જય શ્રીકૃષ્ણ મિત્રો. આજે અમે તમારા માટે અધિકમાસની દશમી અમૃતકથા લઈને આવ્યા છીએ, જેનું શીર્ષક છે – ડોશીમાનો દેડકો.
એક ગામમાં એક ડોશી એના નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. તે પરચૂરણ ઘરકામ કરીને પેટને ભાડું ભરતી હતી. આવી કરુણ હાલતમાં પણ તે ધર્મધ્યાન ચૂકતી નહિ.
જ્યારે અધિક માસ આવતો, ત્યારે ગામના ભાવિક સ્ત્રી-પુરુષો પુરુષોત્તમ વ્રત આદરતાં, સ્નાન, ધ્યાન ને દાન કરતાં, પરંતુ ડોશી એકલી, એટલે વ્રત કરતી નહિ. ઘરમાં કામ કરવાવાળું કોઈ નહિ, એટલે તે જીવ બાળીને બેસી રહેતી.
ડોશીને એક પણ સંતાન નહિ, તેથી રોજ દીકરા માટે વલોપાત કરતી. એકાદ દીકરો હોત તો ઘરમાં દીકરો ને વહુ બન્ને હોત અને તે નિરાંતે ઘડપણમાં ધર્મધ્યાન કરી શકત. એક તો તેનું ઘડપણ બગડયું હતું. પુરુષોત્તમ માસમાં ડોશી રોજ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે, ‘હે ભોળાના ભગવાન ! મારું ઘડપણ સુધરે એવું કંઈ કરો.’
પુરુષોત્તમ ભગવાને ડોશીની પ્રાર્થના સાંભળીને ડોશીનું દુઃખ ફેડવા અજબ લીલા કરી.
એક વેળા ડોશીની હથેળીમાં મોટો ફોલ્લો થયો, એટલે રાંધતાં અને ઘરકામ કરતાં બહુ તકલીફ પડતી, તોપણ રોજ સવારે તે નદીએ નહાવા જાય ને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે. હાથમાં પીડા બહુ થતી હતી, પરંતુ શ્રદ્ધાળુ ડોશી ભગવાનનું નામસ્મરણ કર્યા કરતી હતી. નામસ્મરણનો મહિમા બહુ મોટો છે.

ડોશીને એક વેળા હાથમાં બહુ પીડા થવા માંડી ને મોટો થયેલો ફોલ્લો ફડક કરતો ફૂટી ગયો. પણ આ શું ચમત્કાર? ફોલ્લામાંથી એક નાનકડો દેડકો નીકળ્યો ! દેડકો તો આમતેમ કૂદાકૂદ કરીને પાછો ડોશી પાસે આવે ને તેની સામે એકીટશે જોઈ રહે. ડોશીને આમ કંઈ માયા લાગી, તેથી તેણે દેડકાને હાથમાં લીધો તો દેડકો ડાહ્યો થઈને બેસી રહ્યો. ડોશીએ દેડકાને ઘરમાં રાખ્યો ને તેનું સારી પેઠે જતન કરવા માંડ્યું. મોટો થતાં દેડકો ‘ડ્રાઉ….ડ્રાઉં’ કરીને ઘર ગજાવી મૂક્તો હતો. ડોશીને તે ગમતું હતું.
હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો પાછળ પાછળ જતો. લોકોને આથી આશ્ચર્ય થતું કે, ડોશીને આ શું સૂઝ્યું કે, દેડકો પાળ્યો?
ડોશી તો આખા ગામમાં ‘દેડકાવાળી ડોશી’ તરીકે પ્રખ્યાત થઈ ગઈ. રસ્તામાં છોકરાઓ ડોશીને ‘દેડકાવાળી ડોશી’ કહીને ચીડવે, કાંકરા મારે, પણ ડોશી જરા યે ગુસ્સે થતી નહિ.
પુરુષોત્તમ માસ હવે પૂરો થવા આવ્યો હતો. ડોશી ન્હાય ને દેડકો પણ ન્હાય, પરંતુ દેડકાના સ્વરૂપમાં પુરુષોત્તમ ભગવાન હતા. તે સ્નાન કરતી વેળાએ દેડકાનું ખોળિયું ઉતારી જળમાં પોતાનાં દિવ્ય સ્વરૂપમાં સ્નાન કરતા હતા, અને સ્નાન કર્યા પછી દેડકાના સ્વરૂપે કાંઠે કૂદી પડતા હતા.
આ વાતની ડોશીને ખબર નહોતી, કારણ કે ડોશી આંખ મીંચીને પ્રભુનું નામ દઈને સ્નાન કરતી હતી, માત્ર આ ભેદ રાજાની કુંવરી જાણતી હતી. નદી નજીક જ રાજમહેલ હતો. કુંવરી રોજ સવારે ઝરુખામાં બેસતી ને લોકોનો ભક્તિભાવ જોતી. તે રોજ દેડકાને નદીમાં પડતી વખતે દિવ્ય સ્વરૂપમાં જોતી હતી ને થોડી વાર પછી દેડકો બની ગયેલો જોતી હતી, તેથી તે નવાઈ પામી હતી.
દેડકામાંથી એવો દેવાંશી પુરુષ પ્રગટ થતો હતો કે, તેને જોતાં જ મોહ ઊપજે. કુંવરી પણ તેના પર મોહિત થઈ ગઈ હતી. તેણે તો હાથમાં જળ લઈ પણ લીધું કે, હું એ જવાન સાથે જ લગ્ન કરીશ, નહિતર જીવનભર કુંવારી રહીશ.
રાજા-રાણીએ એકવાર કુંવરીને લગ્ન કરવા વિષે પૂછ્યું, તો કુંવરીએ કહ્યું, ‘મારે કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન કરવાં નથી, હું તો ડોશીના દેડકા સાથે લગ્ન કરવાની છું.’
રાજા-રાણી મુંઝાઈ ગયાં. હવે કરવું શું? તેમણે કુંવરીને બહુ સમજાવી, પરંતુ હઠીલી કુંવરી એકની બે ન થઈ. રાજાએ બીજે દિવસે પ્રધાન મારફત દેડકાવાળી ડોશીને મહેલે બોલાવીને કહ્યું, ‘હે માજી! તમારા દેડકા ઉપર મારી કુંવરી મોહી પડી છે, માટે તમારા દેડકા સાથે મારી કુંવરીનો વિવાહ કરો.’
ડોશી ગભરાઈને બોલી, ‘મહારાજ ! ગામવાળા મારી મશ્કરી ઉડાવે છે ને તમે પણ અન્નદાતા મારી હાંસી ઉડાવો છો? દેડકા સાથે કોઈ દીકરી પરણાવતું હશે ખરું?’
રાજાએ કહ્યું, ‘ડોશીમા ! મારી કુંવરીની ઇચ્છા તમારા દેડકાને પરણવાની છે, માટે તમે હા-ના કર્યા વગર વેવિશાળ નક્કી કરો.’
રાજા જેવા રાજાનું માન ન રાખે તો ડોશીનું આવી જ બને. તેણે રાજકુંવરી સાથે દેડકાનું વેવિશાળ કરી તે રાતે લગ્ન પણ નિરધાર્યાં.

ડોશીના દેડકાએ તો ગામમાં સનસનાટી ફેલાવી દીધી. સાંજે ડોશીનો દેડકો પરણવા જવાનો છે તે વાત લોકોએ જાણી, એટલે સાંજ પડતાં તો પુષ્કળ માણસો ડોશીના ઘર આગળ જમા થઈ ગયા. ડોશીએ ઢોલી મંગાવ્યો હતો. એક શણગારેલો ઘોડો પણ મંગાવ્યો હતો. તે આવી જતાં ડોશીએ દેડકાને ઘોડા પર બેસાડયો ને તેને વાજતે-ગાજતે મહેલે લઈ ગઈ. ત્યાં દેડકા સાથે કુંવરીનાં લગ્ન વિધિપૂર્વક થઈ ગયાં. દેડકો અને કુંવરીને લઈ ડોશી ઘેર આવી.
‘ડોશીએ એક ખાટલો ઢાળી આપ્યો તેના પર કુંવરી દેડકાને લઈ બેઠી. બીજા ખાટલા પર ડોશી સૂતી. કુંવરીએ જોયું કે, ડોશી ઘસઘસાટ ઊંઘમાં પડી ગઈ છે, એટલે દેડકાને પોતાની સામે રાખી કહેવા લાગી, ‘હે પ્રાણપતિ ! હે દેવાંશી પુરુષ ! તમે દેડકાના સ્વરૂપમાં છો તે તમારું સ્વરૂપ પલટીને હવે મૂળ સ્વરૂપમાં આવો, હું આપને પરણી છું. આપના અસલ સ્વરૂપની મને ખબર છે, હવે વધુ ન તલસાવો.’
ખરેખર, પુરુષોત્તમ ભગવાન જ દેડકાના સ્વરૂપે ડોશીની ભીડ ભાંગવા પધાર્યા હતા અને કુંવરી તે રહસ્ય જાણી ગઈ હતી, તેથી તેમણે મનુષ્યની ભાષામાં કહ્યું, ‘હે કુંવરી ! જ્યાં સુધી તારા પિતા હોમ-હવન, પુણ્ય-દાન નહિ કરે, ત્યાં સુધી મારું અસલ સ્વરૂપ કોઈને જોવા મળશે નહિ.’
આ સાંભળી કુંવરીએ કહ્યું, ‘સવારના હું ડોશીને અને આપને લઈને મહેલે જઈશ અને રાજાને બધી વાત કરીશ.’
બીજે દિવસે સવારે કુંવરીએ ડોશીને કહ્યું, ‘આપ આપના દીકરાને લઈ મારા મહેલે ચાલો, ત્યાં યજ્ઞ કરવાનો છે.’
ત્રણે મહેલે ગયા. કુંવરીએ રાજાને બધી વાત કહી અને રાજાએ મોટો યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં છેલ્લી આહુતિ અપાઈ, ત્યારે કુંવરી પગે લાગીને બોલી, ‘હે અગ્નિદેવ ! હે પુરુષોત્તમ ભગવાન ! દેડકાના સ્વરૂપમાં આપ હો તો તે રૂપ બદલીને દેવાંશી સ્વરૂપે પ્રગટ થાવ. જો આપ આમાં કસૂર કરશો તો મારી હાંસી થશે.’
યજ્ઞ આગળ બેઠેલા બધા આશ્ચર્યથી દેડકા સામે જોઈ રહ્યા હતા. એવામાં આકાશમાંથી દેડકા પર પુષ્પો વરસવા લાગ્યાં ને પુષ્પના ઢગલામાંથી દેવાંશી સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા.
બધાએ પુરુષોત્તમ ભગવાનનો જયજયકાર બોલાવ્યો. ત્યાં તો અંતરીક્ષમાંથી દેવવિમાન ઊતરી આવ્યું. પુરુષોત્તમ ભગવાને ડોશીને અને કુંવરીને કહ્યું, ‘તમારે વૈકુંઠમાં વાસ કરવો હોય તો મારી સાથે ચાલો.’ ડોશી અને કુંવરી હરખભેર વિમાનમાં બેસી ગયાં અને સહુની અજાયબી વચ્ચે દેવવિમાન અદૃશ્ય થઈ ગયું. પુરુષોત્તમ વ્રતના પ્રતાપે ડોશી અને કુંવરીનો વૈકુંઠમાં વાસ થયો.
હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા ડોશી અને રાજકુંવરીને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો.


