અધિક મહિનામાં આવતા મેના વ્રતનો મહિમા અને વિધિ જાણો, Mena Vrat ni mahima, Adhik maas ni katha 5

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

આજના આ લેખમાં આપણે અધિકમાસની પાંચમી અમૃતકથા જાણવાના છીએ; જેનું શીર્ષક છે – મેના વ્રતનો મહિમા. જો તમારે આગળની ચાર કથાઓ વાંચવાવાની બાકી હોય તે અમારી વેબસાઈટ પર તમને મળી રહેશે.

દેવી પાર્વતીએ અને સતી અરુંધતી વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો.

દેવી પાર્વતીએ સતી અરુંધતીને તેના આગ્રહથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેમ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું? તે જણાવતાં પહેલાં પોતાનું દૃષ્ટાંત આપતાં કહ્યું, ‘હે સતી ! એક સમયે હું શિવજી સાથે મૃત્યુલોક વિષે ચર્ચા કરતી હતી, એવામાં મારી માતા મેનાવતીનું આગમન થયું. ત્યારે ચર્ચા પડતી મૂકીને હું માતા પાસે ગઈ અને તેને આવકાર આપી આસન પર બેસાડી. હું પણ તેની સાથે બેઠી.

મારી માતાના મુખ પર વિષાદ હતો, તેથી તે માટે મેં પૂછ્યું, તો માતા મેનાવતીએ કહ્યું, ‘દીકરી ! મૃત્યુલોકના માનવીઓ તને જગદંબા તરીકે પૂજે છે ને તારાં જુદાં જુદાં વ્રત કરે છે, નિરંતર તારી ભક્તિ કરે છે, તારાં ગુણગાન ગાય છે, એ જાણી મને અતિ હર્ષ થયો છે. વળી તારા જેવી જગદંબાની હું જનની છું, તેથી ઘણું ગૌરવ અનુભવું છું. બધા તને પૂજે છે, પરંતુ તારી પૂજા કરવા, વ્રત કરવા મેં જરા પણ સમય લીધો નથી. માટે હું સુખ-શાંતિ અને કલ્યાણ અર્થે કયું મંગળકારી વ્રત કરું?’

મારી માતા મેનાવતીની ઇચ્છા જાણી મેં કહ્યું, ‘હે માતા ! બધાં વ્રતોમાં અધિક માસનું પુરુષોત્તમ માસનું મેના વ્રત અતિ ઉત્તમ છે.’ એમ કહી મેં મેના વ્રતનો પૂર્ણ વિધિ ને પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો, તે જાણીને તેને ઘણો હર્ષ થયો અને ત્યારથી દર અધિક માસે તેણે પુરુષોત્તમ માસમાં લેવાતું મેના વ્રત કરવા માંડ્યું.

સતી અરુંધતીએ દૃષ્ટાંત સાંભળ્યું અને પાર્વતીજીને પૂછ્યું. ‘હે દેવી ! હવે મને એ પુરુષોત્તમ માસમાં કરાતા મેના વ્રતનો મહિમા વિધિ સહિત સમજાવો.’

પાર્વતીએ વ્રતવિધિ સમજાવતાં કહ્યું, ‘હે સતી ! દર ત્રણ વર્ષે જે વધારાનો માસ આવે છે તે અધિક માસ – પુરુષોત્તમ માસ કહેવાય છે. આ પુરુષોત્તમ માસમાં સુદ ત્રીજના દિવસથી ‘મેના વ્રત’ લેવાય છે. આ વ્રત મારી માતા મેનાવતીની મહત્તા માટે છે, તેથી તેનું નામ ‘મેનાવ્રત’ રાખેલું છે. વ્રત કરનારે અધિક માસમાં સુદ ત્રીજના દિવસે પ્રાતઃકાળે ઊઠી નિત્યકર્મથી પરવારી, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી, સ્વચ્છ જગ્યામાં એક પાટલો મૂકવો. તે પાટલાને જળથી ધોઈ, તેના ઉપર જળ ભરેલા કુંભને મધ્યમાં રાખી, વ્રત કરવાનો સંકલ્પ કરવો.

પછી પાટલા પર ધતુરાનાં ફુલ મૂકીએ, એટલે દેવનું સ્થાપન કર્યું કહેવાય. વ્રત કરનારે અગાઉથી એક સોનાની મૂર્તિ બનાવવી પડે. એ મૂર્તિ હાથીની અંબાડી ઉપર મેનાવતી પોતાના પતિ અને પુત્ર સાથે બેઠેલાં હોય એવી બનાવવી. સંપત્તિ ન હોય તો રૂપાની પણ બનાવી શકાય. આ મૂર્તિની પ્રતિષ્ઠા પાટલા ઉપર બ્રાહ્મણના હાથે કરાવવી, તે વખતે પાંચ કન્યા પણ હાજર જોઈએ.

મૂર્તિનું સ્થાપન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રાખવું. રોજ ત્યાં ઘીનો દીવો કરવાનો અને એક દીવો અખંડ રાખવાનો, જેમાં ઘી પૂર્યા કરવાનું. મૂર્તિનું રોજ સુગંધિત દ્રવ્યો અને પુષ્પ-અક્ષતથી પૂજન કરવાનું. ત્યારબાદ નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. તે દિવસે એકટાણું કરવાનું. દિવસ રાત પુરુષોત્તમ ભગવાન અને મેનાગૌરીની ભક્તિ કરવાની. અધિક માસ પૂર્ણ થતાં વ્રતનું ઉજવણું કરવાનું. આ દિવસે મેનાની મૂર્તિનું પૂજન કરી તે મૂર્તિ યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી દેવાની અને પાંચ બ્રાહ્મણ દંપતીને જમાડી, દક્ષિણા આપી રાજી કરીને વિદાય કરવાં. આ દિવસે યથાશક્તિ દાન કરવું.

પુરુષોત્તમ માસમાં આ ‘મેના વ્રત’ કરનાર સ્ત્રીની સર્વ મહેચ્છા પૂરી થાય છે ને સુખશાંતિ રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા