વાંચો મોહિની એકાદશીની કથા – અનેક જન્મોનાં મહાપાપ નષ્ટ કરશે આ કથા, Mohini ekadashi ni katha

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજે આપણે વૈશાખ માસની મોહિની એકાદશીની કથા જાણીશું. મોહિની એકાદશી સમસ્ત પાપોનો નાશ કરનારી તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારી છે. તો આવો કથા શરૂ કરીએ.

યુધિષ્ઠિરે પૂછ્યું — જનાર્દન! વૈશાખ માસના શુક્લપક્ષમાં કયા નામની એકાદશી હોય છે? તેનું શું ફળ હોય છે? તથા તેના માટે કઈ વિધિ છે?

ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા — મહારાજ! પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામચંદ્રજીએ મહર્ષિ વસિષ્ઠને આ જ વાત પૂછી હતી, જેને આજે તમે મને પૂછી રહ્યા છો.

શ્રીરામે કહ્યું — ભગવન્! જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારનાં દુઃખોનું નિવારણ કરનારું વ્રતોમાં ઉત્તમ વ્રત હોય, તેને હું સાંભળવા માંગું છું.

વસિષ્ઠજી બોલ્યા — શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે. મનુષ્ય તમારું નામ લેવાથી જ બધાં પાપોથી શુદ્ધ થઈ જાય છે. તો પણ લોકોના ભલાની ઈચ્છાથી હું પવિત્રોમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લપક્ષમાં જે એકાદશી હોય છે, તેનું નામ મોહિની છે. તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહજાળ તથા પાપ-સમૂહથી છુટકારો મેળવી લે છે.

સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે. ત્યાં ધૃતિમાન નામના રાજા, જે ચંદ્રવંશમાં ઉત્પન્ન અને સત્યપ્રતિજ્ઞ હતા, તે રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો, જે ધન-ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધશાળી હતો. તેનું નામ હતું ધનપાલ. તે હંમેશાં પુણ્યકર્મોમાં જ મંડયો રહેતો હતો. બીજાઓને માટે પરબ, કૂવા, મઠ, બગીચા, તળાવ અને ઘર બનાવતો હતો. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો. તે સદા શાંત રહેતો હતો. તેના પાંચ પુત્રો હતા – સુમના, દ્યુતિમાન, મેધાવી, સુકૃત તથા ધૃષ્ટબુદ્ધિ.

ધૃષ્ટબુદ્ધિ પાંચમો હતો. તે કાયમ મોટાં મોટાં પાપોમાં જ લાગેલો રહેતો હતો. જુગાર વગેરે દુર્વ્યસનોમાં તેની ઘણી આસક્તિ હતી. તે વેશ્યાઓને મળવાને માટે લલચાતો હતો. તેની બુદ્ધિ ન તો દેવતાઓનાં પૂજનમાં લાગતી હતી અને ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં. તે દુષ્ટાત્મા અન્યાયના રસ્તે ચાલીને પિતાનું ધન બરબાદ કર્યા કરતો હતો.

એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખી ચોક પર ફરતો જોવામાં આવ્યો. ત્યારે પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો તથા ભાઈઓએ પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે તે રાત-દિવસ દુઃખ અને શોકમાં ડૂબેલો તથા કષ્ટ-પર-કષ્ટ વેઠતો રહીને આમ-તેમ ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થવાથી તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો. વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. ધૃષ્ટબુદ્ધિ શોકના ભારથી પીડિત થઈ મુનિવર કૌંડિન્યની પાસે ગયો અને હાથ જોડી સામે ઊભો રહી બોલ્યો — ‘બ્રહ્મન્! દ્વિજશ્રેષ્ઠ! મારા પર દયા કરીને કોઈ એવું વ્રત બતાવો, જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય.’

કૌંડિન્ય બોલ્યા — વૈશાખના શુક્લપક્ષમાં મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો. મોહિનીનો ઉપવાસ કરવાથી પ્રાણીઓનાં અનેક જન્મોનાં કરેલાં મેરુ-પર્વત જેવાં મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે.

વસિષ્ઠજી કહે છે — શ્રીરામચંદ્ર! મુનિનું આ વચન સાંભળી ધૃષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેણે કૌંડિન્યના ઉપદેશથી વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ! આ વ્રતને કરવાથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરૂઢ થઈ સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રીવિષ્ણુધામમાં ચાલ્યો ગયો. આ રીતે આ મોહિનીનું વ્રત ઘણું ઉત્તમ છે. આને વાંચવા અને સાંભળવાથી સહસ્ર ગોદાનનું ફળ મળે છે.

મિત્રો, અહીં મોહિની એકાદશીની વ્રત કથા અને તેનું માહાત્મ્ય સમાપ્ત થાય છે. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો, જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
ઘરેલું નુસખા