ઘરે આવ્યા પુરુષોત્તમ ભગવાન, વાંચો અધિક મહિનાની ત્રીજી અમૃતકથા, Adhik maas ni katha divas 3

અધિકમાસની ત્રીજા દિવસની કથા – પુરુષોત્તમ પ્રભુની પધરામણી | Purushhotam Prabhu, Adhik maas ni katha 3

પુરુષોત્તમ પ્રભુની પધરામણીની વાર્તા ગુજરાતી લખાણ સાથે । પુરુષોત્તમ માસની કથા । Purushottam maas katha

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અધિકમાસની ત્રીજી અમૃતકથા સાંભળવાના છીએ, જેનું શીર્ષક છે – પુરુષોત્તમ પ્રભુની પધરામણી.

એક ગામમાં એક ભરવાડણ રહે. તે બહુ જ ભોળી અને ભલી હતી. તેને ધર્મ-કર્મનું જ્ઞાન નહિ પણ દેખાદેખીમાં દેવદર્શન, ધર્મ-કર્મ અને વ્રત કરતી હતી.

પુરુષોત્તમ માસમાં બધા નદીએ ન્હાવા જતા તો તે પણ ન્હાવા જતી, આખો મહિનો એકટાણું કરતી અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી. કામકાજ કરતાં પણ મુખે પુરુષોત્તમ ભગવાનનું નામ તો ખરું જ.

ભરવાડણને ખબર પડી કે, પુરુષોત્તમ માસ પૂરો થાય, એટલે વ્રતનું ઉજવણું કરવું પડે છે. તેમાં બ્રાહ્મણોને લાડવા જમાડવા પડે છે. દક્ષિણા આપવી પડે છે, દાન કરવું પડે છે. પરંતુ તેની એવી સંપત્તિ નહોતી તેથી તે વ્રતના ઉજવણા વખતે મૂંઝાઈ. તેના ઘરમાં રોટલા, ઘેંસ, છાશ સિવાય બીજું ન મળે. કોઈ બ્રાહ્મણને તે જમાડવાનો વિચાર કરી તે નજીકમાં રહેતા એક બ્રાહ્મણ પાસે ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, ‘મહારાજ ! મેં પુરુષોત્તમ વ્રત પૂરું કર્યું છે ને આજે તેનું ઉજવણું છે, તો મારે ત્યાં જમવા પધારો.’

બ્રાહ્મણે કહ્યું, ‘જમવા જરૂર આવું, પણ લાડવા હોય તો.’

ભરવાડણે કહ્યું, ‘અમે ગરીબ ભરવાડ કહેવાઈએ. અમે તો રોટલા, ઘેંસ, છાશ એવું જમીએ ને બીજાને જમાડીએ. લાડવા તો મેં નથી બનાવ્યાં.’

લાડવાપ્રેમી બ્રાહ્મણે ના પાડી દીધી. ભરવાડણ ત્યાંથી જે જે બ્રાહ્મણોને ત્યાં ગઈ તે બધાએ લાડુના જમણની જ ઈચ્છા વ્યક્ત કરી. કોઈ ગરીબ અને ભોળી ભરવાડણના ઘરના રોટલા, ઘેંસ, છાશ, જમવા તૈયાર થયું નહિ. ભરવાડણ તો નિરાશ થઈ ગઈ પણ ભોળાનો ભગવાન છે. રસ્તામાં તેને એક બટુક બ્રાહ્મણ જોવામાં આવ્યો.

નાનકડો બ્રાહ્મણ ઝળહળતા તેજવાળો હતો. ભરવાડણને મનમાં થયું, આ બટુક બ્રાહ્મણ જરૂર મારે ત્યાં જમવા આવશે.

ભરવાડણ તો ગઈ બટુક બ્રાહ્મણ પાસે અને પગે લાગીને કહેવા લાગી, ‘મહારાજ ! મારે ત્યાં આજે પુરુષોત્તમ વ્રતનું ઉજવણું છે. તેમાં એક બ્રાહ્મણને જમાડવાના છે, પરંતુ હું ઘેર-ઘેર ફરી પણ કોઈ બ્રાહ્મણ મારે ત્યાં જમવા તૈયાર નથી. કૃપા કરી તમે મારે ત્યાં પધારો.’

બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન સ્વયં હતા.

બટુક બ્રાહ્મણે કહ્યું, ‘હું જમવા જરૂર આવું છું, પરંતુ હું હંમેશાં મારા હાથની બનાવેલી જ રસોઈ આરોગું છું, તું મને સીધું-સામગ્રી આપજે, એટલે હાથે બનાવીને જમી લઈશ.’

ભરવાડણ હરખભેર બટુક બ્રાહ્મણને પોતાને ઘેર લઈ ગઈ. ઝૂંપડી એ એનું ઘર. તેણે ખાટલા પર ધાબળો પાથરીને બટુક બ્રાહ્મણને બેસાડયા ને પછી બે તાંસળા અને બે થાળીમાં બધી સામગ્રી આપી. ભરવાડણ ભાગ્યશાળી હતી કે, પુરુષોત્તમ ભગવાને સ્વયં તેને ત્યાં પધારીને પોતાના હાથે રસોઈ બનાવી તેમાંથી થોડી પ્રસાદી ભરવાડણને આપી કહ્યું, ‘આ પ્રસાદીથી તારું કલ્યાણ થઈ જશે.’

ભરવાડણે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પ્રસાદી આરોગી, પછી બટુક બ્રાહ્મણે જમી લીધું, એટલે ભરવાડણે કહ્યું, ‘મહારાજ, દક્ષિણામાં આપવા મારી પાસે કંઈ નથી, તો ક્ષમા કરશો.’

બટુક બ્રાહ્મણે કહ્યું, ‘દક્ષિણા ન હોય તો કંઈ નહિ, પરંતુ તું મને થોડે સુધી મૂકી જા, પછી હું મારા રસ્તે ચાલ્યો જઈશ.’

બન્ને ચાલ્યાં. રસ્તામાં એક આંબળાના ઝાડ ઉપર પુષ્કળ આંબળાં લાગેલાં હતાં. ભરવાડણે કહ્યું, ‘મહારાજ ! આ ઝાડનાં આંબળાં બહુ મજાનાં છે. તમે થોડાં લઈ જાઓ. હું ઝાડ પર ચડીને તોડી લાવું છું.’

બટુક બ્રાહ્મણે કહ્યું, ‘મને ઝાડ પર ચડતાં આવડે છે, હું ડાળીઓ હલાવું છું, એટલે ઘણાં આંબળાં નીચે ખરી પડશે. તેને પછેડીમાં બાંધીને તું લઈ જજે. એ આંબળાં તારું દારિદ્ર દૂર કરશે. મારે આંબળાની કંઈ જરૂર નથી…’

અને બટુક બ્રાહ્મણ સડસડાટ ઝાડ ઉપર ચડી ગયો. થોડી જ વારમાં નીચે પુષ્કળ આંબળાં ખરી પડ્યાં અને તેને ભ૨વાડણે પછેડીમાં બાંધી લીધાં. મોટી ગાંસડી થઈ હતી. બટુક બ્રાહ્મણે ગાંસડી તેને માથે ચડાવી. તે સાથે જ બટુક સ્વરૂપમાં રહેલા પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

krishna bhagwan

ભોળી ભરવાડણ અચંબામાં પડી ગઈ કે, બટુકજી ક્યાં ગયા? તેણે થોડીવાર આમ-તેમ તપાસ કરી પણ કોઈ દેખાયું નહિ, એટલે થાકીને ઘેર ગઈ અને આંબળાની ગાંસડી એક ખૂણામાં રાખી દીધી. હજુ તેને જમવાનું હતું. તેણે તેના માટે રોટલા, ઘેંસ, છાશ ઢાંકી રાખ્યાં હતાં. જમતી વેળાએ તેણે ઢાંકેલાં વાસણો ઉઘાડયાં તો તેમાં ઘીથી લચપચતા લાડવા હતા. તેણે એક લાડવો ખાધો તો અમૃતનો સ્વાદ આવ્યો. બાકીના લાડવા ઢાંકી તેણે વિચાર્યું કે, આંબળાં બહુ લાવી છું, તેને ગામમાં જઈને વેચી આવું.

આમ વિચારી તેણે આંબળાંની ગાંસડી ખોલી તો તેમાં આંબળાં નહિ પણ મોટાં મોટાં પાણીદાર મોતી હતાં. તે તો આભી જ બની ગઈ કે, આ શું ચમત્કાર ! જરૂર બટુક બ્રાહ્મણના વેશમાં મારે ત્યાં પુરુષોત્તમ ભગવાનની પધરામણી થઈ હતી. તેમણે જ મારાં વ્રત અને ભક્તિથી પ્રસન્ન થઈ મારું દારિદ્ર ટાળ્યું. પરંતુ દુઃખ એ છે કે, સાક્ષાત્ પ્રભુ પધાર્યા હતા અને હું તેમનાં ચરણને સ્પર્શ ન કરી શકી. તેમનાં દર્શન થયાં હોત તો મારો અવતાર સફળ થાત.

ભોળી ભરવાડણને મોતીમાં કંઈ રસ રહ્યો નહિ. પણ પ્રભુ-દર્શનની રઢ લાગી. તે તો વારંવાર કાલાવાલા કરતી હતી કે, ‘હે પુરુષોત્તમ ભગવાન ! એક વાર દર્શન આપી મને કૃતાર્થ કરો, મારા જીવતરને ધન્ય બનાવો.’

આમ ને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા ને પુરુષોત્તમ ભગવાનની પધરામણી તેની ઝૂંપડીમાં થઈ. તેજનો ઝળકાટ ઝૂંપડીમાં થતાં જ ભરવાડણ ચમકી ગઈ. તેણે બટુક બ્રાહ્મણના સ્વરૂપમાં સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાનને જોયા. તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. તે બે હાથ જોડી ભગવાનને પગે લાગી અને ચરણરજ લેવા જાય ત્યાં તો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

ભરવાડણને હવે પ્રભુ નામમાં, પ્રભુ-સ્મરણમાં રસ જાગ્યો હતો, તેથી તેણે બધાં યે મોતી રાજાને ભેટ ધર્યાં અને કહ્યું, ‘હે અન્નદાતા! આ મોતી મને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયાં છે, તે આપને અર્પણ કરું છું. મારી ઇચ્છા છે કે, આપ પુરુષોત્તમ ભગવાનનું એક ભવ્ય મંદિર નદીકાંઠે બંધાવો, જેથી ગામમાં ભક્તિભાવ વધે.’

રાજાએ ભરવાડણને રહેવા માટે એક મકાન બંધાવી આપ્યું અને તેને વર્ષાસન બાંધી આપ્યું, જેથી તેનું ગુજરાન ચાલે. અને પુરુષોત્તમ ભગવાનનું મંદિર પણ બંધાવી દીધું. ત્યાં દર અધિક માસે ઉત્સવ ઉજવાવા લાગ્યો.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા ભોળી ભરવાડણ ઉપર પ્રસન્ન થયા તેવા તમારું વ્રત કરનારને અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો.

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા