ભક્તિ સાચી હોય તો ભગવાન પુત્ર બનીને આવે છે, વાંચો અધિક મહિનાની અમૃતકથા, Adhik Maas Ni Katha – 6

જય શ્રીકૃષ્ણ મિત્રો, આજના આ લેખમાં આપણે અધિકમાસની છઠ્ઠી અમૃતકથા જાણવાના છીએ. આ અમૃતકથાનું શીર્ષક છે – ‘પુત્ર વગર પુત્રવધૂ.’ જો તમારે આગળની કથાઓ વાંચવાની બાકી હોય તો તે અમારી વેબસાઈટ પર તમને મળી રહેશે. અને ખાસ આ લેખને અંત સુધી વાંચવા વિનંતી છે.

એક નગરમાં ખૂબ જ ભલાં બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે. તેઓ રોજ સવાર-સાંજ પાઠપૂજા કરે, દેવદર્શન કરે, ધર્મધ્યાન કરે ને આનંદી રહે. બ્રાહ્મણની પાસે બાપદાદાના વખતની ઘણી સંપત્તિ હતી, પરંતુ સંતતિ સોગંદ ખાવા ન હતી. તેથી બન્ને અંદરખાને દુઃખી રહેતાં હતાં. તેઓ ભગવાનને રોજ એ પ્રાર્થના કરતાં કે એકાદ પુત્રફળ આપે.

એક દિવસ એમના આંગણે એક સંન્યાસી પધાર્યા. તેમણે બન્નેને પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરવાની સલાહ આપી અને તે વ્રતથી તેમની ઇચ્છા પૂર્ણ થશે તેમ જણાવ્યું. તેથી બન્નેએ તે જ વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો.

જોતજોતામાં અધિક માસ-પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણ-બ્રાહ્મણી નદીએ નહાવા ગયાં ને નાહીને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની પૂજા-ભક્તિ સ્મરણ કરી, વ્રત કથા સાંભળી એકટાણું કરવા બેઠાં. ત્યારપછીનો સમય તેમણે પુરુષોત્તમ ભગવાનને ભજવામાં જ ગાળ્યો.

બન્ને આધેડ ઉંમરનાં હતાં. ઘરમાં એ બે સિવાય કોઈ ત્રીજું જણ ન મળે. રોજ સવારના વહેલા ઊઠવું પડે, દૂર નદીએ નહાવા જવું પડે ને નાહી આવીને રાંધવાની કડાકૂડ કરે, ત્યારે એકટાણું કરવા પામે. આથી તેઓ રોજ વિચારતાં કે, ઘરમાં પુત્રવધૂ હોય તો ઘરનું બધું કામ તે કર્યા કરે અને બન્ને નિરાંતે ધર્મધ્યાન કરી શકે.

એક દિવસ એકટાણું કર્યા પછી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ‘હવે આપણી અવસ્થા થઈ, ક્યાં સુધી ઘરના ઢસરડા કર્યા કરીશું? તમે ગમે ત્યાંથી પુત્રવધૂ-વહુ શોધી લાવો.’

બ્રાહ્મણ આ સાંભળી હસીને બોલ્યો, ‘લે કર વાત ! સોગંદ ખાવા દીકરો તો છે નહિ ને તને વહુ લાવવાના કોડ જાગ્યા છે ! પુત્ર વગર પુત્રવધૂ આવે ખરી?’

બ્રાહ્મણી બોલી, ‘દીકરો હોય તોયે લાવો ને ન હોય તોયે લાવો, મારે તો ઘરમાં રુમઝૂમતી વહુ જોઈએ. હવે હું એકલી નહિ રહી શકું.’

બ્રાહ્મણે કહ્યું, ‘તું સાસુ થવા તૈયાર થઈ છે, પણ દીકરા વગર હું કન્યા શી રીતે લાવું? તારામાં અક્કલ બળી હોય તો આવી પાયા વગરની વાત કરે ખરી? કન્યાવાળાને ત્યાં જઈ મારે વાત શી રીતે કરવી?’

બ્રાહ્મણી ચતુર હતી. તેણે એક યુક્તિ વિચારીને બ્રાહ્મણને કહ્યું, ‘હે આવનારી વહુના સસરાજી ! તમે અત્યારે જ એક પાઘડી લઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ કન્યાની શોધખોળ કરવા માંડો. ગામમાં નહિ તો પરગામમાં જ્યાં આગળ બ્રાહ્મણની નમણી અને રૂપાળી પરણવા જેવડી કન્યા જોવા મળે, ત્યાં ઠાવકાઈથી કહો કે, હું મારા દીકરા માટે કન્યાની શોધમાં નીકળ્યો છું. યોગ્ય શાણી કન્યા હોય તો મારે વિવાહ કરાવવા છે.

તમારી આ વાત કોઈના ગળે ઊતરે ને છોકરો જોવા માગે તો તમે કહેજો કે, છોકરો શાસ્ત્રો ભણવા કાશીનગરીમાં ગયો છે. થોડાંક શાસ્ત્રો ભણવાનાં બાકી છે તે દોઢેક માસમાં પૂરાં કરીને મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે. હું છોકરાની પાઘડી સાથે લઈને આવ્યો છું. તેની સાથે કન્યાને ત્રણ ફેરા ફેરવી મારી સાથે મોકલો. ચોથો ફેરો વસંત પંચમીને દિવસે બન્ને વર-કન્યાને ફેરવાવી લગ્ન પાકાં કરીશું. આવી રીતે તમે વાત કરશો તો કોઈ ઠેકાણેથી જરૂર વગર દીકરે વહુ મળી આવશે. હવે તમે જાવ, પણ વહુ લીધા વગર ઘરમાં પગ મૂકશો નહિ.’

બ્રાહ્મણીના કહેવાથી ભોળો બ્રાહ્મણ વગર દીકરે વહુ લઈ આવવા એક નવી પાઘડી લઈ વહુની શોધમાં નીકળી પડ્યો. બ્રાહ્મણને કન્યાઓ તો ઘણી જોવા મળી પણ બધા પ્રથમ છોકરો (મુરતિયો) જોવા માગતા હતા. તેથી કોઈ ઠેકાણે પાટો બેઠો નહિ. આખરે દૂરના એક ગામે એક ગોર મહારાજને ત્યાં ચોકઠું બેસાડયું. ગોરની કન્યા રૂપાળી અને શાણી હતી, તે ભાગ્યને માનવાવાળી હતી, તેથી તેણે પાઘડી સાથે ત્રણ ફેરા ફર્યા ને બ્રાહ્મણ સાથે તેના ઘરે આવી. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ કહ્યું કે, તેનો વર થોડા જ સમયમાં કાશીએથી ભણીગણીને મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે. તેથી મન વાળીને તે ત્યાં રહી ને ઘરનું બધું કામ ઉમંગથી કરવા લાગી.

બ્રાહ્મણ-બ્રાહ્મણીને હવે ઘરની ચિંતા નહોતી, તેથી આખો દિવસ તેઓ પૂજા-પાઠ ને કથા-કીર્તનમાં ગાળતાં હતાં. તેમને એક ટંક ઉની ઉની સ્વાદિષ્ટ રસોઈ જમવા મળતી હતી, વળી વહુ બન્નેની સેવાચાકરી કરતી હતી, તેથી બન્ને પૂરા સુખમાં પડી ગયાં હતાં.

વહુ દિવસો ગણ્યા કરતી કે, હવે થોડા જ દિવસોમાં તેના પતિ આવી પહોંચશે. પરંતુ તેની આશા ઠગારી નીવડી. એક દિવસ એક પંચાતિયણ પાડોશણે તેની આગળ ભાંડો ફોડી નાખ્યો કે, બ્રાહ્મણ-બ્રાહ્મણી વાંઝિયા છે. તેમને દીકરો કે દીકરી કંઈ જ નથી. વહુ તો એ સાંભળી ચોંકી ગઈ. છતાં ખાતરી કરવા તેણે સાસુને પૂછ્યું, તો સાસુએ તેના માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું,

‘વહુ, અમે પૈસાવાળાં છીએ, એટલે અદેખા લોકો અમારા માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતાં નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કર ને….કોઈ દીકરા વગર વહુ લાવે ખરું? મારી આવડી મોટી સાત ઓ૨ડા ને ત્રણ માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે, તેને જોતાં જ તારી આંખો અંજાઈ જશે. તેને જોઈને તું જ કહી શકે, જેણે પાંચે આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને જ આવો વર મળે.’

વહુએ હવેલીના ત્રણે માળ જોયા હતા. પણ ભોંયતળિયાના ભાગમાં આવેલા સાત ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટાં તાળાં વાસેલાં હતાં. તેથી તે વિચાર કરતી હતી કે, આ સાતે ય ઓરડામાં એવું તે શું હશે કે, તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતાં નથી. તેણે સાત ઓરડા માટે સાસુને પૂછ્યું તો તેમણે તેના હાથમાં ચાવીનો ઝૂમખો મૂકીને કહ્યું,

‘વહુ ! આ સાતે ય ઓરડામાં વસ્ત્રો, વાસણ, ઘરેણાં, રૂપિયા, સોનામહોરો, અનાજ, મસાલા, ખાટલા-પાટલા, વગેરે સામગ્રી ભરેલી છે, એટલે તેને બંધ રાખવામાં આવે છે. તને આપેલી ચાવીઓ સાતે ય ઓરડાની છે, પરંતુ વગર કારણે કોઈપણ ઓરડો ઉઘાડીશ નહિ. કદાચ જોવા માટે તારું મન ઝાલ્યું ન રહે તો છેલ્લા સાતમા ઓરડા સિવાયના બધા ઓરડા ઉઘાડીને જોજે.’

વહુએ ‘સારું’ કહ્યું પણ મનમાં ધરપત રહી નહિ. તેથી એક દિવસ બ્રાહ્મણ-બ્રાહ્મણી દેવ-દર્શને ગયાં, ત્યારે વહુએ ચાવીના ઝૂમખામાંથી એક ચાવી લગાડીને પહેલો ઓરડો ઉઘાડયો. અંદર રંગરંગનાં વસ્ત્રો પડેલાં હતાં. બીજો ઓરડો ઉઘાડયો તો તેમાં રૂપિયા ને સોનામહોરોના ઢગલા હતા. ત્રીજા ઓરડામાં જાતજાતનાં અનાજ ભરેલી કોઠી હતી. તેણે તો વારાફરતી છ ઓરડા ઉઘાડીને જોયા તો તેમાં જીવન-જરૂરિયાતની બધી સામગ્રી ભરેલી હતી.

તેને બહુ હરખ થયો કે, પોતાનું સાસરિયું માલદાર છે, પરંતુ સાતમા ઓરડામાં એવું શું રહસ્ય છે કે, તેને ઉઘાડવાની સાસુજીએ ના પાડી હતી? વહુને સાતમો ઓરડો જોવાની એટલી બધી તાલાવેલી લાગી કે, તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને ધડકતે હૈયે સાતમો ઓરડો ઉઘાડયો તો તેમાં સુવાસ પથરાયેલી હતી. તેમાં એક દીપક ઝળહળી રહ્યો હતો. આખા ખંડમાં અજવાળું હતું. દીવાની સામે એક પાટલા ઉપર એક તેજસ્વી યુવાન બેઠો હતો ને તે એક ધ્યાનથી કોઈ મોટો ગ્રંથ વાંચી રહ્યો હતો. તેણે પીળું પીતાંબર પહેરેલું હતું ને લાલ શાલ ઓઢેલી હતી. તેની આસપાસ પ્રકાશના પુંજ રેલાયા હતા.

વહુ તો સાતમા બંધ ઓરડામાં આવો તેજસ્વી યુવાન ને તે પણ ગ્રંથનું અધ્યયન કરતો જોઈને ડઘાઈ ગઈ. તે ઉંબરામાં જ ઊભી રહી. ઓરડાની અંદર જવાની તેની હિંમત ચાલી નહિ. પરંતુ તેના પગના ઝાંઝરનો ઝણકાર પેલા તેજસ્વી યુવાને સાંભળ્યો અને તે ચોંકી ગયો. તેણે પાછું વળીને મોટે સાદે પણ મીઠાશથી કહ્યું, ‘અરે, તમે તો મારા અધ્યયનમાં ભંગ પાડી દીધો ! હું શ્લોકો મોઢે કરી રહ્યો હતો. તમને કહેલું તો છે કે, મારો શાસ્ત્રનો અભ્યાસ પૂરો થશે, ત્યારે આપણે ચોથો ફેરો ફરવાનો છે. માટે ઓરડો બંધ કરીને ઘરનું કામ કરો. સમય આવશે, એટલે એ બધું સારું થશે. ધીરજનાં ફળ મીઠાં છે.’

વહુને હવે સમજાયું કે, સાસુજીએ સાતમો ઓરડો ઉઘાડવાની મના કેમ કરી હતી? તેનું રહસ્ય તેને સમજાઈ ગયું હતું. તેથી મનમાં પ્રસન્ન થઈને ઓરડો બંધ કરી દીધો અને ઘરકામમાં લાગી ગઈ.

આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને ભાવિકો વ્રતનાં ઉજવણાં કરવા માંડ્યાં. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ પણ વ્રત રૂડી રીતે ઊજવ્યું. વહુના મનમાં થયું કે, હવે મારા પતિ માટે સાસુ-સસરાને પૂછું. તેણે સાસુ-સસરા પાસે જઈને કહ્યું, ‘મારે મારા પતિ સાથે હવે ચોથો ફેરો ક્યારે ફરવાનો છે?’

બ્રાહ્મણ-બ્રાહ્મણી ગભરાયાં કે, વહુએ પાછી વરની વાત કાઢી. દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફેરવી શકાય છે? હવે તો તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. તેમણે વહુને કહ્યું, ‘વહુ, તમે ફિકર ન કરો. મનની ઇચ્છા પૂરી થઈ જશે?

વહુ ઘરકામમાં લાગી ગઈ અને બ્રાહ્મણ-બ્રાહ્મણીએ પૂજાના ઓરડામાં જઈ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને ‘શ્રીકૃષ્ણ: શરણં મમ’ની ધૂન લગાવતા બેઠાં. ભગવાનના નામની ધૂનમાં તેમને ખાવાપીવાનું પણ ભાન નહોતું. એ જ સાંજે સાતમા ઓરડાનાં બારણાં જોરદાર અવાજ સાથે આપોઆપ ખૂલી ગયાં ને બન્ને ચોંકીને ઊભાં થઈ ત્યાં જોવા ગયાં. વહુ પણ અવાજ સાંભળીને સાતમા ઓરડા આગળ જોવા ગઈ હતી. પણ આ શું ચમત્કાર !

સાતમા ઓરડામાંથી મહાતેજસ્વી પુરુષોત્તમ પ્રભુ બહાર નીકળ્યા. તેમણે પીળું પીતાંબર પહેરેલું હતું, પગે ચાખડીઓ પહેરેલી હતી અને અંગ ઉપર વિવિધ આભૂષણો ધારણ કરેલાં હતાં.

બ્રાહ્મણ-બ્રાહ્મણી સમજી ગયાં કે, તેમના પુરુષોત્તમ વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ પુરુષોત્તમ ભગવાને આ લીલા કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે.

વહુના હરખનો પાર નહોતો. તે દોડીને તેજસ્વી પુરુષને પગે પડી. બ્રાહ્મણ-બ્રાહ્મણી પણ તેમને પગે પડયાં અને ગળે લગાવ્યાં.

એ જ રાતના બ્રાહ્મણના ઘરના આંગણામાં ચોરી રચાઈ, શરણાઈના સૂરો રેલાવા લાગ્યા. ચોરીમાં વર-કન્યા સામસામે બેઠાં હતાં. ગોર મહારાજે વિધિપૂર્વક તેમને હસ્તમેળાપ કરી ચોથો ફેરો ફરાવ્યો. આમ લગ્નવિધિ પૂરી થતાં વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણ-બ્રાહ્મણી પણ હર્ષ પામ્યાં કે, પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે આવી જ રીતે પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરનાર, વ્રત કરનાર અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા