વીરપસલીની વાર્તા – 100 ટકા સાચી ઘટના – દરેક ભાઈ-બહેને આ લેખ અચૂક વાંચવો | Veer Pasli Vrat Varta

નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપણે શ્રાવણ માસમાં કરવામાં આવતા વીરપસલી વ્રત વિશે જાણવાના છીએ. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.

વીરપસલી વ્રત શ્રાવણ માસના ગમે તે રવિવારે કરી શકાય. એના બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરવી. બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરી શકે છે. આ વ્રતમાં ભાઈ પોતાની બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જો સગો ભાઈ ન હોય તો આડોશીપાડોશી કે સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત થઈ શકે છે. આવો વીરપસલી વ્રતની વ્રતકથા જાણીએ.

ઘણાય વર્ષો પહેલાની આ વાત છે. એક નાનકડા ગામમાં એક કણબી રહેતો હતો. એને સાત દીકરા અને એક દીકરી હતી. સાત ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી હતી. સાસરિયામાં અણબનાવ થતાં બહેન પિયરમાં રહેતી હતી.

સાત ભાઈઓમાંથી સૌથી નાના ભાઈને તેની મા પર ભારે હેત હતું. બીજા છ ભાઈઓ માઁથી જુદા રહેતા હતા. માઁ નાના છોકરા ભેગાં રહેતા હતા. બહેન પણ સાથે રહેતી હતી. નાનો ભાઈ ઘરના ખર્ચ માંડ પૂરા કરી શકતો હતો. આ ભાઈ ગામમાં પરચુરણ વસ્તુઓની નાનકડી દુકાન ચલાવતો હતો. આથી કમાણી ખાસ કંઈ નહોતી. ગામમાં ધણી હાટડીઓ હતી. આથી એની દુકાને ઓછી ઘરાકી રહેતી હતી. પરંતુ કરકસરથી ઘરનું ગાડું ગબડે જતું હતું.

નાના ભાઈને મદદ કરવા બહેને કામ કરવાનું વિચાર્યું. તે છ ભાઈઓ પાસે ગઈ અને કામ માગ્યું. ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ ન આપ્યો. ભાભીઓએ મોં બગાડીને નણદીને સંભળાવ્યું કે, ‘તમારાથી ઢોર ચારવાનું કામ થશે?’

બહેને હા પાડી. ઢોર ચરાવી ઘેર જતી ત્યારે વધ્યું-ઘટ્યું ખાવાનું આપે તે પણ બહેન ઘેર લઈ જતી અને ખાતી હતી.

એવામાં એક દિવસે નદીકાંઠે વ્રત કરતી છોકરીઓને જોતાં તેણે પૂછ્યું : ‘એ બહેનો, તમો શું કરો છો?’

છોકરીઓએ કહ્યું : ‘આજે વીરપસલી છે. વીરપસલીના દોરા લીધા છે. આ દોરા ભાઈના જમણા હાથે બાંધી, ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ લઈ તે રાંધી અને જમીશું.’

આ સાંભળી બહેન બોલી : ‘દોરો બાંધવાથી શું લાભ?’

તો છોકરીઓ કહે : ‘ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડું આપે છે કે વસ્ત્ર ભેટ આપે છે. જેથી ભાઈના બારમાસ સુખથી પસાર થાય છે.’

બહેન બોલી : ‘તો હુંય વીરપસલીનું વ્રત કરું. પણ આ વ્રતની વિધિ સમજાવો, બહેન.’

એ પછી એક છોકરીએ કહ્યું : ‘એક દોરો લેવો. એની આઠ સેર બનાવવી. તેને આઠ ગાંઠ વાળવી. આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ દોરાને ધૂપ દેવો. આઠ દિવસ પુરા થયા પછી દોરો પીપળે બાંધવો.’

વ્રતની વિધિ જાણી બહેન હર્ષભેર દોરો લઈ પોતાના ઘેર ગઈ. પોતાની માઁને વ્રત લીધાની જાણ કરતાં બહેને કહ્યું કે, ‘માઁ, વ્રત હોવાથી દોરાને ધૂપ દેવા દેવતા રાખશો.’

માઁએ દેવતાની વ્યવસ્થા રાખી, ચુલો ચાલુ રાખ્યો.

આ બાજુ નણદીની આ વ્રતની વાત સાંભળી ભાભી મનમાં બળવા લાગી. બહેન નદીએ સ્નાન કરવા ગઈ એવામાં એની અદેખી ભાભીએ ચૂલો ઠારી નાખ્યો.

નદીથી સ્નાન કરીને બહેન થોડી વારે પાછી ફરી. દોરાને ધૂપ દેવા તેણે ચૂલામાં જોયું તો દેવતા ન હતો. કોઈએ ચુલો ઠારી નાખેલો હતો. માઁને પૂછતાં જાણ્યું કે તેની ભાભીએ ચૂલો ઠાર્યો છે!

બહેને ચૂલો ચેતાવ્યો, દોરાને ધૂપદીપ કરી, વધ્યુંઘટયું જમી લીધું.

આમ, ધીમે ધીમે વ્રતના આઠ દિવસ પૂરા થયા.

બહેને માઁને કહ્યું : ‘મારે વ્રત ઉજવવાનું છે. છયે ભાઈને દોરા બાંધી આવું. ભાઈઓ જો પ્રેમથી બોલાવશે ને જમાડશે તો જમીશ.’

બહેને ભાઈઓને દોરા ભાંધ્યા પરંતુ ભાઈઓએ કંઈ જ ન આપ્યું અને અધૂરામાં પૂરું ભાભીઓએ એને હડધૂત કરી મૂકી.

નિરાશ બનેલી બહેને ઘેર આવી જોયું તો નાનો ભાઈ ખેતરે જતો રહ્યો હતો. આથી બહેન તુરત જ દોરો લઈ ખેતરે પહોંચી અને કહ્યું : ‘ભાઈ, વીરપસલી!’

તેણે ભાઈને દોરો હેતસભર બાંધ્યો અને કહ્યું કે, ‘ભાઈ, તમને ગમે તે આપો. તમોને ગમે તે આપશો, પરંતુ મારે માટે તે સોના સમાન હશે.’

ભાઈએ બહેનને ખેતરમાં લીધેલા સવા શેર કોદરા દીધા, માટીનું ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં એક પૈસો પડેલ તે કાઢીને આપ્યો.

ભાઈએ આપેલી આ ભેટને સહર્ષ સ્વીકારતાં બહેને કહ્યું, તમે આપ્યું છે તે મારે મન લાખો રૂપિયા સમાન છે કારણ આપવામાં સાચું હેત સમાયેલ છે.

આમ કહી બહેન ઘેર ગઈ. ઓસરીમાં તેણે પોતાના પતિને બેઠેલા જોયા. આ કલ્પના ન કરાય એવી ઘટના બની હતી! માથે ઓઢી બહેન ઘરમાં ગઈ. અંદર પહોંચી ત્યાં તો માઁએ કહ્યું કે ‘બેટી, તારી શ્રદ્ધાનો વિજય થયો છે. તને તારા પતિ તેડવા આવ્યા છે.’

જમાઈ જવા માટે ઉતાવળ કરતા હતા. તેનાં સાસુ મનમાં ને મનમાં મૂંઝાતાં હતાં કે, દીકરી ઘણા વર્ષે સાસરે જઈ રહી છે તો કંઈક આપવું તો જોઈએ. પણ ખાલીખમ ઘરમાં શું હોય? માત્ર હતી સારી ભાવના !

છયે ભાભીઓએ વાત જાણી કે નણદી સાસરે જઈ રહી છે. આથી નણંદની ઠેકડી કરવા એક સૂંડલામાં સાવરણી, ફાટેલી ઇંઢોણી અને ચીંથરાં લઈ, પોટલું બાંધી સાસુ પાસે આવી પોટલું આપી બોલી, ‘આ પોટલું અમે બહેનને અમારા તરફથી ભેટ આપીએ છીએ.’

ખેતરમાંથી નાનો ભાઈ ખબર મળતાં હરખથી ઘેર આવ્યો. પણ બહેનને આપવા જેવું કંઈ નહોતું. આથી તે ઉદાસ બની વિચારે ચઢ્યો. આ મનોભાવો બહેની સમજી ગઈ. તે તુરત બોલી : ‘તેં હેતે આપેલો પૈસો મારે મન લાખ રૂપિયા સમાન છે. કમોદ શા કોદરા છે અને ગોળ સમાન છે માટીનું ઢેફું.’

સમજુ બહેનની વાણીએ ભાઈને ક્ષાતા અને સાંત્વન આપ્યાં. માઁ અને ભાઈ બહેનને વળાવવા ગામની ભાગોળ સુધી આવ્યાં. માઁની આંખોમાંથી ઘણી વરસે સાસરે વિદાય થતી દીકરીને જોતાં શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યાં. તેમને દોરાને ધૂપ દેવા દીકરી વગડામાં દેવતા ક્યાંથી મેળવશે તેની ચિંતા થતાં ઘેર જઈ દેવતા લઈ આવ્યાં ને દીકરીને આપ્યો. આ જોતાં જમાઈને આશ્ચર્ય થયું. જમાઈ હસ્યા !

હસતા નાથને જવાબ આપતાં દીકરીએ કહ્યું કે, ‘હે નાથ, એ દેવતાના પ્રતાપથી જ આપણું મધુર મિલન શક્ય બન્યું છે. શ્રદ્ધાથી કરેલા વીરપસલી વ્રતની આ સિદ્ધિ છે. આ વ્રતની ઉજવણી બાકી છે. માટે મારી મા દેવતા આપી ગઈ. ગમે તેમ તોય માતૃહૃદયને, માની મમતાને !’

વર-વહુ વાતો કરતાં કરતાં આગળ વધ્યાં ત્યાં માર્ગમાં વાવ આવી. થાક ખાવા બેઠાં ત્યાં વહુ સ્નાન કરવા ગઈ. નાહીને વર પાસે સાલ્લો માગ્યો. વરે પોટલું ખોલ્યું તો તેમાં રેશમી ચીર જોયાં. તેણે પૂછ્યું : ‘કયા રંગનું ચીર આપું?’

વહુએ જવાબ આપતાં કહ્યું કે, ‘અમારે વળી ચીર કેવાં?’ વિવિધ ચીર પતિએ બતાવ્યાં ને તેમાંથી ગુલાબી ચીર પત્નીને આપ્યું. વહુ સમજી ગઈ કે આ તો વ્રતનો ચમત્કાર છે.

એવામાં એક વધુ ચમત્કાર થયો. બીજી પોટલીમાં વહુએ જોયું તો તેમાં ગોળ, ચોખા ને સોનામહોરો હતાં. નાના ભાઈએ જે પૈસો આપેલ તેની સોનામહોરો બની હતી. કોદરાના સ્થાને કમોદ બની ગઈ હતી, અને માટીમાંથી ગોળ બની ગયો હતો.

વહુ આ ચમત્કારથી વિચારે ચઢી ગઈ. આ શું? તેણે વરને ગામમાં મોકલ્યો અને સોનામહોર લઇ જઈ ખાવાનું લાવવા કહ્યું. વર ગયો ગામમાં ખરીદવા ત્યાં તો એક વધુ અદ્દભુત ચમત્કાર થઈ ગયો. વાવના સ્થાને એક ભવ્ય રાજમહેલ બની ગયો. વહુએ સોળે શણગાર સજ્યા, તે સાતમા માળની બારીએ ઊભી. થોડા વખતમાં વર આવ્યો અને વાવને બદલે તેણે સાત મજલાનો ભવ્ય રાજમહેલ જોયો ! તે વિચારે ચઢ્યો કે, વાવમાંથી આવો ભવ્ય રાજમહેલ ક્યાંથી બની ગયો? ત્યાં તો મહેલમાંથી આવી વહુએ વર પાસેથી પોટલું લઈ લીધું અને કહ્યું કે, ‘હે સ્વામી, આ તો વ્રતનો ચમત્કાર છે. ચાલો હું આપના માટે જલદીથી ભોજનની વ્યવસ્થા કરું.’

રાજમહેલમાં વહુએ ચૂલો ખોદવા લાગ્યો ત્યાં ચમત્કાર થયો. વહુ જ્યાં ખોદતી હતી ત્યાં સોનું દેખાતું હતું. ધરતી ક્યાંય દેખાતી ન હતી. એને મૂંઝવણ થઈ કે અહીં રાંધવા શું કરવું? એટલે ધરતીમાતાને વિનંતી કરીને વહુએ ખોદકામ કરતાં ત્યાં માટી નીકળી. એથી ચુલો કરી, ત્યાં રસોઈ કરી. બંને ત્યાં જમ્યાં ને ત્યાં રહેવાનું રાખ્યું.

રાજમહેલમાં સંપૂર્ણ રીતે ચીજવસ્તુઓ હોવાથી વર-વહુ ખાય છે અને મોજમજા માણે છે. આમ, થોડાં વરસ પસાર થયાં. વહુનાં પીયરિયાંની હવે ખરાબ દશા થતી જતી હતી. એકાએક સોળ માનવીનું પરિવાર દુષ્કાળના ઓળા હેઠળ અન્ન માટે તરફડી રહ્યું. વહુના સાત ભાઈ, સાત ભોજાય અને માતાપિતા વખાનાં માર્યાં મજુરી કરી પેટ ભરવા બીજા ગામ ચાલી નીકળ્યાં.

આખુંય પરિવાર એક રાજમહેલ આગળ આવી પહોંચ્યું. અહીં એક સુંદર બગીચો બનતો હતો આથી તે બધાંયને આશા બંધાઈ કે અહીં મજુરી કામ મળી રહેશે, ને ખાવાનું ય મળી રહેશે.

છેલ્લા માળમાં બારીએ ઊભી રહેલી બહેને બધાંયને જોયાં, તે નીચે આવી. તેણે કોઈને બોલાવ્યાં નહીં. કારણ તેણે જાહેર થવું જ ન હતું.

મોટા છયે ભાઈઓને પાવડો અને તીકમ આપ્યાં. છ કામે લાગ્યા. છ ભાભીઓ માટી નાખવા કામે લાગી. નાનાં ભાઈ-ભાભી મહેલમાં દેખરેખ રાખવા રહ્યાં. માતાપિતા એક ખંડમાં રહેવા લાગ્યાં અને પ્રભુભજન કરવા લાગ્યાં. હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું.

છ મોટા ભાઈઓ તથા છ ભાભીઓ મજૂરી કામથી તંગ આવી કંટાળ્યાં હતાં પરંતુ પેટનો ખાડો પૂરવા મજૂરી કર્યા વિના છૂટકો ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજુરી કરતાં હતાં. જ્યારે બહેનના નાના ભાઈ તથા નાના ભાભી મહેલમાં આરામ કરતા હતા.

મોટા ભાઈ-ભાભીઓને થોડા વખત બાદ મહેલમાં જમવા નિમંત્ર્યા. નાના ભાઈ-ભાભીને પણ નોતર્યાં. બહેને જાતે પીરસ્યું. મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા ને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા. વાડકામાં ખારી રાબ પીરસી. નાના ભાઈ-ભાભીને થાળમાં ચુરમાના લાડવા અને દાળભાત પીરસ્યાં.

નાનો ભાઈ અને ભાભી મોજથી લાડું આરોગવા લાગ્યા અને દાળના સબડકા ભરવા લાગ્યાં. આ તરફ મોટા ભાઈ-ભાભીઓ એક બીજાનાં મોઢા સામે જોઈ કહેવા લાગ્યો. ‘આ કેવું જમણ છે? આમાં શું ખાવું?’

બહેને ખાવા માટે આગ્રહ કર્યો. આથી ભાઈઓ કહેવા લાગ્યા : ‘બહેન ! સોનાના લાડવા તે ખવાય ! રાબ તો ખારી છે !’

બહેને કહ્યું : ‘ભાઈઓ ! તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી લાગતી’તી ! ત્યારે તમો ધન અને લક્ષ્મીના નશામાં ચકચૂર બન્યા હતા. તમોને મારી સાથે વાત કરવા સમય ન હતો !’

આ સાંભળી છયે ભાઈ ચોંકી ઊઠયા. તે બહેનને ઓળખી ગયા. તેઓ એવી રીતે શરમાઈ ગયા કે નીચી મૂંડીએ બેસી રહ્યા. છ યે ભાભીઓ છોભીલી પડી ગઈ.

નાના ભાઈની કદર કરતાં તેણે મોટા ભાઈઓને કહ્યું : ‘ખાવા ધાન ન હતું છતાં નાના ભાઈએ મને હેતથી તાંબાનો પૈસો, માટીનું ઢેફું અને કોદરા આપ્યા. એના પ્રતાપે વ્રત ઊજવી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપથી મને સુખ મળ્યું.’

પછી બધાએ બહેનની માફી માગી. બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા તથા સૌ ખાઈ-પી લીલાલહેર કરવા લાગ્યાં.

વીરપસલી વ્રત જેમ આ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર સૌને ફળજો.

મિત્રો, આ લેખ તમને જરૂર પસંદ આવ્યો હશે. તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા