જય શ્રીકૃષ્ણ મિત્રો, વર્તમાન સમયે અધિકમાસ ચાલી રહ્યો છે. અને આપણે તેની વ્રત કથાઓ વાંચી રહ્યા છીએ. આજના આ લેખમાં આપણે અધિકમાસની સાતમી અમૃતકથા વાંચવાના છીએ. જેનું શીર્ષક છે – તરત દાન મહાપુણ્ય.
એક ગામમાં અતિસુખશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે પાકો વસ્તારી હતો. સંતાનમાં પાંચ છોકરા હતા. સંતાને સુખી હતો પણ પૈસેટકે દુ:ખી હતો. તેની ફોઈએ તેનું નામ પાડયું હતું તેનાથી વિપરિત તેની હાલત હતી.
ભિક્ષાવૃત્તિમાં કોઈ દહાડો વધારે મળે, કોઈ દહાડો ઓછું મળે અને ક્યારેક બ્રાહ્મણ ખાલી ઝોળી લઈને ઘેર આવે, ત્યારે બધાયને ભૂખે ટીચાવું પડે. આથી બાહ્મણી ઘણી વાર કકળાટ કરતી કે, ગામમાં તમારું કંઈ ન વળે તો જંગલમાં જઈ બાવા બનીને બેસો.
બ્રાહ્મણ ગયો જંગલમાં. ભૂખે-તરસે પિડાતો તે એક સંન્યાસીની ઝૂંપડીએ જઈને ઊભો રહ્યો. તેણે સંન્યાસીને પોતાની દુઃખદ કર્મકહાણી સંભળાવી અને પોતે જીવન ટુંકાવી નાખવા માગે છે તે અંતિમ નિર્ણય પણ જણાવી દીધો.
સંન્યાસી બોલ્યા, ‘હે ભૂદેવ ! આપને આપનું દારિદ્ર ટાળવું હોય તો આ વર્ષે આવતા અધિકમાસ – પુરુષોત્તમમાસમાં ભગવાન પુરુષોત્તમની આરાધના કરો. આખો પુરુષોત્તમ માસ રોજ પ્રાતઃકાળે નદીએ જઈને સ્નાન કરો. દિવસભર પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરો, બની શકે તો દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિકગણું પામશો. આજથી પંદર દિવસ પછી અધિક માસ બેસે છે. વ્રત કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાનો આ સુઅવસર ચૂકશો તો પસ્તાશો.

બ્રાહ્મણે કહ્યું, ‘હે મહાત્મન્ ! આપના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના ભરોસે હું મારે ઘેર પાછો જાઉં છું. અધિક માસ આવતાં હું અને મારી પત્ની શ્રદ્ધાપૂર્વક વ્રત કરીશું, એકટાણા કરીશું, વ્રતકથા સાંભળીશું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરીશું.’
બ્રાહ્મણે જતી વેળાએ સંન્યાસીનાં ચરણનો સ્પર્શ કરી ચરણરજ માથે ચઢાવી, સંન્યાસીએ તેના મસ્તકે જમણો હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ત્યાંથી હરખભેર નીકળી બ્રાહ્મણ પોતાને ઘેર ગયો. તેને ખાલી હાથે આવેલો જોઈ બ્રાહ્મણીએ પૂછ્યું, ‘મોટા ઉપાડે ગયા હતા તો શું લઈને આવ્યા?’
બ્રાહ્મણે કહ્યું, ‘મહાત્માના આશીર્વાદ લઈને આવ્યો છું. એવા આશીર્વાદ કે થોડા જ સમયમાં આપણી દરિદ્રતા મટી જશે.’ એમ કહી બ્રાહ્મણે પત્નીને પુરુષોત્તમમાસનો મહિમા સમજાવ્યો.
બ્રાહ્મણ-બ્રાહ્મણીએ એ જ વખતે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો.
હજુ અધિકમાસની બેસવાની વાર હતી, છતાં બ્રાહ્મણ-બ્રાહ્મણી પુરુષોત્તમ પ્રભુનું રટણ કરી રહ્યાં હતાં અને ભગવાનનું નામ માત્ર લેવાથી બ્રાહ્મણને દરરોજ ઘણું સીધું મળવા લાગ્યું. સવારના પહોરમાં જ દાળ, ચોખા અને લોટથી તેની ઝોળી ભરાઈ જતી હતી.
બે દિવસ પછી બ્રાહ્મણ પેલા સંન્યાસી પાસે ગયો અને તેમની પાસેથી પુરુષોત્તમ વ્રત વિધિ, પુરુષોત્તમમાસની કથા, કાંઠાગોરની વાર્તા, વગેરે સાંભળી પોતે બધું યાદ કરી લીધું અને અધિક માસ બેસતાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત આદર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો, ત્યારે ભાવિક સ્ત્રીઓને કાંઠાગોરની વાર્તા સંભળાવતો અને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો. આમાં એને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળવા લાગ્યાં.

આખો પુરુષોત્તમ માસ બ્રાહ્મણ-બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને કથા-કીર્તનથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા વધાર્યો. આ દરમિયાન તેને એક વર્ષ ચાલે એટલું અનાજ અને પૈસા મળી ગયા હતા. હવે બ્રાહ્મણ જ્યાં જતો ત્યાં તેને માન મળતું હતું. તે મોટા કથાકાર તરીકે પ્રસિદ્ધ થયો હતો.
આ બ્રાહ્મણની પાડોશમાં એક લખપતિ વણિક રહેતો હતો. તેને પરણ્યાને પંદર વર્ષ થયાં હતાં, આ દરમિયાન તેની પત્નીએ પાંચ પુત્રીને જન્મ આપ્યો હતો. લાખ્ખોની મિલકત ભોગવવા એક પણ વારસદાર નહોતો. તેથી શેઠ-શેઠાણી હંમેશાં પુત્ર માટે ઝંખના કરતાં હતાં. શેઠ-શેઠાણી ધર્મમાં માનતા નહિ, પુણ્ય દાનમાં માનતાં નહિ, દયા જેવું તો તેઓના દિલમાં હતું જ નહિ. તેથી તેમના મનની ઈચ્છા પૂરી થતી નહિ. સમય વહેતાં શેઠાણીએ વધુ બે પુત્રીને જન્મ આપ્યો, પુત્રની આશા ન જ ફળી. પાંચ ને બદલે સાત દીકરી થઈ ગઈ, શેઠાણી આઠમી સુવાવડની તૈયારીમાં હતાં.
અધિક માસ આવવાની તૈયારી હતી, તેથી અતિસુખશંકર બ્રાહ્મણે ઘર-આંગણે રોજ પુરુષોત્તમ માહાત્મ્ય કહેવાનું શરૂ કર્યું હતું. તે મધુર કંઠે પુરુષોત્તમ મહિમા અને અધિક માસની અમૃતભરી વાર્તાઓ કહેતો હતો. તે સાંભળીને શેઠ-શેઠાણીએ અને ઘણાં સ્ત્રી-પુરુષોએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
જોતજોતામાં પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો ને શેઠ-શેઠાણીએ પૂર્ણ શ્રદ્ધાથી રોજ સ્નાન, ધ્યાન, દાન કરવા માંડયું. બન્ને રોજ નદીએ સ્નાન કરી આવી, પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ કરી, વ્રત કથા સાંભળી એકટાણું કરતાં ને આખો દિવસ પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતાં. રાતના સૂતી વખતે બન્ને પ્રાર્થના કરતાં કે, ‘હે પુરુષોત્તમ ભગવાન ! નોધારાના આધાર ! અમને એક ખોળાનો ખૂંદનાર આપો. અમારો વંશવેલો રહે એવી કૃપા કરો.’
પેલો બ્રાહ્મણ અતિસુખશંકર રોજ રાતના સૂતી વખતે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતો કે, ‘હે પુરુષોત્તમ ભગવાન ! દયાના સાગર ! મારી દરિદ્રતા ટાળો….’
પુરુષોત્તમ ભગવાને બન્નેનાં દુઃખ ટાળવાનો નિશ્ચય કર્યો. બરાબર અધિક માસની પવિત્ર એકાદશીને દિવસે પેલા શેઠને સ્વપ્નું આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાને તેને કહ્યું, ‘હે વણિક ! તારામાં દયા નથી, તું દાન નથી કરતો, તેથી તારું પુત્ર-દુઃખ મટતું નથી. તારી ઇચ્છા સુવર્ણ દાનથી પૂરી થશે. તેં મારું વ્રત કર્યું છે, મારું સ્મરણ કર્યું છે, તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. મારા કહેવા પ્રમાણે તું વર્તીશ તો આ વખતે પુત્રનું મોઢું જોવા ભાગ્યશાળી થઈશ.’
શેઠે તેમ કરવા કબૂલ્યું, એટલે ભગવાને કહ્યું, ‘પૂનમને દિવસે તારી પત્ની એક પુત્રને જન્મ આપશે, તે પુત્રના ભારોભાર સોનામહોરો તોલીને તારી પાડોશમાં રહેતા મારા ભક્ત અતિસુખશંકર બ્રાહ્મણને આપી આવજે.’
સ્વપ્નાની વાત શેઠને યાદ રહી ગઈ. તેમણે વિચાર્યું કે, જો આ વખતે શેઠાણી પુત્રને જન્મ આપે તો તેના ભારોભાર સોનામહોરો તોલીને પડોશી કથાકાર બ્રાહ્મણને આપવી.
પૂનમને દિવસે ખરેખર શેઠાણીએ રૂપાળા પુત્રને જન્મ આપ્યો અને શેઠના આનંદની અવધિ રહી નહિ. તેમણે છોકરાના ભારોભાર સોનામહોરો તોલીને અતિસુખશંકર બ્રાહ્મણને આપી અને પોતાના સ્વપ્નાની હકીકત સંભળાવી. આથી બ્રાહ્મણને અત્યંત હર્ષ થયો.
પુરુષોત્તમ વ્રતના પ્રભાવથી બન્નેનાં દુઃખ દૂર થઈ ગયાં.
હે પુરુષોત્તમ ભગવાન ! તમે બ્રાહ્મણ અને વણિકને દુઃખ-મુક્ત કર્યા તેવા તમારું પુરુષોત્તમ વ્રત કરનાર, વ્રતકથા વાંચનાર અને સાંભળનારને ફળજો.


