મહાશિવરાત્રીના અવસરે વાંચો સોનાના શિવલિંગ અને શિવભક્તની અજાણી સ્ટોરી, Sona Nu Shivling Story, Mahashivratri

હિન્દૂ ધર્મના મોટા પર્વોમાંથી એક એવા મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તો આજના લેખમાં આપણે ભગવાન શિવ પ્રત્યેની ભક્તિની એક વિશેષ વાર્તા જાણીશું. તો આવો વધુ સમય ન બગાડતા વાર્તા શરૂ કરીએ.

ભોલા અને હરિયા નામના બે મિત્રો હતા. બંને ગાઢ મિત્રો હતા. તેમના ખેતરો પણ એકબીજાની નજીક હતા અને તેઓ તેમના ખેતરોમાં સાથે મળી કામ કરતા હતા.

એક દિવસ હરિયાએ ભોલાને કહ્યું, “ભોલા, આપણે આટલી બધી મહેનત કરીને પાક ઉગાડીએ છીએ છતાં પણ આપણી ગરીબી દૂર થતી નથી. માટે આપણે બીજું કોઈ કામ કરવું જોઈએ.”

આ સાંભળીને ભોલાએ કહ્યું, “મિત્ર, એવું નથી. ભગવાન આપણને જેટલું આપી રહ્યા છે તેનાથી આપણે ખુશ રહેવું જોઈએ.”

આ સાંભળીને હરિયો ગુસ્સે થઈ જાય છે અને ભોલાને કહે છે, “તું કંઈ સમજતો નથી. તું આટલા સમયથી ભગવાન શિવની પૂજા કરી રહ્યો છે. ભગવાને આજ સુધી તને આપ્યું છે શું?”

આ સાંભળી ભોલાએ કહ્યું કે, “આજ સુધી મેં મારા ભોલેનાથ પાસે ક્યારેય કંઈ માંગ્યું જ નથી. હું ફક્ત સાચા હૃદયથી તેમની પૂજા કરું છું અને તેઓ આપમેળે મારા બધા કામ પૂરા કરી દે છે. મારે કંઈ માંગવાની જરૂર જ નથી. જો તું મારી સાથે મંદિરમાં આવીશ તો તારા મનનો લોભ પણ દૂર થઈ જશે.”

ધર્મ અને ભક્તિની વાત સાંભળીને હરિયો ગુસ્સે થઈ ગયો અને પોતાના ઘરે જતો રહ્યો. જ્યારે તેની પત્ની સુમિત્રાએ તેનો ગુસ્સાથી ભરેલો ચહેરો જોયો, ત્યારે તેણીએ તેનું કારણ પૂછ્યું. ત્યારે હરિયાએ કહ્યું, “મેં મારા મિત્ર ભોલાને સાથે મળીને વ્યવસાય શરૂ કરવાની સલાહ આપી, પરંતુ તેણે ના પાડી અને કહ્યું કે ભોલેનાથની કૃપાથી તે ફક્ત આટલાથી જ ખુશ છે.”

આ સાંભળીને સુમિત્રાએ કહ્યું, “ભોલા ભાઈ ભગવાન શિવના મોટા ભક્ત છે. તમે બાળપણથી જ તેમની સાથે રહો છો, છતાં તમે ક્યારેય મંદિરે ગયા નથી. દરેક વ્યક્તિની પોત-પોતાની શ્રદ્ધા હોય છે. મારું માનવું છે કે તેમની સલાહ મુજબ, તમારે પણ મંદિરમાં જવું જોઈએ અને ભોલેનાથના આશીર્વાદ લેવા જોઈએ. જો ભગવાન ઈચ્છશે તો, તમારું વ્યવસાય કરવાનું સપનું સાકાર થઈ જશે.”

હરિયાને સુમિત્રાની વાત સમજાઈ અને બીજા દિવસે તે ભોલા સાથે શિવજીના મંદિરે ગયો. તેણે ત્યાં પૂજા કરી અને પછી ભગવાન શિવને પ્રાર્થના કરી કે, હે ભગવાન મને એટલું ધન આપો કે જેથી હું વ્યવસાય કરી શકું. જો મારો વ્યવસાય સફળ થશે, તો હું તમારા મંદિરમાં સોનાનું શિવલિંગ અર્પણ કરીશ.”

તેની આ પ્રાર્થના સાંભળીને ભોલાના ચહેરા પર થોડું સ્મિત આવ્યું, પણ તેણે હરિયાને કંઈ કહ્યું નહીં અને પાછો આવીને પોતાના ખેતરમાં કામ કરવા લાગ્યો.

થોડા દિવસો પછી, હરિયાએ ધન ઉધાર લઈને વ્યવસાય શરૂ કર્યો. ભગવાન શિવના આશીર્વાદથી, તેનો વ્યવસાય સારી રીતે ચાલવા લાગ્યો. પછી એક દિવસ હરિયો ભોલાને મળવા ગયો અને તેને કહ્યું, “જો ભોલા, તું આટલા વર્ષોથી ભોલેનાથની પૂજા કરે છે પણ ક્યારેય કંઈ માંગતો નથી. અને હું તારી સાથે ફક્ત એક જ વાર ભોલેનાથના મંદિરમાં આવ્યો અને ભગવાનને સોનાનું શિવલિંગ ચઢાવવાની વાત કરી, તો તેઓ ખુશ થયા અને મારો વ્યવસાય શરૂ કરાવી દીધો.”

ત્યારે ભોલાએ કહ્યું, “મિત્ર, તેં જે માંગ્યું તે તને મળ્યું. મેં તો ફક્ત ભગવાનની ભક્તિ માંગી હતી અને હું તેનાથી ખૂબ ખુશ છું. તારું સુખ ધન-સંપત્તિમાં છે અને મારું સુખ મારા ભોલેનાથની ભક્તિમાં છે.”

ભોલાનો આ જવાબ સાંભળી હરિયાએ અભિમાનથી કહ્યું, “જોજે, આ વર્ષે શિવરાત્રી પર, હું સોનાનું શિવલિંગ અર્પણ કરીશ. પછી ભોલેનાથ મને વધુ ધનવાન બનાવશે.”

તેની આ વાત સાંભળીને, ભોલાએ ફક્ત સ્મિત સાથે તેની તરફ જોયું.

ભોલાએ સાંજે ઘરે આવીને પોતાની પત્ની કમલાને આજે બનેલા બનાવ વિશે બધું જણાવ્યું. એ સાંભળી કમલાએ કહ્યું, “તમારા ભોલેનાથ પણ ભેદભાવ કરે છે. તેઓ તમારા મિત્રની એક દિવસની પૂજાથી ખુશ થઈ ગયા અને તેને ધન આપ્યું. તમે આટલા વર્ષોથી પૂજા-પાઠ કરી રહ્યા છો. પણ એનું ફળ શું આપ્યું? મારું કહ્યું માનો અને કાલે તમે પણ મંદિરમાં જઈને ભોલેનાથને કહો કે તમે પણ સોનાનું શિવલિંગ ચઢાવશો.”

ભોલાએ કમલાને સમજાવવા ખુબ પ્રયત્નો કર્યા પણ તે એકની બે ન થઈ. આથી સ્ત્રીહઠ આગળ ભોલાએ નમતું મુકતા કહ્યું, “પણ શિવરાત્રીને હવે થોડા જ દિવસો બાકી છે. આટલા ઓછા સમયમાં હું સોનાનું શિવલિંગ ક્યાંથી લાવીશ? તું આટલો આગ્રહ કરે છે, તો હું માટીનું શિવલિંગ બનાવીને પ્રભુને અર્પણ કરીશ.”

આ સાંભળીને કમલા કંઈ બોલી નહિ અને મોં મચકોડીને ત્યાંથી જતી રહી.

બીજા દિવસે ભોલો શિવ મંદિરમાં ગયો અને ભોલેનાથને કહ્યું, “પ્રભુ, તમે તો અંતર્યામી છો, બધું જ જાણો છો, તેથી સૌનું અજ્ઞાન દૂર થાય એવી કૃપા કરજો. મારી પત્ની દેખાદેખીમાં સોનાનું શિવલિંગ અર્પણ કરવાની વાત કરે છે, પણ હું તેમ કરી શકું એમ નથી. તેથી હું તમને આ શિવરાત્રી પર માટીનું શિવલિંગ અર્પણ કરીશ.” આટલું કહીને તે પોતાના ખેતરે જતો રહ્યો.

પછી તો શિવરાત્રીનો દિવસ આવ્યો. તે દિવસે ભોલા અને હરિયાએ પૂજાની થાળી સજાવી અને મંદિર પહોંચ્યા. કમલા અને સુમિત્રા પણ તેમની સાથે હતી. બંને મિત્રોએ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યારબાદ તેમણે પૂજારીને શિવલિંગ અર્પણ કરવા કહ્યું. એટલે પૂજારીએ કહ્યું, “પહેલા તમે તમારા શિવલિંગ પર દૂધ ચડાવો અને પછી તેમને ભગવાનના ચરણોમાં મૂકો.”

તેમની વાત સાંભળીને હરિયો જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, “પૂજારીજી, મારા શિવલિંગ પર દૂધ ચઢાવીશ તો કંઈ નહીં થાય, પણ ભોલાનું શિવલિંગ તો માટીનું બનેલું છે, દૂધ ચઢતાની સાથે જ તે ધોવાઈ જશે.”

આ સાંભળીને ભોલાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ભોલેનાથને કહ્યું, “હે ભોળાનાથ, આજે તમારા ભક્તની કસોટી છે. મારી નિઃસ્વાર્થ ભક્તિ આજે ધનવાનોની સામે ઝાંખી પડી રહી છે. કૃપા કરીને મારી લાજ રાખજો પ્રભુ.”

આ પછી બંને મિત્રોએ હાથમાં દૂધનો લોટો લઈને દૂધ અર્પણ કરવાનું શરૂ કર્યું. દૂધ અર્પણ કરતા હરિયાનું સોનાનું શિવલિંગ માટીમાં ફેરવાઈ ગયું અને વહેવા લાગ્યું, અને ભોલાનું શિવલિંગ દૂધ ચડતા જ સોનાનું થઈ ગયું.

આ જોઈને ભોલો ખુશ થઈ ગયો અને હરિયો રડવા લાગ્યો. પછી ભોલાએ તેને સમજાવ્યું કે, મિત્ર, ભગવાન ધનથી નહીં પણ મનના ભાવથી ખુશ થાય છે. સંપત્તિ મળતાં જ તારા મનના ભાવ અભિમાનમાં ફેરવાઈ ગયા અને તેથી તારું સોનું ધૂળ બની ગયું અને મારું મન શુદ્ધ હતું અને તેથી મારી ધૂળ પણ સોનામાં ફેરવાઈ ગઈ.”

હરિયાએ ભોલાની માફી માંગી અને ભોલેનાથના ચરણોમાં પડીને રડવા લાગ્યો અને ભોલેનાથ સમક્ષ પોતાની ભૂલ બદલ માફી માંગવા લાગ્યો. પછી ભોલાએ હરિયાને કહ્યું, “ભોલેનાથ સામે રડવાથી તારું મન પણ શુદ્ધ થઈ ગયું. હવે તને સાચું સુખ અને શાંતિ મળશે.”

ત્યારબાદ હરિયા અને ભોલા બંનેએ સાથે મળીને ખેતી કરવાનું શરૂ કર્યું અને ભોલેનાથે તેમની બધી લૌકિક મુશ્કેલીઓ દૂર કરી દીધી.

મિત્રો, આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top