પટેલને ભગવાન સદેહે સ્વર્ગમાં લઈ ગયા, વાંચો અધિક મહિનાની અમૃતકથા, Adhik Maas ni katha 8

જય શ્રીકૃષ્ણ મિત્રો. આજે અમે તમારા માટે અધિક માસની આઠમી અમૃત કથા લઈને આવ્યા છીએ, જેનું શીર્ષક છે – સદેહે સ્વર્ગગમન.
આઠમી અમૃતકથા આ પ્રમાણે છે.

પરભુ પટેલને પરમકૃપાળુ પરમાત્માની પ્રસન્નતાથી પાંચ પુત્રો હતા. ધંધો ખેતીવાડીનો, એટલે ઘરનું ગાડું સારી રીતે ગબડતું હતું.

પટેલ પુરુષોત્તમ ભગવાનને રોજ પૂજતા હતા, ભજતા હતા. ધર્મ ઉપર તેમને સારો ભાવ હતો. ધર્મનો મહિમા તે સમજતા હતા.

આ વખતે પટેલે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો. અધિક માસ બેસતાં તેમણે વ્રત આદર્યું. રોજ સ્નાન, ધ્યાન અને દાન કરવા લાગ્યા. આખો દિવસ પૂજા-પાઠ કરવા લાગ્યા. રાતના સૂતી વખતે પણ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા હતા.

પુરુષોત્તમ ભગવાન સાચા ભક્ત ઉપર ઝટ પ્રસન્ન થઈ જાય. પરભુ પટેલના વ્રત-ધર્મથી તેઓ પ્રસન્ન થયા અને જુદા સ્વરૂપે પટેલના ઘરના ચોકમાં જ્યાં બાજરીનો ઢગલો પડયો હતો ત્યાં આવ્યા ને તેમની દિવ્ય દ્રષ્ટિ બાજરીના ઢગલા ઉપર પડતાં જ બાજરાના બધા દાણા મોતીના દાણા બની ગયા.

આ વખતે પટેલ ઘરમાં બેસી પ્રભુના નામની માળા ફેરવી રહ્યા હતા. તેમની નજર ચોકમાં મોતીના ઢગલા પર પડી, ત્યાં એક માણસ ઊભો હતો અને તેની આસપાસ પ્રકાશનું વર્તુળ હતું. આથી પટેલ સમજી ગયા કે, બાજરીના મોતી પુરુષોત્તમ પ્રભુ વગર કોણ બનાવે? તે તો બહાર દોડી આવ્યા ને પ્રભુના ચરણોમાં માથું ઢાળી દીધું.

ભગવાને તેના માથે હાથ સ્થાપી કહ્યું, ‘હે ભક્ત! તારી જે ઇચ્છા હોય તે કહે. હું તારી ભક્તિથી તારા પર અતિ પ્રસન્ન થયો છું. જે જોઈએ તે માગી લે.’

પરભુ પટેલ ઊભા થઈ ભગવાન સામે બે હાથ જોડી કહેવા લાગ્યા, ‘ભગવાન ! આપે તો મારી માગણી પહેલાં જ મારા ઘરમાં મોતીનો વરસાદ વરસાવી દીધો. પરંતુ હું ધનમાલને ઇચ્છતો નથી, પ્રભુ ! ઘણા વખતથી મને જીવતે જીવત સ્વર્ગપુરી જોવાની ઇચ્છા છે. તે જો પાર પાડો તો મારા મનખાદેહને સફળ થયેલો માનીશ. મારે વૈકુંઠ જોવું છે.’ પુરુષોત્તમ ભગવાને ભક્તની મહેચ્છા પૂર્ણ કરવા અંતરિક્ષમાંથી દિવ્ય વિમાન મંગાવ્યું ને તેમાં પરભુ પટેલને બેસાડી પોતે પણ બેઠા. તે વિમાન પળવારમાં વૈકુંઠમાં પહોંચી ગયું.

પરભુ પટેલ તો વૈકુંઠની શોભા જોઈ મુગ્ધ બની ગયા. ત્યાં ગોલોક જોઈ પ્રસન્ન થયા, બ્રહ્મપુરીનાં દર્શનથી તેમનું હૃદય નાચી ઊઠ્યું અને જ્યારે ભગવાને પટેલને સોહામણી સ્વર્ગપુરી બતાવી, ત્યારે તો પટેલ હરખથી નાચી ઊઠ્યા. આવી રીતે પટેલને એ બધું જોવાનો લહાવો પણ મળ્યો.

સાત દિવસમાં પરભુ પટેલે બધા યે લોકના ને સર્વ દેવપુરીનાં દર્શન કરી લીધાં. ભગવાને તેમની સદેહે સ્વર્ગ જોવાની ઇચ્છા પાર પાડી હતી. પરભુ પટેલ આમ સ્વર્ગપુરીમાં મહાલી રહ્યા હતા, ત્યારે તેમના ઘેર તેમની પટલાણી ને પાંચે ય છોકરા તેમને ગાયબ થયેલા જોઈ મુંઝાઈ ગયા હતા કે, ‘માળા ફેરવતા ફેરવતા પટેલ ગયા ક્યાં?’

પરભુ પટેલ તો સદેહે સ્વર્ગમાં મહાલવા ગયા હતા તેની આ લોકોને શી ખબર? બધાએ પટેલની ચારે બાજુ તપાસ કરી, પરંતુ પૃથ્વીના પટ પર પરભુ પટેલ હોય તો પત્તો મળે ને? આખરે ગામના એક પંડિતે એમ કહ્યું કે, ‘પટેલ જો હયાત હશે તો એક પખવાડિયામાં તમારી પાસે આવીને હાજર થઈ જશે, તે દરમિયાન ઘેર પાછા ન ફરે તો તેમના નામનું નાહી નાખી શ્રાદ્ધ ક્રિયા કરજો.’

પટેલના મુવા-જીવતાના કંઈ સમાચાર આવ્યા નહિ, તેથી મૃત્યુ પાછળ થતા ક્રિયાકર્મને કરવા માટે પેલા પંડિતને ઘરે બોલાવી લાવ્યા. પંડિતે ઘરમાં લીંપણ કરાવ્યું ને ગોમૂત્ર છંટાવી પવિત્ર કર્યું….. ત્યાં તો પરભુ પટેલ આંગણામાં આવીને ઊભા રહ્યા.

સ્વર્ગમાંથી દૈવી વિમાન તેમને ઘર આગળ ઉતારી ગયું હતું. પટેલે જોયું તો ઘરમાં મૃત્યુ પછીની ક્રિયા થઈ રહી હતી.

પટેલને એકાએક આવેલા જોઈ પટલાણી ડઘાઈ ગઈ અને છોકરાઓ તો ભૂત…. ભૂત કહી રાડો પાડવા માંડ્યા. પેલો પંડિત પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.

પટેલે પંડિતને કહ્યું, ‘મહારાજ ! હું ભૂત-બૂત નથી પણ જીવતો જાગતો પરભુ પટેલ છું. આ તો પુરુષોત્તમ ભગવાન મારા પર પ્રસન્ન થઈને મને વૈકુંઠપુરીમાં લઈ ગયા હતા, મને સદેહે સ્વર્ગપુરીનાં દર્શન કરાવવા લઈ ગયા હતા. તમને વિશ્વાસ નહિ બેસે પણ ભગવાન જાતે દૈવી વિમાન લઈને મને તેડવા આવ્યા હતા.’

‘પરભુ પટેલ ! આપની વાત જો સાચી હોય તો અમને બધાને સ્વર્ગપુરી જોવાની ઇચ્છા છે. આપ જો ભગવાનને અરજ કરીને અમારી એ ઇચ્છા પૂરી કરો તો આપ સાચા, જો તેમ નહિ થાય તો આપ મરીને ભૂત થયા છો તેવું જાણી આપના મૃત્યુ પાછળની બધી ક્રિયાઓ કરીશું.’

પરભુ પટેલ પૂજાના ઓરડામાં ગયા અને પુરુષોત્તમ ભગવાનની છબી આગળ દીવો કરી, અગરબત્તીનો ધૂપ કરી પ્રાર્થના કરવા માંડી, ‘હે દીનાનાથ, પુરુષોત્તમ પ્રભુ ! હું સ્વર્ગની યાત્રા કરી આવ્યો તે વાત અહીં કોઈ માનતું નથી. તે બધા કહે છે કે, અમને સદેહે સ્વર્ગપુરી દેખાડી આવો તો વાત સાચી માનીએ. આ વાત મારા હાથની નથી, શું આપ બધાને સ્વર્ગપુરી દેખાડશો?’ આટલું કહેતાં પરભુ પટેલની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યા. ખૂબ જ રડયા.

પુરુષોત્તમ પ્રભુને ભક્તની ચિંતા થઈ. તેઓ ગરુડે બેસીને સ્વયં પરભુ પટેલના આંગણામાં ઊતર્યા. પ્રભુનું ઝળહળતું તેજ જોઈ બધા અંજાઈ ગયા. તેઓ ‘જય ભગવાન…જય ભગવાન’ બોલવા લાગ્યા. તે સાંભળીને પરભુ પટેલ બહાર આવ્યા તો સાક્ષાત ભગવાનને આવેલા જોયા. તેણે ભગવાનને નમન કરી કહ્યું, ‘ભગવાન! આપે મારી અરજ સાંભળી ખરી.’ પછી તેણે પોતાની પત્ની, પાંચ પુત્રો તથા પેલા બ્રાહ્મણ-પંડિત તરફ આંગળી ચીંધી ભગવાનને કહ્યું, ‘હે પરમકૃપાળુ ! આ બધાને સદેહે સ્વર્ગની યાત્રા કરવી છે, માટે બધાંને એક વાર ત્યાં લઈ જાઓ.’

પુરુષોત્તમ ભગવાન બોલ્યા, ‘સ્વર્ગની યાત્રા એ જેવા તેવાને થતી નથી, જેણે સારાં કર્મ કર્યાં હોય તે જ સદેહે સ્વર્ગની યાત્રા કરી શકે છે.’

આમ કહી ભગવાન ગરુડ ઉપર બેસી ગયા ને ગરુડને સહેજ અદ્ધર થવા આજ્ઞા આપી. બધાં ય આંખો ફાડીને જોઈ રહ્યાં હતાં કે, હવે ભગવાન શું કહે છે. ત્યાં તો ભગવાને પરભુ પટેલને કહ્યું, ‘ભક્તરાજ ! આપે બધાએ એકબીજાના પગને વળગીને લટકવાનું છે. પ્રથમ આપ ગરુડના બે પગ મજબૂતીથી પકડી લ્યો, એટલે ગરુડ સહેજ વધુ અદ્ધર થશે. પછી આપની પત્ની આપના પગ પકડી લ્યે, પછી આપના છોકરાઓ એકબીજાના પગને વળગે અને છેલ્લે બ્રાહ્મણ પંડિત છેલ્લા છોકરાના પગને વળગી રહે. આવી રીતે આપને બધાને સ્વર્ગપુરીમાં લઈ જઈશ.’

ભગવાને ગરુડને થોડાક અદ્ધર રહેવા કહ્યું, એટલે પ૨ભુ પટેલે ગરુડના બે પગ મજબૂતીથી પકડી લીધા, ને વળી ગરુડ સહેજ અદ્ધર થયું, એટલે પટલાણીએ એમના પતિ પરભુ પટેલના પગ પકડી લીધા.

જ્યારે બ્રાહ્મણ પંડિત છેલ્લા છોકરાના પગને વળગી રહ્યો, ત્યારે ભગવાને ગરુડને ઊડવાની આજ્ઞા આપી.

krishna bhagwan image

બધાંયને સ્વર્ગપુરીમાં જવાનો હરખ હતો. તેઓ મક્કમતાથી એકબીજાના પગને વળગીને આકાશ માર્ગે જઈ રહ્યાં હતાં. થોડેક દૂર જતાં સહુથી નીચે લટકી રહેલા બ્રાહ્મણને લાડવા યાદ આવ્યા. તેણે સહુથી ઉપર ગરુડના પગને લટકી રહેલા પરભુ પટેલને પૂછ્યું, ‘અરે પરભુ પટેલ ! મૃત્યુલોકમાં તો મને રોજ લાડવા મળે છે, પરંતુ સ્વર્ગપુરીમાં ચકાચક ઘીના લાડવા જમવા મળશે ખરા?’

પરભુ પટેલે ઉપરથી મોટા સાદે કહ્યું, ‘મહારાજ, અરે ! સ્વર્ગમાં તો ઘીથી ભરેલા ને કેસર-કસ્તૂરી નાખેલા લાડવા જમવા મળે.’

નીચે લટકી રહેલા બ્રાહ્મણ-પંડિતના મોઢામાં આ સાંભળી પાણી આવી ગયું. અને તેણે પૂછ્યું, ‘પરભુ પટેલ ! મને એ તો બતાવો કે, સ્વર્ગપુરીમાં એવા કેટલા લાડવા ખાવા મળશે?’

પરભુ પટેલ હરખમાં ભાન ભૂલી ગયા. તેમણે તો ગરુડના પગે વળગેલા બન્ને હાથ છોડી દઈ તેને પહોળા કરી કહ્યું, ‘આટલા બધા લાડવા જમવા મળશે.’

પણ પટેલ આમ કરતાં ગરુડના પગની પકડમાંથી છૂટા પડી ગયા હતા, તેથી બધા આકાશમાંથી એક સાથે જમીન પર પછડાયા અને બધાયના રામ રમી ગયા. બધાયમાં પરભુ પટેલ ભક્તિવાન, પુણ્યશાળી અને પ્રભુના પાકા ભક્ત હતા, તેથી જીવતા રહી ગયા.

પરભુ પટેલને હવે પોતાની ભૂલ સમજાઈ. એમની ભૂલથી તેમની પત્ની, પાંચ પુત્રો અને બ્રાહ્મણ પંડિતના ફૂરચે-ફૂરચા ઊડી ગયા હતાં. તેથી ત્યાં બેસી ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડીને બહુ કલ્પાંત કરવા લાગ્યા. તેને ખાસ તો બ્રહ્મહત્યા થઈ તેનું બહુ દુઃખ હતું. તે પાપ તેના માથે લાગ્યું હતું, છતાં પરભુ પટેલને પુરુષોત્તમ ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, તેથી ભગવાનના નામનો પોકાર કરી-કરીને બધાને સજીવન કરવા માટે પ્રાર્થના કરી. ભગવાને એમના સાચા ભક્તની પ્રાર્થના સાંભળી અને ત્યાં સ્વયં પ્રગટ થઈ મરેલાં બધાંને સજીવન કરી દીધાં. સામે સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાનને જોઈ બધાં પગે લાગ્યાં ને કહેવા લાગ્યાં, ‘ભગવાન્ આપનાં દર્શન થયાં, એટલે અમે ધન્ય બન્યાં છીએ. આપનાં દર્શન એ અમને સ્વર્ગનાં દર્શન કર્યાં બરાબર છે.’

એ પછી બધાયને આશીર્વાદ આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

‘હે પુરુષોત્તમ ભગવાન ! આપ જેવા પરભુ પટેલને ફળ્યા, તેવા આપનું વ્રત કરનારને અને વ્રત-કથા વાંચનાર-સાંભળનારને ફળજો.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
18/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા 17/4/26 panchang and choghadiya આજનું પંચાંગ અને ચોઘડિયા ઘરેલું નુસખા