મહાપાપીને પણ મોક્ષ અપાવે છે આ કથા, વાંચવાનું ચુકતા નહીં, શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય-5 | Bhagwat

શ્રીમદ્દભાગવત માહાત્મ્ય, અધ્યાય – 5 – ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર । Gokarna and Dhundhukari Katha In Gujarati

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રીમદ્દ ભાગવત માહાત્મ્યનો પાંચમો અધ્યાય જાણીશું. જો તમારે આ પહેલાના અધ્યાયો વાંચવાના બાકી હોય તો એના લેખ તમને અમારી વેબસાઈટ પર મળી જશે, ત્યાં જઈને તમે વાંચી શકો છો. આવો હવે પાંચમો અધ્યાય શરુ કરીએ જેનું શીર્ષક છે ધુંધુકારીને પ્રેતયોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર.

સૂતજી કહે છે – હે શૌનકજી! પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું – ‘બતાવ, ધન ક્યાં રાખ્યું છે? નહિતર હમણાં જ આ ભૂંજેરા (બળતા લાકડા)થી મારીશ.’ (૧) તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવોથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું. (૨) યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું; કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતું. (૩)

ધુંધુકારી પાંચ વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધાં માટે ભોગ-સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારનાં ક્રૂર કર્મો કરવા લાગ્યો. (૪) એક દિવસે પેલી કુલટાઓએ તેની પાસે ઘણાં ઘરેણાં માગ્યાં. તે તો કામાંધ બનેલો હતો અને તે મૃત્યુને વીસરી ગયો હતો. બસ, ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. (૫)

તે જ્યાં-ત્યાંથી ઘણુંબધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાંક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યાં. (૬) ચોરી લાવેલો ઘણો-બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે ‘આ હંમેશાં ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે. (૭) રાજા આ બધું ધન છીનવી લઈને આને જરૂરથી મૃત્યુદંડ આપશે (મારી નાખશે). જો એક દિવસ આ મરવાનો જ છે, તો ધન બચાવવા સારુ આપણે જ આને ગૂપચૂપ શા માટે ન મારી નાખીએ? (૮)

આને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું.’ આવો નિશ્ચય કરીને એમણે સૂતેલા ધુંધુકારીને દોરડાંથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલદીથી મર્યો નહીં ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ. (૯-૧૦) પછી તેમણે તેના મોં ઉપર ઘણાબધા ભડભડતા અંગારા નાખ્યા; એનાથી અગ્નિની ઝાળથી ખૂબ તરફડીને મૃત્યુ પામ્યો. (૧૧)

તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે. તેમના આ કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં. (૧૨) લોકો પૂછતાં તો કહેતી કે ‘અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે, આ વર્ષે જ પાછા આવી જશે.” (૧૩) બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જોઈએ. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે. (૧૪) એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા, આ સ્ત્રીઓને કોણ વહાલું છે? (૧૫)

તે કુલટાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા! ધુંધુકારી પોતાનાં કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. (૧૬) તે વંટોળિયારૂપે હંમેશાં દશે દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ-તડકાથી સંતપ્ત તે ભૂખ-તરસથી વ્યાકુળ થવાને કારણે ‘હા દૈવ! હા દૈવ!’ એમ રાડો પાડતો હતો. પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. (૧૭- ૧૮) તેથી તેમણે તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું; બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા. (૧૯)

આ રીતે વિચરણ કરતા કરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. (૨૦) ત્યાં અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. (૨૧) તે ક્યારેક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું, તો ક્યારેક ઈન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. (૨૨) આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. (૨૩)

ગોકર્ણે કહ્યું – તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરો – તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? (૨૪)

સૂતજી કહે છે – ગોકર્ણના આમ પૂછવાથી તે વારંવાર જોરજોરથી રોવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી, તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો. (૨૫) ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને તેના પર છાંટ્યું. એનાથી તેનાં પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો. (૨૬)

પ્રેત બોલ્યો – ‘હું તમારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. (૨૭) મારાં કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા-અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી. અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવી તડપાવીને મારી નાખ્યો. (૨૮) તેથી હવે પ્રેત-યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબજોગે કર્મ-ફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. (૨૯) ભાઈ! તમે દયાના સાગર છો; હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલદીથી છોડાવો.’ ગોકર્ણે ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું. (૩૦)

ગોકર્ણે કહ્યું – ભાઈ! મને આ વાતનું મોટું આશ્ચર્ય છે – મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે, તોપણ તું પ્રેતયોનિમાંથી કેમ મુક્ત ન થયો! (૩૧) ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે, મારે શું કરવું જોઈએ? (૩૨)

પ્રેતે કહ્યું – સેંકડો ગયા-શ્રાદ્ધ કરવાથી પણ મારી મુક્તિ થઈ શકે એમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. (૩૩)

પ્રેતની આ વાત સાંભળીને ગોકર્ણને મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું – ‘જો સેંકડો ગયા- શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે. (૩૪) વારુ, હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે; હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ.’ (૩૫)

ગોકર્ણનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણે રાતભર વિચાર કર્યો, તોપણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. (૩૬) સવારે, તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા; ત્યારે ગોકર્ણે રાત્રે જે કંઈ જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. (૩૭) તે લોકોમાં જેઓ વિદ્વાન, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણનાર હતા તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયાં; તોપણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. (૩૮)

ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી. (૩૯) અને તેમણે સ્તુતિ કરી — ‘હે ભગવન્! આપ સઘળા સંસારના સાક્ષી છો, હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો.’ ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું – ‘શ્રીમદ્ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ-પારાયણ કરો.’ સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. (૪૦- ૪૧) ત્યારે બધાંએ એમ જ કહ્યું કે ‘પ્રયત્નપૂર્વક આ જ કરો; અને આ સાધન છે પણ ઘણું સરળ.’ તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરીને કથા સંભળાવવા માટે તૈયાર થયા. (૪૨)

દેશ અને ગામડાંઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણાબધા લૂલા-લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ-મનુષ્યો પણ પોતાનાં પાપોના નિવારણના ઉદેશ્યથી ત્યાં આવી પહોંચ્યા. (૪૩) આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યારે ગોકર્ણજી વ્યાસગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં-તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર ઊભા રાખેલા સાત ગાંઠોવાળા એક વાંસ પર પડી. (૪૪-૪૫) તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાંસમાં પ્રવેશ્યો. (૪૬)

ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંધથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. (૪૭) સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોના દેખતાં જ પેલા વાંસની એક ગાંઠ તડ-તડ શબ્દ કરતી ફાટી. (૪૮) આ જ રીતે બીજે દિવસે સાયંકાળે બીજી ગાંઠ ફાટી અને ત્રીજે દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી. (૪૯) આ પ્રમાણે સાત દિવસોમાં સાતે ગાંઠો ફાડીને ધુંધુકારી બાર સ્કંધ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેતયોનિમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્યરૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો. તેનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર અને તુલસીમાળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુગટ અને કાનોમાં સુંદર કુંડળ ઝગમગી રહ્યાં હતાં. (૫૦-૫૧)

તેણે તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું – ‘ભાઈ! તમે કૃપા કરીને મને પ્રેતયોનિની યાતનાઓમાંથી મુક્ત કર્યો છે. (પર) પ્રેતપીડાનો નાશ કરનારી આ શ્રીમદ્ભાગવત-કથા ધન્ય છે અને શ્રીકૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું એનું સપ્તાહ-પરાયણ પણ ધન્ય છે! (૫૩) જયારે સપ્તાહ-શ્રવણનો યોગ થાય છે ત્યારે બધાં પાપ થથરી ઊઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે. (૫૪) જેમ અગ્નિ ભીનાં-સૂકાં, નાનાં-મોટાં – તમામ પ્રકારનાં લાકડાંને બાળી નાખે છે તે જ રીતે આ સપ્તાહ-શ્રવણ મન, વચન અને કર્મ વડે કરેલાં નવાં-જૂનાં, નાનાં-મોટાં – બધી જ જાતનાં પાપોને ભસ્મ કરી દે છે. (૫૫)

વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારતવર્ષમાં શ્રીમદ્ભાગવતની કથા સાંભળતા નથી તેમનો જન્મ વ્યર્થ જ છે. (૫૬) અરે, મોહપૂર્વક લાલનપાલન કરીને આ અનિત્ય શરીરને હૃષ્ટપૃષ્ટ અને બળવાન પણ બનાવ્યું, તોપણ શ્રીમદ્ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શો લાભ થયો? (૫૭) હાડકાં આ શરીરના આધારસ્તંભ છે, નસો-નાડીઓરૂપી દોરડીઓથી બંધાયેલું છે, ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મઢી દીધેલું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે, કારણ કે એ છે તો મળ-મૂત્રનું પાત્ર જ. (૫૮)

વૃદ્ધત્વ અને શોકને કારણે તે પરિણામે દુઃખમય જ છે, રોગોનું તો એ ઘર જ છે. એ નિરંતર કોઈ ને કોઈ કામનાથી પીડિત રહે છે, ક્યારેય એ તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ છે; એના રોમેરોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી. (૫૯) અંતમાં જો એને દાટવામાં આવે છે તો તેના કીડા બની જાય છે, કોઈ પશુ ખાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં બાળવામાં આવે છે તો રાખની ઢગલી થઈ જાય છે. તેની આ ત્રણ જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? (૬૦) જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે; તો પછી તેના રસથી પુષ્ટ બનેલા શરીરનું નિત્યપણું કેવું? (૬૧)

આ લોકમાં સપ્તાહ-શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે. (૬૨) જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે. (૬૩) ભલા, જેના પ્રભાવથી જડ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે તે ભાગવત-કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખૂલી જાય એમાં શી મોટી વાત છે? (૬૪) સપ્તાહ-શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખૂલી જાય છે, તેના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સઘળાં કર્મ ક્ષીણ થઈ જાય છે. (૬૫) આ ભાગવતકથારૂપી તીર્થ સંસારનો કીચડ ધોવામાં ઘણું કુશળ છે. વિદ્વાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચિત જ થાય છે. (૬૬)

જે સમયે ધુંધુકારી આ બધી વાતો કહી રહ્યો હતો, તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઊતર્યું, જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ ફેલાતો હતો. (૬૭) સૌ સમક્ષ જ ધુંધુકારી તે વિમાન પર ચઢ્યો. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે તેમને આ વાત કહી. (૬૮)

ગોકર્ણે કહ્યું – ભગવાનના પ્રિય પાર્ષદો! અહીં અમારા અનેક શુદ્ધહૃદયી શ્રોતાઓ છે, તે બધા માટે તમે એકસાથે ઘણાંબધાં વિમાન કેમ નથી લાવ્યા? અમે જોઈએ છીએ કે અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે, તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો, એ બતાવો. (૬૯-૭૦)

ભગવાનના સેવકોએ કહ્યું – હે માનદ! આ ફળ-ભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું. છે, પણ એના જેવું મનન નથી કર્યું. તેથી જ એકસાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો. (૭૧) આ પ્રેતે સાત દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયનું સ્થિરચિત્તે એ ખૂબ મનન-નિદિધ્યાસન પણ કરતો રહ્યો હતો. (૭૨) જે જ્ઞાન દૃઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે. આ જ રીતે, ધ્યાન નહીં આપવાથી શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહીંતહીં ભટકતા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી. (૭૩) વૈષ્ણવહીન દેશ, અપાત્રને કરાવેલું શ્રાદ્ધભોજન, અશ્રોત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ – આ બધાનો નાશ થઈ જાય છે. (૭૪)

ગુરુનાં વચનોમાં વિશ્વાસ, દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ્ભાગવતકથા સાંભળશે તો સૌને વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય જ થશે. (૭૫-૭૬) અને હે ગોકર્ણજી! તમને તો ભગવાન સ્વયં આવીને ગોલોક-ધામમાં લઈ જશે. આમ કહીને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતા કરતા વૈકુંઠલોકમાં ગયા. (૭૭)

ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાહ-ક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી. (૭૮) હે નારદજી! તે કથાની સમાપ્તિ થતાં જે કંઈ બન્યું તે સાંભળો. (૭૯) ત્યાં ભક્તોથી ભરેલાં વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જયજયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા. (૮૦)

ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણને આલિંગીને પોતાના જ જેવા બનાવી દીધા. (૮૧) તેમણે ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામવર્ણ, રેશમી પીતાંબરધારી તથા કિરીટ-કુંડળ વગેરેથી વિભૂષિત કરી દીધા. (૮૨) તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા. તે બધાયને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચઢાવવામાં આવ્યા. (૮૩) તથા જ્યાં યોગીઓ જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા. આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ કથાશ્રવણથી પ્રસન્ન થઈને, ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપબાલોના પ્રિય ગોલોકધામમાં ગયા. (૮૪)

પહેલાંના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રીરામની સાથે સાકેતધામમાં સિધાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોકધામમાં લઈ ગયા. (૮૫) જે લોકમાં સૂર્ય, ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી તે લોકમાં તેઓ શ્રીમદ્ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. (૮૬)

હે નારદજી! સપ્તાહયજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જ્વળ ફળ સંચિત થાય છે એ વિષે અમે તમને શું કહીએ? અરે, જેમણે પોતાના કાનોથી, ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું, તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નહીં. (૮૭) લોકો વાયુ, જળ કે પાંદડાં ખાઈને શરીર સૂકવી નાખીને, ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ- શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે. (૮૮) આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર શાંડિલ્ય પણ બ્રહ્માનંદ-મગ્ન થઈને કરતા રહે છે. (૮૯) આ કથા ઘણી જ પવિત્ર છે. એક વારના શ્રવણથી જ તે સમસ્ત પાપ-રાશિને ભસ્મ કરી દે છે. જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૯૦)

મિત્રો, અહીં શ્રીમદ્દ ભાગવત માહાત્મ્યનો પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે. આ પછીનો અધ્યાય આપણે આગળના લેખમાં જાણીશું. ત્યાં સુધી સર્વેને હેતભર્યા જય શ્રીકૃષ્ણ. આ કથાનો વિડીયો નીચે આપવામાં આવ્યો છે.

આ લેખને લાઈક અને શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top