આપણે કયા રૂપિયાનું દાન કરવું? સત્ય જાણવા વાંચો અધિકમાસની તેરમી કથા | Adhik maas katha

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

નમસ્કાર મિત્રો, આજના આ લેખમાં આપણે અધિકમાસની તેરમી અમૃતકથા જાણવાના છીએ, જેનું શીર્ષક છે – ખરી મહેનતની કમાણી. જો તમારે આ પહેલાની કથાઓ વાંચવાની બાકી હોય તો તે તમને અમારી વેબસાઈટ ઉપર મળી રહેશે. હવે આપણે અધિકમાસની તેરમી અમૃતકથા શરુ કરીએ.

દર ત્રણ વર્ષે અધિક માસ આવતાં નગરના રાજાએ પણ પુરુષોત્તમ વ્રત આદર્યું. નગરનાં નર-નારીઓ પ્રાતઃકાળે ઊઠીને નદીએ સ્નાન કરવા જતાં હતાં, કાંઠાગોરનું પૂજન કરતાં હતા, કાંઠાગોરની વાર્તા સાંભળતાં હતાં, પુરુષોત્તમ માહાત્મ્ય સાંભળતાં હતાં. સ્નાન, ધ્યાનની સાથે બધાં પોતાની શક્તિ મુજબ દાન પણ કરતાં હતાં.

રાજા નદીએ સ્નાન કરી ત્યાં બેઠેલાઓને દાન-દક્ષિણા જાતે જ દેતો, પરંતુ એક બ્રાહ્મણ એવો હતો કે, તે પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે એકસામટી દક્ષિણા લેવા માગતો હતો.

જોતજોતામાં અધિક માસનો અંતિમ દિવસ આવ્યો. આ દિવસે રાજાએ સ્નાન-ધ્યાન કરી રોજ કરતાં વધારે પ્રમાણમાં દક્ષિણા આપવા માંડી, દાન દેવા માંડ્યું અને જ્યારે પેલા હઠીલા બ્રાહ્મણને બધા કરતાં વધારે ધન આપવા માંડ્યું, ત્યારે તે ન લેતાં બ્રાહ્મણે કહ્યું, ‘હે રાજન! હું હંમેશાં સાત્ત્વિક ધન સ્વીકારું છું, આપનું ધન કેવા પ્રકારનું છે તેની મને શી ખબર પડે?’

રાજાએ કહ્યું, ‘રાજ્યના ખજાનામાં પ્રદેશની મહેસૂલ-ઉપજનું ધન હોય તે ધન આપું છું.’

બ્રાહ્મણ બોલ્યો, ‘તેમ છતાં એ ધનમાં કોઈ હરામનું ધન-અનીતિનું ધન ભળી ગયું હોય તેની શું ખબર પડે?’

રાજાએ કહ્યું, ‘આવું તો મેં આજે પહેલી જ વાર સાંભળ્યું ! હાં તો તમારે કેવા પ્રકારનું ધન જોઈએ છે?’

બ્રાહ્મણ બોલ્યો, ‘અન્નદાતા ! હું તો આપના પરિશ્રમનું-આપની ખરી મહેનતની કમાણીનું ધન લઈશ.’

રાજાને તેની હઠથી અપાર દુઃખ થયું, તેમ છતાં તેને સંતોષ આપવો તે પોતાની ફરજ હતી, તેથી બ્રાહ્મણને કહ્યું, ‘તમારી ઇચ્છા મુજબનું જાત-મહેનતનું ધન કાલે સવારે તમને મારા મહેલે આપીશ. દિવસ દરમિયાન પરિશ્રમ કરતાં મારા હાથમાં જે કંઈ રકમ આવશે તે રકમ તમારા માટે જુદી રાખી મૂકીશ.’

krishna bhagwan

બ્રાહ્મણને આ સાંભળી સંતોષ થયો. રાજા હવે પોતે શું કામ કરવું તેનો વિચાર કરતો મહેલે ગયો અને હઠીલો બ્રાહ્મણ ખાલી હાથે તેના ઘેર ગયો. તેણે બ્રાહ્મણીને કહ્યું, ‘આજે રાજા મને ઘણું ધન આપતા હતા, પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નથી. મેં તેમની પાસે ખરી મહેનતનું ધન લેવા કહ્યું છે. એટલે તેઓ આજે પરિશ્રમ કરીને જે પૈસા મળશે તે રાખી મૂકશે અને કાલે મને આપશે.’

રાજાએ મહેલે જઈ મજૂરનો વેશ ધારણ કર્યો ને નગરમાં ફરતો ફરતો એક લુહારની કોઢ આગળ જઈ લુહારને કહેવા લાગ્યો, ‘ભાઈ, આજનો દહાડો મને કંઈ કામ આપો. જે કામ કહેશો તે ખુશીથી કરીશ.’

લુહારે કહ્યું, ‘કામ તો બહુ કપરું છે, તારાથી નહિ થાય અને બહુ મહેનત કરીશ, ત્યારે માંડ તને ચાર આના મળશે. જો હું લોઢું ભઠ્ઠીમાં તપાવીને ગરમ કરું તેના પર તારે હથોડા મારવાના. અત્યારથી આખી રાત તારે હથોડો મારવો પડશે. જો તારામાં ત્રેવડ હોય તો હા કહે, નહિતર રસ્તે પડી જા.’

રાજાને તો આજે ખરી મહેનતની કમાણી કરવી હતી, તેથી તેણે હથોડા મારવાનું કામ સ્વીકાર્યું, પણ રાતના બાર વાગતા સુધીમાં તો તે ખૂબ જ થાકી ગયો. હાથમાં ફોલ્લા પડયા હતા. ભઠ્ઠીના તાપથી તેનું શરીર બળું બળું થઈ રહ્યું હતું. જ્યારે તેનાથી ભઠ્ઠીનો તાપ સહન ન થયો અને ફોલ્લાની વેદના સહન ન થઈ, ત્યારે હથોડો નીચે મૂકી લુહારને કહ્યું, ‘ભાઈ ! મારાથી થયું તેટલું કામ કર્યું, હવે મારી મહેનતના બદલામાં તને ઠીક લાગે તે પૈસા મને આપી દે, એટલે હું રસ્તે પડી જાઉં.’

લુહારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો, કારણ કે આખી રાત કામ કરવાની શરત હતી, અને આ તો રાતના બાર વાગતામાં જ હાંફી ગયો, તેથી તેણે બબડાટ કરીને એક બેવડિયો ઢબ્બુ પૈસો વેશધારી રાજાના હાથમાં મૂક્યો.

મહેલે જઈને તેણે ઢબ્બુ પૈસો એક દાબડીમાં રાખી દીધો અને સ્નાન કરી, હથેળી ઉપર મલમ લગાડી સૂઈ ગયો.

સવારે ઊઠીને રાજા મહેલના ઝરૂખામાં આંટા મારતો હતો, ત્યાં પેલો બ્રાહ્મણ ખરી મહેનતનું દાન લેવા આવી પહોંચ્યો. રાજાએ તેને માનથી બોલાવી, બેસાડી પેલો ઢબ્બુ પૈસો આપતાં કહ્યું, ‘હે ભૂદેવ ! આ મારી ખરી મહેનતની કમાણી છે. મેં દિવસભર સખત મજૂરી કરી, ત્યારે આ ઢબ્બુ પૈસો મળ્યો છે તે તમને દાન-દક્ષિણામાં આપ્યો, હવે તમને સંતોષ થયો ને?’

બ્રાહ્મણે હર્ષ પામી કહ્યું, ‘અન્નદાતા ! આપે મારા જેવા અદના માણસની વાત માની જાતમહેનત કરી તે માટે તમને અભિનંદન આપું છું, અને ખરા હૃદયથી આશીર્વાદ આપું છું કે, આપને જેની ખોટ છે તે પુત્રરત્નની આપને પ્રાપ્તિ થાય. પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન આપની એ મહેચ્છા પૂર્ણ કરે.’

બ્રાહ્મણ ત્યાંથી ઘેર ગયો ને રાજાએ ખરી મહેનતની કમાણીના આપેલા બે પૈસા પત્નીને બતાવ્યા, તો બ્રાહ્મણી તેના પર બહુ ગુસ્સે થઈ ગઈ. તેને તો આશા હતી કે, રાજા ઘણું ધન-ઝવેરાત વગેરે આપશે. તેણે બ્રાહ્મણને ન કહેવાનાં વચનો કહ્યાં અને બ્રાહ્મણના હાથમાંનો ઢબ્બુ પૈસો લઈને આંગણામાં આવેલા તુલસીક્યારા તરફ જોરથી ઉછાળી દીધો. ઢબ્બુ ક્યારાની માટીમાં ખૂંપી ગયો.

આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું અને જ્યાં આગળ માટીમાં ઢબ્બુ ખૂંપી ગયો હતો તે જગ્યાએ એકાએક દાણાદાર સિંગોવાળો છોડ ઊગ્યો.

બ્રાહ્મણને થયું કે, એકાએક આ નવી જાતનો છોડ ક્યાંથી ઊગ્યો? તેણે કુતૂહલવૃત્તિથી પ્રેરાઈ પેલા છોડમાંથી એક સિંગ તોડી તો તેમાંથી દાણાને બદલે ત્રણ ઝળહળતાં મોતી નીકળ્યાં. તેણે હર્ષ પામી તરત જ બ્રાહ્મણીને બોલાવી કહ્યું, ‘જોઈ ભગવાનની લીલા ! ભગવાને ઘર-આંગણે સાચા મોતીનો છોડ ઉગાડયો !’ આમ કહી બ્રાહ્મણે પેલી સિંગમાંથી નીકળેલાં ત્રણ ચમકદાર મોતી તેને બતાવ્યાં. આ જોઈ બ્રાહ્મણીનો બધો ગુસ્સો ઊતરી ગયો ને બ્રાહ્મણની ભક્તિનાં-શ્રદ્ધાનાં ગુણગાન ગાવા લાગી.

બ્રાહ્મણે કહ્યું, ‘આ વાત ગુપ્ત રાખવાની છે, જો કોઈને ખબર પડશે કે, આપણા ચોકમાં મોતીનું ઝાડ ઊગ્યું છે, તો ભોગ વળી જશે, અને તે વાત રાજાને કાને જશે તો પછી રાજા આખો છોડ ઉઠાવી જશે.’

બ્રાહ્મણી બોલી, ‘મને કંઈ શીખવવા જેવું નથી. હવે તમે નજીકના શહેરમાં કોઈ ઝવેરીને ત્યાં જાવ અને આ ત્રણ મોતીઓ વેચી આવો, તેના કેટલા રૂપિયા આવે છે તે ઉ૫૨થી આપણે આગળ શું કરવું તે વિચારીશું.’

બ્રાહ્મણે ઝવેરીને તે ત્રણ મોતી આપ્યા, તો ઝવેરીએ દરેક મોતીની કિંમત પાંચસો રૂપિયા આંકી કુલ પંદરસો રૂપિયા બ્રાહ્મણને ગણી આપ્યા.

બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ હતી, તેણે તો ઘરમાં અનાજની કોઠીઓ ભરી દીધી, બધી સામગ્રી પુષ્કળ પ્રમાણમાં ભરી દીધી ને સોનાનાં ઘરેણાં પણ ઘડાવીને પહેરવાં માંડ્યાં.

ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા કે, નિર્ધન બ્રાહ્મણ એકાએક માલદાર ક્યાંથી થઈ ગયો? તે માટે કેટલાક પંચાતિયાઓએ છૂપી તપાસ કરવા માંડી, તો બ્રાહ્મણના ઘરના ચોકમાં એક નવતર છોડ ઊગેલો જોવામાં આવ્યો, અને એ ઉપરથી લોકોએ એવી વાત વહેતી મૂકી કે, બાલાશંકર બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઊગ્યું છે અને તે રોજ ઝાડ પરથી પૈસા તોડી તોડીને વાપરે છે. વાત વહેતી વહેતી રાજ દરબારમાં પ્રધાનને કાને ગઈ. તેણે રાજાને કહ્યું કે, ‘ગામના બાલાશંકર બ્રાહ્મણના ઘરના ચોકમાં પૈસાનું ઝાડ ઊગ્યું છે.’

રાજાએ પ્રધાનને હુકમ કર્યો, ‘તમે જાતે જ ત્યાં જઈને એ પૈસાનું ઝાડ લઈ આવો. આપણે તેને રાજબાગમાં રોપીશું, પરંતુ બળજબરી કરીને લાવશો નહિ. પ્રજાને પીડવાનો આપણો ધર્મ નથી.’

બ્રાહ્મણ ઘરના ચોકમાં માળા ફેરવતો બેઠો હતો, ત્યાં પ્રધાનજી આવીને બોલ્યા, ‘બાલાશંકર તમારું નામ?’

બ્રાહ્મણે કહ્યું, ‘હા, હું છું. કામસેવા ફરમાવો.’

પ્રધાન બોલ્યો, ‘ગામમાં વાતો થાય છે કે, તમારા ઘરના ચોકમાં પૈસાનું ઝાડ છે, તો તે ક્યાં છે?’

બ્રાહ્મણે સિંગોવાળો છોડ બતાવી કહ્યું, ‘પ્રધાનજી ! આ છોડ મોતીનો છોડ છે. જે સિંગો દેખાય છે તેમાં દાણા નહિ પણ મોતી છે.’

પ્રધાને પૂછ્યું, ‘આ છોડ તમને ક્યાંથી મળ્યો?’

બ્રાહ્મણે કહ્યું, ‘આપણા રાજાએ જાતમહેનત કરીને મેળવેલો ઢબ્બુ પૈસો મને દાનમાં આપ્યો. તેને મેં અહીં માટીમાં નાખ્યો હતો. અને તેમાંથી આ છોડ ઉત્પન્ન થયો છે. આ મારી શ્રદ્ધાનું ફળ છે.’

પ્રધાન બોલ્યો, ‘એ છોડ હું લઈ જાઉં છું, તેના પર રાજાનો અધિકાર છે. રાજ્યની જમીનમાંથી મળતું ધન કે ઝવેરાત રાજાની માલિકની ગણાય છે.’

બ્રાહ્મણે કહ્યું, ‘રાજાનો ઢબ્બુ તો નિમિત્ત માત્ર છે, આ તો મારી ભક્તિ અને પુરુષોત્તમ વ્રત ફળ્યાં છે, એ છોડ કોઈને અપાય નહિ, કોઈ તેને લઈ જઈ શકે પણ નહિ.’

પ્રધાનને મોતી જોવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણે એક સિંગ તોડીને પ્રધાનને બતાવી તો ખરેખર તેમાંથી સાચાં મોતી નીકળ્યાં.

બ્રાહ્મણે કહ્યું, ‘પ્રધાનજી ! આ મોતી મહારાજને મારા વતી ભેટ આપજો ને કહેજો કે, છોડ ખોદી કાઢીને લઈ જવાથી તે નિષ્ફળ બની જશે. આ ધર્મનું ફળ છે, ધર્મનું મૂળ કદી જોવાય નહિ.’

પ્રધાન સમજુ હતો. તે સીધો રાજા પાસે ગયો અને રાજાને પેલાં મોતી આપી કહ્યું, ‘મહારાજ ! એ બાલાશંકર બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ નહિ પણ મોતીનો છોડ છે, તેની સિંગોમાંથી નીકળેલાં આ મોતી તેણે આપને ભેટ મોકલ્યાં છે.’

રાજાને આ સાંભળી અતિ આશ્ચર્ય થયું. થોડી જ વારે રાજા ને પ્રધાન તેને ઘેર આવ્યા. બ્રાહ્મણે બધી વાત કહી અને આ પ્રભુની કૃપાનું ફળ છે તેમ જણાવ્યું. પછી રાજાએ તેને મોતી બતાવવા કહ્યું, તો બ્રાહ્મણે છોડ પર રહેલી સિંગ તોડી તેને રાજાના હાથમાં મૂકી. રાજાએ સિંગ ફોલી તો તેમાંથી ત્રણ મોતી નીકળ્યાં. રાજા અજાયબ થઈ ગયો. બ્રાહ્મણે તેને ધર્મનો ઉપદેશ કર્યો અને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. તેથી રાજાએ તે છોડ લઈ જવાનું માંડી વાળ્યું અને બ્રાહ્મણને તેની અપૂર્વ ભક્તિ બદલ ધન્યવાદ આપી મહેલે ચાલ્યો ગયો.

બ્રાહ્મણને હવે જિંદગી સુધી ચાલે, એટલું ઘન (મોતી) મળ્યું હતું. કુદરતી રીતે તે છોડ પછી મોતી આપતો બંધ થઈ ગયો. હવે તેના પર સિંગો ઊગતી જ નહોતી.

બ્રાહ્મણ-બ્રાહ્મણીને હવે કોઈ જાતની ચિંતા નહોતી. તેઓ રૂડી રીતે ધર્મધ્યાન અને દાન કરવા લાગ્યાં. તેથી અંતે તેમની સદ્દગતિ થઈ.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા હઠીલા બ્રાહ્મણને ફળ્યા, તેવા તમારું વ્રત કરનાર અને વ્રતકથા વાંચનાર-સાંભળનાર ભાવિક ભક્તોને ફળજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા