જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના લેખમાં આપણે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીની વ્રત કથા જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.
યુધિષ્ઠિરે પૂછયું, “હે કૃષ્ણ! શ્રાવણ શુક્લ એકાદશીનું નામ અને એની વ્રતકથા મને કહો !”
આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, “હે રાજન્ ! એ પાપહરા એકાદશીની તમે કથા સાંભળો. એના શ્રવણ માત્રથી જ વાજપેય યજ્ઞનું ફળ મળે છે.”
પૂર્વે દ્વાપરના આરંભમાં માહિષ્મતી નગરીમાં મહીજિત્ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પુત્રરહિત હતો એટલે રાજ્ય હોવા છતાં એને કોઈ પ્રકારનું સુખ નહોતું. “અપુત્રને આ લોકમાં કે પરલોકમાં કોઈ પ્રકારનું સુખ હોતું નથી.” એમ માની પુત્રપ્રાપ્તિ માટે એણે અનેક ઉપાય કર્યા પરંતુ લાંબો સમય પસાર થયો છતાં સર્વદા સુખ આપનાર એને પુત્ર થયો નહીં.
પોતાને વૃદ્ધત્વ આવ્યું એટલે એ વિશેષ ચિંતાતુર થયો એટલે એણે સભામાં લોકોની વચ્ચે જ કહ્યું, “હે પ્રજાજનો ! મેં આ જન્મમાં કોઈ પાપ કર્યું નથી. મારા રાજ્યકોષમાં મેં અન્યાયથી દ્રવ્ય સંચિત કર્યું નથી. મેં કદાપિ બ્રાહ્મણનું કે દેવનું દ્રવ્ય ગ્રહણ કર્યું નથી અને અત્યંત પાપ ફળ આપનારી અન્યની થાપણ મેં પચાવી પાડી નથી. મેં પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે અને ધર્મથી જ પૃથ્વી પર વિજય મેળવ્યો છે. જેણે દુષ્ટ અપરાધ કર્યો છે એને મેં દંડ દીધો છે. મેં શિષ્ટ લોકોનું સન્માન કર્યું છે અને મારા દ્વેષીઓનો પણ મેં સત્કાર કર્યો છે. આમ હું સદા ધર્મના માર્ગે ચાલું છું છતાં કયા કારણથી મારે ત્યાં પુત્ર અવતરતો નથી એ વિષે આપ સૌ વિચાર કરો.”
રાજાનાં આવાં વચન સાંભળી રાજાના કલ્યાણ માટે બ્રાહ્મણો, પુરોહિતો અને અન્ય પ્રજાજનો ગહન વનમાં ગયા. અહીં તહીં ભમતા ભમતા તેઓ ઋષિઓના આશ્રમ જોવા માંડયાં. ત્યાં રાજાનું કલ્યાણ વાંછતા પ્રજાજનોએ મુનિશ્રેષ્ઠ લોમશને જોયા. તેઓ બ્રહ્માનંદમાં લીન રહી વિઘ્નરહિત ઉગ્ર તપ કરતા હતા. ઋષિવર્ય લોમશ સદા નિરાહારી રહેતા. તેઓ જિતેન્દ્રિય અને ક્રોધજયી હતા. એ સનાતન મુનિ ધર્મતત્ત્વજ્ઞ, સર્વશાસ્ત્ર વિશારદ, મહાત્મા અને ધર્મજ્ઞાની હતા, એ ત્રિકાળજ્ઞાની મનિનું એક કલ્પના અંતે માત્ર એક લોમ જ ખરી પડતું એટલે એ ‘લોમશ’ કહેવાતા.
આ મુનિશ્રેષ્ઠને જોઈ પ્રજાજનો હર્ષ પામ્યા. એમને પ્રણામ કર્યા અને પરસ્પર કહેવા માંડ્યાં “આપણા સદ્ભાગ્યથી જ આપણને આ મુનિવરનાં દર્શન થયાં છે.” એમને વિનયથી પ્રણામ કરી ઊભેલા જોઈ ઋષિવર બોલ્યા, “તમારા આગમનનું મને કારણ કહો? મારા દર્શનથી પ્રસન્ન થઈ તમે સૌ શા માટે મારી સ્તુતિ કરો છો? હું નિઃસંશય તમારું હિતકારી કાર્ય કરીશ. અમારા જેવાનો જન્મ પરોપકાર માટે જ હોય છે.”
આ સાંભળી પ્રજાજનો બોલ્યા, “હે ઋષિશ્રેષ્ઠ ! અમારા આગમનનું કારણ સાંભળો. અમે અમારા સંશયનું નિવારણ કરવા આપની પાસે આવ્યા છીએ. બ્રહ્માજીને પણ આપથી અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. એટલે અમે સૌ આપની પાસે એક વિશેષ કાર્ય માટે આવ્યા છીએ. અમારું પ્રજાજનોનું પુત્રવત પાલન કરનાર અમારા રાજા મહીજિત અપુત્ર છે. એટલે એ પણ ચિંતાથી ઘેરાયેલા છે અને અમે પણ દુઃખી છીએ. એટલે અમે તો સ્થિર બુદ્ધિથી અહીં તપ કરવા આવ્યા છીએ. સદ્ભાગ્યે આપનાં દર્શન થયાં. મહાત્માઓનાં દર્શનથી જ મનુષ્યોની કાર્યસિદ્ધિ થાય છે એટલે હે મુનિશ્રેષ્ઠ ! એ રાજાને પુત્ર થાય એવો ઉપાય દર્શાવો.”
એમનાં વચન સાંભળી એ ઋષિશ્રેષ્ઠ એક મુહૂર્તમાત્ર ધ્યાનમાં લીન થઈ ગયા અને રાજાના પૂર્વજન્મ વિષે જાણી કહેવા લાગ્યા.
“મહીજિત રાજા, પૂર્વ જન્મનાં દુરાચારી, નિર્ધન વૈશ્ય હતો અને વેપાર માટે ગામેગામ ભટકતો હતો. એક ગ્રીષ્મઋતુના જ્યેષ્ઠ માસની શુક્લ દ્વાદશીએ તૃષાથી વ્યાકુળ થઈને ગામના છેડે આવેલા સુંદર જળાશયમાં એ પાણી પીવા ગયો. ત્યાં તરતની વિયાયેલી ગાય એના વાછરડાં સાથે તૃષાને સંતોષવા એ જળાશયમાં પાણી પીતી હતી. એને પાણી પીતી અટકાવીને આ વૈશ્ય, સ્વયં પાણી પીવા માંડ્યો. એ કુકર્મથી જ આ જન્મમાં એ રાજાને પુત્ર થયો નહિ, છતાં પૂર્વ જન્મનાં અન્ય પુણ્યોથી એને નિષ્કંટક રાજ્ય તો પ્રાપ્ત થયું જ છે.”
આ સાંભળી પ્રજાજનો બોલ્યા, “હે ઋષિવર ! પુરાણો કહે છે કે પુણ્યથી પાપનો ક્ષય થાય છે એટલે રાજાના પાપનો ક્ષય થાય એવો ઉપાય બતાવો અને આપના આશીર્વાદથી રાજાને પુત્ર થાય.”
પછી લોમશઋષિ બોલ્યા, “હે પ્રજાજનો ! શ્રાવણ શુક્લ એકાદશી જે પુત્રદા એકાદશી કહેવાય છે એનું યથાવિધિ નિયમ પ્રમાણે વ્રત કરો અને જાગરણ કરો. એનું પુણ્ય રાજાને આપો એટલે એને અવશ્ય પુત્ર થશે.”
લોમશઋષિનાં વચન સાંભળી પ્રસન્ન થયેલા પ્રજાજનો એમને પ્રણામ કરી રાજ્યમાં પાછા કર્યા. એ પછી શ્રાવણ શુક્લ પુત્રદા એકાદશીએ રાજા અને સર્વે પ્રજાજનોએ વિધિવત પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને દ્વાદશીએ રાજાને એનું પુણ્યફળ આપ્યું. વ્રતના શ્રેયથી રાણીને ગર્ભ રહ્યો અને નવ માસ પૂર્ણ થતાં જ સુંદર અને બળવાન પુત્રને જન્મ આપ્યો. એટલે જ હે રાજન્ ! આ એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે અને આ લોકમાં અને પરલોકમાં શ્રેય ઈચ્છનારે આ એકાદશી અવશ્ય કરવી. આ પુત્રદા એકાદશીના માહાત્મ્યના પઠન-શ્રવણથી મનુષ્ય આ લોકમાં સુખ પામે છે, પુત્ર પામે છે અને મરણાન્તે સ્વર્ગ પામે છે.”
મિત્રો, ભવિષ્યપુરાણમાં કહેલું પુત્રદા એકાદશીનું માહાત્મ્ય પૂર્ણ થયું. આ લેખને લાઈક અને શેર જરૂર કરજો. જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે.
#ekadashivrat #ekadashi #ekadashivratkatha #ekadashi2025 #dharmikvideo #dharmikstory
પુત્રદા એકાદશીની વ્રતકથા, શ્રાવણની પુત્રદા એકાદશીની વ્રતકથા, શ્રાવણની પુત્રદા એકાદશી, શ્રાવણ પુત્રદા એકાદશીની કથા, શ્રાવણ માસ કથા, પુત્રદા એકાદશીની કથા, પુત્રદા એકાદશીની વાર્તા, પુત્રદા એકાદશી, ધાર્મિક કથા, પુત્રદા એકાદશી 2025, dharmik article, gujarati dharmik lekh, dharmik lekh gujarati, shravana putrada ekadashi, shravan putrada ekadashi, shravan putrada ekadashi vrat katha, putrada ekadashi, putrada ekadashi 2025, putrada ekadashi ni katha, putrada ekadashi ni varta, putrada ekadashi gujarati katha.