ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય તો ભગવાન પુરુષોત્તમ મદદ કરે જ છે, સાંભળો કથા | Adhik maas katha gujarati

જય શ્રીકૃષ્ણ મિત્રો. આજના લેખમાં આપણે અધિકમાસની બારમી અમૃતકથા જાણવાના છીએ, જેનું શીર્ષક છે – કથરોટ અને કડછી.

અધિક માસ દરમિયાન વ્રતનું ઘણું મહત્વ છે, અને તેની સાથે જ વ્રત કથા વાંચવા તેમજ સાંભળવાનું પણ ઘણું મહત્વ છે. તો આપ સૌને આ લેખ અંત સુધી વાંચવા વિનંતી. અને આ લેખને લાઈક અને શેર પણ જરૂર કરજો. આવો અધિકમાસની બારમી અમૃતકથા શરૂ કરીએ.

એક ગામમાં એક વસ્તારી બ્રાહ્મણ રહેતો હતો. તે ધર્મનો રાગી હતો. બ્રાહ્મણીને પણ ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. સંપત્તિથી તેઓ સુખી નહોતા, પરંતુ સંતતિ માટે પ્રભુની કૃપા ઊતરી હતી. તેમને બે દીકરા અને ચાર દીકરી હતાં.

બ્રાહ્મણ-બ્રાહ્મણી બન્ને વ્રતધારી હતાં. તેમાં ય શ્રાવણ માસમાં તેઓ વધારે વ્રત, સ્નાન અને ધ્યાન કરતાં. દાન આપવા જેવી તેઓમાં શક્તિ નહોતી. છતાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી, એ પ્રમાણે દાન કરતાં હતાં.

બ્રાહ્મણી વ્રત કરે, પરંતુ બધાંયનું રાંધવું પડે, તેથી ખૂબ અકળાઈ જતી હતી. છોકરીઓ હજુ નાની હતી અને જ્યારે છોકરીઓ મોટી થઈ, ત્યારે વારાફરતી પરણીને સાસરે ગઈ, એટલે બ્રાહ્મણીના માથેથી રસોઈ અને ઘરકામ ઊતર્યાં નહિ.

એક વેળા બ્રાહ્મણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત આદર્યું. તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે, ‘હે નોધારાના આધાર ! હું ભાવથી વ્રત કરું છું, પરંતુ રાંધવાની કડાકૂટને લીધે તમારું નામ લઈ શકતી નથી. મને તેનું બહુ દુઃખ થાય છે. જો આ પુરુષોત્તમ મહિનામાં કોઈ મને રસોઈ કરી આપનારું હોય અથવા તૈયાર ખાવાનું મળતું હોય તો નચિંત બનીને આપના નામની માળા ફેરવ્યા કરું.’

બ્રાહ્મણ પણ આવી જ વિનવણી કરતો હતો. ભગવાને બન્નેની પ્રાર્થના સાંભળી. તેમણે બ્રાહ્મણને સ્વપ્નમાં કહ્યું, ‘હે ભક્ત ! તમો પતિ-પત્ની અધિક માસમાં મારી આરાધના કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમારી પત્નીની માગણી છે કે, તૈયાર ખાવાનું મળતું હોય તો પોતે શાંતિથી ધર્મ-ધ્યાન કરી શકે. તેથી હું ચમત્કારિક કથરોટ અને કડછી આપું છું, એ બન્ને વસ્તુઓ સવારે તમારા રસોડામાં જોવા મળશે.

કથરોટમાં કડછી ફેરવવાથી એમાંથી રોટલા-રોટલી, પુરી-ભાખરી કે મીઠાઈ જેની ઇચ્છા કરશો તે તૈયાર મળશે, અને તપેલીમાં કડછી ફેરવવાથી દાળ, કઢી કે શાક જેની ઇચ્છા કરશો તે તૈયાર મળશે. એટલું યાદ રાખજો કે, તમારાથી સારી રીતે ભક્તિ થઈ શકે તે માટે આ દૈવી વસ્તુઓ ભેટ ધરવામાં આવે છે તેનો અયોગ્ય ઉપયોગ કરશો અગર ધનની લાલચથી કોઈને આપશો તો દોષિત ઠરશો અને બન્ને વસ્તુઓ કાર્ય કરતી અટકી જશે.’

બ્રાહ્મણે કહ્યું, ‘ભગવાન !’ ….. અને તે આગળ બોલવા જાય ત્યાં તો તે ઝબકીને જાગી ગયો. સ્વપ્નની વાત તેને યાદ આવી રહી હતી, તેથી તે પછી સૂતો નહિ. આખી રાત પુરુષોત્તમના નામની માળા ફેરવતો બેસી રહ્યો.

સવારે બ્રાહ્મણી ઊઠી, એટલે તેણે સ્વપ્નની વાત તેને સંભળાવી. બન્ને હરખભેર રસોડામાં ગયાં તો ત્યાં સોનાની કથરોટ અને ચાંદીની કડછી છાજલીમાં ચમકી રહ્યાં હતાં. બન્ને સમજી ગયાં કે, પુરુષોત્તમ પ્રભુએ તેઓની પ્રાર્થના સાંભળી છે.

હવે બ્રાહ્મણીને ચૂલો સળગાવવાની જરૂર નહોતી, તેથી તેણે બ્રાહ્મણને કહ્યું, ‘ચાલો, આપણે નદીએ નાહી આવીએ ને ઘેર આવી પ્રભુ-સ્મરણ કરીશું. પછી કથરોટ અને કડછીની મદદથી તૈયાર ખાવાનું મેળવી એકટાણું કરવા બેસી જઈશું.

જિંદગીમાં પહેલી જ વાર બ્રાહ્મણીએ આજે છુટકારાનો દમ ખેંચ્યો. બન્ને નદીએ નહાવા ગયાં, પછી ઘેર આવી પુરુષોત્તમ પ્રભુનું ઘણીવાર સ્મરણ કરી ઊઠ્યાં. હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી રસોડામાં ગયાં અને સોનાની કથરોટ અને રૂપાની કડછી લઈ નીચે બેઠાં. બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ લાડવાની ઇચ્છા કરી કથરોટ ઉપર લૂગડું ઢાંક્યું અને લૂગડાંને સહેજ ખસેડી કથરોટમાં કડછી ફેરવવા માંડી. પછી કડછી બહાર કાઢી લૂગડું ઉઠાવીને જોયું તો કથરોટ લાડવાથી ભરાઈ ગઈ હતી. પછી એક તપેલી ઉપર લૂગડું ઢાંકી દાળની ઇચ્છા કરી, એટલે આખી તપેલી સ્વાદિષ્ટ દાળથી ભરાઈ ગઈ. આવી રીતે એક બીજી તપેલીમાં કડછી ફેરવી બટાકાના શાકની ઇચ્છા કરી, એટલે તે તપેલી શાકથી ભરાઈ ગઈ.

આ તૈયાર રસોઈ જોઈ બ્રાહ્મણ-બ્રાહ્મણીના હરખનો પાર રહ્યો નહિ. ખરેખર પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા અને દૈવી વસ્તુઓ ભેટ ધરી હતી. પછી ચાર થાળીમાં બધું પીરસી બન્ને છોકરાઓને જમવા બોલાવ્યા. છોકરાઓ તો ઘીથી લચપચતા લાડવા જોઈને નાચવા-કૂદવા લાગ્યા. બધાએ પેટ ભરીને ખાધું.

ઘરમાં ચૂલો સળગતો નહિ અને રોજ જાતજાતનું ખાવાનું મળતું હતું, તેથી બન્ને ચાલાક છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. આવું રહસ્ય જાણવા તેઓ એક દિવસ રસોડાના ઉપરના ભાગમાં કાતરિયામાં ભરાઈ બેઠા, તો તેમને કથરોટ-કડછીનું રહસ્ય જાણવા મળ્યું.

અને આ વાત છોકરાંઓ મારફત આડોશ-પાડોશમાં ફેલાઈ ગઈ અને જ્યારે રાજાની રાણીએ કથરોટ-કડછીના ચમત્કારની વાત જાણી, ત્યારે તે વસ્તુઓ લેવાની હઠ કરી.

રાજાએ બ્રાહ્મણ-બ્રાહ્મણીને કથરોટ-કડછી વિષે પૂછ્યું તો કહ્યું, ‘અન્નદાતા ! અમારા ઉપર પુરુષોત્તમ ભગવાને કૃપા કરીને એ વસ્તુઓ અમને પ્રસાદી તરીકે ભેટ આપી છે, તે અમારાથી કોઈને આપી શકાય નહિ.

આ સાંભળી રાજા ક્રોધે ભરાયો અને પ્રધાનને તેમના હાથમાંથી કથરોટ અને કડછી આંચકી લેવાનો હુકમ કર્યો, પરંતુ તે લેવા જતાં પ્રધાનના પગ જમીન સાથે એવા જકડાઈ ગયા કે, તેનું હલનચલન અને બોલવું બંધ થઈ ગયું. અને રાજા પોતે તે લેવા માટે સિંહાસન ઉપરથી ઊઠવા જાય છે, ત્યાં તે સિંહાસન સાથે ચોંટી ગયો. તેના હાથ-પગ અકડાઈ ગયા. માત્ર બોલી શકાતું હતું.

રાજાએ તરત જ રાણીને બોલાવી, તો રાજાને અને પ્રધાનને અકડાઈ ગયેલા જોઈને તેને ભાન થયું કે, પોતે ભગવાને કોઈને આપેલી વસ્તુ પડાવી લેવા ઇચ્છા કરી તેનું આ ફળ છે. તેણે બ્રાહ્મણ-બ્રાહ્મણીને કહ્યું, ‘તમારી વસ્તુઓ અમને જોઈતી નથી, એ તમારા ભાગ્યની વસ્તુ છે, તો તમે ભોગવો અને ભગવાનને પ્રાર્થના કરો કે, મારા પતિને અને પ્રધાનને અસલ સ્થિતિમાં લાવી દે.’

બ્રાહ્મણ-બ્રાહ્મણીએ આંખો મીંચીને પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધર્યું અને રાજા અને પ્રધાનને હાલતા-ચાલતા કરવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી, તે સાથે જ પ્રધાન અને રાજા પહેલા હતા તેવા થઈ ગયા.

રાણીએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી બ્રાહ્મણે બધાંને પુરુષોત્તમ માહાત્મ્ય કહી સંભળાવ્યું. આથી બધાંએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી રાજાએ બ્રાહ્મણને પાંચસો સોનામહોરો બક્ષીસ આપી અને બ્રાહ્મણીને કીંમતી વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યાં ને બંનેને માનસહિત તેમના ઘરે પહોંચાડી દીધાં. ત્યારથી રાજા-રાણી પણ અધિક માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરવાં લાગ્યાં ને તેઓ પરમકૃપાળુ પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાને પામ્યાં.

બ્રાહ્મણ–બ્રાહ્મણીને હવે જિંદગી સુધી ચાલે તેટલું ધન મળ્યું હતું, તેથી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે, ‘પ્રભુ, તમારી ભેટ પાછી લઈ લો, તે હશે તો ક્યારેક અનર્થ થશે.’ અને તે સાથે કથરોટ-કડછી અદૃશ્ય થઈ ગયાં.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા બ્રાહ્મણી-બ્રાહ્મણી પર કૃપાવંત થયા તેવા તમારું વ્રત કરનાર અને વ્રતકથા વાંચનાર-સાંભળનાર ઉપર પ્રસન્ન થજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા