સોનાના લાડવાની વાર્તા ગુજરાતી લખાણ સાથે । પુરુષોત્તમ માસની કથા । Purushottam maas katha

અધિકમાસની બીજા દિવસની કથા – સુવર્ણના લાડવાની વાર્તા | Sona na ladva | Adhik maas ni katha day 2

નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અધિકમાસની બીજી અમૃતકથા સાંભળવાના છીએ. જેનું શીર્ષક છે – સુવર્ણના લાડવા.

એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. સંપત્તિમાં કશું ન મળે. પરંતુ સંતતિમાં ભાગ્યવાન ! એને બે-ત્રણ નહિ પણ સાત બાળકો હતાં. આ બધાંનું પૂરું કરતાં બ્રાહ્મણના નાકે દમ આવી જતો. ભિક્ષાવૃત્તિમાં મળી મળીને કેટલું મળે? પણ બ્રાહ્મણી ચતુર હતી, એટલે કરકસર કરીને ઘરનું ગાડું ગબડાવતી હતી. તે પોતે પણ પરચૂરણ ઘરકામ કરતી હતી, તેથી ગુજારો આસાનીથી થઈ શકતો હતો.

બ્રાહ્મણનાં ભાઈ-ભોજાઈ પૈસેટકે સુખી હતાં. તેનાં મા-બાપ તો ક્યારના યે પ્રભુના ધામમાં પહોંચી ગયાં હતાં. બ્રાહ્મણીને પિયરિયામાં ભાઈનો આશરો હતો, પરંતુ તેની ભોજાઈ એવી ઝેરીલી નાગણ જેવી હતી કે, તેનો ભાઈ તેને મદદ કરવા ઇચ્છે છતાં કાંઈ કરી શકતો નહોતો.

ભાઈ-ભોજાઈને સંપત્તિસુખ હતું, પરંતુ સંતતિસુખ ન હતું; સંતાન માટે બન્ને ઝૂરતાં. ભોજાઈના મનમાં થયું કે, હવે અધિક માસ આવે, ત્યારે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું તો તે જરૂર પ્રસન્ન થશે અને પોતાના ઘરમાં પારણું ઝૂલતું થશે.

સમય જતાં પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીની ભોજાઈ પુત્રફળની આશા રાખીને નદીએ જઈને ન્હાવા લાગી, વ્રત કરવા લાગી. કથા-વાર્તા સાંભળવા લાગી. પુત્ર મેળવવા તે પુરુષોત્તમ ભગવાનને ભજતી હતી અને બ્રાહ્મણી પોતાનું દારિદ્ર દૂર કરવા માટે વ્રત-ધર્મ કરતી હતી.

જોતજોતામાં અધિક માસ પૂરો થયો અને વ્રતધારીઓએ વ્રતનાં ઉજવણાં કર્યાં. ઉજવણામાં દરેકે યથાશક્તિ બ્રાહ્મણો જમાડયા હતા અને દક્ષિણા આપી હતી.

બ્રાહ્મણીની ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની વધુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રતનું ઉજવણું સારી રીતે કરવા વિચાર્યું હતું. તે જાતે જ ગામના બ્રાહ્મણોને ત્યાં જઈને જમવાનાં નોતરાં દઈ આવી હતી. તેની નણંદ બ્રાહ્મણીને ત્યાં પણ નોતરું દેવા ગઈ ને આંગણામાં ઊભી રહી કહેવા લાગી, ‘ઘરમાં આવતી નથી, આજે ઉજવણું માંડયું છે, જમણવારમાં તમે બધાં યે આવજો. સાત છૈયાં, આઠમા ભૈયા અને નવમા તમે બાઈ…… ફરી હું કહેવા આવીશ, ત્યારે જમવા આવજો, આ તો તમને મારે ત્યાંના જમણવારની ખબર આપી.’

નોતરું દેવાની આ રીત બ્રાહ્મણીને કઢંગી લાગી. તેમાં વિનય નહોતો, કટુતા હતી. ભોજાઈએ પૈસાના અભિમાનમાં આવું કહ્યું હતું. તેણે તેને ત્યાં જમવા જવાનો વિચાર માંડી વાળ્યો, પરંતુ તેનાં સાત છોકરાંઓ જમવા જવા તૈયાર થઈ ગયાં. મામાને ત્યાં લાડવા જમવાના હોય તો ભાણિયાને આનંદ હોય તે દેખીતું છે.

સાંજના છ વાગે બ્રાહ્મણીની ભોજાઈને ત્યાં જમણવાર હતો, પરંતુ પાંચ વાગ્યામાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ રેશમી વસ્ત્રો પહેરીને ત્યાં જવા માંડ્યાં, સાથે છોકરાંઓ પણ હતાં. બધાંને મિષ્ટાન્ન જમવાનો હરખ હતો. એ જોઈ બ્રાહ્મણીના સાત છોકરાંઓ જમવા જવાની ઉતાવળ કરવા લાગ્યાં તો બ્રાહ્મણીએ કહ્યું, ‘આપણે તો ઘરના કહેવાઈએ, બધાંથી છેલ્લું જમવાનું અને તે પણ તમારા મામા કે મામી આપણને તેડવા આવે ત્યારે જવાનું…..’

છોકરાઓ માનું કહેવું માની રમવા જતાં રહ્યાં. બ્રાહ્મણીએ તેમને આશ્વાસન આપ્યું હતું, બાકી તે જાણતી હતી કે, અભિમાનની ભરેલી ભોજાઈ જમવા તેડવા આવવાની નથી.

જમણવાર પતી ગયો પરંતુ બ્રાહ્મણીને ઘેર તેના ભાઈ કે ભોજાઈ કોઈ તેડવા આવ્યા નહિ, એટલે તે બધાં ભૂખ્યાં રહ્યાં. જમવા જવાની આશાએ બ્રાહ્મણીએ રાંધ્યું નહોતું. બિચારાં છોકરાંઓ ‘લાડવા’નો વલોપાત કરતાં કરતાં આખરે ભૂખ્યા પેટે સૂઈ ગયાં.

રાત પડી, એટલે બ્રાહ્મણી પોતાના ઘેરથી નીકળી તેના ભાઈના ઘરના પાછળના ભાગમાં ગઈ. જ્યાં જમણવારનાં એંઠવાડ સાથેનાં પતરાળાં પડેલાં હતાં. ઘણાં પતરાળાંઓમાં લાડવાના ટુકડાઓ પડેલા હતા. બ્રાહ્મણીએ થોડાંક પતરાળાં લઈને સાડલામાં બાંધી દીધા ને ઝડપથી પોતાને ઘેર આવી. તેણે પતરાળાંમાંથી લાડવાના ટુકડા કાઢીને એક થાળીમાં રાખ્યા ને ભૂકો કરીને ફરીથી તેના લાડવા વાળી દીધા, પૂરા સાત લાડવા થયા. પછી પેલાં પતરાળાં પાછળ વાડામાં જ્યાં ઘાસ પડયું હતું ત્યાં નાખી આવી, તેના ઉપર ઘાસ પાથરી દીધું, એટલે કોઈને ખબર પડે નહિ કે, ત્યાં એઠવાડનાં પતરાળાં પડ્યાં છે.

પછી પેલી લાડવાવાળી થાળી ઉપર બીજી થાળી ઢાંકી તેણે શીકામાં મૂકી દીધી, પછી તે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી સૂઈ ગઈ. તેની પ્રાર્થના પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાને તરત જ સાંભળી.

સવારે બ્રાહ્મણી જ્યારે પેલાં એઠાં પતરાળાં ઉકરડે નાખી આવવા તેને લેવા ગઈ તો તે પતરાળાં બધાં સોનાનાં બની ગયાં હતાં. તેણે બધાં પતરાળાં લઈ જઈ પોતાના પતિને બતાવ્યાં તો બ્રાહ્મણ સમજી ગયો કે, આ પુરુષોત્તમ વ્રતનું ફળ છે. તેણે બ્રાહ્મણીને કહ્યું, ‘તું શુદ્ધ ભાવથી યથાશક્તિ વિધિથી પુરુષોત્તમ વ્રત કરે છે, કાંઠાગોરનું પૂજન કરે છે, વ્રતકથા સાંભળે છે તેનું આ ફળ છે.’

બ્રાહ્મણી બોલી, ‘નાથ ! તમારું કહેવું ખરું છે, તોપણ આ પતરાળાં મારા ભાઈનાં છે, એટલે તેના પર તેનો અધિકાર છે. ભલે તેણે આજદિન સુધી મને કંઈ નથી આપ્યું, પરંતુ મારે તો તેના નિમિત્તનું તેને આપવું જ પડે. હું આ બધાં પતરાળાં મારા ભાઈને આપી આવું છું, આપણને એવું અણહકનું ના ખપે.’

બ્રાહ્મણે કહ્યું, ‘ભલે આપણે ગરીબ રહ્યાં, પરંતુ હજુ સુધી હરામનો માલ લેવાની દાનત રાખી નથી. પ્રભુ આપણને બે ટંક લૂખું-પાખું ખાવા આપે એટલું જ બસ છે. જા જઈને આપી આવ.’

બ્રાહ્મણી પતરાળાં લીધાં વગર ભાઈને વધામણી આપવા ગઈ. ભાઈ અને ભોજાઈ હિંચકા પર બેઠાં હતાં. બ્રાહ્મણી કંઈ કહે તે પહેલાં જ તેની ભોજાઈ બોલી ઊઠી, ‘નણંદબા, કાલે તમે છોકરાંના લશ્કર સાથે જમી ગયાં તો છો, તમે વધેલા લાડવા લેવા આવ્યાં છો પણ કંઈ વધ્યું નથી, તમારા ભાઈનું ઘર છે…. બધું જોઈ લો.’

આ સાંભળી બ્રાહ્મણી ડઘાઈ ગઈ. તેણે ભાઈને કહ્યું, ‘ભાઈ! અમે જો જમવા આવ્યા હોઈએ તો તમને મળ્યા વગર જઈએ ખરા? અમારા ઘરમાંથી કોઈ જમવા આવ્યું નથી. અમે તો ઘેર પણ રાંધ્યું નહોતું. બધાં ભૂખ્યા સૂઈ રહ્યા હતાં. કોઈ તેડવા આવ્યું નહિ, એટલે અમે જમવા આવ્યા નહિ. શું થાય ! ભાણેજિયાના નસીબમાં મામાના ઘરનું ખાવાનું લખ્યું નહિ હોય. હું ખાસ એક વાત કહેવા આવી છું. તમારા ભાણેજિયાઓએ આખો દિવસ લાડવાનું રટણ કર્યું અને ભૂખ્યા પેટે ‘લાડવા….લાડવા’ કરતાં સૂઈ ગયા. મેં વિચાર કર્યો કે, એંઠવાડાનાં પતરાળાંમાં વધેલા લાડવાના કટકા પડ્યા હશે તો થોડાક પતરાળાંમાં લઈ આવું ને તેમાંના વધેલા લાડવાનો ભૂકો ભેગો કરીને તેના ફરીથી લાડવા વાળી ઢાંકી રાખીશ ને સવારે છોકરાઓને એ લાડવા ખાવા આપીશ.

એમ વિચારી હું થોડાંક પતરાળાં તમારા ઘરની પછવાડેથી ઘેર લઈ ગઈ અને તેમાંથી વધેલા લાડવાના કટકા ભેગા કરી તેના ફરી લાડવા વાળી શિકામાં રાખી મૂક્યા અને પતરાળાં વાડામાં ઘાસ નીચે નાખી દીધાં. સવારે ઊઠીને તે એઠાં પતરાળાં ઉકરડે નાખવાનો વિચાર કરી પતરાળાં લેવાં ગઈ તો સોનાનાં બની ગયાં હતાં. એ પતરાળાં તમારાં હતાં, એટલે તેના પર અધિકાર તમારો છે. હું ગરીબ છું ને ટંક ટંક ખાવાના વાખા છે, પરંતુ અણહકની વસ્તુ મારે ન જોઈએ.

ભોજાઈ આ વખતે પડોશમાં કંઈ કામે ગઈ હતી. ભાઈના માન્યામાં આ વાત આવતી નહોતી તેથી તે ખાતરી કરવા બહેન સાથે તેના ઘરે ગયો. બહેને તેના આગળ સોનાનાં પતરાળાંનો ઢગલો કર્યો. ભાઈએ બહેનને કહ્યું, ‘બહેન ! આ બધું તારા ધર્મનું, તારા વ્રતનું ફળ છે, એટલે એના ઉપર તારો હક છે. તારા ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તારું દારિદ્ર ટાળ્યું છે. તારા વ્રતનું ફળ મારાથી ન લેવાય. મને ભગવાને બહુ આપ્યું છે, આ પતરાળાંના કટકા કરીને કોઈ સોનીને વેચી દેજે, તેના ઘણા રૂપિયા આવશે.’

ભાઈએ સોનાના પતરાળાં ન લીધાં અને તે બહેનને આશ્વાસન આપી પોતાને ઘરે ચાલ્યો ગયો. પરંતુ તેણે તેની અદેખી પત્નીને કંઈ વાત કરી નહિ.

બ્રાહ્મણ-બ્રાહ્મણી બધા સોનાના પતરાળાં ભાંગીને તેના નાના કટકા કરી એક લૂગડામાં બાંધી ગામના મોટા સોનીને ત્યાં ગયા. સોનાનાં પતરાંનો કસ કાઢી, તોલ કરીને તેની કિંમતના થતા ત્રણ હજાર રૂપિયા સોનીએ બ્રાહ્મણ-બ્રાહ્મણીને ગણી આપ્યા. તેઓ કોઈ દિવસ ન દેખેલા આટલા બધા રૂપિયા લઈને હરખભેર પોતાને ઘેર આવ્યા. સૌ પ્રથમ તેમણે ઘર સુધરાવ્યું, જરૂરી વાસણો લઈ આવ્યાં. પાટલા-બાજઠ, ગાદલાં-ગોદડાં કરાવડાવ્યાં અને દરેક પ્રકારના અનાજથી કોઠીઓ ભરી લીધી. આ સાથે જમણવાર માટેની સામગ્રી પણ તેમણે લાવીને જુદી રાખી હતી. રસોઈ બનાવવા માટે રસોઇયા પણ નક્કી કરી રાખ્યા.

પછી બ્રાહ્મણ-બ્રાહ્મણી નવાં સુંદર કપડાં પહેરીને ગામના બ્રાહ્મણોને ત્યાં આવતી કાલે સાંજે જમણવારનાં નોતરાં દેવા ગયાં. બધાં ય વિચારમાં પડી ગયા કે, આ નિર્ધન બ્રાહ્મણ એકાએક ક્યાંથી ધનવાળો થઈ ગયો કે આવડો મોટો જમણવાર કરવા તૈયાર થયો? આ વાત બ્રાહ્મણીની અભિમાની ભોજાઈના કાને ગઈ તો તે ચોંકી ગઈ. તેણે તેના પતિને વાત કરી તો તેના પતિએ કહ્યું, ‘ભગવાનની લીલાનો પાર કોણ પામ્યું છે. ભગવાન રીઝે તો રંકને રાય બનાવી દે અને ખીજે તો રાજાને ભિખારી બનાવી દે.’

થોડી જ વારમાં બ્રાહ્મણી રેશમી વસ્ત્રો ને ઘરેણાંથી સજ્જ થઈ ભાઈને ત્યાં સાગમટે નોતરું દેવા આવી. ભોજાઈ તો તેને જોઈ જ રહી કે, આ ગરીબડી નણંદ એકાએક માલદાર ક્યાંથી થઈ ગઈ?

બ્રાહ્મણીના ગયા પછી તેનો ભાઈ તેને ઘરે ગયો અને તેને કહેવા લાગ્યો, ‘બહેન ! તારી ભોજાઈનું અભિમાન તોડવા માટે, તેની સાન ઠેકાણે લાવવા માટે મેં એક યુક્તિ શોધી કાઢી છે. તું સુવર્ણના બે લાડવા બનાવજે. જ્યારે રસોઈ પીરસાય, ત્યારે તારી ભોજાઈના પતરાળામાં બે સુવર્ણના લાડવા પીરસાવજે.’ આમ કહી તેણે બહેનને બધી સમજણ પાડી અને પોતાને ઘરે ચાલ્યો આવ્યો.

બીજે દિવસે બ્રાહ્મણીને ત્યાં જમણવાર શરૂ થયો. બધાં બેઠાં, એટલે બ્રાહ્મણીનાં છોકરાંઓ કમંડળ લઈને દાળ, શાક પીરસી ગયાં, ભજિયાં પીરસી ગયાં, પછી બ્રાહ્મણીનો મોટો છોકરો એક કથરોટમાં ઘીથી લચપચતા લાડવા ભરીને પીરસવા નીકળી પડ્યો. કથરોટમાં બે લાડવા સોનાનાં પણ હતાં. તેણે બધાં ય પતરાળામાં લાડવા પીરસી દીધા અને મામીના પતરાળામાં પેલા બે સુવર્ણના લાડવા પીરસ્યા. બધાએ જમવા માંડ્યું. પણ બ્રાહ્મણીની ભોજાઈ તો સોનાના લાડવાને જોતી જ બેસી રહી. આથી તેના મોટા ભાણાએ કહ્યું, ‘મામી ! જમવા માંડો….. રાહ કોની જુઓ છો? આજે દાળ-શાક તો એવાં સ્વાદિષ્ટ બનાવ્યાં છે કે, મોંમાં સ્વાદ રહી જશે.’

મામી કહે, ‘ભાણાભાઈ ! આ સોનાના લાડવા ખવડાવી મારા દાંત ભાંગી નાખવા છે કે શું? મામી ઉપર એટલું બધું હેત ઊભરાઈ આવ્યું કે, સોનાના લાડવા જમવા આપ્યા!’

બ્રાહ્મણીએ જોયું કે, હવે ભોજાઈનો મિજાજ ઠંડો પડયો છે, તેથી જ તેણે છોકરાને માનથી બોલાવ્યો. પોતાની સ્થિતિ બદલાઈ હતી તેનો આ ફેરફાર હતો.

બ્રાહ્મણીનો ભાઈ મનમાં મલકાતો હતો, કારણ કે તેની યુક્તિ તેની પત્નીનું અભિમાન તોડવા સફળ થઈ હતી. તેણે જ તેની પત્નીને કહ્યું, ‘તું ધનવંત છે, તને સોના-ચાંદી ઉપર બહુ મોહ છે, એટલે ભાણાએ તને સુવર્ણના લાડવા પીરસ્યા છે. બાકી તેં તો તેઓને ઘી-ગોળના લાડવા પણ ખવડાવ્યા નથી. ગામનાં બધાં આપણે ત્યાં જમણવારમાં જમી ગયાં ને તારી ઘમંડાઈથી બહેન-ભાણેજિયાં ભૂખ્યાં રહ્યાં. ભાણિયાઓ લાડવા માટે ટળવળતાં હતાં, એટલે મારી બહેને એઠાં પતરાળાંમાંથી લાડવાના કટકા શોધી તેના લાડવા વાળીને છોકરાંઓને ખાવા માટે રાખ્યા હતા.

પુરુષોત્તમ ભગવાનથી આ સહન ન થયું. તેમની ભક્તિ કરનાર, વ્રત કરનાર દુઃખી રહે એ બને જ કેમ? તેમણે પ્રસન્ન થઈ બધાં પતરાળાં સોનાનાં બનાવી દીધાં અને તે વેચતાં મારી બહેનને પુષ્કળ ધન મળ્યું. જેને સહુ હડધૂત કરે છે તેને ભગવાન ગળે લગાડે છે, તારી પાસે ધનની કે ચીજવસ્તુની ખોટ નહોતી, છતાં કોઈ દિવસ તે તારી નણંદને અન્નવસ્ત્ર-ધન કે ઘરેણું આપવા હાથ લાંબો કર્યો નહિ, પરંતુ ગરીબનો બેલી ભગવાન છે.’

આ સાંભળી તેની પત્નીને ખૂબ લાગી આવ્યું ને તેની આંખમાંથી દડદડ આંસુ સરવા લાગ્યાં. તે જમવાનું પડતું મૂકીને તેની નણંદના પગે પડી કહેવા લાગી, ‘નણંદબા ! મેં તમને ઘણાં દુભવ્યાં છે, ઘણાં મહેણાં-ટોણાં માર્યાં છે, એ મારી ભૂલ હવે મને સમજાઈ છે. મને ક્ષમા કરો.’

બ્રાહ્મણીએ કહ્યું, ‘તેમાં તમારો કોઈ દોષ નથી, તમને ધનનું અને રૂપનું અભિમાન હતું, તેણે તમારી આંખે પાટા બાંધી દીધા હતા. અને તમે મારી સાથે તેવો વર્તાવ રાખ્યો તો જ અમે વધુ ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન થયાં. ચાલો, હવે આપણે બન્ને સાથે જમવા બેસી જઈએ.’

અને નણંદ-ભોજાઈએ પહેલીવાર સાથે બેસીને ભોજન કર્યું. ત્યારથી તેઓ વચ્ચે રાગ થઈ ગયો અને બધાં હળીમળીને રહેવા લાગ્યાં. ત્યારથી ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી.

નણંદ-ભોજાઈ દર ત્રીજા વર્ષે અધિક માસ આવતાં પુરુષોત્તમ વ્રત કરતાં. તેથી તેમનાં સુખ-સમૃદ્ધિ વધવા માંડયાં. તેમને સુખી જોઈ નગરનાં બધાં નર-નારીઓ પુરુષોત્તમ વ્રત કરવા લાગ્યાં. આથી પુરુષોત્તમ વ્રતનો મહિમા ખૂબ વધી ગયો.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરનાર પર તેમજ વ્રતકથા વાંચનાર-સાંભળનાર પર પ્રસન્ન થજો ને સુખ-શાન્તિ કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા