જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે શ્રી પુરુષોત્તમ માસમાં દાનનું માહાત્મ્ય જાણીશું. તો આ લેખને અંત સુધી વાંચવા વિનંતી.
શિવજી અને કાર્તિકસ્વામી વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે.
કાર્તિકસ્વામી કહે : ‘હે દેવાધિદેવ મહાદેવ ! હે ભક્તોને અભય આપનારા ! શ્રી પુરુષોત્તમ માસમાં દાન કરનારને આ જગમાં શું પુણ્ય મળે છે, તે સર્વ હે પિતાશ્રી, મારા પર કૃપા કરીને કહો.’
શિવજી કહે, ‘હે પુત્ર! પુરુષોત્તમ માસમાં દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સાંભળ.
પુરુષોત્તમ માસમાં જે મનુષ્ય બ્રાહ્મણને અને દરિદ્રીને અન્નદાન કરે છે તે અન્નના જેટલા કણ હોય છે તેટલા વર્ષ સુધી તે ઇન્દ્રલોકમાં પુજાય છે. અન્નદાન જેવું શ્રેષ્ઠ દાન બીજું કોઈ નથી. આ માસમાં સાત ધાન્યથી ભરેલા સાત ઘડા અથવા છેલ્લા પાંચ દિવસમાં પાંચ ઘડા દાન કરવાથી મનુષ્ય પૃથ્વીનું દાન કરવાથી જે પુણ્ય મળે તે પુણ્ય પ્રાપ્ત કરે છે.
બ્રાહ્મણને આસન કે પાટલાનું દાન કરવાથી મનુષ્ય દશ હજાર વર્ષ સુધી અગ્નિલોકમાં પુજાય છે. બ્રાહ્મણને ગાયનું દાન કરવામાં આવે તો ગાયના જેટલા રૂંવાડા હોય તેટલા વર્ષ સુધી તે વિષ્ણુલોકમાં પુજાય છે. અધિકમાસની એકાદશીએ દાન કરવાથી ચારગણું ફળ મળે છે. તીર્થમાં દાન કરવાથી સોગણું ફળ મળે છે. અને શ્રીનારાયણનાં ક્ષેત્રોમાં દાન કરવાથી કરોડગણું ફળ મેળવે છે. જે મનુષ્ય શણગારેલા શાલિગ્રામનું બ્રાહ્મણને દાન કરે તે સૂર્ય-ચન્દ્ર રહે ત્યાં સુધી વૈકુંઠમાં પુજાય છે.
![]()
છત્રીનું દાન કરવાથી મનુષ્ય દશ હજાર વર્ષ સુધી વરુણલોકમાં પુજાય છે. જે ચંપલ કે જોડાનું દાન કરે છે તે દશ હજાર વર્ષ સુધી વાયુલોકમાં પુજાય છે. જે શય્યાનું દાન કરે છે તે સૂર્ય-ચન્દ્ર રહે ત્યાં સુધી ગોલોકમાં પુજાય છે. જે દીવાનું દાન કરે છે તે એક મન્વંતર સુધી અગ્નિલોકમાં પુજાય છે. જે હાથીનું દાન કરે છે તે ઈન્દ્ર રહે ત્યાં સુધી નંદનવનના અર્ધા ભાગમાં રહે છે.
જે જવનું દાન કરે છે તે વાયુલોકમાં પુજાય છે. જે તલનું દાન કરે છે તે જેટલા તલના દાણા હોય તેટલા વર્ષ સુધી વિષ્ણુલોકમાં પુજાય છે. દરેક દાન તાંબાના પાત્રમાં મૂકીને આપવાથી સોગણું વધારે ફળ મળે છે. જે મનુષ્ય દરેક વસ્તુ અને દ્રવ્ય ભરેલું ઘર બ્રાહ્મણને દાનમાં આપે તો સો મન્વંતર સુધી કુબેરલોકમાં પુજાય છે.
જે વસ્ત્રનું દાન કરે છે તે વસ્ત્રમાં જેટલાં તાંતણા હોય તેટલાં વર્ષ સુધી વિષ્ણુલોકમાં પુજાય છે. જે એક લાખ તુલસીપત્ર શ્રીવિષ્ણુનું નામ લઈને ભગવાન વિષ્ણુને ચડાવે તો તે સદા માટે વિષ્ણુલોકમાં રહે છે. જે શ્રીવિષ્ણુ આગળ ઘીનો દીવો કરે છે તે નિષ્પાપ બની વિષ્ણુધામમાં જાય છે. જે બ્રાહ્મણોને મિષ્ટાન્ન જમાડે તો તે બ્રાહ્મણના રુંવાડા જેટલા વર્ષ સુધી વિષ્ણુલોકમાં પુજાય છે.
જે મનુષ્ય શ્રીવિષ્ણુમંદિરમાં કે શ્રીવિષ્ણુક્ષેત્રમાં શ્રીહરિના કોઈ પણ નામોનો એક કરોડવાર મંત્ર જપ કરે તો તે સદા માટે વૈકુંઠમાં સ્થાન પામે છે. પાનબીડાનું દાન કરવાથી મનુષ્યને ઇચ્છિત સૌભાગ્ય મળે છે. એકાદશી, વૈદ્યુતિ, વ્યતિપાત, પૂનમ, અમાસ તથા બારસ – આ પાંચ પર્વો એકમેકથી શ્રેષ્ઠ છે. આ પર્વમાં જે દાન કરવામાં આવે છે તે અનંતગણું ફળ આપે છે.
મૌન રાખીને ભોજન કરવાથી ઉપવાસનું ફળ મળે છે. મૌનથી સૌભાગ્ય, રૂપ, કીર્તિ, આયુષ્ય અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. સ્નાન, હોમ અને ભોજન કરતી વખતે મૌન રહેવું. તેથી તેજ, લક્ષ્મી અને આયુષ્ય પ્રાપ્ત થાય છે.
આ ભરતખંડમાં મનુષ્યદેહ મળવો દુર્લભ છે. જે મનુષ્ય દાનપુણ્ય કરતો નથી તેને ધિક્કાર છે. જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ઠંડા પાણીથી સ્નાન નથી કરતો તેના મનોરથ કેવી રીતે પૂરાં થાય? તેને સુખ, સ્વર્ગ કે મોક્ષ કેવી રીતે મળે?
।। ઇતિ શ્રીપુરુષોત્તમ માસ માહાત્મ્યમાં દાન માહાત્મ્ય સમાપ્ત ।।


