગો!’ (૨૬)
પછી તેમણે વેદ-ધ્વનિ, વેદાન્તઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડયા; તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઊઠી શક્યા. (૨૭)
પરંતુ આળસને કારણે તે બંને બગાસાં ખાતા રહ્યા, આંખો ખોલીને જોઈ પણ શક્યા નહિ. તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા, તેમનાં અંગો પ્રાય: સૂકા લાકડા જેવાં નિસ્તેજ અને કઠોર થઈ ગયાં હતાં. (૨૮) આ રીતે ભૂખ-તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ‘હવે મારે શું કરવું? (૨૯)
આમની આ નિદ્રા અને એનાથીય વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય?’ હે શૌનકજી! આ રીતે ચિંતા કરતા-કરતા તેઓ (નારદજી) ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. (૩૦)

તે જ સમયે એવી આકાશવાણી થઈ કે ‘હે મુનિ! ખેદ ના કરો, તમારો આ પ્રયત્ન નિઃસંદેહ સફળ થશે. (૩૧) હે દેવર્ષિ! આ માટે તમે એક સત્કર્મ કરો, કે જે કર્મ તમને સંતશિરોમણિ મહાનુભાવ બતાવશે. (૩૨) તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ ક્ષણવારમાં આમની નિદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે.’ (૩૩) આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા – ‘મને તો આનો કોઈ આશય સમજાયો નહીં.’ (૩૪)
નારદજી બોલ્યા – આ આકાશવાણીએ પણ ગૂઢરૂપે જ વાત કહી છે. એ તો બતાવ્યું નહિ કે તે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય. (૩૫) તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે? અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ? (૩૬) સૂતજી કહે છે – હે શૌનકજી! પછી તો જ્ઞાન-વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદમુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ- જઈને, માર્ગમાં મળતા મુનીયારોને તે સાધન વિશે પૂછતા રહ્યા. (૩૭)
તેમની તે વાત સાંભળતા તો બધા હતા, પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા. કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું; તો કોઈ બોલ્યા – ‘આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે.’ કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ-કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી-ટટોળીને ખસી ગયા. (૩૮)
ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો. લોકો માંહેમાંહે ગુસપુસ કરવા લાગ્યા કે ‘ભાઈ! જ્યારે વેદધ્વનિ, વેદાન્તઘોષ અને વારંવાર ગીતાપાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય – આ ત્રણેને જગાડી ન શકાયાં ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી. (૩૯-૪૦) સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે?’ (૪૧)
આ રીતે જે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે. (૪૨)
ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદરીવનમાં આવ્યા. જ્ઞાન-વૈરાગ્યને જાગ્રત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે ‘હું તપ કરીશ.’ (૪૩) તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્યો જેવા તેજસ્વી સનકાદિ મુનીશ્વરો દેખાયા. તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા. (૪૪)
નારદજીએ કહ્યું – હે મહાત્માઓ! અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટા ભાગ્યથી થયો છે. તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો. (૪૫) તમે સર્વે મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવમાં તો પાંચ-પાંચ વર્ષના બાળક જેવા જણાઓ છો, પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ, (૪૬) તમે હંમેશાં વૈકુંઠધામમાં નિવાસ કરો છો, નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો, ભગવલ્લીલા-અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશાં તેમાં જ ઉન્મત્ત રહો છો અને એકમાત્ર ભગવત્કથા જ તમારા જીવનનો આધાર છે. (૪૭) ‘હરિ: શરણમ્’ (ભગવાન અમારું શરણ છે) – આ વાક્ય (મંત્ર) હંમેશાં તમારા મુખમાં રહે છે; આનાથી કાળપ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. (૪૮)
પહેલાંના સમયે તમારા ભૂભંગમાત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠલોક પહોંચ્યા. (૪૯) ધન્ય છે, અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો; તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. (૫૦) બતાવો – આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે; અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. તમે એનું વિસ્તારથી વર્ણન કરો. (૫૧)
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે? અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય?” (૫૨)
સનકાદિએ કહ્યું – હે દેવર્ષિ! તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ; તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્યમાન છે. (૫૩)
હે નારદજી! તમે ધન્ય છો. તમે વિરક્તોના શિરોમણિ છો; શ્રીકૃષ્ણ-દાસોના શાશ્વત પથ-પ્રદર્શક તેમ જ ભક્તિયોગના ભાસ્કર છો. (૫૪) તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક્ સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. (૫૫) ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રકટ કર્યા છે. પણ તે બધા જ કષ્ટસાધ્ય છે અને પરિણામે પ્રાય: સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. (૫૬) અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય: ભાગ્યથી જ મળે છે. (૫૭) તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ; તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો. (૫૮)

હે નારદજી! દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ અને સ્વાધ્યાયરૂપી જ્ઞાનયજ્ઞ – આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે. (૫૯) પંડિતોએ જ્ઞાનયજ્ઞને જ સત્કર્મ (મુક્તિદાયક કર્મ)નો સૂચક માન્યો છે. તે (જ્ઞાનયજ્ઞ) શ્રીમદ્ભાગવતનું પારાયણ છે, જેનું ગાન શુક વગેરે મહાનુભાવોએ કર્યું છે. (૬૦) તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન- વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. (૬૧) સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ્ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે. (૬૨) અને ત્યારે પ્રેમરસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. (૬૩)
નારદજીએ કહ્યું – મેં વેદ-વેદાન્તનાં ઉચ્ચારણ (ધ્વનિ) અને ગીતાપાઠ કરીને તેમને ઘણાં જગાડયાં, પણ એમ છતાં એ ત્રણે – ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યાં નહીં. (૬૪) આવી સ્થિતિમાં શ્રીમદ્ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે? – કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ તો સારાંશ છે. (૬૫) તમે શરણાગતવત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું; તેથી મારો આ સંદેહ દૂર કરો, આ કાર્યમાં વિલંબ ન કરો. (૬૬)
સનકાદિએ કહ્યું – શ્રીમદ્ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે. તેથી તેમનાથી ભિન્ન, તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. (૬૭) જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી; તે જ (રસ) જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે. (૬૮)
દૂધમાં ઘી રહેલું જ હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી; તે જ (ઘી) જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. (૬૯) ખાંડ શેરડીની ઉપર-નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે, તોપણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા (મીઠાશ) હોય છે. એવી જ આ ભાગવતની કથા છે. (૭૦)
આ ભાગવતપુરાણ વેદો-તુલ્ય છે. શ્રીવ્યાસદેવે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. (૭૧) પહેલાંના સમયે જ્યારે વેદ-વેદાન્તના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન-સમુદ્રમાં ગૌથાં ખાતા હતા ત્યારે તમે જ તેમને ચાર શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો. તેને સાંભળતાં જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી. (૭૨-૭૩)
તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે, કે જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ્ભાગવતપુરાણ જ સંભળાવવું જોઈએ. (૭૪)
નારદજીએ કહ્યું – હે સનકાદિ ઋષિઓ! તમારું દર્શન જીવનાં સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે અને જેઓ સંસારદુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીનાં સહસ્રમુખોથી ગવાયેલા ભગવત્કથામૃતનું જ નિરંતર પાન કરતા રહો છો. હું પ્રેમલક્ષણા-ભક્તિનો પ્રકાશ કરવાના ઉદેશ્યથી તમારું શરણ લઉં છું. (૭૫) જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્યરાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે (સત્સંગ) તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને (પરિણામે) વિવેકનો ઉદય થાય છે. (૭૬)
અહીં શ્રીમદ્દભાગવત માહાત્મ્યનો અધ્યાય 2 સમાપ્ત થાય છે. બીજો અધ્યાય આગળના લેખમાં જાણીશું. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો. અધ્યાય 2 નો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.