અધિકમાસ કરનારને ભગવાને છાપરું ફાડી ધન આપ્યું, વાંચો અધિક મહિનાની અમૃતકથા, Adhik Maas katha 9 Gujarati

શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.

મિત્રો આજે અમે અધિક માસની અમૃત કથાની શ્રેણીમાં નવમી અમૃત કથા ઉમેરીએ છીએ, જેનું શીર્ષક છે – ધન જેના ભાગ્યનું હોય તેને જ મળે.

એક ગામમાં એક કાબેલ સુથાર પોતાના બહોળા પરિવાર સાથે રહેતો હતો. કાષ્ઠમાંથી તે કલાત્મક અવનવા ઘાટ ઘડતો હતો, પરંતુ તેને મહેનતના પ્રમાણમાં દામ મળતાં નહોતાં. તેને કુલ નવ સંતાન હતાં. બે પુત્ર અને સાત પુત્રી હતાં. નવ સંતાન, પોતે અને પોતાની પત્ની મળીને કુલ અગિયાર જણનું તે માંડ માંડ પૂરું કરતો હતો.

છોકરીની જાતને વધતાં વાર કેટલી, જેમ ઉકરડો વધતો જાય તેમ છોકરી વધતી જાય. જેમ જેમ છોકરી મોટી થવા માંડી તેમ તેમ સુથારે દેવું કરીને પણ તેને પરણાવવા માંડી. બહુ દુઃખ વેઠીને, મોટું કરજ કરીને સાતે છોકરીને પરણાવી, તેણે માથેથી મોટો બોજો ઉતારી દીધો હતો.

સુથારને હવે ઘરખર્ચ ઓછો આવતો હતો, પરંતુ પરણાવેલી છોકરીઓમાંથી કોઈ ને કોઈ પિયરમાં આવતી જ હોય. એટલે તેની મુશ્કેલી ઓછી થઈ નહિ. પરણીને તે પૂરેપૂરો પસ્તાયો હતો. આમ ને આમ ઘરડો થયો, પરંતુ સુખે બેસવાનો વખત આવ્યો નહોતો. આવું હોય ત્યાં તેને ભગવાનનું નામ લેવાનું સૂઝે જ ક્યાંથી? તેને મનમાં થયું, જવાનીમાં ભગવાનને ભજ્યા નહિ, હવે જો ઘડપણમાં ભગવાનને ભજીશ નહિ તો જન્મારો વૃથા ગણાશે. તેથી તે ધીમે ધીમે દેવદર્શને અને કથા-કીર્તન સાંભળવા જવા લાગ્યો.

રોજ રોજ કથામાં પ્રભુ નામસ્મરણનો અને પ્રભુ ભક્તિનો અપાર મહિમા સાંભળી તેનું મન ભક્તિ તરફ વધુ વળવા લાગ્યું. હવે તે પોતાના કામ ઉપર પણ ધ્યાન આપતો નહિ, તેથી ઘર ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. તેણે સાંભળ્યું હતું કે, જે શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તેની સર્વ ફિકર ભગવાન રાખે છે, તે સર્વનું પોષણ કરે છે. તેની પત્ની પણ કથા સાંભળતી હતી, તેથી તેનું મન પણ ધર્મમાં, વ્રત વગેરે કરવામાં લાગ્યું હતું.

એવામાં અધિક માસ બેઠો, પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો. કથાકારે આગલા દિવસે જ અધિક માસનું માહાત્મ્ય કથામાં સંભળાવ્યું હતું, તેથી બન્નેએ અધિક માસના પ્રથમ દિવસથી જ પુરુષોત્તમ વ્રત આદર્યું. બન્ને પ્રાતઃકાળે પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતાં કરતાં નદીએ ગયાં, સ્નાન કરીને કાંઠાગોરનું પૂજન કર્યું, કાંઠાગોરની વાર્તા સાંભળી. પછી ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની છબી આગળ ઘીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ કરી ધ્યાન કરવા બેઠાં.

સુથાર-સુથારણે આમ સ્નાન અને ધ્યાન તો કર્યું પણ દાન કરવાનું બાકી હતું. તે વગર વ્રત ફળે નહિ. દાન આપે પણ ઘરમાં પૈસોટકો કે અનાજ ન હતું તો શું આપે, તોપણ તેમણે ઉછીનું અનાજ લાવીને પાડોશમાં રહેતા એક બ્રાહ્મણને સીધું આપવાનો નિર્ણય કર્યો.

તેમને એક ભલા ખેડૂતે ગમે ત્યારે નાણાં આપવાની શરતે ઘણું જાતજાતનું અનાજ આપ્યું. આથી બન્ને રોજ શ્રદ્ધાપૂર્વક સ્નાન, ધ્યાન અને દાન કરવા લાગ્યાં. વ્રતના પચ્ચીસ દિવસ તો તેમણે ભગવાનની ખૂબ જ ભક્તિ કરીને રૂડી રીતે પસાર કર્યા પણ હવે ઘરમાં અનાજનો દાણો પણ નહોતો તો દાન શેનું કરવું? બન્ને તેની ચિંતા કરવા લાગ્યાં.

એવામાં સુથાર કુદરતી હાજતે સવાર થતાં પહેલાં હાથમાં જળ ભરેલો લોટો લઈને વગડામાં એક ઢાળવાળી જગ્યાએ જઈને બેઠો, ત્યાં આગળ એક ખાડો હતો, તેમાંથી ઝળહળતો પ્રકાશ નીકળતો જોઈ તે આશ્ચર્યમાં પડી ગયો. જતી વખતે માટી વડે હાથ ધોઈ તે ખાડા આગળ ગયો તો તેમાં હીરા ઝળકી રહ્યા હતા.

સુથારના મનમાં થયું કે, જરૂર તેનાં વ્રત અને ભક્તિથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે ને ગુપ્ત રીતે લાભ આપ્યો છે. તેને લાગ્યું કે, આખો ખાડો હીરાથી ભરેલો હશે તેથી તેણે ખાડામાં પડેલા હીરાઓ લઈ ધોતિયાના છેડે બાંધી દીધા, પછી એક ડાળી વડે ખાડાને ઊંડો ખોદ્યો તો તેમાં એક તાંબાનો ચરુ દાટેલો દેખાયો. ચરુના મુખ ઉપર લૂગડું બાંધેલું હતું. તેણે લૂગડું છોડયું તો અંદર ચાંદીના રૂપિયા ભરેલા હતા.

ધન જોઈને ભલભલા ચળી જાય, પરંતુ ધર્મ-વ્રતમાં ઊંડો ઊતરેલો સુથાર તેનાથી લોભાયો નહિ. તેને કથાકારનાં વચનો યાદ આવ્યાં કે, પ્રભુનો ખરો ભક્ત તે જ કહેવાય જે ‘પરધનને પથ્થર સમ જાણે, પરસ્ત્રીને માત સમ ગણે.’

સુથારે તો પેલા હીરાઓ પણ તે ચરુમાં રાખી દીધા ને પછી તેનું મોઢું લૂગડાથી બાંધી તેના ઉપર માટી નાખી ખાડો પૂરી દીધો. તેણે પરધનને હાથ લગાડ્યો હતો તે ખરું પણ તેમાંથી તેણે કંઈ જ લીધું નહોતું. તેણે ઘેર જઈને તેની પત્નીને ગુપ્ત ધનની – ચરુની વાત કરી, અને પોતે પરધનને પથ્થર સમ જાણી તે લીધા વગર આવ્યો છે તેમ જણાવ્યું,

ત્યારે સુથારણે કહ્યું, ‘તમે તો વેવલાના વેવલા જ રહ્યા, એ ગુપ્ત ધન બીજા કોઈને કેમ ન દેખાયું ને તમને જ દેખાયું? આ તો આપણા વ્રતથી, આપણી ભક્તિથી પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈ આપણી ગરીબી ટાળવા માટે આપ્યું છે, માટે ત્યાં જઈને બધું ઘરભેગું કરી દો. આપણાથી હવે કંઈ કામ-ધંધો તો થતો નથી તો હાથમાં આવેલો લાભ શા માટે ગુમાવો છો?’

સુથારે કહ્યું, ‘ભગવાનને આપવું હોય તો ઘર બેઠા આપે. એ તો કોઈએ ત્યાં ચરુ દાટ્યો હશે ને મારા જોવામાં આવ્યો. તેને હું ભગવાનની ભેટ કેમ માની લઉં? ભગવાનને આપવું હોય તો ઘરનું છાપરું ફાડીને ધન વરસાવે.’

સુથારણે બહુ બળાપો કર્યો, પરંતુ સુથાર તે ગુપ્ત ધન લેવા જવા તૈયાર થયો નહિ અને કહેવા લાગ્યો, ‘એ ધનની પંચાતમાં આપણે વ્રત-નિયમ ચૂકી જઈશું. નદીએ નહાવા જવાનો સમય થયો છે. માટે એ બધી પંચાત મૂકીને નદીએ ચાલ. ધનમાં જીવ રાખીશું તો ધર્મ ચૂકી જઈશું.’

થોડી વાર આ અંગે સુથાર-સુથારણ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. તેઓ એટલા બધા મોટા અવાજે બોલતા હતા કે, તેમની પાડોશમાં રહેતો વાલજી વાળંદ બધી વાત સાંભળતો હતો. તેણે આ લાભ ઉઠાવવા વિચાર્યું. તે પહેલેથી આ સુથાર-સુથારણ ઉપર અદેખાઈથી બળતો હતો. જ્યારે સુથાર-સુથારણ ગુપ્ત ધન ન લઈ આવવા સંમત થયાં ને નદીએ નહાવા ચાલ્યાં ગયાં તે પછી થોડી જ વારમાં પેલો વાળંદ તેની પત્નીને લઈ વગડામાં સુથારે બતાવેલી જગ્યા આગળ ગયો પણ ખાડો ક્યાં છે તેની શી ખબર પડે?

તેથી બન્ને અજવાળું થવાની રાહ જોતાં ત્યાં ઢાળ ઉપર જ બેઠાં અને જ્યારે ધીમે ધીમે પ્રકાશ પથરાવા માંડ્યો, ત્યારે શોધ કરતાં તેમને તે ખાડો માટી પૂરી દીધેલી હાલતમાં જોવા મળ્યો. બન્નેએ ત્યાંથી માટી ખોદી કાઢી તો અંદર લૂગડું બાંધેલો ચરુ જોવા મળ્યો. બન્ને રાજીના રેડ થઈ ગયા. પરંતુ ચરુનું લૂગડું ખોલતાં જ બન્ને ચોંકી ગયાં. ચરુમાં તો મોટા વીંછીઓ ખદબદતા હતા. તેમાં હીરા, સોનામહોરો કે રૂપિયા કશું જ હતું નહિ.

આખો ચરુ વીંછીથી ભરેલો લાગતો હતો. હજુ વીંછીઓ બહાર આવ્યા નહોતા, તેથી વાળંદે ચરુ ઉપર કોડિયું ઢાંકી તેના મુખ ઉપર લૂગડું બાંધી દીધું, ને ત્યાંથી પાછો જવા તૈયાર થયો તો તેની પત્નીએ કહ્યું, ‘આ ચરુને સાથે લઈ લઈએ અને સુથારના ઘરના છાપરાની વળીઓ ખસેડીને તેના ઘરમાં બધા વીંછીઓ ઠાલવી દઈએ. આપણને તે લોકો સાથે અણબનાવ છે તો તેઓને બરાબર હેરાન કરીએ.’

વાળંદ તો એ ચરુને પછેડીમાં બાંધી પોતાને ઘરે લઈ આવ્યો. સુથાર-સુથારણ ત્રણ કલાક પછી નદીએ નાહીને ઘેર આવ્યાં ને પછી ભગવાનનું ધ્યાન ધરવા બેસી ગયાં. સુથારણે આવતી વખતે એક ઠેકાણેથી વાડકી ચોખા મેળવી લીધા હતા, એટલે તેઓને આજના દાનની ચિંતા નહોતી. ધ્યાન ધરીને સુથારણ પેલા બ્રાહ્મણને વાડકી ચોખા આપી આવી. આજે ઘરમાં કંઈ ન હતું, એટલે બન્ને આખો દિવસ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરીને સાંજના ભૂખ્યા પેટે ખાટલા ઢાળીને ઘરમાં સૂઈ ગયાં.

રાત પડતાં પેલા વાળંદે પેલો ચરુ તેના ઘરના છાપરે ચઢાવ્યો ને પછી સુથારના છાપરાનાં થોડાંક નળિયાં ખસેડી, વળીઓ આસ્તે-આસ્તે ખસેડીને પેલા ચરુને ત્યાં લઈ જઈ તેના મોઢે બાંધેલું લૂગડું છોડી નાખ્યું ને ચરુને છાપરાના પોલાણમાં ઊંધો વાળી દીધો. જ્યારે ચરુ ખાલી થઈ ગયો, ત્યારે તેને પોતાના ઘરમાં લઈ જઈને ખૂણામાં રાખી દીધો. તે સમજ્યો કે, સુથારના ઘરમાં બધા વીંછીઓ ઠાલવી દીધા છે, તેથી સુથાર-સુથારણને એવા ડંખ મારશે કે, બન્ને સવાર થતાં સુધીમાં રામશરણ થઈ જશે. તેની પત્ની પણ આવું સમજીને મનમાં બહુ મલકાઈ રહી હતી.

સુથાર-સુથારણ પોતપોતાના ખાટલામાં જાગતાં સૂતાં હતાં ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરી રહ્યાં હતાં, એવામાં વાળંદે ચરુ તેના ઘરમાં ઠાલવ્યો તો ચરુમાંથી ખણ ખણ કરતાં રૂપિયા ને હીરા તેના ઘરમાં પડ્યા. તરત જ સુથાર બેઠો થઈ ગયો અને તેની પત્નીને કહેવા લાગ્યો, ‘જોયું ને ભગવાને છાપરું ફાડીને ધન આપ્યું ને !’

સુથારણે કબૂલ કર્યું કે, ભગવાન તેના સાચા ભક્તને ગમે તે પ્રકારે મદદ કરે છે. પોતાના પતિની ઇચ્છા પ્રમાણે ભગવાને ધન આપ્યું. એમની શ્રદ્ધા ફળી.

બન્નેએ રૂપિયા વીણી લીધા ને તેને એક ખાલી કોઠીમાં રાખી દીધા. ને જે હીરા હતા તે સુથારે એક હાટિયામાં સાચવીને રાખી દીધા. પછી બન્ને ભગવાનનું રટણ કરતાં કરતાં નિદ્રાને આધીન થઈ ગયાં.

સુથારે બીજે દિવસે પેલા હીરાઓમાંથી એક હીરો લઈ જઈને નજીકના શહેરમાં એક ઝવેરીને વેચ્યો તો તેને તેના બે હજાર રૂપિયા મળ્યા. તેને હજુ વ્રતનું ઉજવણું કરવાનું બાકી હતું. તેથી પ્રથમ બ્રાહ્મણને લાડવા જમાડવા માટે તમામ સામગ્રી લઈ આવ્યો ને સુથારણે એક બ્રાહ્મણને બોલાવી તેની પાસે બ્રાહ્મણિયા રસોઈ કરાવી પંદર બ્રાહ્મણને જમાડ્યા ને દરેકને એકેક રૂપિયો આપી રાજી કરીને વિદાય કર્યા. એ દિવસે સુથાર-સુથારણે પુષ્કળ દાન કર્યું.

થોડા જ સમયમાં સુથારે ત્યાં એક મોટું મકાન બંધાવી દીધું ને તેમાં તેની પત્ની સાથે સુખ-ચેનથી રહેવા લાગ્યો. બન્નેએ જીવ્યાં ત્યાં સુધી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કર્યું તેથી તેમની સદ્દગતિ થઈ.

હે પુરુષોત્તમ ભગવાન ! તમે જેવા સુથાર-સુથારણ પર પ્રસન્ન થયા તેવા તમારું વ્રત કરનારને, સ્નાન, ધ્યાન-દાન કરનારને અને વ્રતકથા વાંચનાર-સાંભળનારને ફળજો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા