અધિક મહિનાની કથા ૪, બે હાથ વાળા કરતા મારો હજાર હાથ વાળો વધુ આપશે, Adhik maas ni katha 4

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપણે અધિકમાસની ચોથી અમૃતકથા વાંચવાના છીએ, જેનું શીર્ષક છે – ભાવનાનું ફળ ને શ્રદ્ધાનું બળ. આપ સૌને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી છે. અને આ લેખને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

ધારાનગરીમાં ભોજરાજાનું રાજ્ય તપતું હતું. રાજા ધર્મિષ્ઠ તેમજ પ્રજાપ્રેમી હતો, તેથી પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજ્યમાં બ્રાહ્મણો અને પંડિતો પુજાતા હતા. ગૌમાતાનું પૂજન થતું હતું.

નગરમાં ધનકોર અને મનકોર નામની બે ધર્મિષ્ઠ સ્ત્રીઓ એક ફળિયામાં પાસે પાસે રહેતી હતી. બન્ને સહીપણી હતી, પરંતુ વિચારોમાં થોડું અંતર હતું. ધનકોરને ભોજરાજા પ્રત્યે અપૂર્વ માન હતું. જાણે તે ભગવાન હોય તેમ માનતી હતી.

ધનકોર તો જ્યારે પણ રાજાની સવારી નીકળે, ત્યારે એક ઊંચા ઓટલા પર ઊભી રહી હાથી પર અંબાડીમાં બેઠેલા ભોજરાજાને પગે લાગતી, દર્શન કરતી અને અક્ષત-ફૂલ ઉછાળી હર્ષ પામતી. તે વખતે મનકોર પણ તેની સાથે જ હોય, પરંતુ તે ન તો રાજાને પગે લાગતી, કે ન અક્ષત-પુષ્પથી વધાવતી.

બન્ને ભોજરાજાને માનતી હતી. એક પૂજતી હતી, બીજી જોતી હતી. અધિક માસમાં પણ ધનકોર અને મનકોર વ્રત કરતી હતી. સ્નાન, ધ્યાન ને દાન કરતી હતી, પરંતુ બન્ને જે પ્રાર્થના કરતી તેમાં તફાવત હતો.

ધનકોર નદીમાં સ્નાન કરતી વખતે ભીનાં લૂગડે ભગવાન સૂર્યનારાયણ સામે જોઈ પગે લાગીને બોલતી કે, ‘હે આદિત્ય નારાયણ, મારા પર પ્રસન્ન થાય ભોજ ભુપાળ !’

મનકોર સ્નાન કરતી વેળા સૂર્યનારાયણને પગે લાગી પ્રાર્થના કરતી કે, ‘હે આદિત્યનારાયણ ! મારા પર પ્રસન્ન થાય કૃષ્ણ ગોપાળ!’

ધનકોર સમજતી હતી કે, ભોજરાજાને પ્રસન્ન થતાં વાર નહિ લાગે, વળી તે ભોજરાજાને પ્રભુ માનતી હતી, તેથી તેવી પ્રાર્થના કરતી હતી. મનકોરને પુરુષોત્તમ ભગવાન – શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યે અપૂર્વ શ્રદ્ધાભક્તિ હતી, તેથી તે તેવી પ્રાર્થના કરતી હતી. તે જાણતી હતી કે, બે હાથવાળો આપી-આપીને શું આપવાનો છે? પરંતુ હજાર હાથવાળા ભગવાન પ્રસન્ન થશે, ત્યારે એટલું બધું આપશે કે, કોઈ વાતની કમી નહિ રહે.

નદીના જે ઘાટ પર ધનકોર અને મનકોર સ્નાન કરતી હતી અને ભીને લૂગડે સૂર્યનારાયણ સામે જોઈ બન્ને પોતપોતાની રીતે પ્રાર્થના કરતી હતી, તે જ જગ્યાએ ભોજરાજાની રાણીની એક વિશ્વાસુ દાસી તે જ સમયે સ્નાન કરવા આવતી હતી. તે રોજ બન્નેની જુદી જુદી પ્રાર્થના સાંભળતી હતી. પ્રાર્થનામાં ભોજરાજાનું નામ સાંભળી તેને ખૂબ અચંબો થતો હતો. તેણે રાણીને એ વાત કહી અને રાણીએ ભોજરાજાને વાત કરી. ભોજરાજાએ દાસીને બોલાવી બધી પૂછપરછ કરી અને ધનકોર કોણ છે અને ક્યાં રહે છે તે પણ જાણી લીધું.

ધનકોર પ્રાર્થનામાં, ‘મારા પર પ્રસન્ન થાય, ભોજ ભુપાળ’-એવું બોલતી હતી, તેથી ભોજરાજાએ તેના પર પ્રસન્ન થઈ તેનું દારિદ્ર ટાળવા વિચાર્યું. તેણે એક મોટું તરબૂચ મંગાવી તેમાં કાપ મૂકી તેની અંદર સમાય તેટલી સોનામહોરો ભરી અને તે કાપ એવી રીતે પૂરી દીધો કે, કોઈને ખબર પડે નહિ કે તરબૂચ કાપેલું હતું. રાજાના હુકમથી જ્યારે પેલી દાસી ધનકોરને રાજદરબારમાં લઈ જવા તેના ઘેર તેડવા ગઈ, તો ભોજરાજાનું તેડું આવ્યું જાણી ધનકોર ગાંડી ઘેલી થઈ ગઈ. પરંતુ રાજદરબારમાં ભોજરાજાએ તેને પેલું તરબૂચ આપ્યું, ત્યારે તે ડઘાઈ જ ગઈ.

તેની પ્રાર્થનાના ફળસ્વરૂપે તરબૂચ મળેલું જોઈ તે મનમાં બહુ જ દુ:ખી થઈ, પરંતુ રાજાની ભેટનો અસ્વીકાર થાય નહિ, તેથી તે રાજાને નમન કરી, તરબૂચ લઈ રાજદરબારમાંથી નીકળી ગઈ. તેના પસ્તાવાનો પાર નહોતો. તેણે તો એ આશા સેવી હતી કે, ભોજરાજા તેને હીરા-મોતી, માણેક-પરવાળાં આપશે. વસ્ત્ર-અલંકાર આપશે, પરંતુ ભોજરાજા પ્રત્યે જે માન હતું તે ઊતરી ગયું અને એટલો બધો ગુસ્સો આવ્યો કે, પેલું તરબૂચ એક ફળો વેચતી બાઈને બાર પૈસામાં વૈચી દીધું.

ફળો વેચનારી બાઈને તેના ખુશીથી પચ્ચીસ-ત્રીસ પૈસા ઊપજે તેમ હતા. પરંતુ તરબૂચ લેનારું કોઈ મળ્યું નહિ. તે તરબૂચ તેની પાસેથી મનકોરે લીધું. મનકોરે તરબૂચના પંદર પૈસા ગણી આપ્યા, તેથી ફળો વેચનારી બાઈ રાજીની રેડ થઈ ગઈ.

મનકોરે ઘેર જઈ તરબૂચને કાપ્યું, તો અંદરથી ઢગલો સોનામહોરો નીકળી. તેને તરત જ ભાન થયું કે, મારી શ્રદ્ધાભક્તિના પ્રતાપે પુરુષોત્તમ ભગવાને મારા પર પ્રસન્ન થઈ અદૃશ્ય રીતે મને આ ધન આપ્યું છે. તેને વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું, પરંતુ ધનના અભાવે તે મુંઝાઈ રહી હતી, ત્યાં તો ભગવાને તેની આપદા ટાળી. પુરુષોત્તમ ભગવાને ખરા ટાણે તેની લાજ રાખી હતી.

ધનકોર ઉપર ભોજરાજા પ્રસન્ન થયા ને તેને ગુપ્ત રીતે એટલું બધું ધન આપ્યું કે, તે જિંદગી સુધી છૂટા હાથે વાપરે તો ય ખૂટે નહિ. પરંતુ તેનું ભાગ્ય અવળું, તેથી ધન ભોગવી શકી નહિ. તે તરબૂચ કુદરતી રીતે પેલી શ્રદ્ધાળુ મનકોરના જ હાથે ચઢ્યું હતું. તે રોજ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરતી હતી અને એમની કૃપા માગતી હતી તેથી ભગવાન ખરેખર તેના પર પ્રસન્ન થયા હતા.

પુષ્કળ સોનામહોરો જોઈ મનકોરનું મન ભરાઈ ગયું. તેણે સોનામહોરો ગણવા માંડી. પૂરી પાંચસો સોનામહોરો હતી. તે તો બે સોનામહોરો લઈ સોનીને ત્યાં વટાવી આવી અને તેના મળેલા રૂપિયામાંથી ઉજવણા માટેની બધી સામગ્રી લઈ આવી. તેણે તો એકત્રીસ બ્રાહ્મણ દંપતીને ઘીથી ભરેલા લાડવા જમાડયા ને દરેકને દક્ષિણા આપી આશીર્વાદ લીધા.

બ્રાહ્મણોને આજે લાડવા જમવામાં મજા પડી હતી, વળી દક્ષિણા પણ સારી મળી હતી, તેથી રસ્તામાં ‘મનકોરબાઈની જય’ એમ હર્ષના પોકારો કરતાં જઈ રહ્યા હતા. આ વેળાએ ભોજરાજા ગુપ્ત વેશે ઘોડા પર બેસી નગરીમાં ફરી રહ્યા હતા. તેમણે ‘મનકોરબાઈની જય’ એવો નાદ સાંભળી વિચાર્યું કે, મેં તો ધનકોરબાઈને તરબૂચમાં સોનામહોરો આપી હતી. તો આ મનકોરબાઈ પાસે એટલું બધું ધન ક્યાંથી આવ્યું કે, બ્રાહ્મણો તેનો જયકાર બોલાવી રહ્યા છે.

ભોજરાજા તરત જ મહેલે ગયા અને પેલી દાસીને બોલાવી કહ્યું કે, ‘ધનકોરને ત્યાં જઈ તપાસ કરી આવ કે, તેણે પેલા તરબૂચનું શું કર્યું?’ ધનકોરે પેલા તરબૂચને બાર પૈસામાં વેચી દીધું હતું તેની દાસીને ખબર હતી અને મનકોરે તે જ તરબૂચ પંદર પૈસામાં ખરીદ્યું હતું તેની પણ તેને ખબર હતી, તેથી રાજાને તે હકીકત કહી.

ભોજરાજા સમજી ગયા કે, ધનકોરનું ભાગ્ય નબળું, તેથી મારી કૃપાનો લાભ તે ઉઠાવી શકી નહિ.

થોડા દિવસ પછી મનકોરે તરબૂચની વાત ધનકોરને કહી, ત્યારે ધનકોરને પોતાની ભૂલ સમજાઈ. પોતે તરત ફળપ્રાપ્તિ માટે ભૂપાળને ભજતી હતી તે ભગવાનને ગમ્યું નહિ અને તે મળેલું ફળ ભોગવી શકી નહિ. ત્યારથી તેણે શુદ્ધ ભાવે પૂર્ણ શ્રદ્ધાથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી, તેથી પુરુષોત્તમ ભગવાને તેને અદૃશ્ય રીતે ધન આપીને તેની નિર્ધનતા ટાળી.

હે પુરુષોત્તમ ભગવાન! તમે જેવા ધનકોર અને મનકોરને ફળ્યા તેવા અધિક માસમાં તમારું વ્રત કરનારને સ્નાન, ધ્યાન, દાન કરનારને અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા