અધિક મહિનાની કથા – ૧૧, મૌન વ્રત – દિવસમાં આ બે કામ કરો ત્યારે મૌન જરૂર રાખજો, Adhik maas katha 11

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં અધિકમાસ ચાલી રહ્યો છે. અને અધિકમાસ દરમિયાન અધિકમાસની વ્રતકથા વાંચવા-સાંભળવાનું ઘણું મહત્વ છે. આજે અમે તમારા માટે અધિકમાસની અગિયારમી અમૃતકથા લઈને આવ્યા છીએ જેનું શીર્ષક છે – મૌન વ્રત. આ પહેલાની અધિકમાસની અમૃતકથાઓ વાંચવાની બાકી હોય તો તેના લેખ આપને અમારી વેબસાઈટ પર મળી રહેશે. આવો અધિકમાસની અગિયારમી અમૃતકથા શરુ કરીએ.

અવંતીપુરમાં એક વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો. તે વ્રતધારી હતો. ઘણાં વ્રત કરવાને લીધે તેનો દેહ જર્જરિત થઈ ગયો હતો. આવી હાલત છતાં એક વેળા તેણે અધિક માસમાં અખંડ ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

જ્યારે અધિક માસ આવ્યો, ત્યારે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું, પહેલા દિવસનો ઉપવાસ તેને બહુ વસમો લાગ્યો, તેનો જીવ ગભરાવા લાગ્યો. તેણે પોતાની ટેક જાળવી રાખી. તે આખો દિવસ પુરુષોત્તમ-નામસ્મરણ કરતો રહ્યો, એટલે તેને શાંતિ રહી. બે દિવસ તો ઉપવાસના જેમ તેમ કાઢી નાખ્યા, પરંતુ ત્રીજે દિવસે તે એટલો બધો અશક્ત બની ગયો કે, તેનામાં બોલવાના હોશ રહ્યા નહિ. તોપણ તે હિંમત રાખીને મનમાં પુરુષોત્તમ પ્રભુને સ્મરતો રહ્યો. તેણે ઉપવાસનો સંકલ્પ કર્યો હતો. તે અધિક માસ પૂરો થાય ત્યાં સુધી પાળવો પડે, નહિતર વ્રતનું ફળ મળે નહિ. ધર્મ પ્રત્યે, વ્રત પ્રત્યે તેને બહુ જ રાગ હતો, એટલે નિયમને વળગી રહ્યો હતો.

બ્રાહ્મણની શ્રદ્ધા-ભક્તિ જોઈ પુરુષોત્તમ પ્રભુ તેની વહારે ધાયા.

તેમણે બ્રાહ્મણને સ્વપ્નામાં દોરવણી આપી કે, ‘હે ભક્ત ! કોઈપણ વ્રત આદરતાં પહેલાં પૂરો વિચાર કરવો કે, તેના નિયમો પળાશે કે નહિ? વ્રત આદર્યા પછી અધૂરું મુકાય તો તેનું ફળ મળતું નથી. તેં મારા વ્રતમાં ઉપવાસનો આકરો નિયમ લીધો છે તે તારા ગજા બહારની વાત છે, એટલે તારી શ્રદ્ધા-ભક્તિથી પ્રેરાઈને હું તને દોરવણી આપું છું.

તારે વ્રત પૂરું થતાં સુધી સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન પાળવાનું, તો તું એકટાણું કરી શકે છે. મૌન વ્રતનો મહિમા મોટો છે. માનવી જો સ્નાન કરતી વેળાએ અને જમતી વેળાએ મૌન પાળે તોપણ તેને ઉત્તમ ફળ મળે છે. મૌન પાળનાર તંદુરસ્ત અને તેજસ્વી બને છે, તેનો આવરદા વધે છે. તેનું મન હરહંમેશ પ્રસન્ન રહે છે. પુરુષોત્તમ માસમાં વ્રત કરનારથી જો ભૂખ્યા ન રહેવાતું હોય તો તે મૌન પાળીને જમી શકે છે, તેથી તેને પૂરેપૂરું ફળ મળે છે.’

બીજા દિવસથી તેણે પ્રભુના આદેશ મુજબ સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન રાખવા માંડ્યું. તે એકટાણામાં એક જ પ્રકારના અન્નની વાનગી ખાતો હતો. તે ધીમે ધીમે તંદુરસ્ત બનતો ગયો અને શક્તિ આવવાથી વધુ પ્રભુનું સ્મરણ કરતો રહ્યો.

જોતજોતામાં અધિક માસ પૂર્ણ થઈ ગયો ને વ્રતધારીઓએ વ્રતનાં ઉજવણાં પણ કર્યાં. બ્રાહ્મણે પણ વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું. તે દિવસે તેણે પુરુષોત્તમ પ્રભુના પાઠ કર્યા ને રાતના સૂતી વેળાએ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થઈ બોલ્યા, ‘હે ભક્ત! તારા શ્રદ્ધાપૂર્વકના વ્રતથી તું મારી કૃપા મેળવવા અધિકારી થયો છે. તારી જે ઇચ્છા હોય તે મને કહે, તારી ઇચ્છા હું પાર પાડીશ. આજે તું માગતા ભૂલ્યો ને હું આપતાં ભૂલ્યો.’

બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું, ‘ભગવાન ! હું મારા માટે નહિ પણ લોકોના કલ્યાણ માટે એટલું જ માગું છું કે, હું લોકોની સેવા કરી શકું, દુનિયાનાં દુ:ખ ટાળી શકું તેવી સિદ્ધિ મને આપો, જેથી ભક્તિ સાથે શક્તિ મુજબ લોકોની સેવા પણ કરી શકું અને અંતે મારી સદ્દગતિ થાય, મને વૈકુંઠનાં દર્શનનો લાભ મળે એટલી જ ઇચ્છા છે.’

‘તથાસ્તુ’ બ્રાહ્મણે સાંભળ્યું, પરંતુ ભગવાન ત્યાં ન હતા. બ્રાહ્મણ મૌન વ્રત પાળવાથી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા પામ્યો હતો, તેથી તે જ્યાં જ્યાં કથા કરવા જતો, ત્યાં ત્યાં કથાની વચમાં શ્રોતાઓને મૌનનો મહિમા સમજાવતા કહેતો કે, ‘હે ભાવિકો! આપ આજથી નિયમ લો કે, દિવસમાં ચાર કલાક મૌન રાખશો, અઠવાડિયામાં એક દિવસ મૌન રાખશો, જો આટલું પણ ન બની શકે તો રોજ સ્નાન કરતી વેળાએ અને ભોજન કરતી વેળાએ જરૂર મૌન પાળજો. તેથી આપને અનેક લાભ થશે. મૌનનો મહિમા એટલો પ્રબળ છે કે, જે બાર વર્ષ મૌન પાળે છે તેને વચનસિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વધુ સમય મૌન પાળે છે તેના પર ભગવાનની કૃપા ઊતરે છે.

આ ઉપરાંત બ્રાહ્મણ કથામાં વ્રત-નિયમના અનેક લાભ વર્ણવતો હતો. આથી લોકોમાં ધર્મ-વ્રત પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી અને તેમના તરફથી બ્રાહ્મણને પૈસાટકા, અન્ન-વસ્ત્ર મળવા લાગ્યાં. તેમાંથી પોતાની જરૂરિયાત જેટલું રાખી બાકીનું દીન-દુખિયાઓને આપી દેતો હતો. આથી તેની કીર્તિ વધવા લાગી. તે જીવ્યો ત્યાં સુધી તેણે ઘણો ધર્મોપદેશ કર્યો ને લોકોની ઘણી સેવા કરી. જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું, ત્યારે તેને વૈકુંઠમાં લઈ જવા દેવવિમાન આવ્યું અને દેવદૂતો તેને દેવવિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે ઉપવાસી વ્રતધારી બ્રાહ્મણને જેવી રીતે ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો ને તેના મનના મનોરથ પૂર્ણ કરજો.

મિત્રો, આ લેખ આપને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા